મરાયટલ રૅપ: વેસ્ટર્ન ક્ન્સેપ્ટ વિરુદ્ધ આપણી સંસ્કૃતિ

હજુ ગઈ કાલ સુધી આપણી નારીવાદી સંસ્થાઓ મરાયટલ રેપના મુદ્દે ઊછળતી હતી. લગ્નમાંની ઈચ્છા ન હોય અને પુરુષ એની સાથે સમાગમ કરે તેને મરાયટલ રૅપ કહે. જેમ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દહેજવિરોધી કાયદાનો દુરૂપયોગ રોકવા માટે કેટલીક સલાહો આપી (જેના વિશે આપણે આ કોલમમાં લખી ગયા) એમ હવે સરકારે કહ્યું છે કે લગ્નસંબંધી જોડાયેલા પતિ-પત્ની વચ્ચે બળાત્કાર જેવું કશું હોતી નથી. પછી ઉમેર્યું છે કે મરાયટલ રૅપ તો એક વેસ્ટર્ન કન્સેપ્ટ થઈ.

યે બાત. આ આપણી સરકાર છે એવું છેલ્લાં ત્રણ વર્ષમાં વારંવાર પુરવાર થતું રહ્યું છે, ફરી એક વાર પુરવાર થયું: ‘આ એક વેસ્ટર્ન કન્સેપ્ટ’ છે.

મરાયટલ રૅપ જેવી અનેક વેસ્ટર્ન કન્સેપ્ટને નારીવાદીઓએ બનાવટી બૌદ્ધિકોએ તેમ જ તેમના દ્વારા ચલાવાતી લેભાગુ એન. જી. ઓઝે ખૂબ વાપરી. પશ્ચિમની સંસ્કૃતિનું આપણે નહીં પણ આપણું અનુકરણ પશ્ચિમે કરવું જોઈએ અને કર્યું જ છે. આપણામાં એક ભૂલભરેલી કન્સેપ્ટ ઘૂસી ગઈ છે કે પશ્ચિમમાં ઉદ્ભવેલા આધુનિક એલોપથીના મેડિકલ શો એનેટોમી, શરીરરચનાનો અભ્યાસ કહીને આપણા સુધી પહોંચાડ્યો. ના. આયુર્વેદ અને ચરકસંહિતાએ આધુનિક મેડિકલ વિજ્ઞાનનો પ્રાદુર્વભાવ થયો તેના હજારો વર્ષ પહેલાં શરીરરચનાનો અભ્યાસ કર્યો. આયુર્વેદની ચિકિત્સાપદ્ધતિમાં સર્જરી અને ડેનિસ્ટ્રી પણ હતાં. નાનપણમાં જોયું છે કે વૈદકનું જાણનાર સાધુએ માત્ર ડોક પરની કેટલીક નસો દબાવીને મારા મોટાભાઈની દાઢ (દાંત નહીં દાઢ) હાથથી ખેંચી કાઢી હતી અને દર્દીએ કોઈ રાડારાડ કે ચીસાચીસ નહોતી કરી. છેલ્લી સદીઓમાં મેડિકલ વિજ્ઞાનના જબરજસ્ત પ્રચાર હેઠળ આપણા આયુર્વેદમાંનું સર્જરીનું જ્ઞાન, શક્રિયાનું નોલેજ તેમ જ દંતચિકિત્સાનું જ્ઞાન ક્રમશ: લુપ્ત થઈ ગયું. આવું કહીને ‘મેરા ભારત મહાન’ના ફાંકા નથી મારવા આપણે પણ છે હકીકત છે તે છે.

બાબા રામદેવના અમે વર્ષોથી પ્રશંસક છીએ. આ દેશને ઘણો મોટો ફાયદો થયો છે અને થઈ રહ્યો છે એમને કારણે. પણ કેટલાક ભાવ ભૂલેલા ભૂલકાંઓ બાબા બિઝનેસમૅન ગણાવીને એમના વિરાટ, ભગીરથ કાર્યને ઊતારી પાડે છે. બાબાએ વારંવાર જાહેરમાં તેમ જ પોતાની જાહેરાતોમાં કહ્યું છે કે એમના દ્વારા બનાવાતી તમામ ચીજવસ્તુના વેચાણમાંથી જે કંઈ નફો મળે છે તે સેવાકાર્યોમાં વપરાય છે. સેવાકાર્યમાં, ભોગવિલાસમાં નહીં, સમજાય છે કંઈ.

અબૂધ લોકો ભારતના વિશાળ જ્ઞાનસાગરને અન્ડરમાઈન કરતા રહે છે. ઠગભગત સંશોધકો તમને પટ્ટી પઢાવે છે કે જુઓ બાઈબલના આ આટલા વર્સ, કુર્રાનની આટલી આયાતો અને ભગવદ્ ગીતાના આટલા શ્ર્લોક ત્રણેય વચ્ચે કેવું સામ્ય છે? ઓ અંધજનો, એને સામ્યતા ના કહેવાય. ભગવદ્ ગીતામાંથી કુર્રાન અને બાઈબલે કરેલી ઉઠાંતરી કહેવાય. પાંચ હજાર વર્ષ પહેલાં જે લખાઈ ગયું તેને કોઈએ બે હજાર કે ૧,૪૦૦ વર્ષ પહેલાં પોતાના ધર્મગ્રંથમાં સામેલ કર્યું તે સારું થયું કે આપણા ધર્મની કેટલી મોટી અસર બીજાઓ પર છે તે પુરવાર થયું. માટે આ સામ્યતા નથી, ઉઠાંતરી છે. એટલું સમજો. જેમ ‘ગુડ મોર્નિંગ’ની ફર્સ્ટ સીઝનમાં અમે જે લખી ગયા હોઈએ તે તમને દસ વર્ષ પહેલાંના બીજાઓના લખાયેલા લેખો/પુસ્તકોમાં વાંચવા મળે તો તેને ‘અદ્ભુત સામ્યતા’ છે એવું કહીને બિરદાવાય નહીં, એને ઉઠાંતરી કહેવાતી અને સારા મૂડમાં હો તો બહુ બહુ તો એટલું કહી શકો કે તમારી અસર હેઠળ, તમારા પ્રભાવ હેઠળ એ બધા લોકોએ લખ્યું છે.

ભગવદ્ ગીતા અને બાઈબલ-કુર્રાન વચ્ચેની ‘સામ્યતા’ શોધી કાઢનારાઓ આવતીકાલે એવું કહેતા થઈ જવાના કે આ આટલા શ્ર્લોકો તો ગીતામાં બાઈબલ-કુર્રાન લખાયા પછી આવ્યા. લીમડો, હળદર વગેરે. મેડિસિનસ વેલ્યુ પર પશ્ર્ચિમના બદમાશો પેટનન્ટ જમાવવાની કોશિશ કરે એના જેવી વાત થઈ. કાલ ઊઠીને એ પ્રજા આપણા આયુર્વેદ અને યોગ ઉપર પણ કબજો જમાવશે અને આપણા આજના અબૂધોની નવી પેઢીઓ કહેતી થઈ જશે કે આપણે આયુર્વેદ અને યોગ બદલ પશ્ર્ચિમનો આભાર માનવો જોઈએ.

ગ્રીક લેટિન વગેરે પ્રાચીન ભાષામાં ફાધર, મધર, બ્રધર વગેરે અનેક શબ્દોને આપણે સંસ્કૃતના પિતૃ, માતૃ, ભ્રાતૃ સાથે સરખાવીને હરખાઈએ છીએ કે જુઓ કેવી સામ્યતા છે સંસ્કૃત અને આ વિદેશી ભાષાઓમાં. સામ્યતા એટલા માટે દેખાય છે કે સંસ્કૃતની અસરો આ ભાષાએ ઝીલી છે. સંસ્કૃત આ દુનિયાની સૌથી પ્રાચીન અને હજુય જીવતી હોય એવી ભાષા છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ઉત્તરાખંડ રાજ્યની બે સત્તાવાર ભાષાઓમાંની એક સંસ્કૃત છે, પહેલી હિન્દી છે. (હા, એ જ ઉત્તરાખંડ) જેના હરદ્વારમાં બાબા રામદેવ દન્તકાન્તિ બનાવે છે જેણે કોલગેટના દાંત ખાટા કરી નાખ્યા છે.)

આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતા કેટલીક સદીઓ દરમ્યાન વિદેશી આક્રાંતાઓના રાજમાં અભડાઈ ગઈ પણ નષ્ટ નથી થઈ. ૧૯૪૭માં આઝાદી પછી પણ કાળા અંગ્રેજસમાન પંડિત નેહરુજીએ આ બાબતે વિદેશી આક્રમણખોરોની નીતિ જ ચાલુ રાખી અને ટ્રેમન્ડસ નુકસાન આ દેશના વારસાને.

કેન્દ્ર સરકારે ગઈકાલે દિલ્હી હાઈકોર્ટમાં સબમિશન કરતાં કહ્યું કે મરાયટલ રૅપને ક્રિમિનલાઈઝ કરવામાં લગ્નસંસ્થા જોખમમાં મૂકાઈ જશે. સરકારે કહ્યું કે પતિ-પત્ની વચ્ચેના સેક્સસંબંધ સ્વૈચ્છિક છે કે એમાં બળાત્કાર થયો છે તેના નક્કર પુરાવા હોઈ ના શકે. કેન્દ્ર સરકારની એફિડેવિટ જે કેસમાં આવી છે તે કેસની વિગતોમાં જવાની કે તે કેસ કરનારાઓની હિસ્ટરીમાં ઊતરવાની જરૂર નથી. આપણા માટે તો એટલું જ બસ છે કે હવે સરકાર ખોંખારો ખાઈને કહી શકે છે કે, ‘એ આપણી સંસ્કૃતિ નથી.’

આજનો વિચાર

જીવવું અરીસાની જેમ.
સ્વાગત બધાનું,
સંગ્રહ કોઈનો નહીં!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

આમ તો માતાજીએ કોઈ તંત્રવિદ્યાનો કોર્સ નથી કર્યો…

…પણ બકો જે છોકરી પર ફિદા થઈને એને ઘરે લાવીને દેખાડે છે…

…એક નજરમાં જ માતાજીને ખબર પડી જાય છે કે એ ચુડેલ છે.

( મુંબઇ સમાચાર : બુધવાર, 30 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *