પાદરીબાબાઓનાં પરાક્રમો

બીજાઓનાં પાપ ગણાવીને આપણાં પાપ ઓછાં થતાં નથી. સો ટકા સાચી વાત, પણ અહીં વાત જુદી છે. મારાં પાપ છાવરીને હું માત્ર તમારાં જ પાપ ગણાવતો હોઉં તો ઈટ્સ હાય ટાઈમ કે તમારે મને એક્સપોઝ કરવો પડે.

૨૮મી ઑગસ્ટે ‘બાબા રામરહીમ, વેટિકમના પોપ અને શાહી ઈમામ’ લેખ પ્રગટ થયાના બીજા દિવસે ‘ઈન્ફિનિટી ફાઉન્ડેશન’વાળા જગવિખ્યાત હિન્દુત્વ સ્કૉલર રાજીવ મલહોત્રા સાથે સંકળાયેલી ‘ઈન્ડિયાફૅક્ટ્સ ડૉટ આરજી’ સંસ્થાએ પોતાની વેબસાઈટ પર એક ભરપૂર રિસર્ચ સાથેનો ચોંકાવનારો રિપોર્ટ પ્રગટ કર્યો. આ વિશ્ર્વસનીય અહેવાલમાં દરેક માહિતીના સોર્સને ટાંકવામાં આવ્યો છે.

ભારતમાં અંગ્રેજી મીડિયા માટે (અને એનું આંધળું અનુકરણ કરનારા મોટાભાગના ભારતીય ભાષાઓના મીડિયા માટે પણ) ગૉડમૅન એટલે હિંદુ/શીખ કે જૈન સાધુ. ગૉડમૅન ચર્ચ સાથે સંકળાયેલા પાદરીઓ અને ઈસ્લામ ધર્મ સાથે સંકળાયેલા ધર્મગુરુઓ પણ આવી જાય એવું જાણે કોઈ જાણતું જ નથી. સેક્સ, પૈસા કે પછી અંધશ્રદ્ધા સાથે સંકળાયેલા કૌભાંડો આ હિંદુ/શીખ/જૈન ગૉડમૅન જ કરે છે એવી છાપ ઊભી કરવામાં મીડિયાની બદમાશીનો અને અન્ય ધર્મો દ્વારા એમને અપાતી આર્થિક સહિતની બીજી ‘સગવડો’નો ઘણો મોટો ભાગ છે.

હિંદુ/શીખ/જૈન સાધુઓનાં આવાં કૌભાંડો જેટલાં નીંદનીય અને ઘૃણાસ્પદ છે એટલાં જ અન્ય ધર્મોના ધર્મગુરુઓનાં છે, પણ એ લોકોનાં કૌભાંડોને મીડિયા દબાવી દે છે, અંદરનાં પાનાંઓમાં સંતાડી દે છે.

મીડિયા કેટલું બાટસ્ડ અને બદમાશ થઈ શકે છે તે જુઓ. બ્રહ્માંડમાં સૌથી વધુ સર્ક્યુલેશન ધરાવતા એક અંગ્રેજી અખબાર સમૂહના ટેબ્લોઈડમાં ફ્રન્ટ પેજ પર નૉર્મલી આગલા દિવસની ઈમ્પોર્ટન્ટ ઘટનાઓની હેડલાઈન જરૂર હોય. ટ્રિપલ તલાકવાળો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો જેના પ્રત્યાઘાત આખા દેશના મુસ્લિમ સમુદાયમાં તો પડ્યા, એટલું જ નહીં જગત આખાના ઈસ્લામિક દેશોમાં પણ એ ચુકાદો ચર્ચાયો, પણ આ અંગ્રેજી ટેબ્લોઈડ આ સમાચારને ફ્રન્ટ પેજ પર લેવાનું ‘ચૂકી ગયું’. થોડાક જ દિવસમાં ગુરમિત સિંહ ઉર્ફે (બાબા રામરહીમને વીસ વર્ષની) સજા પડી અને આ ટેબ્લોઈડે ફ્રન્ટ પેજ પર ઉછળી ઉછળીને એ સમાચાર પ્રગટ કર્યા.

‘ઈન્ડિયાફૅક્ટ્સ’ (ડૉટ ઓઆરજી. ડૉટ ઈન વળી જુદી છે) એ જબરજસ્ત રિસર્ચ કરીને છેલ્લા એકાદ દસકામાં પચાસથી વધુ ખ્રિસ્તી પાદરીબાબાઓનાં એવાં કૌભાંડોની યાદી આપી છે જેના વિશે પોલીસ ફરિયાદ થઈ હોય/ કોર્ટમાં કેસ ચાલ્યો હોય/ સજા પડી હોય/ કેસ હજુ ચાલુ હોય. આ બધા જ પાદરીઓ ભારતીય છે અથવા ભારતમાં વસે છે. એમનાં મોટા ભાગનાં સેક્સ કૌભાંડોનો ભોગ સગીર ઉંમરનાઓ બન્યાં છે.

આ પચાસ જેટલા કેસીસમાંના ફિફ્ટી પર્સેન્ટ અર્થાત્ પચીસ કેસ તો છેલ્લાં દોઢ વર્ષના જ છે. આમાંના ૭ જેટલા કેસમાં કોર્ટની ખૂબ લાંબી કાર્યવાહી પછી ગુનેગાર પાદરીઓને સજા પણ થઈ છે. આમાંના ૩૦ જેટલા કેસ તમિળનાડુ અને કેરળ રાજ્યમાં જ નોંધાયેલા છે.

ચર્ચ અને સરકારના સત્તાધીશોએ કેટલાક આરોપી પાદરીબાબાઓને બચાવવા માટે જે પ્રયત્નો કર્યા છે તેમાંના જગજાહેર એવા આટલા છે: ગોવાના ભૂતપૂર્વ ગવર્નર એસ. સી.જામિરે ફાધર ન્યૂટન રોડ્રિગ્સ નામના પાદરીબાબાનો કેસ રફેદફે કરાવ્યો હતો. રોડ્રિગ્સે ૧૩ વર્ષની ઉંમરની સગીર વ્યક્તિનું જાતીય શોષણ કર્યું હતું એવો એમના પર આરોપ છે.

ઊટીના મોટા ચર્ચે રેવરન્ડ, જયપૉલને થયેલી સસ્પેન્શનની સજા પાછી ખેંચી લીધી. આ સાહેબ પર અમેરિકામાં ૧૪ વર્ષની બે ટીનેજર પર જાતીય આક્રમણ કરવાનો આરોપ છે.

બાય ધ વે, આ અને હવે પછીના દરેક કેસની મૂળ વિગતોની લિન્ક તમને ઈન્ડિયાફૅક્ટ્સની વેબસાઈટ પર આ માહિતીના ઉલ્ેલખ સાથે જ મળશે. દાખલા તરીકે રેવરન્ડ જોસેફ પલનિવલ જયપૉલ વિશેનો કમ્પલીટ રિપોર્ટ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૩ના ‘ઈન્ડીપેન્ડન્ટ’માં છપાયેલો છે જેમાં લખ્યું છે કે ૬૧ વર્ષના આ પાદરીબાબાને દસ વર્ષ પહેલાં બે કુમારિકાઓ સાથે અઘટિત જાતીય કૃત્યો કરવા બદલ રોમન કેથલિક ચર્ચે સસ્પેન્ડ કર્યા અને પછી એ અમેરિકાથી ભાગીને ઈન્ડિયા આવી ગયા અને છેવટે ડાયરેક્ટ વેટિકનથી છોડવામાં આવેલા હુકમને પરિણામે ઊટીના બડા ચર્ચે એમનું સસ્પેન્શન પાછું ખેંચીને એમને વાજતેગાજતે ફરી પાછા ભગવાન ઈશુના પનોતા પુત્ર તરીકે માનવજાતનું કલ્યાણ કરવાની જવાબદારી સોંપી. આ પાદરીબાબા જ્યારે અમેરિકાથી ભાગીને ઈન્ડિયા આવી ગયા ત્યારે, ૨૦૧૨માં ઈન્ટરપોલે એમની ધરપકડ કરી અને એમને દેશાંતર કરીને પાછા અમેરિકા ભેગા કરવામાં આવ્યા. ત્યાં એમના પર કેસ ચાલ્યો. અમેરિકાની કાયદા પદ્ધતિ મુજબ ત્યાં પ્લી બાર્ગેનિંગ થાય છે. પાદરીબાબાએ બે નહીં પણ એક ટીનએજ છોકરીને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવાનો ગુનો કબૂલ કર્યો અને પ્લી બાર્ગેનિંગમાં બીજી ટીનએજર સાથેનો આક્ષેપ પડતો મૂકવામાં આવ્યો. પાદરીબાબાને ૨૦૧૫માં એક વર્ષની જેલની સજા થઈ પણ આટલો સમય તેઓ ઑલરેડી અન્ડર ટ્રાયલ કેદી તરીકે જેલમાં રહી ચૂકેલા એટલે કેસમાંથી છૂટી ગયા અને ભાગીને તરત ઈન્ડિયા આવી ગયા જ્યાં વેટિકનના કહેવાથી આ ‘બળાત્કારીબાબા’ પરનું સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યું.

તમિળ દૈનિક ‘દિનમલાસ’ રિપોર્ટ મુજબ (આની ઓરિજિનલ લિન્ક છે જે તમિળમાં છે. આપણને આવડતું નથી) નમક્કલ ગામના સામ આરોન નામના પાદરીબાબા પર સેક્સ્યુઅલ અસોલ્ટનો ચાર્જ હોવા છતાં તેઓ જામીન પર છૂટી ગયા.

બિશપ એન. એલ. કરકરે નામના ૪૨ વર્ષના, હૈદરાબાદના મેથોડિસ્ટ ચર્ચના ઉચ્ચ હોદ્દો ધરાવતા પાદરીબાબા સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ઉદ્ગીર (લાતુર જિલ્લા)માં આવેલા મેથોડિસ્ટ ચર્ચ ઑફ ઈન્ડિયાના ગેસ્ટહાઉસમાં આ સાહેબની કામવાળી તથા રસોઈયણ તરીકેની ફરજ પોતે બજાવતી હતી ત્યારે એને સ્કૂલમાં પરમેનન્ટ નોકરી આપવાની લાલચ આપીને સતત બે વર્ષ સુધી એનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. મદ્રાસના ‘હિન્દુ’ નામના અંગ્રેજી દૈનિકના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર પોલીસે આ પાદરીબાબા સામે એફ.આઈ.આર. નોંધી હોવા છતાં આગળ કોઈ કાર્યવાહી કરી નથી અને બાબાજી છુટ્ટો ફરે છે.

‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’માં ૨૧ ઑગસ્ટ, ૨૦૧૬ના દિવસે પ્રગટ થયેલા અહેવાલ મુજબ ૨૦૧૩ની સાલની ૨૩મી જુલાઈએ ફાતિમા સોફિયા નામની એક માતાની ૧૭ વર્ષની જુવાનજોધ દીકરીની લાશ કેરળના પલક્કડ જિલ્લાના વાલયાર ગામના ચર્ચના ફાધર અરોક્યરાજના ગેસ્ટ રૂમમાંથી મળી આવી. પોલીસે આત્મહત્યાનો કેસ દર્જ કરીને ફાઈલ બંધ કરી દીધી.

એ પછી ઘટનાઓએ એવો વળાંક લીધો કે પાદરીબાબાએ પેલી નિર્દોષ ક્ધયાની માતા આગળ ક્ધફેસ કરવું પડ્યું કે મેં જ તારી દીકરીની હત્યા કરી છે. એક પત્ર દ્વારા સાબિત થયું કે દીકરી અને ‘ફાધર’ વચ્ચે સંબંધો હતા. ચર્ચની ખાનગી વિધિમાં ફાધરને ‘ડીફ્રોક’ કરવામાં આવ્યા અથવા તો પદચ્યુત કરવામાં આવ્યા, સાદી ભાષામાં કહીએ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા. વેટિકન સાથે પત્રવ્યવહાર થયો. કેરળમાં થોડાક પોલીસ અફસરોની બદલી થઈ.

છોકરીની માતાના દિવસરાતના પ્રયત્નો પછી છેવટે ૨૦૧૬માં આ કાંડ છાવરવા બદલ બિશપ ઉપરાંત કુલ પાંચ પાદરીબાબાઓની ધરપકડ થઈ. પાંચેયને જામીન મળી ગયા. બિશપ પર તો હત્યા અને બળાત્કારનો ગુનો દાખલ થયેલો છતાં એમને પણ બેલ મળી ગઈ. બિશપ કહે છે કે હું નિર્દોષ છું, પણ ચર્ચની ૧૯ ઑગસ્ટ, ૨૦૧૩ની જે ખાનગી કાર્યવાહીમાં એમને ‘ડીફ્રોક’ કરવામાં આવ્યા હતા તે વિધિના દસ્તાવેજોમાં, મર્ડરના ચાર જ અઠવાડિયા બાદ, બિશપે છોકરી સાથે ‘શારીરિક સંબંધો’ હતા અને મેં એને ‘વાપરી’ (યુઝ્ડ) છે એવી કબૂલાતો લખાયેલી છે.

છોકરીની માતા કહે છે કે આ પાદરીબાબા મને દીદી કહેતા અને મારી દીકરી એમને મળી ત્યારે છઠ્ઠા ધોરણમાં ભણતી હતી.

આ પાદરીબાબા અત્યારે છુટ્ટા રખડે છે. આ કે આવા કોઈ કાંડને તમે ટીવી પર બ્રેકિંગ ન્યૂઝમાં જોયા નથી, છાપાના ફ્રન્ટ પેજ વાંચ્યા નથી. આ અને આવા અનેક કિસ્સાઓને મીડિયાએ ફ્રન્ટ પેજ પર મૂકવાને બદલે અંદરના પાને દાટી દીધા છે. કાલે પૂરું કરીએ, બાકી આ લોકોના ભવાડાઓ વિશે લખ્યા કરીશું તો અંત જ નહીં આવે.

આજનો વિચાર

જૂની કહેવત છે: ચોરને ખાંસી અને સાધુ-પાદરીને દાસી ના પરવડે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકો (પાડોશણને): ભાભી, તમને કેટલા બાબા?

ભાભી: બાબા બાબા નઈ કેવાનું. કેટલા દીકરા એમ પૂછવાનું, હમજ્યો!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *