મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં તેને ઝળઝળીયાં સાથે અરજ કરી કે…

ટેક એટલે નિશ્ર્ચય, સંકલ્પ અને ટેકીપણું એટલે વચનબદ્ધતા, સંકલ્પબદ્ધતા. નર્મદ જ્યારે ‘વીર, સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ કહે છે ત્યારે ટેકીપણાનો ચોથો ગુણ એના જીવનમાં કઈ રીતે વણાયેલો છે તે આ સિરીઝના ચોથા તથા અંતિમ લેખમાં જોઈ લેવું જોઈએ.

ટેકનો બીજો એક અર્થ થાય આબરૂ, શાખ. ટેકીલાપણું એટલે વટ રાખવાની વૃત્તિ એવો પણ અર્થ થાય. નર્મદ આ સઘળાય અર્થમાં ટેકીલો હતો. અને આ ટેક એને વારસામાં મળી હતી. એના દાદા અર્થાત્ લાભશંકરના પિતા, પુરુષોત્તમ દવે પણ ટેકીલા હતા. નર્મદે ‘મારી હકીકત’માં નોંધ્યું છે: ‘એનો ટેક એવો હતો કે કોઈ વેદપુરાણ સારૂં આમંત્રણ કરતું તો જ જતા, બાકી કોઈની ખુશામત કરતા નહીં. એના ટેકનો એક દાખલો એવો છે કે એક વખત એ બાલાજીનાં દરશન કરીને શ્રીમંત ત્રવાડીને ત્યાં સ્હેજ મળવા ગયા હતા; ત્યાં કોઈએ ત્રવાડી પાસે એની મશ્કરી કરાવી કે કેમ દવેજી ન્હોતરૂંબોતરૂં પકવાને આવ્યાછ કે? ત્યારે દવેજીએ જવાબ દીધો કે હા, મહારાજ. ને પછી તે કોઈ દહાડો ત્રવાડીને ઘેર તો શું પણ હાલાજીના દરશણ કરવાને પણ ગયા નહીં. ત્રવાડીને ઘેર ઘણાં ઘણાં કર્મકાંડ થતાં ને તે દવેજીને બોલાવતા પણ દવેજી જતા નહીં.’

સાલ ૧૮૫૮ની. નર્મદની ઉંમર ૨૫ વર્ષની. અત્યાર સુધી સુરત-મુંબઈની વિવિધ શાળાઓમાં શિક્ષકની નોકરીઓ કરી, પણ મન કહ્યા કરતું કે ફુલટાઈમ માત્ર લખવું જ છે. ખૂબ લખવું છે. લખવા સિવાય બીજું કશું નથી કરવું. ૨૩ નવેમ્બર ૧૮૫૮. નર્મદ ‘મારી હકીકત’માં લખે છે: ‘મારૂં મન કવિતા તરફ લાગેલું તેથી મને સ્કુલમાં છોકરાઓ સાથે માથું ફોડવું દુરસ્ત ન લાગ્યું. “સાડા દસથી તે પાંચ લગી કાહુ કાહુ થાય એ કવિત જે રસપ્રવેશમાં છે તે મેં મારા સ્નેહી સ્કુપલના આસિસ્ટંટ માસ્તરોને દેખાડ્યું. તેઓએ કહ્યું કે વાત તો ખરી જ છે. નિશાળનાં કામમાં દીલ ન લાગથી મેં મારા બાપને પૂછ્યા વનાં જ નવેમ્બરની ૨૩થી સ્કૂલની નોકરી છોડી દીધી.’

પછી આગળ ઉમેરે છે: ‘મેં ઘેર આવી કલમના સામું જોઈ આંખમાં તેને ઝળઝળીયાં સાથે અરજ કરી કે “હવે હું તારે ખોળે છઉં. કોઈ પણ રીતની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝ્યા પણ પછી મને એટલું કહ્યું કે, ‘ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી?’ મેં વિચાર કીધો કે કવિતા તરફ મારૂં મન છે – નીતિ ભક્તિ તરફ મારૂં મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારૂં મન માનતું નથી, માટે હરદાસનું કામ કરૂં (હરદાસ એટલે હરિદાસ, હરિની કથા કહેનાર, કથાકાર) કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે – ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારી ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું. એમ નક્કી કર્યા પછી મેં બે ત્રણ હિંદુ શેઠિયાઓ પાસે દ્રવ્યની મદદ માંગી કે નિરાંતે થોડોક સંસ્કૃત અભ્યાસ કરી હરિકથાનું કામ ચલાવું. તેમાં એક જણે રૂા. ૨૫૦)ને બીજાએ રૂા. ૫૦) એટલા આપ્યા તે એક જણે ન આપતાં ઊલટી મારી મજાક કરી. જોઈએ તેટલી રકમ ન મળવાથી હું ઘણો જ નારાજ થયો તો પણ મેં ધાર્યો ઉદ્યોગ પાર પાડવાનું નક્કી કર્યું.’

નર્મદને સંસ્કૃત શીખવા માટે જો દ્રવ્યની પૂરતી મદદ મળી ગઈ હોત તો એ કથાકાર તરીકે વિખ્યાત થયો હોત. પ્રથમ ગુજરાતી કથાકાર. કથાકાર નહીં બની શકેલા નર્મદે આર્થિક ઉપાર્જન માટે સંપૂર્ણપણે કલમનો જ સહારો લીધો એ ગાળામાં એક મિત્રની ભલામણથી એણે લઘુહિતોપદેશનું કવિતામાં ભાષાંતર કરીને છાપવા આપ્યું. પછી તો નર્મદે અનેક પુસ્તકો લખ્યાં, છપાવ્યાં, વેચ્યાં અને ગુજરાન ચલાવ્યું. વચ્ચે વચ્ચે ‘ડાંડિયો’ પ્રગટ કર્યું, આર્થિક ભીંસ આવતાં બંધ કર્યું, પાછું ચાલુ કર્યું. ચાર વખત ચાલુ બંધ કરીને છેવટે આટોપી લીધું. ૧૮૫૮માં લીધેલી ટેક નર્મદે ચડતીપડતીના તમામ સંજોગોમાં સાચવી. કલમને ખોળે મૂકેલું માથું બીજા કોઈના શરણમાં લઈ જઈને નોકરી ન કરી તે ન જ કરી. વચ્ચે વચ્ચે હરિકથા પણ કરી. ‘મારી હકીકત’માં ૧૮૬૧ની સાલની નોંધ છે: ‘એ વરસમાં કે આવતા વરસમાં (બરાબર સાંભરતું નથી) મેં વાલકેશ્ર્વરમાં ગોકળદાસ તેજપાલને બંગલે રાતે હરદાસની કથા કરી હતી ને મને તેઓએ રૂા. ૫૦) આપ્યા હતા.’

એ જ અરસામાં પારસી છોકરીઓની નિશાળમાં એક કલ્લાક કવિતા ગાતાં શીખવતો અને અંગ્રેજ તેમ જ શ્રીમંત પારસી ગૃહસ્થોને ગુજરાતી શીખવવા પણ જતો. આ કામમાંથી આર્થિક ઉપાર્જન થતું. એ લખે છે: ‘સને ૧૮૬૨ની શરૂઆતથી તે જુન સુધી હું રાતદહાડો અંગ્રેજી ને ગુજરાતી ડિક્શનરી બનાવવામાં મારો મિત્ર નાનાભાઈ રૂસ્તમજી (રાણીના) ને અરદેશર ફરામજી સાથે ગુંથાયો હતો. એ પુસ્તકનાં વેચાણથી મને ત્રીજે હિસ્સે પણ સારી પેઠે નફો થયો હતો.’

નર્મદનો પોતાનો ‘નર્મકોશ’ જુદો. આ અંગ્રેજી-ગુજરાતી કોશ જે રાણીનાની ડિક્શનરી તરીકે જાણીતો થયો. એનો પ્રથમ ભાગ ૧૮૫૭માં, સંક્ષિપ્ત કોશ તરીકે પ્રગટ થયો હતો. ૧૮૬૨માં નર્મદ સાથે મળીને છપાયેલા આ કોશને નાનાભાઈ રાણીનાના પુત્રે પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું. એમના વારસદારોએ પણ ચાલુ રાખ્યું. ૧૯૯૩માં પ્રગટ થયેલા આ કોશની દુર્લભ આવૃત્તિની એક નકલ મારા પુસ્તકસંગ્રહમાં છે. નાનાભાઈ રાણીના પોતાના યુનિયન પ્રેસમાં નર્મદનું ‘ડાંડિયો’ પણ છાપતા. ત્રીજા પાર્ટનર અરદેશર ફરામજી તે ‘ખબરદાર’ ઉપનામ ધરાવતા કવિ નહીં પણ બીજા એક સજ્જન હતા.

‘મારી હકીકત’ ૧૮૬૬માં લખાઈ/છપાઈ પણ એ પછીના વર્ષો દરમ્યાનની નર્મદની જીવન હકીકતો છૂટીછવાઈ છે જેને ભેગી કરીને વાંચવાથી માલુમ પડે છે કે જીવનના અંત સમયે નર્મદે કલમને ખોળે માથું મૂકીને જીવવાની ટેક છોડીને નોકરી કરવાની મજબૂરી સ્વીકારવી પડી હતી. ૧૮૮૬ની ૨૬ ફેબ્રુઆરીએ નર્મદે છેલ્લા શ્ર્વાસ લીધા.

નર્મદના મિત્ર જેવા એમના પગારદાર આસિસ્ટન્ટ નરભેરામ પ્રાણશંકરના બનેવી રામશંકર પણ નરભેરામની સાથે નર્મદની મદદમાં રહેતા. આ રામશંકરના પુત્ર રાજારામને નર્મદે પુત્રવત્ પોતાની પાસે રાખીને ભણવા માટે આર્થિક સહિતની બધી જ મદદ કરી હતી. રાજારામની લેખનપ્રવૃત્તિને પણ કવિ પ્રોત્સાહન તથા ઉત્તેજન આપતા. આ રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર: ‘મૃત્યુના એક વર્ષ પહેલાંથી, ફેબ્રુઆરી ૧૮૮૫થી નર્મદની પ્રકૃતિ શિથિલ થવા લાગી હતી. આનું કારણ તેઓ અંતર્ગત – માનસિક હોવાનું કહે છે. ટેક છોડીને નોકરી સ્વીકારવી પડી તેનો માનસિક આઘાત ઘણો તીવ્ર હતો. (નર્મદ ગોકળદાસ તેજપાલના ધર્માદા ખાતામાં, ટ્રસ્ટમાં સેક્રેટરીની જવાબદારી સ્વીકારીને નોકરી માટે જતો હતો.) શેઠ ગોકળદાસ તેજપાલ બોર્ડિંગ સ્કૂલની યોજના તૈયાર કરવામાં મોડી રાતના ઉજાગરા થતા તેનો શ્રમ પણ ખરો. શરૂઆતનાં અન્ન પર અરુચિ, શરીર નિર્ગત થવા માંડ્યું, ચક્કર આવતાં, બેએક વાર પડી પણ ગયા હતા. એપ્રિલ ૧૮૮૫માં તો સાંધાઓ ગંઠાઈ જતાં ઊભા પણ ન થવાય તેવી સ્થિતિ થઈ, પરંતુ પોતે તૈયાર કરેલી યોજના પ્રમાણે બોર્ડિંગ શાળા શરૂ થઈ તેના આનંદમાં કવિએ શારીરિક દુ:ખ અવગણ્યું. એમ દશ મહિના ખેંચ્યું.’

૧૮૩૩થી ૧૮૮૬. ૫૩ વર્ષનું આયુષ્ય. આટલી નાની જિંદગીમાં નર્મદે જે વિપુલ, વૈવિધ્યસભર અને ઊંડાણ સાથેનું કામ કર્યું છે તેનો ગુજરાતી સાહિત્યમાં જોટો જડે એમ નથી. તમામ પ્રકારની આર્થિક, સામાજિક અને પારિવારિક તેમ જ ઈમોશનલ અને મેન્ટલ વિટંબણાઓનો સામનો કરીને નર્મદે આટલું વિશાળ કામ કર્યું અને તે પણ પોતાની વીરતા, સત્યપ્રિયતા, રસિકતા તથા પોતાનું ટેકીપણું જાળવી રાખીને. નર્મદનાં આ ચાર ગુણો અરિ (દુશ્મનો) પણ વખાણશે એવી નર્મદને ખાતરી હતી, તો ચાહકોને આ ચાર સ્વભાવલક્ષણોને લઇને નર્મદને, એના સાહિત્યને, આજની તારીખેય માથે ઊંચકીને નાચવાનું મન ન થાય તો જ નવાઈ.

કાગળ પરના દીવા

ગદ્ય, વ્યાકરણ, કોશ વગેરે ન લખત, પ્રુફ તપાસવાનાં ન હત (હોત), કંપાઈલેશન ન હત, ઘર ચલાવવાની ખટપટ ન હત, નાણાંની હંમેશ તંગી ન હત વગેરે વગેરે… તો નિરાંતથી ઘણી કવિતા લખત. મેં કવિતા ઘણી જ તાકીદથી લખી છે. ઘણીએક તો પ્રસંગોપાત્ત ઉભરામાં લખી છે. એ જોતાં થોડી મુદતમાં મેં જેટલી કવિતા લખી છે, તે કવિતા ઘણામાં ઘણું સામળ, પ્રેમાનંદ ને દયારામ તેની કવિતાના સંગ્રહના અર્ધ બરાબર તો હશે જ. તેઓએ પોતાની જિંદગી કવિતામાં જ કાઢી, માટે ઓછામાં ઓછો ૬૦ વરસનો તેઓનો સંગ્રહ કહેવાય. મને તા. ૩૧ ડીસેમ્બર ઈ.સ. ૧૮૬૭એ કવિતા લખતાં ૧૧ વરસ ને ત્રણ મહિના થયા છે.

– નર્મદ (‘મારી કવિતા વિશે મારા વિચાર’, ૧૮૬૮માં કરેલી નોંધ).

સન્ડે હ્યુમર

ભવિષ્યની અમદાવાદીઓની જિંદગી.

સાંજે કામ પતાવીને બુલેટ ટ્રેનમાં સાત વાગ્યે મુંબઈ.

સાતથી નવ મુંબઈમાં છાંટોપાણી કરીને ૧૧ વાગ્યે અમદાવાદ ભેગા.

(આમાં દમણની ઈકોનોમીને ઘણી માઠી અસર થવાની).

( મુંબઇ સમાચાર : રવિવાર, 17 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *