ગેબમાંથી ઉપરવાળો જે મોકલે છે તે જ વિષયો સાચા

મારે ‘બ્લ્યુ વ્હેલ’ ગેમ વિશે લખવું જોઈએ? ફ્રેન્ક્લી આ મીડિયાએ ઉપજાવી કાઢેલી સનસનાટી છે. ગૌરી લંકેશની હત્યા કે મ્યાનમાંથી આવી ચડેલા રોહિન્ગ્યા મુસલમાનોની સમસ્યા કે પછી વિકાસ ગાંડો થયો છેની ટીકાઓ આ બધા જ મુદ્દાઓને જેટલું મહત્ત્વ અપાવું જોઈએ એના કરતાં અનેકગણું સોશિયલ મીડિયાની નવરી બજાર આપે છે એટલે મેઈન સ્ટ્રીમ મીડિયાને પણ આ મુદ્દાઓ અતિ મહત્ત્વના લાગે છે અને પરિણામે ભોળા, નિર્દોષ વાચકો પણ માનવા માંડે છે કે આ બધી જીવનમરણની સમસ્યાઓ વિશે વધુ ને વધુ જાણવું જોઈએ.

સોશિયલ મીડિયામાં ફરતા અડધાથી વધુ સંદેશાઓ અતિશયોક્તિભર્યાં હોવાના અને બાકીનામાંના મોટાભાગના ફેક. ન્યૂઝ કે કરન્ટ અફેર્સને લગતી નવ્વાણું ટકા ટ્વીટ, એફબી પોસ્ટ્સ કે વૉટ્સઍપ મૅસેજીસ ન વાંચીએ તો કશો ફરક પડતો નથી. નવરી બજારના ઑનરરી સેલ્સમૅનો માર્ક ઝકરબર્ગ આણિ કંપનીનો પ્રોફિટ વધારવા માટે દિવસરાત મહેનત કરતા રહે છે. આપણને એવા કોઈના સેલ્સમૅન બનવાની કોઈ હોંશ નથી.

ઘણા બધા વિષયો છે જેના પર મીડિયા કે સોશિયલ મીડિયા પ્રકાશ પાડતું નથી, પાડવાનું પણ નથી. નવરી બજારમાં દુકાનો ખોલીને બેઠેલાઓમાંના કેટલાકને એ વિષયોની ગંભીરતા વિશે જાણકારી નથી તો કેટલાકને છે, પણ તેઓ જાણીજોઈને ચૂપ રહેવા માગે છે. પાદરી બાબાઓનાં કૌભાંડો વિશેની સિરીઝ પરદેશમાં ખ્રસ્તીઓની વચ્ચે રહેતા, હિંદુ સંસ્કૃતિને ભૂલી ગયેલા કોઈ એકલદોકલ ગુજરાતીને ગાળીગલોચ જેવી લાગે તો ભલે લાગે. ગુજરાતી ભાષા મરવા પડી છે અને એના મરવાથી પોતે વિધવા થઈ જશે એવો તદ્દન બેબુનિયાદ ડર કોઈને લાગતો હોય તો ભલે લાગે. પીએમ મોદી આ દુનિયાના સૌથી નકામા રાજકારણી છે અને ભારતનું ધનોતપનોત કાઢે એ પહેલાં એમને સત્તા પરથી હેઠે ઉતારી મૂકવા જોઈએ એવું ગલીના નાકે પાનના ગલ્લા પર માવો ખાઈને પિચકારી મારતાં મારતાં જેને બોલવું હોય તે બોલે. બે હજારની નોટનો કલર ઝેરોક્સને કોઈ બનાવટી ચલણી નોટ ગણીને સરકારની નોટબંધીને નિષ્ફળ ગણાવવું હોય તો ભલે ગણાવે. આ દેશને બુલેટ ટ્રેનની નહીં, પણ ફલાણીની, ઢીંકણાની જરૂર છે એવું કોઈએ માનવું હોય તો ભલે માને.

મારે તો હું પ્રામાણિકપણે જે માનું છું તે વિશે ખોંખારો ખાઈને લખવાનું હોય. મને જે વિષયો માટે પૅશન છે તે વિષયો વિશે મારે પૅશનેટલી લખવું તે મારી ફરજ છે અને તો જ હું મા સરસ્વતીએ મને આપેલા આશીર્વાદને જસ્ટિફાય કરી શકું. આ દુનિયામાં જે સાચું છે, સારું છે તેને બેધડક અપનાવવું અને એના વિશે લખવું એ મારી જવાબદારી છે. લેખોની વિપુલતા, વિષયોનું વૈવિધ્ય તથા એમાંનું ઊંડાણ આ ત્રણેય પરિમાણોના તંગ દોરડા પર કલમના આધારે બૅલેન્સ રાખીને ચાલવાનું અશક્યવત્ લાગે એવું કામ ઉપરવાળો મારી પાસે વરસોથી સફળતાપૂર્વક કરાવી રહ્યો છે. અહીં બેલેન્સ જાળવવું એટલે તટસ્થતા રાખવી કે નિરપેક્ષ રહેવું એવું નહીં. વારંવાર કહ્યું છે, લખ્યું છે કે ‘સત્ય આ બે અંતિમોની વચ્ચે છે’ અને ‘હવે તો સમય જ કહેશે કે શું થશે.’ એવા વાક્યપ્રયોગો સાથે મને સાત ભવની દુશ્મનાવટ છે. ઍનેલિસિસ કરનારે, અભિપ્રાય આપનારે પક્ષ લેવો પડે. જવાબદારીમાંથી છટકી જવા માગનારાઓ, ડબલઢોલકીઓ અને તકવાદીઓ તટસ્થતાનો દેખાડો કરીને બેઉ બાજુએથી લાડવો ખાવા માગતા હોય છે. મને એવા લાડવાઓમાં રસ નથી. ચણામમરાથી મારું પેટ ભરાઈ જાય છે.

અધૂરી કે તદ્દન ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવાઈ જનારાઓને મારા વિચારો અંતિમવાદી લાગવાના જ. અને હું છું જ અંતિમવાદી. દૂધ-દહીંમાં પગ રાખીને મલાઈઓ ચાટનારાઓમાંનો એક નથી. જે સાચું છે તે સારું છે અને જે ખોટું છે તે ખરાબ છે એ પારખવાની નીરક્ષીર શક્તિ ભગવાને આપી હોય તો પણ ટૂંકા સ્વાર્થ ખાતર ન્યૂટ્રલ હોવાનો દેખાડો કરનારા નાન્યતર જાતિના હોવાના.

આ દુનિયા ઘણી વિશાળ છે અને આપણું મનોજગત એના કરતાંય ફેલાયેલું છે. એક આખો જન્મારો ઓછો પડે એટલા વિષયો વિશે લખવાનું છે. રોજેરોજ આ દસમાંથી કયા વિષય પર લખવું એની મીઠી મૂંઝવણ થતી હોય છે. આવી મૂંઝવણોનો ઉકેલ દિમાગથી નહીં પણ દિલથી લાવવાનો હોય. પછી લખતી વખતે દિમાગ અને દિલ બેઉ વાપરવાનાં પણ વિષય પસંદગી વખતે જો દિમાગનું કહ્યું માન્યું તો તમારું આવી બન્યું. પછી તમારે બ્લ્યુ વ્હેલ, રોહિન્ગ્યા, ગૌરી લંકેશ અને વિકાસના ગાંડપણના વહેણમાં વહી જવું પડશે. પછી તમારી પાસે પાદરીબાબાઓનાં પરાક્રમો વિશે વિચારવાનો કોઈ અવકાશ નહીં રહે. પછી તમારી પાસે મુંબઈના ગૅન્ગસ્ટરોની વાતમાં મિલમાલિક ખટાઉની વાત આવે ત્યારે સ્વામી આનંદની ‘કુળકથાઓને’ યાદ કરવાની કોઈ પ્રજ્ઞા બાકી નહીં બચે.

ગાલિબનો આ શેર મેં એટલી બધી વાર ટાંક્યો છે કે નિયમિત વાચકોને તો મોઢે થઈ ગયો હોવો જોઈએ. ગુલઝારની સિરિયલ માટે જગજિત સિંહે પણ આ શેર જેમાં છે તે આખી ગઝલ (‘ઝુલ્મન-કદે મેં મેરે સબ-એ-ગમ કા જોશ હૈ’) ગાઈ છે. આ ગઝલનો મક્તા છે:

આતે હૈં ગૈબ સે યે મઝામીં ખયાલ મેં
‘ગાલિબ’ સરીર-એ-ખામા નવા-એ-સરોશ હૈ.

ગૈબ એટલે ગેબી, ઈશ્ર્વરીય. મજમૂનનું બહુવચન મઝામીં. મજ્મૂન એટલે (લેખ કે કવિતાનો) વિષય. અને ખામા એટલે (બરૂની) કલમ. સરીર એટલે કલમનો કાગળ પર ઘસાવાથી જે ઝીણો રવ, અવાજ ઉત્પન્ન થાય તે. અને સરોશ એટલે ફરિશ્તો તથા નવા એટલે ગુંજન:

‘આ જે નવા નવા વિષયો દિમાગમાં આવે છે તે તો ઉપરવાળાની કૃપા છે. કાગળ પર કલમ પડે લખવાથી જે ઝીણો અવાજ સંભળાય છે તે બીજું કશું નહીં, પણ ફરિશ્તાનું ગુંજન છે.’

ફરિશ્તાનું ગુંજન સાંભળવાની લત એવી તો લાગી ગઈ છે કે જગત આખું કૉમ્પ્યુટરની કીઝ પર આંગળીઓ પછાડીને લખતું થઈ ગયું પણ આપનો વફાદાર હજુય જે. કે. મિલ્સના પેપર પર જાડી ફાઉન્ટન પેનની નિબથી લખવાની આદત છોડી શકતો નથી.

આજનો વિચાર

તમને જે કંઈ અત્યાર સુધીમાં કહેવામાં આવ્યું છે તેના વિશે ફરી એકવાર વિચાર કરો. એમાંથી તમારા આત્માનું અપમાન કરતી હોય એવી તમામ વાતોને તારવીને એ વાતોને ઉકરડે નાખી આવો.

– વૉલ્ટ વ્હિટમૅન

એક મિનિટ!

શિન્ઝો આબે: આપણે આવ્યા એ શહેરનું નામ શું છે?

મોદી: અમદાવાદ

શિન્ઝો આબે: પણ આખા શહેરમાં બોર્ડ ઉપર તો શહેરનું નામ વિવો, ઓપો અને ખેતલા આપા લખેલ છે!

( મુંબઇ સમાચાર : શનિવાર, 16 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *