પહેલાં સવાલ તો પૂછો

સવાલ કરો, પ્રશ્ર્ન પૂછો: વડીલો કહી કહીને થાકી ગયા, શિક્ષકો કહી કહીને કંટાળી ગયા કે ન્યુટનના માથા પર સફરજન પડ્યું ત્યારે એને સવાલ થયો કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું અને એમાંથી એણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. માટે સવાલ કરો, પ્રશ્ન પૂછો.

પણ અહીં સાંભળે છે કોણ? વૉટ્સઍપ પર કોઈએ ફૉરવર્ડ નાખ્યું કે સીધું તમે પણ પાસિંગ ધ પિલો કે દેશી બાઈ બાઈ ચાયણીની રમતની જેમ બીજાને ફૉરવર્ડ કરી દીધું. જરા સરખું વિચાર્યું નહીં. મનમાં પ્રશ્ર્ન પણ થયો કે નહીં કે આ ફૉરવર્ડમાં અપાયેલી માહિતી સાચી હશે કે નહીં એમાં લખાયેલ આંકડા ખરેખર કોઈ ઑથેન્ટિક સોર્સમાંથી આવ્યા છે કે પછી કોઈના ભેજાની ફળદ્રુપ પેદાશ છે. દુનિયાના ભ્રષ્ટાચારી દેશોમાં ભારતનો નંબર પ્રથમ પાંચમાં આવે છે. આવું કોણે કહ્યું? એક સર્વેમાં કહ્યું છે. કયા સર્વેમાં? તો કહે ભગવાન જાણે. અને જો ખરેખર આવો કોઈ સર્વે થયો હોય તો સર્વે કરનારી સંસ્થા કઈ એની કુંડળી કાઢો. કઈ રીતે, કઈ મેથડોલોજિથી, કયા પેરામીટર્સથી આ સર્વે થયો તે જાણો. સર્વેવાળાએ જે આંકડા ભેગા કર્યા તેનો સોર્સ જાણો. આવું બધું જાણ્યા-કર્યા વિના ધડ દઈને જે આવ્યું તે આગળ મોકલી દીધું. તમે કહેશો કે ભૈ, અમે ક્યાં આ બધું ચેક કરવા જઈએ, અમારી પાસે એવી સમજ, સૂઝ, સમય ન હોય. તો ભલા માણસ ચૂપ મરોને. શું કામ બીજાઓને તમારી મૂર્ખામીમાં ઘસડો છો. મા અંબાની આરતી સિવાયનાં આવાં બધાં ફૉરવર્ડ્ઝ તમારી પાસે આવે તો રાખી મૂકવાનાં તમારા ફોનમાં. બીજાઓને ફૉરવર્ડ નહીં કરવાના. ભારે વરસાદના દિવસોમાં બિયર-ભજિયાંના નિર્દોષ ફોટા ફૉરવર્ડ કર્યા કરો તો કોઈ વાંધો નથી પણ અફવાઓ શું કામ ફૉરવર્ડ કરો છો? વેધશાળાની આગાહી છે કે વાવાઝોડું આવવાનું છે એવા ફૉરવર્ડ્ઝ ફેલાવીને શું કામ બીવડાવો છો બધાને. ‘વેધશાળાની આગાહી છે’, ‘વિશ્ર્વાસપાત્ર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે’ એવા શબ્દો પર ભરોસો નહીં રાખવાનો, અનલેસ કોઈ ક્રેડિબલ ન્યુઝ એજન્સી કે વિશ્ર્વસનીય વર્તમાનપત્ર કે ન્યૂઝ ચેનલે કહ્યું હોય. ઈનફેક્ટ, ટીવી-પ્રિન્ટ માધ્યમો પણ ‘વિશ્ર્વસનીય સૂત્રો’ને ટાંકે ત્યારે આવી માહિતી તમારા સુધી પહોંચાડવા પાછળ એમનો શું એજન્ડા હોઈ શકે છે એવો પ્રશ્ર્ન તમને થવો જોઈએ. એટલું જ નહીં કોઈ મોટી વ્યક્તિનું નામ દઈને મીડિયાવાળા એમના કોઈ સનસનાટીભર્યા શબ્દો ક્વોટ કરે કે એટલા શબ્દોની વિડિયો ક્લિપ દેખાડે તોય તમારે શંકા વ્યક્ત કરવી જોઈએ કે શું આ મીડિયાવાળા પેલી વ્યક્તિને મિસ ક્વોટ તો નથી કરતાને? આગળ પાછળનો સંદર્ભ ઉડાવીને તો નથી ટાંકતાને. સેન્સેશન ફેલાવવા ઘણી વાર આવું થતું હોય છે. શબ્દો મારીમચડીને ક્વોટ કરવા, પ્રોપર સંદર્ભો ગાયબ કરી નાખવા – આ બધો મીડિયાનો જૂનો ખેલ છે. પછી પેલી વ્યક્તિ ખુલાસો કરે કે મને મિસક્વૉટ કરવામાં આવી છે ત્યારે મીડિયા તમને ન્યૂઝ આપશે: એ વ્યક્તિ હવે બોલીને ફરી ગઈ! મીડિયા પોતાની સ્ક્રિન બચાવવા આવું વારંવાર કરે છે. આને બદમાશી કહેવાય. એ લોકો આવી બદમાશી બંધ કરશે ત્યારની વાત ત્યારે, તમને તો શંકા જવી જોઈએ ને કે આ વ્યક્તિનું સફરજન કેમ નીચેની તરફ પડ્યું, એણે ઊર્ધ્વગતિ કેમ ન કરી?

પણ આપણે આળસુ છીએ. ચીપ થ્રિલમાં મહાલવાનું આપણને ગમે છે. કોઈની નિંદા થયેલી હોય, કોઈની ટીકા, કૂથલી કે વગોવણી થઈ હોય એવી વાતોને સાચી ગણી લેવાનું આપણને ગમે છે. એટલે જ એવી માહિતી જેવી વૉટ્સઍપ પર આવે કે તરત જ ફૉરવર્ડ કરી લેવાની લાલચ રોકી શકતા નથી.

બીજા પ્રકારની માહિતી પણ આપણને બહુ ગમે. એકદમ એક્ઝોટિક હોય એવી માહિતી મળે ત્યારે આંખો ફાડીને જોયા કરીએ. દા.ત. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લક્ષ્મીજીનો સિક્કો બહાર પાડ્યો તેની છબિ. અથવા તો સ્વામી વિવેકાનંદે શિકાગોમાં સવધર્મ પરિષદમાં આપેલા પ્રવચનની ઑડિયો. અથવા જપાન કે જર્મની કે ફ્રાન્સ – અમેરિકામાં થયેલી નવી નવી આશ્ર્ચર્યજનક શોધો. ફોટોશોપથી માંડીને વિડિયોગ્રાફીમાં એડિટિંગની ટ્રિક્સથી આ બધું થતું હોય છે. સ્વામી વિવેકાનંદે જ્યારે પ્રવચન આપ્યું ત્યારે શું અવાજને રેકોર્ડ કરી લઈને ડિસ્ક બનાવી એને સાચવવાની શોધ થયેલી? ઈસ્ટ ઈન્ડિયા કંપની વળી લક્ષ્મીજીની છાપવાળા સિક્કા શું કામ છાપે? આવા સવાલો થયા કયારેય તમને? થવા જોઈએ. આ બધા તો જૂના ફૉરવર્ડ્ઝ થઈ ગયા.

આ ફોટામાંની છોકરી ખોવાઈ ગઈ છે અને ફલાણાને ફલાણા ગ્રુપના બ્લડની તાત્કાલિક જરૂર છે એવા સ્યુડો સેવાભાવી સંદેશાઓ મોકલનારાઓ અને ફૉરવર્ડ કરનારાઓ જાણવાની દરકાર પણ નથી રાખતા કે છોકરી ક્યારે ખોવાઈ ગઈ હતી? બે વર્ષ પહેલાં ખોવાઈ ગયેલી છોકરી અત્યારે મોજથી એના માબાપને ત્યાં લીલાલહેર કરતી હોય છે. છ મહિના પહેલાં જેને ફલાણા બ્લડગ્રુપવાળા લોહીની જરૂર હતી તે કાં તો ઊકલી ગયો, કાં પછી સાજોમાજો થઈને ઑફિસે જતો થઈ ગયો. અને તમે આ બધા ફૉરવર્ડિયામાં અટવાઈને તારો સમય બરબાદ કરો છો. તમારો કરવો હોય તો કરો, પણ અમારો શું કામ બરબાદ કરો છો.

કાગળ પરના દીવા

હઝારોં શિકાયતે હૈ

મુઝે મોદી સે,

પર કયા કરું?

લાખોં ઉમ્મીદેં ભી તો

સિર્ફ ઉન્હીં સે હેં!

– વૉટ્સઍપ પર વાંચેલું.

સન્ડે હ્યુમર

આન્ટી: શાદી હો ગઈ તેરી?

મોના: જી, આન્ટીજી.

આન્ટી: લડકા કયા કરતા હૈ!

મોના: અફસોસ.

( મુંબઇ સમાચાર : રવિવાર, 24 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *