કૅલેન્ડરમાં રવિવારો હોવા જોઈએ? કેટલા?

સોમવારની સવારથી જ રવિવારની રાહ જોવાનું શરૂ થઈ જાય છે. મન્ડે બ્લુઝને ભગાવવાનો આ જ એક ઈલાજ છે કે છ દિવસ પછી રવિવાર આવવાનો છે. ભલું થજો અંગ્રેજોનું જેમણે અઠવાડિયાનો એક દિવસ એમના ભગવાનની પૂજા કરવા માટે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો. બાકી, આપણે તો તહેવારોમાં પણ કામ કરવાવાળી પ્રજા. અઠવાડિયાના સાતેય દિવસ જોતરાયેલા રહીએ.

રવિવારની સૌથી મોટી મઝા મોડા ઊઠવાની. કામ પર જવાનું નથી, આઠ પચ્ચીસની ગાડી પકડવાની નથી એટલે ઊંઘ્યા કરવાનું, ઊંઘાય એટલું. પણ પ્રૉબ્લેમ એ થાય કે રવિવારની સવારે પાડોશીનો ઈન્ટરકોમ આવે, ‘સોસાયટીની એક્સ્ટ્રા ઑર્ડિનરી જનરલ મીટિંગમાં પધારો છોને? બહુ ઈમ્પૉર્ટન્ટ ડીસિઝન લેવાનું છે. તમારા વિના કોણ ગાઈડન્સ આપશે, વડીલ?’

અને વડીલે પરાણે રોજ કરતાં વહેલા તૈયાર થઈને દુનિયાનો ઉદ્ધાર કરવા પથારીની બહાર, ઘરની બહાર નીકળી જવું પડે.

રવિવારની બીજી સૌથી મઝા ઘરે બપોરનું જમવાની. રોજ ટિફિન કે લંચબૉક્સમાંથી ટાઢું-કોરું જમીને કંટાળ્યા પછી આ એક દિવસ એવો મળે જ્યારે ગરમ પૂરી બટાટાંવડાં-શીખંડ-દાળ-તૂરિયાનાં પાતરાનું શાક અને ભાત જમવા મળે. નસીબદાર હો તો. નહીં તો કોલેસ્ટરોલનું બહાનું આગળ ધરીને મેનુમાંથી બટાટાંવડાં કૅન્સલ થઈ જાય અને ડાયાબિટીસના બહાને શીખંડ. પનોતી બેઠી હોય તો હાઈપર ટેન્શનને કારણે ડૉક્ટરે નમક ખાવાની ના પાડી છે એમ કહીને દાળ-શાક પણ ફિક્કાં મળે.

રવિવારની ત્રીજી મોટી મઝા એટલે વામકુક્ષિ. ઊંઘ આવે કે ન આવે ડાબે પડખે સૂઈ જવાનું. વીક ડેઝમાં ક્યાં આવો લહાવો મળવાનો છે. ભારેખમ જમણ પછી આંખો ભારે થવા માંડે. અડધો કલાક ઊંઘીને આંખનું ઝેર નીચોવી લેવાનું વિચારતા હો ને ઘરમાં કોઈ ને કોઈ પેન્ડિંગ કામ લઈને આવે. આ જૂનાં બિલો જોઈ જાઓ, કામનાં હોય તો ફાઈલ કરો નહીં તો ફાડી નાખો, છ મહિનાથી અટવાયા કરે છે. અથવા-ચાલો, આજે વૉર્ડરોબ ઠીક કરી નાખીએ, દિવાળી માથા પર છે, એક પછી એક કામ આટોપતાં જઈશું તો માંડ પાર આવશે. તમારાથી એવું કહેવાની હિંમત ન ચાલે કે હજુ ચોમાસું માંડ બેઠું છે, દિવાળીને તો કેટલી વાર છે. સાંજે ઘરે બેસીને સોફામાં ભરાઈને ટીવી પર મસ્ત પૈકી કોઈ પિક્ચર જોવાનું વિચારતા હો ત્યાં જ ટહુકો થાય: ફલાણાભાઈ હૉસ્પિટલમાંથી પાછા આવી ગયા છે. હૉસ્પિટલમાં તો ન જવાયું, હવે ઘરે પણ નહીં જોઈએ તો એમને ખોટું લાગી જશે.

રવિવાર ચૌપટ. રાત્રે ફલાણાભાઈને ત્યાંથી રિક્ષામાં પાછા આવતી વખતે વિચાર આવે કે આના કરતાં રવિવારો ન આવે તે સારું. ખોટી આશાઓ તો ન બંધાય.

પણ રવિવારો જરૂરી છે જિંદગીમાં. બાકીના છ દિવસ દરમિયાન જે જે કામ ન કરવાં હોય એ તમામ ‘રવિવારે કરીશ’ એવું આશ્ર્વાસન લેવા માટે પણ કૅલેન્ડરમાં લાલ અક્ષરે છપાયેલો રવિવાર હોય તે જરૂરી છે. પછી ભલેને બીજા દસ રવિવાર સુધી એ કામ હાથમાં ન લેવાય.

મને ઈર્ષ્યા આવે છે એવા લોકોની જેઓ સોમવારે પંદરમી ઑગસ્ટ કે એવા કોઈ પબ્લિક હૉલિડેની છુટ્ટી હોય અને શનિ-રવિ-સોમનો લૉન્ગ વીકએન્ડ મનાવવાનું પ્લાનિંગ છ મહિના પહેલાં જ કરી નાખે. અને પાછા એ પ્લાનિંગને વળગીને પણ રહે. રવિવારની ઉજવણીની મારી કલ્પના ઘણી ભવ્ય છે. રવિવાર બહાર જવા માટે નથી, ફરવા માટે નથી, ઘરમાં રહેવા માટે છે. અને ઘરમાં રહીને કોઈ પેન્ડિંગ કામ નિપટાવવા માટે નથી, રૂટિન કામ કરવા માટે નથી, સગાં-મિત્રોને મળવા માટે નથી.

રવિવાર પોતાની જાત સાથે રહેવા માટે છે-તમે ને તમારું મ્યુઝિક, તમારું વાંચન. સેલફોન બંધ. શક્ય હોય તો ઘરની ડોરબેલ પણ બંધ. તમારા સ્ટડીના કોઝી વાતાવરણમાં ઈઝીચેરમાં ટૂંટિયું વાળીને ક્ધિડલ પર નવી નવી ડાઉનલોડ કરેલી સ્ટીફન કિંગની ‘ફાઈન્ડર્સ-કીપર્સ’ વાંચવાની. વાંચતાં વાંચતાં ભૂખ લાગે તો વાટકીમાં સેવ-મમરા લાવીને ખાવાના અને વાંચતાં વાંચતાં ઊંઘ આવી ગઈ તો આરામખુરશીના હાથા લાંબા કરીને ત્યાં જ ઝોકું ખાઈ લેવાનું.

રવિવાર આળસુ લોકો માટે સર્જાયો છે. કામગરા લોકો તો છએય દિવસ જેમ ગદ્ધાવૈતરું કરે છે એમ રવિવારે પણ કરશે. પણ અમારા જેવા આળસુ લોકો તો બાકીના છ દિવસને પણ રવિવારો બનાવી નાખવાના પેંતરા રચતા હોય છે. આજે ભલે સોમવાર હોય પણ રવિવાર જેવું જ લાગે છે નહીં, એમ વિચારીને અમે રવિવાર ૪૮ કલાકનો બનાવી દેતા હોઈએ છીએ. મંગળવારે વિચાર આવે કે ગઈ કાલે કંઈ કામ ન કર્યું એમાં દુનિયા ઊંધી વળી ગઈ? નહીંને. તો પછી આજે પણ શું લેવા કામ કરવું? અને અમારો રવિવાર ૭૨ કલાકનો થઈ જાય. બુધવાર પણ કાંઈક આ જ રીતે વીતી જાય, ગુરુવાર તો જાણે વીકએન્ડનું પ્રવેશદ્વાર. શનિ-રવિની છુટ્ટીઓ માટે ગુરુ-શુક્રવારે તૈયારીઓ તો કરવી જ પડેને. પ્રોપર પ્લાનિંગ વિના વીકએન્ડ રોળાઈ જાય. અને શનિ-રવિએ તો શનિ-રવિ જ હોવાનાં. પછી ક્યાંથી કોઈ કામ થાય?

સુખી છીએ અમે લોકો જેમને કૅલેન્ડરમાં સાતેય દિવસ રેડ કલરના રવિવાર જેવા દેખાય છે. વરસના ૩૬૫ રવિવાર માણતાં હોઈએ છીએ છતાં લીપ યર આવે ત્યારે દિલ ખુશ થઈ જાય છે. વાહ, આ વરસે એક રવિવાર વધારે મળવાનો!

કાગળ પરના દીવા

જો તમે ગુડ હો તો ધ્યાન રાખજો કે બેટર પણ છે આ દુનિયામાં અને તમે બેટર હો તો ખ્યાલ રાખજો કે બેસ્ટ છે. અને બેસ્ટ હો તો વિચારજો કે બીજા કેટલાય ગુડ અને બેટર બેસ્ટ બનવાની કોશિશમાં છે. ટૂંકમાં આ દુનિયામાં કશું જ પરમેનન્ટ નથી, તમારા સહિત કશું જ કાયમી નથી.

વૉટ્સએપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

એક સાસુ પોતાની વહુથી પરેશાન હતી, કારણ કે વહુ કામચોર હતી.

એક દિવસ સાસુએ પોતાના દીકરા સાથે મળીને નક્કી કર્યું કે: કાલ સવારે હું ઘરમાં ઝાડુ મારીશ અને તું મને ટોકજે કે લાવો, મમ્મી, હું કચરો વાળી આપું છું… એટલે પેલી ચૂડેલને કંઈક તો શરમ આવશે ને જખ મારીને કચરો વાળશે.

બીજે દિવસે સવારે જેવી મા કચરો વાળવા લાગી કે તરત દીકરો બોલી ઊઠ્યો: લાવો, મમ્મી. હું કરી નાખું છું.’

આ સાંભળીને વહુ બોલી: ‘એમાં મા-દીકરાએ ઝઘડવાનું શું કામ? એક દિવસ મા ઝાડુ લગાવશે, બીજા દિવસે દીકરો કચરો વાળશે!

( મુંબઇ સમાચાર : રવિવાર, 14 જૂન 2015)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *