મૉડર્ન સ્કૂલ, ગોલ્ડન ભેલ અને સિક્કાનગર: એક જમાનાનો ચીનાબાગ બંગલો

‘જૂની મુંબઈના વિકાસમાં પારસી, ખોજા, ઈઝરાયલી (અર્થાત્ યહૂદીઓ-જ્યુઝ, તળ મુંબઈમાં મસ્જિદ બંદર-વેસ્ટમાં સ્ટેશનની નજીક જ ઈઝરાયલ મહોલ્લા નામની ગલી છે. પિન કોડ: ૪૦૦૦૦૯ લાગે.-સૌ.શા.), તે જ પ્રમાણે હિંદુઓમાં ભાટિયા, વાણિયા, લુહાણા, કચ્છી કોમોનો મોટો ફાળો હતો. ભાટિયાઓ મૂળ પંજાબ-જેસલમેર ભણીના. કચ્છ કાઠિયાવાડમાં એમની વસ્તી. કચ્છી તેમ જ હાલાઈ એમ બે એમની નાત જમાતો. ત્યાંથી ૧૮મી સદીના આરંભ અરધવળોટ આસપાસ વેપાર અરથે મુંબઈ આવી વસ્યા.’ સ્વામી આનંદે ‘કુળકથા’ઓની પ્રસ્તાવના બાંધતાં લખ્યું છે.

‘એક એકથી ચડે એવા અસંખ્ય પુરુષાર્થી પુરુષો એમનામાં પાક્યા, જેમણે મુંબઈની વેપારી આલમમાં ભારે આંટપ્રતિષ્ઠા મેળવી. પૂરા એક સઈકા સુધી મુંબઈમાં રૂ તથા કાપડનો વેપાર મુખ્યત્વે કચ્છીઓ તથા ભાટિયાઓના હાથમાં રહ્યો. અને મિલ ઉદ્યોગમાં પણ એમનો ફાળો પારસી, ઈઝરાયલી કે ખોજાઓના જેવો જ ધરખમ હતો,’ સ્વામીજી લખે છે.

(આડ વાત: મને વહેમ હતો કે ગ્રામરના નિયમો તોડીને ‘અને’થી શરૂઆત થતું વાક્ય લખવાની પ્રથા મેં પાડી, પણ જુઓ, હું સાવ ખોટો હતો).

સ્વામીજી આગળ લખે છે: ‘મુંબઈના શહેરીઓમાં પણ ભાટિયા, કચ્છી તથા કપોળ, મોઢ, વાણિયા વગેરે દાયકાઓ સુધી તેવા જ અગ્રેસર રહ્યા. આમાંના કચ્છીઓ મોટે ભાગે જઈન, અને ભાટિયા વાણિયામાં ઘણા ખરા વલ્લભ સંપ્રદાયના ચુસ્ત પુશ્ટિમાર્ગી વઈશ્ણવો હતા.’

સ્વામી આનંદે જે જમાનામાં લખ્યું (૧૯૭૦ અને તે પહેલાંના દાયકાઓમાં) તે જમાનામાં કૉમ્પ્યુટર ટાઈપસેટિંગ નહોતું. હાથથી બીબાં ગોઠવાતાં. એમણે જ નોંધ્યું છે કે: ‘રૅફ અને બેવડી માત્રા છાપતાં સહુથી વધુ ઊડી જતી હોવાને કારણે ઘણી વાર ટાળું છું.’

જૈન અને વૈષ્ણવની એમની જોડણીનું આ કારણ અને જોડાક્ષરો, ફાડિયો ‘ષ’ વગેરેને પણ બને ત્યાં સુધી ટાળવાનું આ જ કારણ તેમ જ બીજું એક કારણ એમાં શાહી ભરાઈ જવાનું પણ ખરું. બાકી સાર્થ ગુજરાતી જોડણી કોશને વફાદાર રહીને તેઓ લખતાં.

‘ધરતીની આરતી’ નામના પ૦૦ પાનાંના બેસ્ટ ઑફ સ્વામી આનંદ સમા ગ્રંથમાં લગભગ બે ડઝન કરતાં વધુ એવા અને એક એકથી ચડે એવો સ્વામી આનંદના વિવિધ વિષયોના લેખ/નિબંધોના સંગ્રહમાં શિરમોર સમો જો કોઈ લેખ હોય તો તે છે ‘ધનીમા’ શીર્ષકનું રેખાચિત્ર જે ‘કુળકથાઓ’માંથી લેવામાં આવ્યું છે.

સ્વામી આનંદ મૌલિક વિચારક અને પ્રથમ પંક્તિના લેખક હતા. ખૂબ લખ્યું પણ વર્ષો સુધી, દાયકાઓ સુધી કશુંય પુસ્તકરૂપે પ્રગટ થવા દીધું નહીં. એમાં એમની સાધુવૃત્તિ તો ખરી જ. મા સરસ્વતીના આશીર્વાદને રોકડી કરી લેવાની વૃત્તિનો સદંતર અભાવ.

આ ઉપરાંત ત્રણ મહત્ત્વનાં કારણો, એમના જ શબ્દોમાં:

‘પહેલું એ કે કશા ઉપકારક કાર્યનો રેકર્ડ કર્યા વગર નકરું જીભ-કલમનું ડહાપણ ડોળીને માણસ સંસારનો કશો ધરખમ ઉપકાર કરી ન શકે, અને નકરા લેખન કે વકતૃત્વની સેવાક્ષેત્રમાં કશી કિંમત નથી, એવી મનની ગાંઠ.’

બીજું કારણ આપતાં સ્વામીજી લખે છે: ‘મારાં લખાણોમાં કશું હીરનૂર હોય, અને તે ગ્રંથસ્થ કરવાનું વાજબી હોય, તો પણ તે દળદરી નઘરોળ દેદારવાળાં અને છાપભૂલો વાળાં નીકળે, એ મારાથી ખયાય નહીં.

ગાંધીજીએ નબળા અનુવાદ અને છાપભૂલોવાળી છપાઈને તૈયાર થઈ ચૂકેલી ચોપડી સ્વ. નરહરિભાઈ બાળી મુકાવેલી! હું એમ કરવા કહું તો સીધો પાગલખાને પહોંચું. એટલે અણળર્ફૈધળ રુવ ઇંળ્રૂળૃઞપ્ર મળશજ્ઞ ન્યાયે એ બળતરાનો સોદો જ ન કરવો એવો ફેંસલો મે કર્યો; અને આટલી જિંદગી નભાવ્યો.’

ત્રીજું કારણ: ‘છાપાં-માસિકોમાં જ્યાં ક્યાંયે મેં લખ્યું તેનો ઘણાએ ગેરશિસ્તપણે ઉપયોગ કર્યો. મોટાં પ્રતિષ્ઠિત કહેવાતાં માસિકો પણ આમાંથી બાકાત ન રહ્યાં. ઋણ સ્વીકારના સામાન્ય સૌજન્ય-શિષ્ટાચારનેય નેવે મૂકી આમ કરવા બદલ મેં પ્રોટેસ્ટ મોકલ્યા, લખાણ નીચે કૉપીરાઈટની લીટી મૂકવા માંડી, છાપામાં અને સરકારી ગેઝેટ સુધી નોટિસો છપાવી. બધું વ્યર્થ. સરકારી ખાતાંનો અનુભવ તેવો જ દુખદ. ગાંધીજી કૉપીરાઈટમાં ન માનતા, પણ એમનેય એમનાં લખાણોની ફાવે તેવી કાપકૂપ કરેલી અને નાગાં ચિત્રોવાળી ચોપડીઓ છાપીને વેચનારા રળનારા પ્રકાશકો સામે કોપીરાઈટના અધિકાર બજાવવા પડેલા.’

સ્વામી આનંદ પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાનો આગ્રહ કરનારા સન્મિત્રોને વરસોથી એક જ જવાબ આપતા, ‘થોડા ખમી જાઓ. મારા મરણ બાદ કરવું હોય તે કરજો.’

સ્વામિજી આ કેફિયતના અંતે ઉમેરે છે:

‘…મને એમ કે મરણના ફાટક પર પહોંચીને નવી બળતરા ક્યાં વહોરું? વરસો વાટ જોઈ. અસંખ્ય સ્વજનો, મિત્રો, જીવલગ સાથીઓને વિદાય કર્યા. જિંદગી વસમી થઈ ગઈ. દુનિયાનો ઑદ્વાર કરવાના લહાવાઑરિયા બધા વીત્યા. બિસ્તર બાંધી, ટિકિટ કપાવી વરસોથી પ્લાટફારમ પર બેસી રહ્યો છું. પણ મારી ગાડી જ કમબખત આવતી નથી. મિત્રો અકળાય છે. એમને હદથી જાદે વાટ જોવડાવ્યાનો અફસોસ મને પીડે છે.’

આ કેફિયત લખાઈ ૧૯૬૭માં, તેે વખતે એમની ઉંમર ૮૦ વર્ષની. એ પછી નવ વર્ષનું આયુષ્ય ભોગવીને એમણે ૮૯ વર્ષની ઉંમરે વિદાય લીધી.

સ્વામીના આગ્રહ મુજબ એસસરખાં કદ, કાગળ, માપ સાથે પ્રૂફની ભૂલ વગર અને સરખી બાંધણીમાં એક જ દેખાવનાં પુસ્તક આકારે એ લખાણો પ્રગટ થવાં જોઈએ એવી શરતો ત્રણ-ત્રણવાર સમજાવ્યા પછી અમદાવાદની બાલગોવિંદ પ્રકાશન સંસ્થાએ (જે હવે નથી રહી) બાર પુસ્તકોની શ્રેણી છાપવાની યોજના તૈયાર કરી જેમાંથી આઠ પુસ્તકો સ્વામી આનંદની હયાતિમાં પ્રગટ થયાં અને બેે અવસાન બાદ. બાકીનાં બે પુસ્તકો એન.એમ. ત્રિપાઠી દ્વારા પ્રગટ થયાં. બાલગોવિંદે છાપેલાં પુસ્તકની નવી આવૃત્તિઓ પણ ત્રિપાઠીએ પ્રગટ કરી. પછી ત્રિપાઠીએ પણ ધંધો સંકેલી લીધો અને નવા પ્રકાશકો પિક્ચરમાં આવ્યા જેમણે ૧૯૮૬માં પ્રગટ કરેલી ‘કુળકથાઓ’ની નવી આવૃત્તિમાં ‘છેલ્લા દાયકા સુધી’માં ‘દાયકા’ને બદલે ‘છાયકા’ જેવી પ્રૂફ રીડિંગની પારાવાર ભૂલો કરીને સ્વામી આનંદના આત્માનું કોણ જાણે શું નું શું કરી નાખ્યું.

સ્વામી આનંદે પોતાનાં લખાણો પુસ્તકોરૂપે ન છપાવવાનાં જે ત્રણ કારણો આપ્યાં તે ત્રણેત્રણની સાથે શતપ્રતિશત સહમત, સહમત, સહમત. પણ આ જન્મમાં તો એવી કોઈ સાધુવૃત્તિ અમારામાં છે નહીં, ભૂલેચૂકેય મા સરસ્વતીના આશીર્વાદનું મા લક્ષ્મીમાં રૂપાંતર કરવામાં ઢીલ રાખીએ તો આ જમાનો એવો છે કે કપડાં ઉતારીને, લંગોટી પહેરાવીને, હાથમાં છાલિયું પકડાવીને લોટ મગાવે. કાશ, આવતા જન્મમાં સ્વામી આનંદ જેવી સાધુવૃત્તિ અને ચિત્ત શુદ્ધિ તથા નિર્મળતા ભગવાન આપે તો આ લાલચથી મુક્ત થઈ શકીએ.

ધનીમા એટલે શેઠ મોરારજી ગોકુળદાસનાં ત્રીજા વારનાં છેલ્લાં પત્ની. વહેલી ઉંમરે વિધવા થયાં. મરહૂમ પતિની લાખો લાખોની મિલકત, અસકયામતો અને વેપાર ધંધો સાચવી સગીર દીકરા-દીકરીઓને ઉછેર્યા, ચડતીપડતીના વાયરા વેઠ્યા, મોટા મોટા રાજામહારાજાઓ અને ગવર્નરો એમના બંગલે મહેમાન થતા, એકથી વધુ વેળા ગાંધીજીએ પણ ઊતારો રાખ્યો. ૧૯૫૪માં ૯૪ વર્ષની ઉંમરે ગુજરી ગયા. વિધવા થયા ત્યારે એમની ઉંમર હતી માત્ર ૨૧ વર્ષ. પતિ મોરારજી શેઠે ૪૬ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. શેઠ મોરારજી ગોકુલદાસ મુંબઈના લૅન્ડમાર્ક સમા બંગલો ‘ચીનાબાગ’માં રહેતા. આજે જેમ ‘પ્રતીક્ષા’, ‘જલસા’ કે ‘મન્નત’ મુંબઈના જોવાલાયક સ્થળોમાં ગણાય છે એમ ગિરગામમાં આજે જ્યાં સિક્કાનગર (મૉર્ડન સ્કૂલ અને ગોલ્ડન ભેલવાળાએ ફેમસ બનાવેલું સિક્કાનગર) ઊભું છે તે સમગ્ર લાંબા-પહોળા પ્લૉટમાં ‘ચીનાબાગ’નો બંગલો પથરાયેલો હતો. ર૯ ઓક્ટોબર ૧૮૩૪ના રોજ મોરારજી શેઠનો જન્મ, પિતા ગોકુળદાસ શેઠ ૧૮૧૮ની આસપાસ વેપાર માટે મુંબઈ આવ્યા. શરૂઆતમાં કાલબાદેવી પાસે, પ્રિન્સેસ સ્ટ્રીટ નજીક, જૂની હનુમાન ગલીમાં રહ્યા. વખત જતાં વિઠ્ઠલવાડીમાં આવેલી ધાકજીની ચાલમાં રહ્યાં. મોરારજી શેઠનો જન્મ ત્યાં જ થયો. નવ વર્ષની ઉંમરે મોરારજીએ પિતાનું છત્ર ગુમાવ્યું. શેઠ લખમીદાસ ખીમજી, ખટાઉ મકનજી, ગોકુળદાસ તેજપાળ અને બીજા ઘણા શ્રીમંતો સાથે અંગત સંબંધો. ધંધો-વેપાર કરીને ખૂબ કમાયા. ૧૮૮૦ની ૧૬મી ઓક્ટોબરે ગુજરી ગયેલા શેઠ મોરારજી ગોકુળદાસે પણ કરસનદાસ મૂળજીવાળા ૧૮૬૨ના ‘મહારાજ લાયબલ કેસ’માં ઊંડો રસ લીધેલો અને ચુસ્ત વૈષ્ણવ હોવા છતાં કુટુંબની સ્ત્રીઓને વૈષ્ણવ મંદિર હવેલીએ દર્શન કરવા જવા દેતા નહીં. વિલમાં પણ લખી ગયા કે પોતાના ‘કુટુંબની કોઈ સ્ત્રીએ મંદિર હવેલી કે મહારાજોની બેઠકે દર્શન કરવા જવું નહીં, તેમ જ તેમની પધરામણી કરવી નહીં. પોતાના પતિનું પણ ચરણામૃત પીવું નહીં.’ પોતે ગોકુળ મથુરાની જાત્રા દરમિયાન સહકુટુંબ વ્રજપરકમ્મા કરેલી. આવી પરિક્રમા ત્યાંના ગુસાંઈજી મહારાજને સાથે લીધા વિના ન થઈ શકે. મોરારજી શેઠે તેમ કરવાની ચોખ્ખી ના પાડી.

ગુસાંઈજીને મળવા પણ ન ગયા, એવું નોંધીને સ્વામી આનંદે એમનું ભરપૂર રસભર્યું જીવનચરિત્ર આલેખ્યું છે જે ‘કુળકથાઓ’માં છે જ. પણ આપણને વધારે રસ છે ‘કુળકથાઓ’માંના બીજા એક જીવનચરિત્રમાં જેનો સમાવેશ ‘ધરતીની આરતી’માં થયો છે. ર૧ વર્ષની ઉંમરે વિધવા થનાર ધનકોર જાજરમાન વ્યક્તિત્વ ધરાવતાં ‘ધનીમા’ તરીકે ઓળખાઈને ૯૪ વર્ષની ઉંમરે દેવ થયાં. વીમેન એમપાવરમેન્ટ અને સ્ત્રી સમોવડિયાપણાની ઠાલી વાતો કરનારી સ્ત્રીસંસ્થાઓએ બીજી કશી હોશિયારીઓના દેખાણ કરવાને બદલે માત્ર ‘ધનીમા’નું જીવનચરિત્ર વાંચી જવું. લાઈફમાં આમૂલ પરિવર્તન આવી જશે.

વધુ કાલે…

આજનો વિચાર

ગુરુવારથી શરૂ થતી નવરાત્રિમાં રાત્રે ૯ વાગ્યા પછી ફેસબુક કે વૉટ્સએપમાં જો કોઈ ઑનલાઈન દેખાય તો સમજી લેવું કે એને ગરબા રમતાં નથી આવડતું.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

મા નાની મુસીબતોમાં કામ આવતી હોય છે અને પિતા મોટી મુસીબતોમાં…

જેમ કે કીડી કરડી ગઈ તો: ઉઈ મા…

અને વાઘ સામે આવી ગયો તો: ઓ, બાપરે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *