હિંદી ફિલ્મોના પ્લૉટ કરતાં પણ ફેસિનેટિંગ એવા અંડરવર્લ્ડે ખટાઉ, સચિન અને સાલસકર આપ્યા

હિંદી ફિલ્મોમાં તમે કોર્ટમાં થતા ગોળીબારનાં દૃશ્યો જોયાં હશે. ફિલ્મી શૂટિંગમાં આવાં શૂટિંગનાં સીન ભજવવાનું ક્યારે શરૂ થયું એ વિશે ખાતરીપૂર્વક કોઈ જાણકાર જ રિસર્ચ કરીને કહી શકે. રિયલ લાઈફમાં ૧૮ એપ્રિલ ૧૯૯૪ના રોજ આવો સીન ભજવાયો જેમાં અરુણ ગવળીની ગૅન્ગ સંડોવાયેલી હતી અને જેના છાંટા સુનીત ખટાઉ અને સચિન અહીર સહિતના તમામ મુંબઈગરાઓ પર પડ્યા. આવો જ એક બીજો ઘણો જાણીતો સીન તમે હિંદી ફિલ્મોમાં એ જોયો હશે કે હત્યારાઓ સિગ્નલ પર ઊભેલી કારનો વિન્ડસ્ક્રીન હથોડાથી સ્મૅશ કરી નાખે અને પછી એ કાણામાંથી ગોળીઓનો વરસાદ વરસાવીને અંદર બેઠેલા ટાર્ગેટને ભૂંસી નાખે. રિયલ લાઈફમાં ૭ મે ૧૯૯૪ના રોજ બનેલા આ સીનને પણ પેલા કોર્ટના સીન, ગવળી ગૅન્ગ તથા સુનીત ખટાઉ સાથે ગહેરો સંબંધ છે.

એમાં એવું બન્યું કે સુનીત ખટાઉ સાથે અરુણ ગવળીનો સોદો થઈ ગયો છે એની જાણ અમર નાઈકની ગૅન્ગને થઈ ગઈ. અરુણ ગવળી અને અમર નાઈકને બાપે માર્યાં વેર. ખટાઉ પાસેથી કરોડો રૂપિયા મળ્યા પછી ગવળી બધી રીતે પાવરફુલ થઈ જવાનો હતો. એ ચિક્કાર શસ્ત્રો ખરીદી શકવાનો હતો, ઘણા બધા શૂટર્સ રાખીને ધંધાનો વિકાસ કરી શકવાનો હતો અને ગવળીની જગ જાણીતી મહેચ્છા હતી. પોલિટિક્સમાં જવાની, એ સપનું પણ ખટાઉના કરોડો રૂપિયા ગજવામાં આવી ગયા પછી સાકાર થઈ જવાનું હતું. જો આવું થાય તો અમર નાઈકની ગૅન્ગનું અસ્તિત્વ ભૂંસાઈ જાય. અમર નાઈકને આ જ ડર હતો.

અમર નાઈકે નક્કી કર્યું કે આખો લાડવો એકલો ગવળી જ આરોગી જાય તે કેમ ચાલે? આ એરિયામાં કંઈ ગવળી એકલો જ ધંધો નહોતો કરતો. ગવળીનું ભાયખલામાં રાજ હતું એમ ભાયખલાના પાડોશી વિસ્તારો ચિંચપોકલી અને કરી રોડમાં અમર નાઈકનો સિક્કો પડતો હતો. અમર નાઈકે સુનીત ખટાઉને જાસો મોકલ્યો. સુનીત ખટાઉ ગવળીને જવાબદારી સોંપીને નિશ્ર્ચિંત બની ચૂકેલા. આ બાજુ સુનીત ખટાઉએ (ગવળીની જાણબહાર) એક મેજર ક્ધસ્ટ્રક્શન કંપની સાથેનો કોન્ટ્રાકટ અલમોસ્ટ ફાઈનલ કરી નાખ્યો હતો એવું ડેરિલ ડીમોન્ટેએ પોતાના પુસ્તક ‘રિપિંગ ધ ફેબ્રિક: ધ ડિક્લાઈન ઑફ મુંબઈ ઍન્ડ ઈટ્સ મિલ્સ’માં નોંધ્યું છે. એક જમાનામાં ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અને તે પછી ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના નિવાસી તંત્રી રહી ચૂકેલા તેજતર્રાર પત્રકાર ડેરિલ ડીમોન્ટેના લખવા મુજબ એ ક્ધસ્ટ્રકશન કંપનીની છૂપી માલિકી દાઉદ ઈબ્રાહિમની ગૅન્ગના માણસોની હતી. દાઉદ તો ઑલરેડી દુબઈ ભેગો થઈ ગયો હતો અને માર્ચ ૧૯૯૩ના મુંબઈ બૉમ્બબ્લાસ્ટના સૂત્રધાર તરીકે વૉન્ટેડ હતો. યુનિયન લીડર ડૉ. દત્તા સામંતે ઓપનલી આક્ષેપ કર્યો હતો કે આ ડીલ રૂા. ૪૦૦ કરોડનું હતું અને મિલમાલિકો તથા રાજકારણીઓની મિલીભગતને લીધે આ મામલામાં અંડરવર્લ્ડે પ્રવેશ કર્યો હતો.

સુનીત ખટાઉએ મહારાષ્ટ્ર સરકાર તેમજ અન્ય સરકારી ખાતાઓ પાસેથી મિલને ફડચામાં લઈ જવાની પરવાનગી મેળવી લીધી હતી. બોર્ડ ફોર ઈન્ડસ્ટ્રિયલ ઍન્ડ ફાઈનાન્શ્યલ રિક્ધસ્ટ્રક્શન (બી. આઈ. એફ. આર.)ના નામનો રૂપાળો સ્વાંગ ધરાવતો આ કારસો વાસ્તવમાં પોલિટિશ્યનો દ્વારા મિલમાલિકોને મિલની સોનાની લગડી જેવી જમીન વેચવા દેવા માટેનો સત્તાવાર પરવાનો કાઢી આપવાની ચાલ હતી. તે વખતે શરદ પવાર મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર હતા. એમણે હજુ પોતાનો પક્ષ રચ્યો નહોતો, કૉન્ગ્રેસમાં જ હતા. પોતાની મિલોની ‘થોડીક’ જમીન વેચીને મિલમાલિકો મિલના આધુનિકીકરણ અર્થે નવાં યંત્રો વસાવવા માટે નાણાં ઊભાં કરી શકે એવા બહાના હેઠળ હજારો મજૂરો બેકાર બની રહ્યા હતા. ખટાઉ મિલનો કિસ્સો આ આખાય કારસાનો ટેસ્ટ કેસ હતો. જો ખટાઉ મિલને સફળતાપૂર્વક પોતાની મિલની ૧૩ એકર જમીન ક્ધસ્ટ્રકશન કંપનીને વેચવા મળે તો મુંબઈના મિલ વિસ્તારની બીજી ડઝનબંધ મિલો માટે માર્ગ મોકળો થઈ જાય. મુંબઈના તમામ ૮૦ જેટલી મિલોના માલિકો કાગડોળે સુનીત ખટાઉના સોદાનું શું થાય છે તે જોઈ રહ્યા હતા.

ખટાઉના ખાટલે મોટી ખોડ એ હતી કે બી.આઈ.એફ.આર. તહત મિલના રજિસ્ટર્ડ યુનિયન તરફથી એન.ઓ.સી. મળવું અનિવાર્ય હતું અને ખટાઉ મિલમાં ‘રાષ્ટ્રીય મિલ મઝદૂર સંઘ’નું યુનિયન હતું જે સુનીત ખટાઉના આ પ્લાનનો જડબેસલાક વિરોધ કરતું હતું. એ જમાનામાં ૧૯૪૬ના ‘ધ બૉમ્બે ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ એક્ટ હેઠળ એક કંપની, સંસ્થા કે મિલમાં એક જ યુનિયન હોઈ શકે, એકથી વધુ નહીં. ૫,૭૦૦ વર્કરો માટે મસમોટું વળતરનું પૅકેજ મેળવ્યા વિના આ યુનિયન ખટાઉને નો ઑબ્જેકશન સર્ટિફિકેટ આપવા માગતું નહોતું અને ખટાઉ જો એટલો મોટો ખર્ચો કરવા જાય તો મલાઈ બધી બીજાઓ લઈ જાય, પોતાના હાથમાં કંઈ જ ન બચે એવું મનાતું હતું. એ વખતના ખટાઉ મિલના યુનિયન લીડર હરિભાઉ નાઈકને ફોડવાના, લાલચ આપવાના, ધમકાવવાના અને ખરીદવાના તમામ પ્રયત્નો પર પાણી ફરી વળ્યા પછી સુનીત ખટાઉએ નક્કી કર્યું કે નેક્સ્ટ યુનિયન ઈલેક્શન્સમાં આ લીડરને હરાવીને પોતાનો માણસ યુનિયનનો લીડર બને એની રાહ જોવા સિવાય છૂટકો નથી. અરુણ ગવળી સાથે સોદો કરવાનું મુખ્ય કારણ જ આ કારણ કે ખટાઉને ખબર કે હરિભાઉને વર્કરોનો એટલો મોટો સપોર્ટ છે કે નેક્સ્ટ ઈલેક્શનમાં એમને હરાવવા અશકય છે.

ગવળીએ ૩ કરોડ રૂપિયા ઍડવાન્સ લઈને (પાંચસો કરોડની જમીનના પાંચ ટકાને હિસાબે બાકીના ૨૩ કરોડ એને કામ પૂરું થયા બાદ મળવાના હતા) પોતાનું કામ શરૂ કરી દીધું. ગવળીએ વિજય અહિર અને ભાણાભાઈ સચિન અહિરને ખટાઉ મિલમાં વર્કર તરીકે ભરતી કરાવી દીધા. વિજય અને સચિન પડછાયાની જેમ સુનીત ખટાઉની સાથે રહેવા લાગ્યા. સોર્ટ ઑફ બૉડિગાર્ડ. વર્કરોને અલગ અલગ જૂથમાં સામ-દામ-દંડ-ભેદથી સમજાવવાનું શરૂ થયું. વર્કરો આ મિલ છોડીને બીજી મિલમાં બદલી લેવા માટે રાજીખુશીથી તૈયાર છે એવાં લખાણો પર પણ બળજબરીથી સહીઓ લેવાવા માંડી. યુનિયનની ચૂંટણી આવી. હરિભાઉ નાઈકની સામે ખટાઉ-ગવળીના કઠપૂતળી ઉમેદવાર શંકરરાવ જાધવનું પલડું ભારી થવા માંડ્યું. ચૂંટણી થઈ. પરિણામો આવ્યાં. શંકરરાવ જાધવ પ્રચંડ બહુમત સાથે યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાયા. સચિન આહીર આ યુનિયનના સેક્રેટરીઓમાંનો એક બન્યો. એપ્રિલ ૧૯૯૪ની આ વાત. ગવળીમામાના ભાણાભાઈ સચિનની ઉંમર તે વખતે રર વર્ષની. વર્કરો પાસેથી લેખિત પરવાનગી મળી ગઈ કે આ મિલને બીજી જગ્યાએ ખસેડવાની અને અહીંની (ભાયખલાની) જગ્યાને વેચવાની સામે અમને કોઈ વાંધો નથી.

અમર નાઈક અધીરો થઈ ગયો. સુનીત ખટાઉ એને આ જમીનના વેચાણમાંથી રાતી પાઈ આપવા તૈયાર નહોતા. એટલું જ નહીં ખટાઉએ ગવળીને અમર નાઈકના જાસા વિશે ફરિયાદ કરી. ગવળી તે વખતે પુણેની યેરવડા જેલમાં. ત્યાં બેઠાં બેઠાં ગવળીએ કહેવડાવ્યું કે તમે ફિકર શું કામ કરો છો, હું બેઠો છું ને.

પણ અરુણ ગવળીએ બેસી રહેવાને બદલે જેલમાંથી જ હુકમો છોડ્યા અને અમર નાઈક ખટાઉનો કૉલર છોડી દે એ માટે એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એ જ દિવસોમાં ખબર પડી કે અમર નાઈક ખટાઉનું ખૂન કરવાની યોજના ઘડી રહ્યો છે. અમર નાઈક આવી કોઈ બદતમીજી કરે તો પહેલાં જ એને સીધોદોર કરવા, કોણ વધુ પાવરફુલ છે તે પુરવાર કરવા અરુણ ગવળીએ સદાનંદ પાવલે ઉર્ફે સદામામાને યેરવડામાં બોલાવીને સોપારી આપી: અમર નાઈકને ઉડાવી દેવાનો છે.

સદાને અમર નાઈક કરતાં મોટી દુશ્મની એના ભાઈ અશ્ર્વિન નાઈક સામે હતી, કારણ કે સદાના વર્ષોના ભેરુ તાન્યા કોળીની હત્યા માટે અશ્ર્વિન નાઈક જવાબદાર હતો. અશ્ર્વિન નાઈકને મારવાથી પણ અમર નાઈકની ગૅન્ગની તાકાત ખોખલી થઈ જ જવાની હતી. સદા એ રીતે ખુશ થતો હોય તો ગવળીને કોઈ વાંધો નહોતો.

૧૮ એપ્રિલ, ૧૯૯૪નો દિવસ. અશ્ર્વિન નાઈકને તાન્યા કોળીના ખૂનના આરોપ બદલ ‘ટાડા’ હેઠળ કલ્યાણની આધારવાડી જેલમાં રાખવામાં આવ્યો હતો. એનો કેસ મુંબઈની સેશન્સ કોર્ટ નં. ૩૩માં ચાલતો હતો. એ દિવસે અશ્ર્વિન નાઈકની તારીખ હતી. સદા પાવલેએ અશ્ર્વિન નાઈકને ઉડાવવાનો પ્લાન બનાવીને એ કામ રવીન્દ્ર સાવંત અને નાગેશ મોહિતેને સોંપ્યું. સાવંતે વકીલો જેવો કાળો કોટ અને સફેદ શર્ટ પહેરીને ફાઈલો નીચે ગન છુપાવીને અશ્ર્વિન નાઈકની એકદમ નજીક પહોંચીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી એનું ભેજું ઉડાવી દેવાનું હતું. મોહિતે એ સાવંતની સાથે રહેવાનું હતું-અશ્ર્વિન નાઈકને આઈડેન્ટિફાય કરવા અને આપત્તિમાં સાવંતની મદદ કરવા. પોલીસ વાનમાંથી ઊતરીને કોર્ટમાં એન્ટર થઈ રહેલા અશ્ર્વિન નાઈકની સાવ નજીક પહોંચીને સાવંતે ગોળીબાર કર્યો પણ ગોળી અશ્ર્વિનના માથાને બદલે ગળામાં વાગી. અશ્ર્વિન ફસડાઈ પડ્યો. સાવંતે કોઈ ચાન્સ ન લેતાં ધડાધડ ગોળીઓ છોડવા માંડી જે અશ્ર્વિને ઘેરી વળેલા બે પોલીસ કોન્સ્ટેબલોને વાગી. અશ્ર્વિન નાઈકને હિરાસતમાં સલામત રાખવા માટે આવેલા પોલીસ કમાન્ડોએ સાવંત પર ગોળીબાર કર્યો. સાવંત જમીનદોસ્ત થઈ ગયો, પણ એણે ગોળીઓ છોડવાનું ચાલુ રાખ્યું. દરમિયાન અંધાધૂંધીનો લાભ લઈને મોહિતે કોર્ટના પ્રીમાઈસિસમાંથી ભાગી છૂટ્યો.

અશ્ર્વિન નાઈકને ગંભીર ઈજા સાથે પોલીસ પહેરા હેઠળ વીટીની સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યાંથી જે. જે. હૉસ્પિટલમાં.

અશ્ર્વિન નાઈકની ટ્રીટમેન્ટ દોઢ વરસ ચાલી પણ તે આજીવન અપંગ બની ગયો. વ્હીલચેર વિના એ હરીફરી શકવાને અસમર્થ બની ગયો. આવી અપંગ અવસ્થાને કારણે એની પત્ની એના જ બોડીગાર્ડના પ્રેમમાં પડી અને છડેચોક એની સાથે સંબંધ થઈ ગયો એ વળી આખું જુદું પ્રકરણ છે.

ભાઈ અશ્ર્વિન નાઈકના ખૂનના આઘાતની કળ વળ્યા પછી અમર નાઈક માટે જીવનનું એક જ લક્ષ્ય હતું-સુનીત ખટાઉની હત્યા.

૭ મે, ૧૯૯૪. સવારના અગિયાર વાગ્યા પર પંચાવન મિનિટ થઈ હતી. મહાલક્ષ્મી રેલવે સ્ટેશન પાસેના સિગ્નલ પર સુનીત ખટાઉની ક્રીમ કલરની મર્સિડિસ ઊભી રહી. ખટાઉને ઑફિસ જવાની ઉતાવળ હતી. ત્યાં જ હીરો હોન્ડા પર સવાર બે યુવાન આવ્યા. મર્સિડિસની આગળ આવીને રસ્તો રોકીને ઊભા રહી ગયા. ત્યાં જ બીજી બે બાઈક પર બે જોડી આવી પહોંચી એક બાઈક મર્સિડીસની જમણી બાજુએ ઊભી રહી ગઈ, બીજી બાઈક ડાબી બાજુએ. કારની વિન્ડસ્ક્રીનના અને બેઉ તરફની વિન્ડોના કાચને જોરદાર હથોડા મારીને તોડી નાખવામાં આવ્યા. ગોળીઓનો વરસાદ વરસ્યો. થોડીક જ સેક્ધડમાં ત્રણેય બાઈક જાણે હવામાં ગાયબ થઈ ગઈ. સુનીત ખટાઉના વફાદાર અને બહાદુર ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને કાર સીધી નાયર હૉસ્પિટલ પર લીધી, પણ સુનીત ખટાઉના નસીબમાં આઈ.સી.યુ.માં નહીં પણ પોલીસ લાશનો કબજો લેવા આવે ત્યાં સુધી હૉસ્પિટલના શબઘરમાં રહેવાનું લખાયું હતું.

સુનીત ખટાઉની હત્યાના સમાચાર અરુણ ગવળીને જેલમાં મળ્યા ત્યારે એના મોઢામાંથી વારંવાર એક જ શબ્દ નીકળ્યા કરતો હતો: ‘બહેન…’

અરુણ ગવળી ગૅન્ગ પરનો અત્યાર સુધીનો આ સૌથી મોટો પ્રહાર હતો. એની ગૅન્ગને ખતમ કરવામાં બાકી રહેલું કામ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વિજય સાલસકરે પૂરું કર્યું. આ એ જ જાંબાઝ સાલસકર જે ર૦૦૮ની ૨૧ નવેમ્બરે કસાબને પકડવાના મિશનમાં શહીદ થઈ ગયા.

કાલે પૂરું.

આજનો વિચાર

પુરુષની જાત જ સાવ સ્વાર્થી છે. આ જુઓને હનીપ્રીત આવી નથી ને આ લોકો સની લિયોનીને તો સાવ ભૂલી ગયા!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પત્ની: ‘આજે તમને આલુ પરાઠા બનાવી દઉં?’

બકો: ‘ના, રહેવા દે. માણસ છું, એ જ ઠીક છે.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *