જૂનું મુંબઈ અને સ્વામી આનંદ

ગવલી અને ખટાઉના સંદર્ભમાં સ્વામી આનંદની ‘કુળકથાઓ’માંથી મુંબઈના ખટાઉ કુટુંબના ઈતિહાસનો અછડતો ઉલ્લેખ કર્યો. મુંબઈનું ગજબનું આકર્ષણ છે. જૂના મુંબઈનું, જે મુંબઈ જોયું જ નથી તે મુંબઈનું પણ ગજબનું ફેસિનેશન છે. વીસમી સદીની શરૂઆતનું મુંબઈ, વર્લ્ડ વૉર-ટુ સમયનું અને આઝાદી પછીનું મુંબઈ. ઓગણીસમી સદીના આદિ-મધ્ય-અંત સમયનું મુંબઈ. આ બધો જ ગાળો હંમેશાં મારા માટે કુતૂહલનો વિષય રહ્યો છે. ઓગણીસમી સદીના આરંભથી લઈને આજ દિન સુધીના મુંબઈ વિશે જ્યારે જેટલું જાણવા મળ્યું છે ત્યારે વિસ્ફારિત નયનોએ માણ્યું છે. મૂળચંદ વર્માની ‘મુંબઈ સમાચાર’માં જ વર્ષો સુધી ચાલેલી ‘નરીમાન પોઈન્ટની પાળેથી’ સિરીઝ અને શારદા દ્વિવેદીનાં પુસ્તકો, અમૃત ગંગરનું રિસર્ચભર્યું પુસ્તક, બીજાં અનેક અંગ્રેજી તેમ જ બીજી ભાષાનાં પુસ્તકો વગેરે સામગ્રીનો મેં મારી સૌપ્રથમ નવલકથામાં અને ત્યારબાદ મારી લેટેસ્ટ નવલકથામાં જૂના મુંબઈને ચિત્રિત કરવામાં ઘણો મોટો ઉપયોગ કર્યો છે. ‘વેરવૈભવ’માં અઝાદીના બેએક દાયકા અગાઉનું મુંબઈ ડોકાય છે જ્યારે ‘મહારાજ’ તો અલમોસ્ટ આખેઆખી ૧૮૬૦ની આસપાસના મુંબઈના બેકગ્રાઉન્ડમાં પાંગરેલી છે.

૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધમાં બાળ ઠાકરેએ બાન્દ્રાના એમના ઘરની નજીક આવેલા કલાનગર પાસેના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બંધાઈને તૈયાર થઈ રહેલા ફલાયઓવરને (જે ભવિષ્યમાં સી લિન્ક સાથે કનેક્ટ થવાનો હતો) મોરારજી દેસાઈનુંં નામ આપવા સામે વિરોધ કર્યો (છેવટે એને એમના પિતા પ્રબોધનકાર ઠાકરેનું નામ અપાયું) ત્યારે ‘મુંબઈ કોણાચી’ના સવાલના ઉત્તરમાં મુંબઈ પર ગુજરાતીઓનો હક્ક વધારે છે એ સાબિત કરતી લેખમાળા લખવા માટે છેક સોળમી સદીથી શરૂ થતા મુંબઈના ઈતિહાસને ઉખેળ્યો હતો.

મુંબઈ વિશે હજુ મારે જે લખવું છે તે લખ્યું જ નથી. મુંબઈ વિશે એક ખૂબ સુંદર નિબંધની કલ્પના કરી છે પણ લખવાની હિંમત એકઠી થતી નથી. મુંબઈનો જે મિજાજ માણ્યો છે, જે મુંબઈનાં સપનાંઓમાં મારાં સપનાંઓ ઓતપ્રોત થઈને એકાકાર થઈ ગયા છે તે વિશે લખવા માટે સતરંગી કલમ જોઈએ. જે મુંબઈ જન્મથી મારા શ્ર્વાસોમાં છે અને જે મુંબઈ સતત મારી રગોમાં દોડતું રહ્યું છે અને મને દોડાવતું, કુદાવતું, નચાવતું રહ્યું છે તે મુંબઈ વિશે ક્યારે લખીશ એની ખબર નથી. તમારા માટે આરાધ્ય અને પ્રાત: સ્મરણીયથી માંડીને સ્વીટ ડ્રીમ્સ બની ગયેલી વ્યક્તિને પ્રપોઝ કરતાં કેવો ડર લાગે, ના પાડી દેશે તો? એવો જ ડર મને મુંબઈ વિશે લખતાં લાગે છે. કદાચ ઊણો ઊતરીશ તો? એના કરતાં એ કલ્પનાઓ છો શબ્દબદ્ધ ના થાય. ભલે એ કાગળ પર ના ઊતરે. બાંધી મુઠ્ઠી સવા લાખની.

સ્વામી આનંદને ફરી યાદ કરવાનું કારણ આ જ. એમનાં અનેક લખાણોમાં જૂનું મુંબઈ ધબકે છે, જીવંત થઈને તમારા દિલોદિમાગ પર છવાઈ જાય છે. ગૅન્ગસ્ટરોની વાત કરતાં સ્વામી આનંદનો ઉલ્લેખ આવ્યો ત્યારે ઘણા વાચકોને ક્યુરોસિટી થઈ શકે આ સ્વામી આનંદ કોણ હતા? સ્વામી આનંદને જૂના મુંબઈના ટોચના ગુજરાતી ઘરાણાઓ સાથે ઘરોબો હતો. રામકૃષ્ણ પરમહંસની પરંપરાના આ સાધુ એકલજીવન ગાળતા. ગાંધીજીની ખૂબ નિકટ. આત્મકથાની પ્રસ્તાવનામાં ગાંધીજીએ લખ્યું છે કે સ્વામી આનંદની પ્રેરણાના પ્રતાપે પોતે આત્મકથા લખવાનું સ્વીકાર્યું.

વીસેક વર્ષ પહેલાં મેં ગુજરાતી ભાષાનાં વાંચવા જેવાં/ વસાવવા જેવાં/ ભેટ આપવા જેવાં સો પુસ્તકોની યાદી બનાવીને હું જે છાપામાં કામ કરતો હતો તેમાં છાપી હતી. ના, એમાં મારું એક પણ પુસ્તક નહોતું. આજે એ યાદી અપડેટ કરીને નવેસરથી બનાવું તો પણ એમાં મારું એક પણ પુસ્તક નહીં હોય, પચ્ચીસ વર્ષ પછી પણ નહીં. (સારાં પુસ્તકો કોને કહેવાય એની મને ખબર છે).

આ સો પુસ્તકોમાં સ્વામી આનંદનું એક પુસ્તક હતું. તમને ખબર છે કે આધુનિક ગુજરાતી ગદ્યના ભીષ્મ પિતામહ કોણ હતા? મારા હિસાબે સ્વામી આનંદ. ચંદ્રકાન્ત બક્ષીએ ઉર્દૂ લબ્ઝ પ્રચલિત કર્યા કે હસમુખ ગાંધીએ ઈંગ્લિશ વર્ડ્ઝ અને ફ્રેઝિસ વાપરવાનું શરૂ કર્યું તે પછી આ બંને મહારથીઓ જેવાં લખાણો છૂટથી ગુજરાતીમાં લખાવા માંડ્યાં. પણ બક્ષીસાહેબ કે ગાંધીભાઈના દાયકાઓ અગાઉ આવી ભાષા લખનારા હતા એકમેવ સ્વામી આનંદ.

‘ગાંધીજી હાડોહાડ ડેમોક્રેટ હતા એ કોણ નથી જાણતું?’ અને ‘…મન અંતરને મૂરઝાવા ન દેતાં રીઢા થઈને ચાલવાની ઈમ્યુનિટી કેળવવી જોઈએે’ કે પછી ‘વાસ્તવમાં તેઓ બૅકવર્ડ જ છે કારણ કે એ લોકો મેન્ટલ લેઝિનેસના પૂંજીપતિઓ છે’ તથા ‘પણ જેને જીવનનું સેન્ટ્રલ સત્ય પામવાની તાલાવેલી છે તેણે તો…’ આ વાક્યો કોણ લખી ગયું?

અને હુકમરાન, કાર્રવાઈ, અલબત્તા, કિરાયા, રોજમર્રા જેવા ડઝનબંધ શબ્દો બક્ષી પહેલાં કોણ વાપરતું થયેલું.

અફકોર્સ, સ્વામી આનંદ. અલબત્તા, હિંમતલાલ રામચંદ્ર દવે. એ એમનું પૂર્વાશ્રમનું નામ. ૧૮૮૭થી ૧૯૭૬ સુધીનું આયુષ્ય. સ્વામી આનંદે ‘જૂની મૂડી’ નામની દેશી ગુજરાતી શબ્દની ડિક્શનરી રચી છે એટલે એમની લાજવાબ તળપદી ગુજરાતી ભાષા વિશે આપણે મગતરાંઓ ક્યાં વળી એમનાં માટેનાં સર્ટિફિકેટો ફાડવા બેસીએ. સ્વામી આનંદ પાસે ભાષાની સમૃદ્ધિ કરતાંય મોટી સમૃદ્ધિ ક્ધટેન્ટની- આસપાસની દુનિયાને નિહાળવાની નિરીક્ષણશક્તિ, માનવ સ્વભાવની ખાસિયતોની આરપાર જોવાની કોઠા સૂઝ અને નિર્મળ હૃદયના વલોણામાંથી નીપજતું નિર્દોષ (દોષ રહિત) ચિંતન.

સ્વામી આનંદના વાંચવા જેવાં પુસ્તકોમાંથી કોઈ એકનું જ નામ લેવું હોય તો કયું લઈ શકાય? ‘કુળકથાઓ’, ‘હિમાલયનાં તીર્થસ્થાનો’, ‘ચરિત્રનો દેશ’ કે પછી ‘નઘરોળ’?

વેલ, એક જ હોય તો તે ‘ધરતીની આરતી’ હોય. મહેન્દ્ર મેઘાણીએ લોકમિલાપ ટ્રસ્ટમાં બેસ્ટ ઓફ સ્વામી આનંદ જેવા આ પુસ્તકમાં મૂળશંકર મો. ભટ્ટ (જુલે વર્નની સાહસકથા ‘સાહસિકોની સૃષ્ટિ’ના અદ્ભુત અનુવાદના સર્જક) પાસે સ્વામી આનંદનાં તમામ લખાણોમાંથી કુલ ૫૦૦ પાનાનું સંપાદન કરાવીને સ્વામીના અવસાનના દોઢેક વર્ષમાં જ એને પ્રગટ કર્યું હતું. તે વખતે દસ નકલના ૮૦ રૂપિયાના ભાવે વેચાતું પુસ્તક આજની તારીખે પણ આજના જમાનાની દૃષ્ટિએ કિફાયત ભાવે જ વેચાય છે. એક નકલના ૩૦૦ રૂપિયા. જોકે, હવે પ્રકાશક જુદા છે.

‘ધનીમાં’, ‘મારા પિતરાઈઓ’, ‘કરનલ કરડા’, ‘સમતાનો મેરુ’ જેવા અનેક સદાબહાર નિબંધ આ પુસ્તકમાં છે. ‘ધરતીની આરતી’માં સમાવાયેલું બેસ્ટ ઓફ સ્વામી આનંદનું કલેક્શન વાંચ્યા પછી સ્વામીનાં તમામ પુસ્તકો વસાવવાનું તમને મન થશે. માટે બૅન્ક બૅલેન્સ હોય તો જ સ્વામી આનંદને વાંચવા!

આજનો વિચાર

એક નવી ધમકી: મોઢા પર એવો મુક્કો પડશે કે તારો આઈફોન ટેન હંમેશાં લૉક જ રહેશે!

– વૉટ્સએપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : સોમવાર, 18 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *