પોલિટિશ્યન, પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટરગુડ

પોલિટિશ્યનો ગુંડા હોય એવી છાપ હિન્દી ફિલ્મોએ જે ઊભી કરી છે તે કંઈ બેબુનિયાદ નથી. અંડરવર્લ્ડના તાકાતવર ગૅન્ગસ્ટર્સ પોતાનું કામકાજ પોલિટિશ્યન, પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સની મહેરબાની વિના બેરોકટોક ચલાવી જ ન શકે. પબ્લિક પ્રોસિક્યુટર્સ એટલે સરકારી વકીલો. ગૅન્ગસ્ટર્સને પોતાનો કેસ સંભાળવા માટે જેટલી જરૂર ડિફેન્સ લૉયર્સની પડે એટલી જરૂર સામા પક્ષના સરકારી વકીલોની પડવાની. શા માટે આમ આદમી, નાના મોટા ગુનેગારો, છૂટક સ્વતંત્ર કામ કરનારા ગુંડાઓ વગેરેને જામીન મળતા નથી? શા માટે એમની ધરપકડ વૉરંટ વગર જ થઈ જાય છે? શા માટે એમના ઘર, એમની કામકાજની જગ્યાઓ (અર્થાત્ ઑફિસો, અડ્ડાઓ વગેરે) પર સર્ચ વૉરન્ટ વિના જ દરોડા પડે છે? અને શા માટે એમના વિરુદ્ધના મામૂલી સાક્ષીઓ, પાંખા પુરાવાઓના આધારે પણ કોર્ટમાં એમને કડક સજા થાય છે?

આની સામે ખૂંખાર ગુંડાઓ વારંવાર પકડાવા છતાં જેલમાં લાંબી સજા ભોગવવી પડે એ રીતે કોર્ટમાં કસૂરવાર થવાના કિસ્સા બહુ ઓછા બને છે! કોર્ટકેસ તો દૂરની વાત થઈ. ખૂંખાર ગુંડાઓના ઈશારે હત્યાઓ થતી હોવાની બાતમી છતાં શા માટે પોલીસ કહેતી હોય છે કે એની ધરપકડ નહીં થઈ શકે, કારણ કે વૉરંટ કઢાવવા જેટલા પુરાવાઓ એના વિરુદ્ધ નથી અને ધારો કે એ ડૉન્સ પકડાયા તો પહેલી જ સુનાવણીમાં પુરાવાના અભાવે છૂટી જતા હોય છે અને જો કોઈ સંજોગોમાં કેસ ચાલ્યો પણ તો સાક્ષીઓ ગુમ થઈ જાય, સાક્ષીઓ ફરી જાય અથવા પુરાવાઓ ગાયબ થઈ જાય.

પોલીસ અને પબ્લિક પ્રોસિક્યુટર્સની અંડરવર્લ્ડ સાથેની સાઠગાંઠ વિના આમાંનું કંઈ જ ના થઈ શકે અને પોલીસ તેમ જ પબ્લિક પ્રોસિક્યુટર્સની તમારા પર મહેરબાની ત્યાં જ સુધી જ રહે જ્યાં સુધી તમને પોલિટિશ્યનના આશીર્વાદ મળતા રહે.

પોલિટિશ્યનના આશીર્વાદ માટે (અને પોલીસ-પબ્લિક પ્રોસિક્યુટર્સની મહેરબાનીઓ મેળવવા માટે) ચિક્કાર નાણાં ખર્ચવા પડે તેમ જ ક્યારેક એમનાં પર્સનલ કામ (જેમ કે, એમના ઈશારે કોઈકને ઉડાવવાનું કામ) પણ કરવાં પડે.

આ જ કારણ હોય છે કે અંડરવર્લ્ડના ડૉન્સને (અને એમના સાથીદારોને) પોલિટિક્સમાં પડીને ચૂંટણી લડવાની ઈચ્છા થઈ આવે છે. આવું માત્ર યુપી-બિહારમાં જ નથી થતું. મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના શાસન દરમિયાન પણ થતું રહ્યું છે અને ગુજરાતમાં પણ (કૉન્ગ્રેસના શાસન દરમિયાન) થતું રહ્યું હતું. દાઉદ ઈબ્રાહિમની છાયામાં ઉછરેલો અબ્દુલ લતીફ યાદ છે? જેના પરથી શાહરૂખની એક કચરો ફિલ્મ ‘રઈસ’ના નામે બની? તદ્દન ભંગાર ડાયરેક્શન અને એના કરતાંય ઊતરતી કક્ષાની સ્ક્રિપ્ટ. અબ્દુલ લતીફ નામનો મર્ડરર, બૂટલેગર અને અંડરવર્લ્ડનો ડૉન પણ ચૂંટણી લડીને પોલિટિશ્યન બનવા માગતો હતો, પણ એના અરમાન પૂરા થાય એ પહેલાં એક જમાનાના એના સાથી-મિત્ર-હમદર્દ એવા ટોચના પોલિટિશ્યને જ એનું એન્કાઉન્ટર કરાવી દીધું હતું.

આખા દેશમાં આવા તો અનેક કિસ્સાઓ મળી આવશે. વિદેશોમાં આના કરતાં વધુ કિસ્સાઓ મળી આવશે. ‘ગૉડફાધર’ નવલકથા છે પણ એમાં ૧૯૩૦ની આર્થિક મહામંદી પછીના, સેક્ધડ વર્લ્ડ વૉરના જમાનાના અમેરિકાના અંડરવર્લ્ડની સત્યકથાઓ વણી લેવામાં આવી છે. મારિયો પૂઝોએ આ નૉવેલમાં એક કરતાં વધારે વાર અંડરવર્લ્ડ અને પોલીસ-પોલિટિશ્યનો વચ્ચેની સાઠગાંઠના ઉલ્લેખો મૂક્યા છે. ડૉન કૉર્લિઓનની દીકરીના લગ્નમાં અનેક જજસાહેબો તથા સેનેટરોને નિમંત્રણ હતું, પણ ઑબ્વિયસ કારણોસર તેઓ આવ્યા નહીં, પરંતુ દરેકે મોંઘી ભેટો તેમ જ શુભેચ્છાઓ મોકલીને પોતાની ગેરહાજરીની કસર પૂરી કરી.

ડૉન કૉર્લિઓન જેની શેહમાં તણાતો નથી તે ડ્રગ ડીલર સોલોત્ઝોએ પોતાના પર્સનલ બૉડીગાર્ડ તરીકે એક ઉચ્ચ હોદ્દો ધરાવતા પોલીસ કૅપ્ટન તથા એની પોલીસ ટીમનું રક્ષાકવચ છે જેઓ, ડૉનનો દીકરો માઈકલ પિતાની સુરક્ષા માટે હૉસ્પિટલના દરવાજે ચોકી કરતો ઊભો હોય છે ત્યારે આવે છે અને માઈકલનો દાંત તૂટી જાય એટલા જોરથી એને મારે છે. શું કામ? કારણ કે સોલોત્ઝોના માણસોએ કરેલા ગોળીબારમાં ડૉન કૉર્લિઓન ઘાયલ થયો પણ બચી ગયો અને હૉસ્પિટલમાં દાખલ થયો ત્યારે ડૉનનું પોલીસ પ્રોટેકશન હટાવી લઈને સોલોત્ઝોના માણસોને એમનું અધૂરું કામ પૂરું કરવાની જવાબદારી પેલા કરપ્ટ પોલીસ કૅપ્ટન, નામે માર્ક મેક્કલુસ્કીની હતી. આ મૅક્ક્લુસ્કી અને સોલોત્ઝોનું જાહેર જગ્યાએ ખૂન કરીને ઈટલી ફરાર થઈ ગયેલો માઈકલ જ્યારે અમેરિકા પરત આવવાનો હોય છે ત્યારે ડૉન કૉર્લિઓન ન્યૂ યોર્કના બાકીના ગૅન્ગસ્ટરો સાથે કૉન્ફરન્સ કરે છે ત્યારે એક રાઈવલ ડૉન એમને સંભળાવી દે છે કે: ‘ડૉન કૉર્લિઓન, લોકોના ગજવામાં જેમ પરચૂરણ હોય તેમ તમારા ખિસ્સામાં જજો અને પૉલિટિશ્યનો પડેલા છે. તમારે તમારા એ સંબંધોનો ઉપયોગ અમને લોકોને કરવા દેવો જોઈએ. તમારા કૂવામાંનું પાણી તમે ગામલોકોને પણ વાપરવા દો. બદલામાં તમારે જે ફી જોઈતી હોય તે અમે ચૂકવી દઈશું.’

કાગડા બધે જ કાળા. ધોળિયાઓના દેશોમાં તો વિશેષ કાળા. અત્યારે અહીં મુંબઈના એક એવા આબરૂદાર પોલિટિશ્યનનું નામ યાદ આવે છે જેની કુંડળી પોલીસની પાસે તો છે જ, આમ જનતા પણ એને વિધાનસભ્ય તરીકે સારી રીતે જાણે છે. કાલે એની વાત.

એક મિનિટ!

‘ગણેશોત્સવ દરમિયાન લાલબાગચા રાજાના દર્શને ગયેલા મૂકેશ અંબાણીએ વિશાળ મૂર્તિ સમક્ષ બે હાથ જોડીને શું કહ્યું હશે.’

‘ભગવાન, કુછ ચાહિયે હોગા તો બતા દેના…’

આજનો વિચાર

એક સવાલ પૂછું, સાયબ

ખોટું તો નંઈ લાગે ને…

ડાયાડમરા ભ્રષ્ટાચાર કરતાં ગાંડો વિકાસ શું ખોટો છે?

– વોટ્સઅપ પર વાંચેલું

( મુંબઇ સમાચાર : મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *