બધી જાહોજલાલી હોય ત્યાં જ કાળું ડિબાંગ અંધારું છવાય ત્યારે

મુુંબઈની ડૉન, શ્રીરામ અને સોલાપુરની લક્ષ્મી કૉટન મિલ્સના સ્થાપક લખમીદાસ ખીમજી મોરારજી મિલમાં પણ શેઠ મોરારજી ગોકુળદાસ જોડે શરૂમાં હતા. તેજપાલ હૉલ જેમના વારસદારોએ બાંધ્યો અને જી.ટી. સ્કૂલ, જી.ટી. હૉસ્પિટલ સહિતની અનેક સખાવતો જેમણે કરી તે શેઠ ગોકળદાસ તેજપાલે પોતાના વસિયતનામામાં એક્ઝિક્યુટરો તરીકે જેમનાં નામ લખ્યાં તેમાંનું એક નામ હતું શેઠ લખમીદાસ ખીમજી.

‘ભદ્રંભદ્ર’ના રચયિતા રમણભાઈ નીલકંઠના પિતા મહિપતરામ રૂપરામે કરસનદાસ મૂળજીના સામયિક ‘સત્યપ્રકાશ’માં નોકરી કરીને પત્રકારની કારકિર્દીનો આરંભ કરેલો. આ મહિપતરામે લખ્યું છે: ‘બે મોટા લખેશરી શૂરા અને મોભાવાળા શેઠ નામે લખમીદાસ ખીમજી તથા ગોકળદાસ તેજપાલ અને તેમના મિત્રોની સહાય ન હોત તો કોઈ ભાટિયો અદાલત આગળ સાચી સાક્ષી આપી શકત નહીં. ભાટિયામાં સુધારાનો પાયો નાખનાર મથુરાદાસ લવજીની તથા આ શેઠોની જાહેર મદદ ન હોત તો કરસનદાસ માર્યા જાત.’

સ્વામી આનંદ આટલી નોંધ પછી ઉમેરે છે: ‘ઓગણીસમી સદીના પાયોનિયર ભાટિયાઓમાં લખમીદાસ શેઠની કંઈક નજીક પહોંચી શકે એવો જાહેર જુસ્સાવાળો પ્રજાસેવક મોરારજી ગોકળદાસ સિવાય ભાગ્યે જ બીજો જડે.

લખમીદાસ ખીમજી વાલકેશ્ર્વર પર ડુંગરસી રોડવાળા લત્તામાં પોતાના મકાનમાં રહેતા. મોરારજી ગોકળદાસ ગિરગાંવ બૅક રોડ પર ચીનાબાગમાં રહેતા. આ મહેલ જેવો બંગલો ઓરિજિનલી અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની માલિકીનો હતો. પ્રેમાભાઈના મુશ્કેલીના વખતમાં સરખી કિંમત આપીને મોરારજી શેઠે આ પ્રોપર્ટી ખરીદી લઈને એમને મદદ કરેલી. અમેરિકન સિવિલ વૉર (૧૮૬૧થી ૧૮૬૫) પછીની મંદીના વરસોમાં ભારતમાં પણ ઘણી દેશી તેમ જ અંગ્રેજી પેઢીઓેએ દેવાળું ફૂંકેલું. આ મંદીમાં તે જમાનામાં રૂના વેપારના રાજા લેખાતા શેઠ પ્રેમચંદ રાયચંદ (જેમણે પોતાની માતાની સ્મૃતિમાં રાજાબાઈ ટાવર બંધાવ્યો) અને બીજા અસંખ્ય વેપારીઓ તારાજ થઈ ગયા. પણ શેઠ મોરારજી ગોકળદાસે મૂળથી પોતાની મૂડી ઉપર જ વેપાર કરવાનો નિયમ રાખેલો જેને એમણે નુકસાન કર્યું હોવા છતાં એમની પેઢી કાચી ન પડી.

મુંબઈમાં કાપડમિલોનો ઉદ્યોગ ખીલવવામાં પહેલ કરનારા અગ્રેસર હિંદુઓમાં મોરારજી શેઠનું નામ પ્રથમ પંક્તિમાં મૂકવું પડે. ગ્રેટ ઈસ્ટર્ન, બૉમ્બે યુનાઈટેડ, મહાલક્ષ્મી વગેરે મિલોમાં ડિરેક્ટર અને પરેલની મોરારજી ગોકુળદાસ મિલ એમણે શરૂ કરેલી. સોલાપુરમાં પણ મિલ નાખેલી.

મોરારજીને બચપણથી જ પિતા શેઠ ગોકળદાસનું લાલનપાલન પ્રાપ્ત થયું. પેઢી પર હંમેશાં સાથે લઈ જાય. બચપણથી જ વેપારીઓ જોડે વાતચીત કરવાની રીતો, સંબંધો સાચવવાની કુનેહ, વેપારીની નજર, એવા એવા સંસ્કારો અનાયાસે મોરારજી શેઠને મળ્યા. પિતા ગોકળદાસ માંડવી (આજના મોહમ્મદ અલી રોડ પાસે) રસ્તા પરની એક કરિયાણાની દુકાનમાંથી હંમેશ સાધુસંતોને સીધું અપાવતા. ઉપરાંત ખાનપાન, ઉજાણી પાર્ટીઓના પણ શોખીન. પિતાના દાનધરમ તેમ જ બહોળી મહેમાનદારીના સંસ્કાર દીકરામાં આબાદ સીંચાયા. પિતા ૪૭ વર્ષની ઉંમરે ગુજરી ગયા ત્યારે એમનું એક માત્ર સંતાન નવ વરસનું. અને તે સંતાન આપણા મોરારજી શેઠ જે ધનીમાના ધણી. તેર વરસની ઉંમરે મોરારજી શેઠે કોટ (ફોર્ટ)ની અંગ્રેજી પેઢીઓ પર જવા માંડ્યું. ખરીદીમાં ધ્યાન પહોંચાડે. માલના કબજા લે. અંગ્રેજી ઢબે રખાતા હિસાબોના ફાયદા એમણે જોયા અને એ ઢબ અપનાવી. કાકાની ગેરહાજરીમાં માલથાલ નાણાંના હિસાબો રાખે. જોતજોતામાં એ બધામાં એવો કાબૂ મેળવ્યો કે કાકાઓ પણ એમને પૂછે કારવે. કોટની પેઢીઓના કારકુનો પાસેથી અંગ્રેજી શબ્દો શીખે. પંદર વરસ થયા ન થયા ત્યાં તો પોતાની મેળે ખરીદી કરતા થઈ ગયેલા.

સોળમે વરસે પોતે જન્મેલા તે જ ધાકજીની વાડીમાં લગ્ન થયું. આ પ્રથમ લગ્ન. લગ્ન પછી મોરારજી શેઠે ધંધામાંથી રોજ બે કલાક કાઢીને ભણવાનું શરૂ કર્યું. અંગ્રેજી ભણાવવા માટે માસિક રૂ. અઢીના પગારે અને બીજા ભણતર માટે માસિક રૂ. પાંચના પગારે બે શિક્ષકો રાખ્યા હતા જે ઘરે આવીને મોરારજી શેઠને ભણાવી જતા. કાકાઓ જોડે રહીને બહોળો સહિયારો વેપાર ખેડતા છતાં કાકાઓ એમને રૂ. ૪૫૧નું સાલિયાણું જ ફક્ત આપતા. ભાગબાગ કશું નહીં. એ ગાળામાં મોરારજી શેઠને ગ્રેહામ વગેરે ધરખમ અંગ્રેજ પેઢીઓમાં મદદનીશ કે સલાહકાર તરીકે આવવાની ઑફરો આવવા માંડી. પણ મોરારજી શેઠે તે સ્વીકારી નહીં. કાકાઓના વેપારને ધક્કો પહોંચે એવું કશું ન કરવાનું વચન આપેલું. છેવટે કાકાઓએ આ હોનહાર ભત્રીજાને ધંધામાં ભાગ આપવો પડેલો. એમની પારખુ નજરને કારણે પેઢીની કમાણી વધતી ગઈ. વરસે સાત-આઠ લાખની ખરીદી થતી. ૧૮પ૭ના બળવા વખતે વિલાયતથી આવતો માલ બંધ થયો. શેઠે સમયસૂચકતા વાપરીને હાજર સ્ટૉકનો એવી રીતે નિકાલ કર્યો કે પેઢીને મોટો નફો થયો. આ બાજુ અંગ્રેજ વેપારીઓ એટલા ભયભીત થઈ ગયેલા કે સાવ સસ્તામાં માલ વેચીને વતન ભેગા થઈ ગયા. મોરારજી શેઠ આ માલ ખરીદીને લાખો કમાયા. આ વેળાએ એમની ઉંમર કેટલી? માંડ પચ્ચીસેકની પણ નહીં (૧૮૩૪માં જન્મ).

એ દિવસોમાં એમનું રૂટિન કેવું. દાતણપાણી કરી સવારના પહોરમાં દુકાને પહોંચી જાય. જથ્થાબંધ વકરા કરી અંગ્રેજ પેઢીઓમાં જાય, ખરીદીઓ કરે અને બપોરે ત્રણ વાગ્યે ઘરે આવીને નહાય ને જમે. પાછા દુકાને જાય. સાંજે થોડી વાર જગન્નાથ શંકર શેઠના બાગ ભણી (ચીરા બજાર તરફ) ફરવા જાય. (બાય ધ વે, જગન્નાથ શંકર શેઠ મુંબઈના ઘણા મોટા શ્રીમંત ઘરાનાના જેમણે શિક્ષણક્ષેત્રે સારા કામ કર્યા. એમનું કુટુંબ ખાનદાની શ્રીમંત. જમશેદજી જીજીભાઈની જોડે રેલવે નાખવાનું કામ પણ કરેલું. મુંબઈની તે વખતની સ્કાયલાઈનને ખૂબસૂરત બનાવે એવાં મકાનો બાંધ્યાં. ૧૮પ૭ના બળવામાં એમનો હાથ હોવાની અંગ્રેજોને શંકા હતી. પણ પુરાવાના અભાવે એમને છોડી દેવા પડેલા. નાના ચોકનું અત્યારનું નામ એમની સ્મૃતિમાં જ રાખવામાં આવ્યું છે, પણ બહુ ઓછાને ખબર હશે કે ફોર્ટની જાણીતી ગનબો સ્ટ્રીટનું નામ કોઈ ગનબો નામના બ્રિટિશરની સ્મૃતિમાં નથી પડ્યું પણ જગન્નાથ શંકર શેઠના પિતા બાબુલ શેઠના પિતા ગણબા શેઠના નામ પરથી પડ્યું છે.)

તો મોરારજી ગોકુળદાસ સાંજે થોડી વાર જગન્નાથ શંકર શેઠના બાગ ભણી ફરવા જાય. વળી દુકાને આવી આઠનવ વાગ્યા સુધી વેચાણો કરે. પછી વાળુ કરીને ચોથી વાર દુકાને આવે. ચોપડો લખે, વેચાણ બિલો પર સહીઓ કરે. સાડા અગિયારે મેળ બંધ થાય. ઘરે આવી અડધો કલાક હરિકથા સાંભળે. મધરાતે સૂવા ભેગા થાય.

૧૮૫૯ના અરસામાં કાકાઓ સાથેના ધંધામાંની ગૂંગળામણથી છૂટવા મિલકતમાં નીકળતો હક્ક જતો કરીને, કોઈ કોર્ટકચેરી વિના, ઉદારતાથી હસતા મોઢે નીકળી ગયા. પોતાનો સ્વતંત્ર રોજગાર શરૂ કર્યો.

ધંધામાં હાથ બરાબર બેસી ગયો હતો. હવે એમણે બહાર નજર દોડાવવા માંડી. મુસાફરીનો શોખ તો હતો જ. (દસ વર્ષની ઉંમરે દાદા સાથે ગોકુળ વૃંદાવનની જાત્રાએ ગયેલા. ગાડા માર્ગે દહાણુ, સુરત, ભરૂચ, ડાકોર, શ્રીનાથજી, કોટા, ભરતપુર થઈ મથુરા પહોંચ્યા. પછી કાશી પ્રયાગ પણ ગયા. વળતાં દાદા જીવણશેઠે મુંબઈ પાછા જવાની ના પાડી. વ્રજમાં જ દેહ છોડ્યો. બાળક મોરારજી છેવટ સુધી પડખે રહેલા. બે વરસ ચાલેલી આ ગાડાની તેમ જ પગપાળી જાત્રા દરમિયાન મોસમ મોસમની હાડમારીઓ, નદીનાળાં, જળરેલ, ઠગડાકુના ત્રાસ, એવાં અસંખ્ય સંકટો વેઠ્યાં. એક દિવસમાં સોળસોળ માઈલ પગે ચાલેલા. ગયામાં માંદા હોવા છતાં પૂરા સોળ દિવસ ભોંય પર સૂઈ એક ટંક જમી પિતાનુંં શ્રાદ્ધ સરાવ્યું. અને કાશીમાં પોતાના માતુશ્રી જોડે માત્ર સાડા અગિયાર વરસની ઉંમરે ચુસ્ત વૈષ્ણવ ધર્મની મરજાદ લીધી જે આજીવન પાળી.)

૧૮પ૯ની સાલ. મુસાફરીનો શોખ એમને મહાબળેશ્ર્વર લઈ ગયો. મહાબળેશ્ર્વર તે વખતે તાજું વસવા લાગેલું. પણ ગોરા અને પારસી સિવાય બીજું કોઈ ત્યાં જાય નહીં. હિંદુથી ત્યાં ધરમ સાચવીને રહેવાય નહીં એમ મનાતું. મોરારજી શેઠ પોતાના માંદા પત્ની અને નિકટના મિત્રોને લઈને દરિયા રસ્તે બંદરબોટમાં બાણકોટ મહાડ અને ત્યાંથી ડોળીઓ કરીને પહેલવહેલા મહાબળેશ્ર્વર ગયા. દરિયે વાવાઝોડું ને બીજી ખૂબ હાડમારીઓ રસ્તે વેઠવી પડેલી પણ હાર્યા નહીં. ચુસ્ત મરજાદી વૈષ્ણવ તેથી એમને અહીં બહુ ફાવ્યું નહીં. પૂર્વમાં પાંચગણી (પંચગિની)ની તળેટીએ આવેલા બ્રાહ્મણોના ગામ વાઈ જઈને રહ્યા. આજે પંચગિની અને ખાસ કરીને વાઈ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે શૂટિંગનું ફેવરિટ લોકેશન છે. મુંબઈ પાછા આવ્યા પછી પ્રથમ પત્નીનું અવસાન થયું. પણ મહાબળેશ્ર્વરથી હાર્યા નહીં. પછી તો એમણે ત્યાં વારંવાર જવા માંડ્યું. શેઠ લખમીદાસ ખીમજી, ખટાઉ મકનજી વગેરે પણ ઘણી વાર સાથે હોય. મહાબળેશ્ર્વરમાં એમણે અનેક બંગલા ખરીદ્યા અને વેચ્યા. ‘મોરારજી કૅસલ’ અને ‘શ્રબ્બેરી’ પોતે જમીન ખરીદીને બાંધ્યા. ‘શ્રબ્બેરી’માં પાછળથી મ્યુનિસિપલ હૉસ્પિટલ બની. મહાબળેશ્ર્વર હિલ સ્ટેશન એટલે મુંબઈનાં ગવર્નર અને મુંબઈ-પૂનાના ઘણા ખરા વડા ગોરા હાકેમો ઉનાળામાં ત્યાં આવે. એ બધાની સાથે સંપર્કમાં આવીને ઊઠબેસ શરૂ થઈ. મહાબળેશ્ર્વરની સ્થાનિક મ્યુનિસિપાલિટીના સભ્ય અને પાછળથી કમિશનર પણ નીમાયેલા.

રોજગારમાં હવે એમણે મકાન, બંગલા, રિયલ એસ્ટેટનું કામકાજ જોરશોરથી કર્યું. જળ થળ પથ્થર કંકર-તમામ આગળ એમનું લેણું માગણું હતું એમ એમના વિશે બોલાતું. એક કાળે વડોદરાના માજી દીવાનની માલિકીની અને પોતાની જન્મસ્થાનવાળી ધાકજીની ચાલી જ આખી ખરીદી લીધી.

ગિરગામ પોલીસચોકી નજીકનો આઠખૂણિયો બંગલો જ્યાં પાછળથી પોસ્ટ ઓફિસ થઈ. ખંભાલા હિલ, બ્રીચ કેન્ડી તથા મહાબળેશ્ર્વરમાં અસંખ્ય બંગલા-જમીન-ખરીદ્યાં ને વેચ્યાં. ચીનાબાગની વિશાળ પ્રોપર્ટી તો ખરી જ. એ ઉપરાંત એમના અવસાનનાં ઘણાં વર્ષો પછી એમનાં બે સંતાનો છૂટાં પડ્યા ત્યારે એમના વિધવા ધનીમા નાના દીકરાને ત્યાં રહેવા ગયા. ચીનાબાગ છોડીને પેડર રોડના ‘શાંતિ ભવન’માં. આ ‘શાંતિ ભવન’ એટલે અત્યારે જ્યાં ‘વામા’ નામનો વૈભવી સ્ટોર તેમ જ ગર્લ્સ કોન્વેન્ટ છે તે વિશાળ પ્લૉટ. રસ્તાના નાકે ખૂણામાં કૅમ્પની ઑફિસ હતી. એટલે કૅમ્પ્સ કૉર્નર.

મિલકતોની લેવેચ કરવાની હોય એટલે કોર્ટકજિયા અને અદાલતોનાં લફરાં આવે, પણ મોરારજી શેઠ એમાં ઝાઝા ગૂંચવાયા નહીં. મોટી મોટી મિલોનો કારોબાર ચાલે. ખૂબ યાત્રા-પ્રવાસો કર્યા. આખું હિંદુસ્તાન ફર્યા. પૃથ્વીપ્રદક્ષિણા કરવાનું વિચારેલું પણ ૧૮૭૨માં બીજી વારનાં પત્ની ૧૪ જ દિવસના પુત્ર ધરમસીને મૂકીને ગુજરી ગયા. એ મનોરથ ફળ્યો નહીં. અંગ્રેજો સાથે ઊઠબેસ વધી, મૈત્રીઓ થઈ આમ છતાં સરકારી નીતિ પ્રજા-વેપારીઓ વિરુદ્ધ હોય ત્યારે જાહેરમાં સખત વિરોધ કરે. સમાજસેવા માટે લાખો રૂપિયા છુટેહાથે ખર્ચ્યા. ૧૮૭૬માં પ્રિન્સ ઑફ વેલ્સ (૭મો ઍડવર્ડ) હિંદ આવ્યો ત્યારે એમને મુંબઈ લેવા આવનાર (તે કાળના વાઈસરૉય લૉર્ડ નોર્થ બ્રુક મોરારજી મિલ જોવા આવેલા. બીજા પ્રસંગે લૉર્ડ લિટન અને લૉર્ડ રિપન પણ આવેલા. અનેક માન અકરામો અપાયેલા. ૧૮૮૦માં ૪૬ વર્ષની ભરઉંમરે ર૧ વર્ષની પત્ની ધનકોર-ધનીમાને નિ:સહાય મૂકીને ગુજરી ગયા. તે વેળાએ વાઈસરૉય, સરસેનાપતિથી માંડીને નાનામોટા હાકેમો, રાજામહારાજા રાજવીઓ, અમીર ઉમરાવ કુટુંબો, દેશદેશાવરની અસંખ્ય વેપારી પેઢીઓ તેમ જ વેપારીઓ તરફથી ખરખરા-આશ્ર્વાસન-શોકના કાગળ-સંદેશાઓ તેમ તારટપાલ ધનીમા પર આવેલા. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ લાંબો અગ્રલેખ લખી મુક્તકંઠે તેમની પ્રશસ્તિ ગાઈ અને પાનું ભરીને તેમનું જીવન ઝરમર અને કારકિર્દીની રૂપરેખાના લેખો પ્રગટ કર્યા. ઉપરાંત ‘બૉમ્બે ગૅઝેટ’, ‘બૉમ્બે રિવ્યૂ’, ‘ઈન્ડિયન સ્પેક્ટેટર’ ‘રાસ્ત ગોફતાર’ અને અફકોર્સ ‘મુંબઈ સમાચાર’ સહિતના દેશભરનાં છાપાંઓએ શેઠ મોરારજી ગોકળદાસને અંજલિઓ આપી. આવા ઉજળ જીવનના માલિક અને ભલી પરંપરાઓના સ્થાપક એવા શિરમોર મુંબઈગરા ગુજરાતીના અણધાર્યા અવસાનથી સમાજમાં તો શોકનો પડછાયો સર્જાઈ જ ગયો, ર૧ વર્ષની ધનીમાના જીવનમાં કાળું ડિબાંગ અંધારું છવાઈ ગયું. પતિના અવસાન સમયે આગલા પત્નીથી થયેલો સાવકો દીકરો ધરમસી સાડા આઠ વર્ષનો, પોતાના પેટે જન્મેલો સગો દીકરો નરોત્તમ સાડા ત્રણ વરસનો, ઉપરાંત આગલાં લગ્નોથી જન્મેલી અને પોતાને પેટે જન્મેલી કુલ ચાર દીકરીઓ આમ કુલ છ ટાબરિયાં ઉપરાંત દોઢ મહિના પછી અવતરનારી દીકરી તે સાતમું સંતાન. માથે એકાએક તૂટી પડેલા પહાડને અને પતિના ગયા પછી રેઢા પડી ગયેલા ધીકતા વેપારને તેમ જ દેશ આખામાં પથરાયેલી લાખોની એસ્ટેટ અસ્કયામતોને ધનીમાએ કેવી રીતે સાચવી તેની વાત કરતાં પહેલાં આટલું બેકગ્રાઉન્ડ જરૂરી હતું. વિશેષ કાલે.

આજનો વિચાર

નવરાત્રિમાં સ્ત્રીને રોજ મૂંઝવશે તે સવાલ: આજે શું પહેરીશ?

અને પુરુષને?

કાલવાળી આજે આવશે કે નહીં?

એક મિનિટ!

સાલું, આજે જુઓ તો જે કોઈ મળે છે તે કહે છે કે ડૉક્ટર કે ડેન્ટિસ્ટ થવું છે. ક્યાંક એવું ના થાય કે ર૦૩૫ની સાલમાં લારી લઈને ડૉક્ટરોએ ગલીએ ગલીએ રખડવું પડે: ‘છે કોઈને તાવ, મેલેરિયા, દાંતનો દુખાવો?’

( મુંબઇ સમાચાર : સોમવાર, 25 સપ્ટેમ્બર 2017)

1 comment for “બધી જાહોજલાલી હોય ત્યાં જ કાળું ડિબાંગ અંધારું છવાય ત્યારે

  1. મનસુખલાલ ગાંધી
    September 26, 2017 at 4:08 AM

    બહુ સરસ લેખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *