આવ રે, વરસાદ

મુંબઈમાં જ્યારે જ્યારે પાણી ભરાતાં ત્યારે અમારા આરાધ્ય દેવ પત્રકાર શિરોમણિ સ્વ. હસમુખ ગાંધી કાગળ પર ચીતરીને અમને સૌને બતાવતા કે મુંબઈની ભૌગોલિક અવસ્થા, એની ટોપોગ્રાફી ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલી છત્તી રકાબી જેવી છે. ઊંધી નહીં, છત્તી. ઊંધી રકાબી જેવી ટોપોગ્રાફી હોત તો મુંબઈમાં પાણી ભરાવાની સમસ્યા જ ન હોત.

મંગળવારે મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી પહેલેથી જ હતી. ઘરની બહાર નહીં નીકળવાની, સમુદ્ર કિનારે નહીં જવાની ચેતવણી ૨૪ કલાક પહેલાં અપાઈ ચૂકી હતી. આમ છતાં જેઓ બહાર નીકળ્યા એમાંના કેટલાક લોકો અમુક રસ્તા પર, રેલવેના પાટા પર પાણી ભરાઈ જવાને કારણે કેટલાક કલાક માટે અટવાઈ ગયા જેનું રિપોર્ટિંગ ટીવી ચેનલોએ અતિશયોક્તિભરી રીતે કર્યું. એક્ઝજરેશન ત્યાં સુધી કે જે માહિતી આસાનીથી હવામાન ખાતા સાથે ચેક કરી શકાય એવી માહિતી પણ બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવતી રહી. મંગળવારથી બુધવાર સવારના સાડા પાંચ વાગ્યા સુધીમાં કોલાબાની વેધશાળાએ ૧૧૦ મિ.મી. અને સાંતાક્રુઝની વેધશાળાએ ૩૨૮ મિ.મી. વરસાદ નોંધ્યો, જ્યારે મંગળવારે બપોરે કેટલીક ચેનલો છેલ્લા બે કલાકમાં ૬૪૪ મિ.મી. વરસાદ પડ્યો એવું કહીને મુંબઈગરાઓને ભરમાવતી રહી અને પૅનિક ફેલાવતી રહી.

મુંબઈની ટોપોગ્રાફી છત્તી રકાબી જેવી કેવી રીતે બની તે વિશેનું જરા સરખું સંશોધન કર્યું હોત આ શહેરના અને બહારગામના પોતાને દોઢડાહ્યા સમજતા લોકો જે રીતે શાસનને ગાળાગાળ કરે છે તે ન કરતા હોત. બાય ધ વૅ, પરમ દિવસે પાણી ભરાયાં ત્યારે રાજ્યમાં અને દેશમાં ભાજપની સરકાર હતી, પણ ૨૦૦૫માં જ્યારે આના કરતાં અનેક આપદાઓ સર્જનારી પરિસ્થિતિ વખતે રાજ્ય તથા કેન્દ્રમાં કૉન્ગ્રેસ સરકાર હતી અને સ્થાનિક સ્તરે શિવસેના વગેરેનો વાંક કાઢતા હો તો ૧૯૬૬માં શિવસેનાની સ્થાપના થઈ તેના પહેલાં, ઈવન આઝાદી પહેલાં, અંગ્રેજોના રાજમાં પણ મુંબઈમાં પાણી ભરાતાં જ હતાં.

સરાસરી કરતાં વધારે વરસાદ આવે અને દરિયામાં ભરતીનો સમય હોય – આ બે વાત ભેગી થાય ત્યારે સમુદ્રને અડીને આવેલા શહેરમાં આવું થવાનું જ. કોઈ ચાંપલું મને સવાલ કરશે કે પણ મુંબઈ અને સિંગાપોર બેઉ શહેરોમાં અલમોસ્ટ ઈકવલ વરસાદ પડે છે તોય ત્યાં કેમ પાણી ભરાતાં નથી? આવા સવાલો અધૂરા ઘડા છલકાવાની નિશાની છે. સિંગાપોરમાં એવરેજ વર્ષે ૨,૨૭૩ મિ.મી અને મુંબઈમાં ૨,૪૧૩ મિ.મી. વરસાદ પડે છે. અલમોસ્ટ ઈક્વલ, પણ મુંબઈમાં આ વરસાદ ૧૦૪ દિવસના ગાળામાં વરસી જાય છે, જ્યારે સિંગાપોરમાં આટલો જ વરસાદ વરસવા માટે ૧૮૦ દિવસ લાગે છે. એક સાથે, એકધારો વરસાદ મુંબઈમાં પડે છે, સિંગાપોરમાં નહીં. લંડનમાં પણ ૧૦૭ દિવસ અને ટોકિયોમાં પણ ૧૦૪ દિવસ વરસાદ પડે છે, મુંબઈ જેટલા જ દિવસો, પણ લંડનમાં મુંબઈ કરતાં (કે સિંગાપોર કરતાં) પાંચમા ભાગનો જ વરસાદ પડે છે. ૫૯૪ મિ.મી. અને ટોકિયોમાં મુંબઈમાં પડે છે એના અડધા કરતાં થોડો વધારે ૧,૫૬૩ મિ.મિ. વરસાદ વર્ષ દરમિયાન પડે છે.

આંકડાબાજી હાથમાં લીધી જ છે તો થોડા વધુ આંકડા જાણીને એમાંથી બહાર નીકળી જઈએ. વૉશિંગ્ટન ડી.સી.માં ૧૧૨ દિવસ દરમિયાન ૯૯૧ મિ.મી.., હૉંગકૉંગમાં ૧૩૦ દિવસ દરમિયાન ૨૨૦૯ મિ.મી., બીજિંગમાં ૬૬ દિવસ દરમિયાન ૬૨૩ મિ.મી. અને પૅરિસમાં ૧૬૪ દિવસમાં ૫૮૫ મિ.મી. વરસાદ પડતો હોય છે. આ સરાસરી આંકડા છે.

મુંબઈમાં મંગળવારે વરસાદને કારણે પાણી ભરાયાં એમાં બહેન શોભા ડે એ તો ટ્વિટર પર ચિલ્લાચિલ્લી કરી મુકી કે, ‘આય કાન્ટ રિમેમ્બર અ ડેલ્યુજ ઑફ ધિસ સ્કેલ ઈન રિસન્ટ મેમરી…’ અરે મારી મોટી બહેન, ૨૦૦૫માં આના કરતાં અનેકગણો વરસાદ પડ્યો હતો, યાદ નથી? કે પછી બુઢાપો આવતાં સ્મૃતિ ભૂંસાતી ગઈ છે, અલ્ઝાઈમરને કારણે ડિમેન્શ્યા થઈ ગયો છે કે શું? આ બહેનને પૂનાથી મુંબઈ બાય રોડ આવતાં ઝિરો વિઝિબિલિટી નડી ગઈ. તો એમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન શું કરે? કુદરતનાં પરિબળો છે આ. વાજપેયીજી વડા પ્રધાન હતા ત્યારે એમની નજીક ઘૂસી ગયેલો એક લેફ્ટિસ્ટ નામે સુધીન્દ્ર કુલકર્ણી પણ શોભા ડેના પગલે ચાલીને ટ્વિટ કરે છે; ‘હું કલાકથી પરેલ બ્રિજ પાસે ભરાઈ પડ્યો છું…’ તે ભરાઈ જ પડો ને. નીચાણવાળા વિસ્તારમાં નહોતું જવાનું આ દિવસે કોઈએય. બીજા કેટલાક વીઆઈપી લોકો ફરિયાદી સૂરમાં મંડી પડ્યા કે હાય, હાય, અમારી ફ્લાઈટ કૅન્સલ થઈ ગઈ, અમારાં કામ રખડી પડ્યાં.

અરે ભાઈ, પુઅર વિઝિબિલિટીને કારણે ઍર ટ્રાફિક ખોરવાઈ જાય એવું માત્ર મુંબઈ કે ભારતમાં નથી બનતું. ન્યૂ યૉર્કના જેએફકેથી માંડીને લંડનના હિથરો સહિતના જગત આખાનાં હવાઈમથકો ભારે વરસાદ, હિમ વર્ષા કે એવી કોઈ વિષમ કુદરતી પરિસ્ેિથતિઓમાં કલાકો સુધી બંધ રહ્યાં જ છે. હિથરો તો બેચાર મહિના પહેલાં કૉમ્પ્યુટર સિસ્ટમો બંધ પડી જવાને કારણે ઠપ થઈ ગયું હતું. કુદરતી નહીં, માનવસર્જિત પરિસ્થિતિ હતી. થાય આવું, પણ જો આપણે ત્યાં કૉમ્પ્યુટર સિસ્ટમો ઠપ થઈ જવાને લીધે હવાઈ ઉડ્ડયનો બંધ થઈ જાય તો બનાવટી બૌદ્ધિકો રાડારાડ કરી મૂકે.

મંગળવારની અંધાધૂંધી પછી બુધવારની સવાર પહેલાં તો સાંતાક્રુઝ અને સહાર ઍરપોર્ટ શરૂ થઈ ગયાં, અલબત્તા ક્રુને આવતાં મોડું થવાને લીધે ફ્લાઈટો અડધો પોણો કલાક મોડી ચાલતી. રસ્તાઓ પરનો ટ્રાફિક અદૃશ્ય થઈ ગયો અને સાથે પાણી પણ ઓસરી ગયાં. લોકલ ટ્રેનો ફરી ચાલુ થઈ ગઈ, બીઈએસટી ફરી દોડતી થઈ ગઈ. મેટ્રો રેલ પણ રાબેતા મુજબ ચાલતી થઈ ગઈ. મુંબઈને ચોવીસે કલાક ધબકતું રાખનારા લોકોએ આ કામ કર્યું. મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ, સફાઈ કામદારો, પોલીસ, બંબાવાળા, ઈલેક્ટ્રિક સપ્લાયની કંપનીના કર્મચારીઓ, નેવીના જવાનો, સેન્ટ્રલ- વેસ્ટર્ન- હાર્બર રેલવેના કર્મચારીઓ અને મુંબઈના હજારો સેવાભાવી નાગરિકોએ મુંબઈને ગણતરીના કલાકોમાં ફરી પાછું પૂર્વવત્ ધબકતું કરી નાખ્યું.

હ્યુસ્ટનમાં ભાજપ કે શિવસેના નથી છતાં વાવાઝોડાને લીધે આખો ઈલાકો ઠપ પડી જાય છે ત્યારે ત્યાંનો કોઈ નાગરિક ત્યાંની સ્થાનિક કે (રાજ્ય કે કેન્દ્ર) સરકારને ગાળાગાળ કરવા નથી બેસતો. ટેક્સાસ રાજ્યમાં હ્યુસ્ટન ઉપરાંત બીજા ઘણાં શહેરો છે. ત્યાંના શહેરોમાં અમદાવાદના માર્ગો પર સર્જાય છે એવા ભૂવા પડી ગયા. કુદરતી કારણોસર જે પરિસ્થિતિ સર્જાવાની છે તે સર્જાઈને રહેતી હોય છે. જંગલોમાં દાવાનળથી જે નુકસાન થાય છે તે આપણે ત્યાં કમ્પેરિટિવલી ઘણું ઓછું છે, અમેરિકામાં અનેકગણું છે. આપણે ત્યાં જ ટ્રેનો પાટા પરથી ખડી પડતી નથી. દુનિયામાં ઠેકઠેકાણે, ચીન, જપાનથી લઈને અમેરિકા સુધીના દેશોમાં ટ્રેનો પાટા પરથી ખડી પડે છે. અનમૅન્ડ ફાટકો પર વાહનો સાથે ત્યાંની ટ્રેનો પણ અથડાય છે. હાઈવે પર જીવલેણ અકસ્માતો થતા રહે છે. પણ આપણે ત્યાં લઘુતાગ્રંથિથી પીડાતા લોકોને ત્યાંની ચમકદમક જ જોવામાં અને આપણે ત્યાંની તારાજગીઓ જોવામાં જ રસ હોય છે.

એક નાનકડી વાત સાથે આજનો લેખ પૂરો કરું. કચ્છના ભૂકંપ વખતે (૨૦૦૧માં) આપણી કેટલીક દેશદ્રોહી ચેનલો અને છાપાંઓ કચ્છમાં છૂટાછવાયા બનતા કિસ્સાઓ ટાંકીને રિપોર્ટ કરતાં કે કાટમાળ ખૂંદીને કોઈની દટાઈ ગયેલી કીમતી માલમતા કાઢતો માણસ પકડાયો. હું તે વખતે એક છાપું એડિટ કરતો અને આવા ન્યૂઝ નજરઅંદાજ કરતો. વખાનો માર્યો કોઈ માણસ રાહતકાર્યની લાઈનમાં ઊભો રહીને બે વાર ધાબળો લઈ જાય તો એના માટે સહાનુભૂતિ હોય, તિરસ્કાર નહીં. મારા માટે ન્યૂઝ તો એ બને જ્યારે કોઈ માણસ એક પગમાં આઠ નંબરની અને બીજા પગમાં નવ નંબરની સ્લિપર પહેરીને ફરતો હોય. ભચાઉના એસટી સ્ટેન્ડમાં જેની કૅન્ટીન તારાજ થઈ ગયેલી એવા માણસને હું મળ્યો ત્યારે એની પાસેથી જાણ્યું કે રાહતકાર્યમાં સેવા સંસ્થા સ્લિપર્સ વહેંચતી હતી છતાં એ ત્યાં લેવા ન ગયો, જેથી બીજા કોઈકને એનો લાભ મળે, પોતાની પાસે બે જુદા જુદા નંબરની તો જુદા જુદા નંબરની સ્લિપર્સ તો છે! મારા માટે ન્યૂઝ આ કહેવાય.

કટ ટુ એ જ વર્ષે સપ્ટેમ્બરની ૧૧મી. નાઈલ ઈલેવન. અમેરિકામાં ન્યુ યૉર્કનાં ટ્વિન ટાવર્સ ઉડાવાયાં. બેત્રણ દિવસ પછી મારા છાપામાં મારી ગેરહાજરી દરમિયાન અંદરના કોઈ ઈન્સિગ્નિફિક્ધટ પાને સમાચાર છપાયા: ઝીરો ગ્રાઉન્ડ પર (જ્યાં પહેલાં બે ટાવર્સ ઊભા હતા)ના કાટમાળમાંથી કોઈની લાશ પરની વીંટી કાઢતો અમેરિકન પકડાયો.

આ સમાચાર વાંચીને હું મારા સ્ટાફ પર બગડ્યો: આ સમાચાર અંદરના પાને કોણે છાપ્યા? આપણા માટે આ ફ્રન્ટ પેજ ન્યૂઝ કહેવાય!

આજનો વિચાર

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું.

– ‘સૈફ’ પાલનપુરી

એક મિનિટ!

ખાણીપીણીવાળા કેટરર્સને ત્યાં હંમેશાં બોર્ડ મારેલું હોય છે:

‘લગ્ન તેમજ શુભ પ્રસંગોના ઑર્ડર લેવામાં આવે છે.’

શું આ લોકો લગ્નને શુભ પ્રસંગ નહીં ગણતા હોય?

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 31 ઓગસ્ટ 2017)

1 comment for “આવ રે, વરસાદ

  1. ડો કે.એસ.પટેલ
    August 31, 2017 at 6:09 PM

    હાલમાં ટેક્સાસ અમેરિકા માં આવેલા વરસાદ તથા વાવાઝોડા માં રાત્રે ચોરી લૂંટફાટ ન થાય તે માટે રાત્રે કરફ્યૂ લગાડવામાં આવેલ હતોઃ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *