મિલો અને ગૅન્ગ વૉર: મુંબઈની સિકલ કેવી રીતે બદલાઈ

સુનીત ખટાઉની હત્યાના સંદર્ભે મુંબઈ પોલીસે વિજય અહિરની શોધ ચલાવી જે લાપતા હતો. સચિન અહિરની ધરપકડ થઈ પણ હત્યામાં તો સચિન અહિર અને અરુણ ગવળીના દુશ્મનોનો હાથ હતો, અમર નાઈકની ગૅન્ગનો હાથ હતો. શહેરની ક્રાઈમ બ્રાન્ચના બારેબાર યુનિટ્સ ચોવીસ કલાક મંડી પડ્યા. સેંકડો સાક્ષીઓ અને બીજા લોકોની પૂછપરછ થઈ. અને ત્યાં જ ઘાસની ગંજીમાંથી સોય મળી આવી. પોલીસને ખબર પડી કે આ અંધાધૂંધ ગોળીબારમાં એક ગોળી ખુદ ગોળી ચલાવનારને વાગી હતી. કેવી રીતે? ક્રાઈમ નૉવેલો વાંચનારા હોંશીલાઓને ‘રિકોશે’ એટલે શું તેની ખબર હશે. બંદૂકમાંથી ગોળી છોડ્યા પછી એ ટાર્ગેટેડ વ્યક્તિને વાગીને કે વાગ્યા વિના કોઈક સપાટી પર અથડાઈને (ભીંત કે જમીન કે કબાટ) પાછી ગમે તે દિશામાં ફંટાય તેને રિકોશે કહે. સુનીત ખટાઉની મર્સિડિસના પતરા સાથે રિકોશે થઈને છમાંના એક શૂટરના પગમાં વાગી હતી, કારણ કે તે લંગડાતો હતો એવું નજરે જોનારા સાક્ષીઓના બયાન પરથી જાણવા મળ્યું હતું.

ચાર દિવસમાં પોલીસે છૂપી રીતે નજીકના વિસ્તારોની ર૦૦ જેટલી હૉસ્પિટલો તથા નર્સિંગ હોમમાં તપાસ કરી પણ ગોળીથી ઘાયલ થઈને સારવાર માટે ભરતી થયેલો દર્દી એમને મળ્યો નહીં.

એ જમાનામાં મુંબઈમાં ડાન્સ બાર્સનો ધંધો ધીકતો ચાલતો હતો. આ ડાન્સ બારોમાં કોણ કેટલા પૈસા ઉડાવે છે તેના પર પોલીસ પોતાના ખબરીઓ દ્વારા નજર રાખતી. વાશીના એક ડાન્સ બારમાં કોઈ વેઈટર રોજ બાર બંધ થવાનો હોય ત્યારે દવાની ગોળીઓ લઈને એક ડાન્સરને (ગુજરાતી છાપાંની ભાષામાં કહીએ તો ‘બારબાળા’ને) સોંપતો. વેઈટરનો પીછો કરતાં એ જ્યાંથી આ દવા ખરીદતો તે કેમિસ્ટની દુકાનનું સરનામું જડ્યું. દવાઓમાં એન્ટિબાયોટિક્સ સ્ટ્રોન્ગ પેઈન કિલર્સ અને ઘા રૂઝવવા માટેની એન્ટિસેપ્ટિક દવાઓનો સમાવેશ થતો હતો.

સુનીત ખટાઉની હત્યાના સાતમા જ દિવસે પોલીસે ઘાયલ પગની ઘરગથ્થુ સારવાર કરતા સંતોષ પાગરકરની ધરપકડ કરી અને પછી ગણતરીના દિવસોમાં અમર નાઈક ગૅન્ગના દસ ગુંડાઓ પકડાયા જેમાંના ચાર ખટાઉ હત્યાકાંડમાં ડાયરેક્ટલી ઈન્વોલ્વ્ડ હતા. અમર નાઈક ભાગીને લંડન જતો રહ્યો. પોલીસે દસેય પર ‘ટાડા’ લગાડ્યો. પોલીસને ખાતરી હતી કે આ તમામને આકરામાં આકરી સજા મળશે. પણ પોલીસની ગણતરી ઊંધી વળી. મુંબઈ પોલીસની ખટાઉકેસની ફાઈલના રિપોર્ટમાં ૧૭૧મા પાને લખ્યું છે: ‘મરનાર (સુનીત ખટાઉ)ની વિધવા પન્ના ખટાઉ સરકારી વકીલોને યોગ્ય સાથ આપતાં ન હોવાથી તમામ આરોપીને છોડી મૂકવામાં આવ્યા.

મુંબઈ પોલીસની રાતદિવસની મહેનત પર પાણી ફરી વળ્યું. મરનારની વિધવાએ શું અમર નાઈક ગૅન્ગની દહેશત હેઠળ કુટુંબની સલામતી ખાતર આવું પગલું ભર્યું? મૃતકની વિધવા પોલીસને કોઓપરેટ ન કરે એટલે શું પોલીસનો કેસ આપોઆપ પાંગળો બની જાય? પોલીસની તપાસટીમ પર શું કોઈનું દબાણ હતું? પોલીસ પર વળી પોલિટિશ્યન સિવાય બીજા કોનું દબાણ હોઈ શકે? અને કોર્ટે શા માટે ખટાઉકેસની ફાઈલ બંધ કરવા બદલ પોલીસનો કૉલર ન ઝાલ્યો? શું આવું કરવામાં પોલીસ-પોલિટિશ્યન અને ન્યાયતંત્ર સૌ કોઈએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હતો? ખટાઉ ફૅમિલીના અન્ય સભ્યોએ શા માટે આ બાબતે વિરોધ નોંધાવ્યો નહીં? ઘણા પ્રશ્ર્નો ઊભા થયા જે હજુ સુધી હવામાં અધ્ધર જ લટક્યા કરે છે. એ ઘટનાને ર૩ વર્ષ થવા આવ્યા છતાં એના કોઈ ગળે ઊતરે એવા ઉત્તર મળતા નથી. હકીકત માત્ર એટલી જ જડે છે કે સુનીત ખટાઉની હત્યાના ૩ વર્ષ બાદ, ૧૬ જાન્યુઆરી ૧૯૯૭ના રોજ ધોળે દહાડે રસ્તા પર પવઈમાં આઈ.આઈ.ટી. પાસેના પદ્માવતી રોડના શાર્પ ટર્ન પાસે ડૉ. દત્તા સામંતની હત્યા થઈ એ પછી મુંબઈની મિલોની જગ્યાઓ સચિન અહિરના નેતૃત્વ હેઠળ ઝડપભેર રિડેવલપમેન્ટમાં જવા લાગી. લોઅર પરેલ અપ માર્કેટ બની ગયું, અપર વરલી તરીકે ઓળખાતું થઈ ગયું! કરી રોડ, ચિંચપોકલી, ભાયખલા, શિવડી આ બધા જ વિસ્તારોમાં ગગનચુંબી બાંધકામો શરૂ થઈ ગયાં.

ડૉ. દત્તા સામંતની હત્યાના સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે સેંકડો વ્યક્તિની ઊલટતપાસ કરી જેમાંનો એક સચિન અહિર પણ હતો. સચિનને દત્તા સામંત સાથે ત્યારે વેર બંધાયું હતું જ્યારે ખટાઉ મિલના વર્કરોએ ‘રાજીખુશીથી’ સુનીત ખટાઉને જમીન વેચવાનું એન.ઓ.સી. લખી આપ્યું હતું અને દત્તા સામંતે, ખટાઉ મિલમાં પોતાનું કોઈ યુનિયન નહોતું તે છતાં આ મામલામાં ઝુકાવીને જમીન વેચવા આડે વિઘ્નો ઊભાં કર્યાં હતાં. સુનીત ખટાઉની હત્યા પછી પણ આ દુશ્મનાવટ ચાલુ જ રહી એટલું જ નહીં વધી. સચિને શિવડીમાં મોદી સ્ટોનની ફેક્ટરીમાં ચાલતા દત્તા સામંતના યુનિયનને હટાવીને પોતાનું યુનિયન સ્થાપ્યું અને આ જ રીતે શહેરનાં ઘણાં બધાં મેજર ઈન્ડસ્ટ્રિયલ યુનિયનોમાંથી સચિને સામંતને હટાવીને પોતાનાં યુનિયનો સ્થાપ્યાં.

પ્રીમિયર પદ્મિની નામની ગાડી બનાવતી પ્રીમિયર ઑટોમોબાઈલ્સ લિમિટેડમાં દત્તા સામંતનો દબદબો હતો. કંપનીના કુર્લામાં અને ડોમ્બિવલીમાં-બે પ્લાન્ટ્સ હતા. બેઉમાં દત્તા સામંતના જમણા-ડાબા હાથ જેવા યુનિયન લીડરો સામંત વતી વર્કરો પર રાજ ચલાવતા, પણ રાતોરાત એ બેઉ વફાદારોની લૉયલ્ટી બદલાઈ ગઈ. આ બળવામાં સચિન અહિરનો હાથ હતો.

મહારાષ્ટ્રના ત્રણ વાર ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા શરદ પવારે ૧૯૯૯માં સોનિયા ગાંધી સાથે વિદેશી નાગરિકત્વના મુદ્દે છેડો ફાડીને પોતાનો પક્ષ સ્થાપ્યો. નેશનાલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી. ૧૯૭૮થી ૧૯૮૦, ૧૯૮૮થી ૧૯૯૧ તથા ૧૯૯૩થી ૧૯૯૫ દરમિયાન મહારાષ્ટ્ર પર રાજ કરી ચૂકેલા શરદ પવારે મિલોની જમીનના વેચાણના મામલે ઊંડો રસ લીધેલો. સચિન અહિર તે વખતે જે રાજકારણીઓના સંપર્કમાં આવ્યો તેમાંના એક શરદ પવાર. ઑક્ટોબર ર૦૦૯માં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મામા અરુણ ગવળીનો ભાણો સચિન અહિર શરદ પવારની એન.સી.પી.ની ટિકિટ પર વરલી બેઠક પરથી ચૂંટણી લડ્યો અને જીતી ગયો અને હાઉસિંગ, સ્લમ ઈમ્પ્રુવમેન્ટ, હાઉસ રિપેર્સ, રિક્ધસ્ટ્રક્શન, અર્બન લેન્ડ સીલિંગ, ઈન્ડસ્ટ્રીઝ વગેરે ખાતાં સંભાળતો મિનિસ્ટર બન્યો અને આમ એણે પ્રજાની સેવામાં જીવન સમર્પણ કરી દીધું. એ પહેલાં ૧૯૯૯માં સચિને શિવડી વિધાનસભા બેઠક પર ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો. તે વખતે નવા સ્થપાયેલા એન.સી.પી.નો મુંબઈમાંથી ચૂંટાયેલા ઉમેદવાર એ એક જ હતો. ૧૯૯૯ની ચૂંટણી મામા અરુણ ગવળીના સપોર્ટથી જીતી હતી. અરુણ ગવળી પોતે ર૦૦૪ની વિધાનસભા ચૂંટણીમાં અખિલ ભારતીય સેના નામનો પોતાનો પક્ષ રચીને ચિંચપોકલી બેઠક પરથી લડ્યો અને જીત્યો પણ ખરો.

બીજી માર્ચ ર૦૦૭. શિવસેનાનો મ્યુનિસિપલ કૉર્પોરેટર (નગરસેવક) કમલાકર જામસન્ડેકર સાકીનાકાના પોતાના નિવાસસ્થાને આરામ ફરમાવતો હતો. ચાર મારાઓ બે મોટરબાઈક પર આવ્યા. એમાંના એક જણે કમલાકરના માથા પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી દાગી. ર૦૧૨ની ર૭મી ઑગસ્ટે કાલા ઘોડાની ‘મકોકા’ કોર્ટે (મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઑફ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) અરુણ ગવળીને આ કેસમાં ગિલ્ટી ઠેરવ્યો અને ૩૧મી ઑગસ્ટ ર૦૧૨ના રોજ અરુણ ગવળીને જનમટીપની સજા સંભળાવવામાં આવી. ગવળી અત્યારે જેલમાં છે. એની દીકરી કૉર્પોરેટર છે. ગીતા ગવળીએ પિતાની આ સજા સામે હાઈ કોર્ટમાં અપીલ કરી છે.

એક જમાનામાં ગવળી ગૅન્ગ પાસે ૧,૦૦૦ શૂટર્સ હતા એવી અતિશયોક્તિભરી વાતો થતી. ગવળીના માણસોને મારવામાં એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ વિજય સાલસકરે મોટો ભાગ ભજવ્યો હતો. સાલસકરને બદનામ કરવા માટે મીડિયામાં એવા રિપોર્ટ્સ છપાવવામાં આવતા કે ગવળીના માણસોને ઠાર મારવા માટે સાલસકરને દાઉદ પૈસા આપે છે.

આવું જ બનતું રહેવાનુંં. તમે કોઈક સારું કામ કરતા હો તો કોઈને ગમે અને કોઈને ન ગમે. તમારા વિશે બધી પચ્ચીસ વાતો પણ ઊડે. પણ છેવટે ગંદગી દૂર થાય, ઉકરડો સાફ થઈ જાય ત્યારે લોકોને તમારા કામની મહત્તા સમજાય. પણ તે વખતે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. વિજય સાલસકર જે ર૦૦૮ની ર૬ નવેમ્બરે મુંબઈ પર આવી પડેલી આતંકવાદી આપત્તિ વખતે કસાબને પકડવા જતાં શહીદ થઈ ગયા, તે આજે ગૅન્ગસ્ટરો અને ગુંડાગિર્દી વિનાનું, ચોખ્ખુંચણાક મુંબઈ માણવા માટે હયાત નથી.

આજનો વિચાર

ગૌરી લંકેશની ગયા અઠવાડિયે હત્યા કોણે કરી એવું પૂછશો તો સેક્યુલરબાજો તરત કહેશે કે હિન્દુવાદીઓએ અને એ જ સેક્યુલરબાજોને જઈને તમે પૂછશો કે શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરની ત્રણ વર્ષ પહેલાં હત્યા કોણે કરી તો જવાબ મળશે: રાહ તો જુઓ, ઈન્વેસ્ટિગેશન ચાલુ છે. કાયદાને કાયદાનું કામ કરવા દો.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પતિની કબર પર ફૂલ ચઢાવવા ગયેલી વિધવા રડતાં રડતાં બોલી:

‘નાનો દીકરો લૅપટૉપ માગે છે હું શું કરું? દીકરીને નવો મોબાઈલ જોઈએ છે. મારે પણ નવાં કપડાં લેવાનાં છે.’

ત્યાં જ કબરમાંથી અવાજ આવ્યો:

‘હું મરી ગયો છું. દુબઈ નથી ગયો.’

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *