ખટાઉ પરિવાર અને ગવળી કુટુંબ

એનું નામ સચિન આહિર. ઉંમર વર્ષ ૪૫. પહેલાં મામાને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવામાં સાથ આપ્યો. ર૦૦૪ની સાલ. અને પછી ર૦૦૯માં પોતે ચૂંટણી લડીને એમએલએ બન્યો. મામાનું નામ અરુણ ગવળી. દગડી ચાલનો ડૉન.

અરુણ ગવળીને ત્રણ ભાઈ અને બે બહેન. પિતા ગુલાબ ગવળી મુંબઈની સિમ્પલેક્સ મિલમાં મજદૂરી કરે. માતા લક્ષ્મીબાઈએ પણ દસ વરસ મિલમજૂર તરીકે કામ કર્યું. એક ભાઈ નામે પ્રદીપ, જે દગડી ચાલમાં જ રહેતો, ખટાઉ મિલ્સમાં કામ કરે. ભાણો સચિન પણ ખટાઉમાં કામ કરતો. સચિનની માતા, અરુણની બહેન આશાલતાનાં લગ્ન મોહન ગંગારામ નામના ઍર ઈન્ડિયામાં લોડર તરીકે (સામાન ઉપાડનાર મજૂર તરીકે) નોકરી કરતા આદમી સાથે થયેલા. અરુણ ગવળીએ પોતે મેટ્રિક પાસ થઈને મહાલક્ષ્મીની શક્તિ મિલ્સમાં, વિક્રોલીની ગોદરેજ કંપનીમાં અને કાન્જુર માર્ગની ક્રોમ્પ્ટન ઍન્ડ ગ્રીવ્સમાં નોકરીઓ કરેલી. ૧૯૭૭માં અરુણ ગવળી રર વર્ષની ઉંમરે સદા પાવલે અને રામા નાઈકની સાથે વિધિસર ગુંડાગર્દી કરતો થયો ત્યારે ભાણો સચિન હજુ માંડ પાંચ વરસનો હતો. સચિન આહીર ર૦૦૯માં વિધાનસભ્ય બનીને મહારાષ્ટ્ર સરકારમાં કૅબિનેટ મિનિસ્ટર બન્યો તેનાં વર્ષો પહેલાંની આપણે વાત કરીએ છીએ. ૧૯૯૦ના દાયકાની.

એ દાયકાના શરૂઆતના વર્ષોમાં ભાયખલા વિસ્તારમાં ૧૩ એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી ખટાઉ મકનજી સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સે દર વર્ષે હિસાબમાં લૉસ બતાડવાનું શરૂ કર્યું. પ૦ કરોડ, ૫૪ કરોડ, ખોટ વધતી જતી હતી.

મુંબઈના મિલ વિસ્તારોની જમીનોના ભાવ રોતોરાત દસ ગણાથી માંડીને સો ગણા (સાતસોમાંથી સાત હજાર અને સિત્તેર હજાર રૂપિયે સ્ક્વેર ફૂટ) થઈ ગયા અને ભાયખલા, પરેલ, લાલબાગ, એલ્ફિન્સ્ટન રોડ વગેરે વિસ્તારની આખી સ્કાયલાઈન બદલાઈ ગઈ, જાણે મુંબઈની એકબે દાયકામાં જ સિકલ બદલાઈ ગઈ. ન્યૂ યોર્ક સિટીનો હર્લેમ નામનો ગીચ-ગલીચ વિસ્તાર જેમ ‘રાતોરાત’ ઝગમગતો મૅનહટન વિસ્તાર બની ગયો એવું જ કંઈક મુંબઈમાં થયું જેના પાયામાં હતી આ ખટાઉ મકનજી મિલ્સ. મુંબઈના જ નહીં ગુજરાતના અને વિદેશના પણ ગુજરાતી વાચકોને એ જાણવામાં રસ પડશે કે આ મિલના સ્થાપક ખટાઉ મકનજી (મકનજી નામ, ખટાઉ ફૅમિલીનું નામ અથવા અટક) પોતે મૂળ કચ્છના. જે ગુજરાતી સાહસિકોએ મુંબઈની સમૃદ્ધિમાં ફાળો આપ્યો તેમાંના અગ્રણી એવા ખટાઉ મકનજીએ ૧૮૬૯માં ભાયખલામાં ખટાઉ મકનજી સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ સ્થાપી. ૧૮પ૭ના બળવાને તે વખતે માંડ બાર વર્ષ થયેલા અને ગાંધીજીનો જન્મ થઈ ગયો હશે અથવા તો માતા પૂતળીબાઈના પેટમાં તેઓ હશે. નર્મદ અને કરસનદાસ મૂળજીનો એ જમાનો. ઈનફેક્ટ ખટાઉ મકનજીએ ૧૮૬૨માં ‘મહારાજ લાયબલ કેસ’નો ચુકાદો આવ્યા પછી પોતાના વિલમાં પોતાનાં કુટુંબનાં સ્ત્રીવર્ગમાંથી કોઈ પણ વૈષ્ણવ મંદિર, હવેલી કે ગુસાંઈજીની બેઠકોમાં દર્શને ન જાય એવી મનાઈ ફરમાવેલી.

સ્વામી આનંદના ‘કુળકથા’ પુસ્તકમાં ખટાઉ મકનજી વિશે લખ્યું છે કે ખટાઉ મકનજી ૧૧ વર્ષની ઉંમરે વતન કચ્છ છોડીને મુંબઈમાં સ્ટ્રગલ ફેંકવા આવી પહોંચેલા. શરૂમાં મામા જોડે કામ કરેલું. મામા જીવરાજ બાલુની બહુ મોટી પેઢી. રૂનો વેપાર કરે. ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે ઘણું મોટું ટર્નઓવર. ભારતના વિશ્ર્વવિખ્યાત વૈજ્ઞાનિક સર જગદીશચન્દ્ર બોઝને રિસર્ચ માટે ખટાઉશેઠના વારસદારોએ ઘણી રકમ દાન આપેલી. મુલુંડ વેસ્ટ ખાતે આગરા રોડ પર આવેલું વિખ્યાત અને આલિશાન બાલરાજેશ્ર્વર નામનું મહાદેવ મંદિર ખટાઉ મકનજીના દીકરા ગોરધનદાસ ખટાઉએ બંધાવ્યું. આગરા રોડ એટલે આજનો એલબીએસ માર્ગ. (એલબીએસ એટલે લાલ બહાદુર શાસ્ત્રી.) ખટાઉ કુટુંબે વીસમી સદીના મધ્ય સુધીમાં કાપડ ઉદ્યોગ ઉપરાંત કેમિકલ્સ, શિપિંગ, સિમેન્ટ, એવિયેશન, ઑટોમોબાઈલ તેમ જ બીજી અનેક ધંધાઓમાં પ્રગતિ કરી.

સુનીત ચંદ્રકાન્ત ખટાઉ આ જ ફૅમિલીના ચોથી પેઢીના વારસદાર. અને પરિવારના નાક સમી, ધીકતી કમાણી કરતી, કરોડો રૂપિયાની સ્થાવર અસ્કયામતો ધરાવતી બાપદાદાએ સ્થાપેલી ખટાઉ મિલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર. પંચાવનની આસપાસની ઉંમરે અરુણ ગવળીના ગાઢ સંપર્કમાં આવ્યા તે પહેલાં જ સુનીત ખટાઉ માટે ‘ઈન્ડિયા ટુડે’એ ૧૯૮૩માં કરેલી એક સ્ટોરીમાં લખાયું હતું કે ૪૨ વર્ષના આ ઉદ્યોગપતિ સુનીત ખટાઉની જિંદગીની પૅશન છે ઘોડાની રેસ. એમના ઘોડાઓ ઈન્ડિયન ડરબી જેવી ભારતની સૌથી મોટી રેસ સહિતની ઈન્વિટેશન રેસ, બૅન્ગલોર ડરબી વગેરેમાં જીત્યા હતા. સુનીતના પિતા ચન્દ્રકાન્ત ખટાઉના ભાઈઓમાંથી લક્ષ્મીદાસ ૧૯ વર્ષ પહેલાં (૧૯૮૩ના અહેવાલ મુજબ) ગુજરી ગયા હતા, મોરારજીએ ફૅમિલીના ધંધામાંથી વિદાય લઈ લીધેલી અને બાકીના બીજા બે ભાઈઓમાંના લલિતકુમાર તથા ધરમસી એ જ વર્ષના માર્ચ તથા આગલા વરસના ડિસેમ્બરમાં ગુજરી ગયેલા. સુનીતના ૭૫ વર્ષના પિતા ચન્દ્રકાન્ત એકલા જ એ પેઢીમાંના સર્વાઈવર. પ્રેક્ટિકલી સુનીત આખા વારસાના હકદાર, પણ એવું નહોતું. લીગલી મરહૂમ કાકાઓનાં સંતાનોનો પણ આ બધી પ્રોપર્ટીઓ પર હક્ક, ધંધાઓમાં એ બધાનો ભાગ. એ વખતે ખટાઉ ફૅમિલીમાં ભાઈઓ-કઝિનો વચ્ચે ફાટી નીકળેલા માલિકી-યુદ્ધના કે ભાગીદારી-યુદ્ધના રિપોર્ટ રૂપે ‘ઈન્ડિયા ટુડે’એ આ વાતો વાચકો સમક્ષ મૂકી હતી.

આ એ ગાળો હતો જ્યારે મુંબઈની મિલોમાં દત્તા સામંતનું એકચક્રીશાસન ચાલતું હતું. સામંતના યુનિયનોએ ૧૯૮૨માં મિલોમાં હડતાળ પડાવી, મજૂરોને વધારે પગાર મળે, સારી સવલતો મળે એવી માગણી સાથે. શિવસેનાનાં કામગાર સંગઠનો આ હડતાળોને તોડવાની કોશિશમાં નાકામિયાબ રહેતા એટલો મોટો પાવર દત્તા સામંત પાસે હતો. મિલ કામદોરોએ વર્ષો સુધી બેકારી ભોગવી. ક્રમશ: તેઓ કાં તો પોતાના વતન ભેગા થઈને ખેતમજૂરીના કામમાં લાગી ગયા અથવા તો મુંબઈમાં અન્ય નાનામોટા પરચુરણ કામો કરીને કુટુંબનું ભરણપોષણ કરતા થઈ ગયા. ૧૯૮૦નો દાયકો મિલમાલિકો તેમ જ મિલમજદૂરો-બેઉના માટે કપરો અને સંઘર્ષનો ગાળો હતો. મિલમાલિકો બંધ પડેલી મિલોને શહેરની પાદરે કે શહેરની બહાર લઈ જવાની ફિરાકમાં હતા. કેટલાક સંશોધકો દૃઢપણે માને છે કે આ હડતાળો મિલમાલિકો અને યુનિયન લીડરો વચ્ચેની સોચીસમજી સાઝિશ હતી. મુંબઈના આ મસમોટા વિસ્તારને હર્લેમની ગંદીગલીચ વસાહતમાંથી મૅનહટન જેવી સોનાની ખાણ બનાવવાની સાઝિશ. આ દરેક મિલની જમીન પરથી જો મિલો દૂર જતી રહે અને બિલ્ડરોને વેચી દેવામાં આવે તો એ પ્લૉટમાંથી સોનાની ખાણના એટલા જ ટુકડામાં થઈ શકે એના કરતાં પણ વધારે કમાણી થાય. અને તે પણ અલમોસ્ટ વગર મહેનતે.

પ,૭૦૦ જેટલા મિલમજૂરો તેમ જ અન્ય સ્ટાફથી ચાલતી ખટાઉ મિલ્સને બોરીવલીમાં પાણીના ભાવે ખરીદવામાં આવેલી જગ્યામાં ટ્રાન્સફર કરીને ભાયખલાની ૧૩ એકર જમીનને એક મોટા બિલ્ડરને વેચી દેવાના મનસુબામાં સુનીલ ખટાઉને જે સૌથી મોટું વિઘ્ન નડતું હતું તે ટ્રેડ યુનિયનનું. આ વિઘ્ન દૂર કરવા માટે સુનીત ખટાઉએ રૂપિયા પ૦૦ કરોડમાં વેચાઈ શકે એવા આ ૧૩ એકરના મિલના પ્લૉટનું વેચાણ થઈ ગયા બાદ વેચાણ કિંમતના પાંચ ટકા જેટલી રકમનું અરુણ ગવળીને પ્રોમિસ આપ્યું. જોકે, ગવળીએ માગ્યા હતા દસ ટકા. આમાંથી એડ્વાન્સ પેટે રૂપિયા ત્રણ કરોડ અપાઈ ગયા એટલે ગવળીએ આ મિશન પાર પાડવાની જવાબદારી બે જણને સોંપી-વિજય આહિર જે ગવળીનો દૂરનો ભાઈ થતો અને બીજો ભાણાભાઈ સચિન આહિર. એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘બેંગકોક ટુ ભાયખલા’માં સચિન આહિર અને અરુણ ગવળીની કુંડળીઓ તમને પ્રાપ્ત થશે.

ક્રમશ:

આજનો વિચાર

ખૂબ કમાઓ, પણ એટલું ભેગું ના કરો કે તબિયત જરાક નરમ થઈ કે તરત દીકરાઓ ડૉક્ટરને બદલે વકીલને બોલાવી લાવે.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો: ડૉક્ટર સાહેબ, મારી પત્નીનું વજન ખૂબ વધી ગયું છે. શું કરવું?

ડૉક્ટર: બહેનને કહેજો કે ખાવામાં જરા ધ્યાન રાખે.

બકો: જરા! એનું તો બધેબધું ધ્યાન ખાવામાં જ હોય છે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 13 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *