નટુકાકા : 102 નોટઆઉટ

‘પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે, માણસ જો છેવટ સુધી પુરુષાર્થ કરવાની દાનત રાખે તો દુર્ભાગ્યને આગળ ઠેલી શકે.’

ત્રણ અઠવાડિયાં પછી જેઓ આયુષ્યના 102 વર્ષ પૂરાં કરીને 103મા વર્ષમાં પગ મૂકશે એ નટવરલાલ ચંદુલાલ શાહે આ મહિનાના આરંભે મને આ શબ્દો કહ્યા. નટુકાકાની જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે, બે વર્ષ પહેલાં, દેવગઢ બારિયા ગયો હતો. મારું વતન છે. આ દિવાળી પહેલાં ફરી એકવાર એમને મળ્યો. અમારા ફેમિલી સાથે અલમોસ્ટ પોણી સદીનો એમનો નાતો. કદાચ એથીય વધારે. મારા દાદાના ખાસમખાસ ફ્રેન્ડ. એટલે નેચરલી મારા પરદાદાને પણ ઓળખે. 1960ના વર્ષમાં નટુકાકા ઓલરેડી મુંબઈ રહેતા થઈ ગયા હતા અને સેમ કૉમ્પ્લેક્સમાં મારા પપ્પા પણ રહેવા આવ્યા. ત્યારથી નટુકાકા અને પપ્પા ગાઢ મિત્રો બની ગયા. અને મારું તો બાળપણ, મારી કિશોરાવસ્થા, બધું જ એમના સાનિધ્યમાં વીત્યું એટલે મારા પણ ખુબજ નિકટના વડીલ.

લાબું જીવવું એ તો એક અચીવમેન્ટ છે જ પણ કેવી રીતે તમે આટલું લાબું આયુષ્ય જીવો છો તે વધારે અગત્યનું છે. દેવગઢ બારિયામાં નટુકાકા ઘરમાં એકલા જ. તારામાસીના સ્વર્ગવાસને વર્ષો વીતી ગયાં. સવારે ઊઠીને જાતે ચા બનાવે. દિવસ દરમ્યાન એમની સંભાળ માટે હમણાં થોડાક મહિનાથી એક ભાઈ રાખ્યા છે. છતાં ન્હાવાધોવાનું બધું જ કોઈનીય મદદ વિના. જમતાં પહેલા એકાદવાર ફરી જાત ચા બનાવી લે. આયુર્વેદના જાણકાર. આ ઉમરેય પોતાની જરૂરિયાતનાં ઓસળિયાં જાતે બનાવીને તબિયત જાળવી રાખે.

બ્રિટિશ જમાનાની અડીખમ પર્સનાલિટી. આમ તો હિસાબકિતાબ, અકાઉન્ટસ અને રેવેન્યુ ડીપાર્ટમેન્ટના માણસ. પણ મર્જર પહેલાં બારિયા સ્ટેટના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘોડેસવાર ઇન્સપેક્ટર તરીકેનો અનુભવ પણ લખાયેલો હતો. આપણે આઝાદી પહેલાં અને આઝાદી પછી એવા બે સમયખંડની વાત કરીએ પણ બારિયા સ્ટેટની નોકરી કરેલી એટલે નટુકાકાના મોઢે મર્જર પહેલાં અને મર્જર પછી એવા બે સમયખંડ સાંભળવા મળે. મર્જર પછી નટુકાકા મુંબઇ આવીને શાહ કન્સ્ટ્રક્શનના અકાઉન્ટસ વિભાગમાં જોડાયા અને વખત જતાં, વર્ષો સુધી ચીફ અકાઉન્ટસની ફરજ બજાવીને એઇટીઝની આસપાસ દેવગઢ બારિયા પાછા આવીને નિવૃત્તિની મોજ માણે છે.

જમવાની એમની આદતોનો હું નાનપણથી સાક્ષી છું. સવારે સાડા આઠ વાગે ઘરેથી જમીને ઓફિસે જવા નીકળે. જમવામાં ગરમ દાળભાતશાકરોટલી તો હોય જ પણ જેટલું કાચુંકોરું ખવાય એવું હોય તે પહેલા ખાઈ લે. કાચીપાકી કોબીનું કચુંબર, લીલી હળદર, આદુ, મૂળા, કાકડી, ટામેટાં વગેરેમાંથી કંઈકને કંઈક એમની થાળીમાં હોય હોય ને હોય જ. દાંત એકદમ સાબૂત. બહુ પાછલી ઉંમર સુધી દાંત સચવાયા. માથા પરના વાળતો આજના યુવાનને પણ શરમાવે એટલા હજુય છે. બધા સફેદ છતાં એમાં છુપાયેલા કાળા-ગ્રે પણ જોઈ શકો. હવે ચાલવામાં તકલીફ શરૂ થઈ છે. કમરેથી ટટ્ટાર નથી ઊભા રહેવાતું પણ આઠેક વર્ષ પહેલાં મેં એમને એમના ઘરથી ચબૂતરા શેરીનું અંતર સડસડાટ કાપતાં જોયા છે. પગમાં સનીકર્સ, ફૂલ શર્ટ જે પેન્ટમાં ઇન્સર્ટ કરેલું હોય અને ઉપર પટ્ટો બાંધ્યો હોય. ઊંચા. હેન્ડસમ.

આ ઉંમરે છાપું વાંચે. નોટબંધી અને જીએસટી વિશે પણ અભિપ્રાય ધરાવે. બપોરે ટિફિનસર્વિસમાંથી ઘરે લંચ આવે જેમાંથી થોડું ભોજન રાત માટે ઢાંકી રાખે. 12 બે વરસે, અમેરિકાથી એમના પુત્ર અને પુત્રવધુ ત્રણેક મહિના માટે તેમની સાથે રહેવા માટે આવે. આ દીકરાની ઉંમર પણ 80 વર્ષની. સૌમ્ય જોશીનું નાટક યાદ આવે: 102 નોટઆઉટ જેમાં 102 વર્ષનો બાપ 75 વર્ષના ગભરુ દીકરાને ઝીંદાદીલ બનીને જીવતાં શીખવાડે છે. જોકે, ઉંમરની સરખામણી સુધી જ આ વાત લાગુ પડે. 80 વર્ષના પુત્ર રશ્મિભાઈ પણ પિતા જેટલા જ સ્વસ્થ, તંદુરસ્ત અને સવાયા ઝીંદાદીલ છે. એ પણ સેન્ચ્યુરી જરૂર ફટકારવાના. દેવગઢ બારિયાના નટુકાકાના ઘરે નિરાંતે એમની સાથે વાત થઈ. ઘરનું ભોજન સૌએ સાથે લીધું. નટુકાકાએ પ્રેમથી પૂરણપોળી પણ આરોગી. એમની સાથે વાત કરતા હોઈએ ત્યારે કોઈ પિરિયડ ફિલ્મ જોતા હોઈએ એવું લાગે. સેકન્ડ વર્લ્ડ વૉરની વાતો આવે, બારિયાના હિસ હાઈનેસથી માંડીને દીવાનસાહેબ સુધીની વ્યક્તિઓનાં સંસ્મરણો હોય, અમારા ફેમિલીની કેટકેટલીય વાતોનો ખજાનો મેં એમની પાસેથી સાંભળ્યો છે. દરેક વખતે નવા નવા, અત્યાર સુધી અજાણ્યા રહેલા કિસ્સાઓ ઉઘડતા જાય. અવાજ આ ઉંમરેય એકદમ રણકાવાળો, ઉચ્ચારો સ્પષ્ટ. કાને સંભળાય સહેજ ઓછું. મશીન પહેર્યા પછી વાંધો ન આવે.

શતાયુ બની રહેલા વડીલ લેખક નગીનદાસ સંઘવી આપણી વચ્ચે છે. ખુશવંત સિંહે અલમોસ્ટ સેન્ચ્યુરી મારી, 99 વર્ષ. નટુકાકા 102 નોટઆઉટની તૈયારીમાં. સ્વસ્થતા ભર્યું જીવન જીવી રહેલા આ તમામ બૌદ્ધિકો પાસેથી શીખવાનું એ કે શારીરિક શ્રમ અને નિયમિતતા આ બેઉ અનિવાર્ય છે, સારી રીતે લાંબી આવરદા માણવી હોય તો. સંઘવી સાહેબને ચાલતા જુઓ તો લાગે કે એક જમાનામાં મિલેટરીમાં હશે. ખુશવંત સિંહ 85 કે એની આસપાસની ઉમર સુધી ટેનિસ રમતા. નટુકાકાની ખાવાપીવાની આદતો, એમનું આયુર્વેદનું જ્ઞાન – એમની તબિયાતનું રહસ્ય છે.

અમારામાંથી કોઈએ નટુકાકાને પૂછ્યું કે આજની જનરેશનને તમે શુ સલાહ આપો? કાકા ખડખડાટ હસી પડયા. કહે : ના, ભાઈ, ના. હું કોઈને ય સલાહ ના આપું. સલાહ આપીને ખોટા દુશ્મન ક્યાં ઊભા કરવા, આ ઉંમરે!

કેટલું જીવીશું અને કેટલું નહીં એ ભલે ઉપરવાળો નક્કી કરતો હોય પણ સારું જીવીશું કે નહીં, તંદુરસ્તી સાચવીને જીવીશું કે નહીં એ તો બહુધા આપણા જ હાથમાં છે એવું આ વડીલોને જોઈને લાગે. એલોપથીની દવાઓ અને બિનજરૂરી ઓપરેશનોનો આશરો લેનારા અને વાતવાતમાં ડાયગ્નોસિસ કરવા દોડી જનારા પાછલી ઉંમરે તંદુરસ્તી જાળવી શકતા નથી. સંયમિત આહાર, નિયમિત રૂટિન, કુદરતી ઉપચાર અને મનની પ્રસન્નતા જાળવી રાખનારો જ પાછલી ઉંમરે બીજાઓને ભારરૂપ બન્યા વગર, હળવાશથી જીવન જીવતા હોય છે. જીવવું તો આવી રીતે જીવવું. નસીબની કઠણાઈઓને ઠેસ મારી મારીને, સતત પુરુષાર્થ કરીને અને કોઈનેય સલાહ આપ્યા વિના.

મને એમ થાય કે નટુકાકાની જેમ 102 નોટઆઉટ થવાનું સદભાગ્ય મળે તો એ જન્મદિવસની પાર્ટીમાં ભેગા થયેલા લોકોમાં હું છેલ્લા પચાસ વર્ષની કઈ કઈ સોનેરી સ્મૃતિઓ વ્હેચુ? એ સ્મૃતિઓ સો ટચના સોના જેવી હોવી જોઈએ. અને એવી સ્મૃતિઓનું સર્જન થાય એ માટે આજે ચોવીસ કેરેટનું સુવર્ણમય જીવન જીવવું પડે.

જાગ્યા ત્યારથી સવાર.

આજનો વિચાર

ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે. 23 વર્ષનો હાર્દિક પટેલ ગુજરાતની પ્રજાને સમજાવે છે કે આના કરતાં કોંગ્રેસનું શાસન વધારે સારું અને ઘણા બેવકુફોને આ વાત ગળે પણ ઊતરે છે.

– વોટ્સએપ પર વાંચેલું

એક મિનિટ

કોંગ્રેસમાં કરપ્ટ લોકો માટે કોઈ જગ્યા નથી.

કેમ?

હાઉસફુલ છે!

(બુધવાર, 25 ઓક્ટોબર 2017)

5 comments for “નટુકાકા : 102 નોટઆઉટ

 1. Parag shah
  October 26, 2017 at 2:06 AM

  Very good article.

 2. મનસુખલાલ ગાંધી
  October 26, 2017 at 7:13 AM

  બહુ સંદર પરિચય આપ્યો છે અને ભલે નટુકાકાએ સલાહ તો નથી આપી પણ તંદુરસ્ત જીવવા માટેની Tip બહુ સરસ આપી છે..

 3. Nilesh Premji Gada
  November 8, 2017 at 6:56 AM

  सरस आर्टिकल, हमेशा नी जेम.

 4. December 6, 2017 at 7:31 PM

  સૌરભભાઈ, તમે નટુકાકા વિષે બહુ જ સરસ વાતો કહી. મેં દેવગઢ બારિયા જોયેલું છે. ક્યારેક જવાનું થશે તો તેમને મળીશ. સૌરભભાઈ, તમે અમદાવાદ હતા, ત્યારે હું તમને મળવા આવેલો.તમારા માસીની દીકરી હેતવી મારી પુત્રવધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *