રાઈટ ટુ પ્રાઈવસી: પોલીસ, પ્રેસ અને અદાલત

સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવસી તમારો બંધારણીય હક્ક છે એવો ગયા અઠવાડિયે ચુકાદો આપ્યા પછી કઈ કઈ બાબતોમાં એ લાગુ પડે એની સ્પષ્ટતા કરી નથી, થઈ શકે પણ નહીં કારણ કે એવાં તો અગણિત ક્ષેત્રો છે, માટે હવે દરેક પર્ટિક્યુલર મુદ્દે આ ચુકાદાને ટાંકીને અદાલતનાં બારણાં ખખડાવવા પડશે કે આ ખાસ બાબતે આ ચુકાદો લાગુ પડે કે નહીં.

આવા ઘણાં ક્ષેત્રો છે.

અહીં માત્ર એક ક્ષેત્ર વિશે વિગતવાર વાત કરવી છે. ભારતમાં કોઈના પર ખોટો કેસ કરવાનું ઘણું સહેલું છે. એનાં બે કારણો છે. પોલીસ અને અદાલતની બિનકાર્યક્ષમતા. પોલીસમાં તમારી વગ હોય અને/અથવા તમે પૈસા વેરો તો ધારો તેની અગેઈન્સ્ટમાં એફ. આઈ. આર. નોંધાવી શકો. પોલીસે પૂરતી જાંચપડતાલ કર્યા પછી જ એફ. આઈ. આર. નોંધવી અને સજ્જડ પુરાવાઓ મેળવ્યા પછી જ શકમંદની ધરપકડ કરવી એવું આપણે ત્યાં ભાગ્યે જ બનતું હોય છે. પહેલાં ધરપકડ કરી લો, પછી જાંચતપાસ કરીશું. અનેક કિસ્સાઓમાં તો આઈ.ઓ. (ઈન્વેસ્ટિગેટિવ ઓફિસર)ને ગળા સુધીની ખાતરી હોય અને એની સામે નિર્દોષતાના સજ્જડ પુરાવાઓ હોય તો પણ એણે પોતાના કરપ્ટ, લેભાગુ અને વગદારોનાં તળિયાં ચાટનારા ઉપરીની શેહમાં આવીને કાનૂન વિરુદ્ધનું કામ કરવું પડતું હોય છે.

ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલુ હિંસા અથવા તો પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં થતી પરસ્પરની મારપીટના કિસ્સાઓમાં કોણે પહેલ કરી, ખરેખર શું બન્યું અને માત્ર હાથ ઉગામ્યો કે પછી ધોલ મારી એવી તપાસ કર્યા વિના પત્નીની ફરિયાદ પરથી પતિ વિરુદ્ધ પગલાં લેવાતાં હોય છે. વાયોલન્સ અને સાદી ધોલધપાટ વચ્ચે ઘણો મોટો તફાવત છે પણ પોલીસની એફ.આઈ.આર.માં આ ભેદ મટી જાય છે. જેમ તમે મારી માત્ર ગળચી પકડો અને હું તમે મારું ગળું દબાવીને મારી હત્યા કરવાની કોશિશ કરી છે એવી ફરિયાદ કરું તો તમારા પર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ થઈ જાય. એ જ રીતે કોઈ સ્ત્રીની છેડછાડ કરવી અને એના પર બળાત્કાર કરવો એ બેઉ બાબતો વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. અહીં તો સ્વેચ્છાએ સંભોગ કરનારી સ્ત્રીઓ પણ પુરુષ સાથે કંઈક બગડે કે પુરુષ એને પડતી મૂકે તો રેપનો કેસ દાખલ કરતી હોય છે.

આવું થવાનું કારણ એ છે કે આપણે ત્યાં જુઠ્ઠી ફરિયાદો કરનારાઓને કંઈ સજા થતી નથી. ફરિયાદીઓ નિર્દોષ વ્યક્તિની બદનામી કરીને છટકી જાય છે. પછી એ નિર્દોષ પુરવાર થાતી તો પણ (નિર્દોષે જ પુરવાર થવાનું હોય કારણ કે ફરિયાદ જ ખોટી હતી) એણે આખી જિંદગી મેલી થઈ ગયેલી મથરાવટી લઈને ફરવું પડતું હોય છે. પોલીસ-કોર્ટના ધક્કાફેરા તો અલગ અને જો જ્યુડિશ્યલ કસ્ટડીમાં જવું પડ્યું હોય તો જેલના ચક્કર વધારાના. માણસને માનસિક, શારીરિક અને આર્થિક તેમ જ સામાજિક રીતે તોડી નાખવા માટે, ધોઈ નાખવા માટે, નીચોવી નાખવા માટે આ સિસ્ટમનો ઉપયોગ કરનારાઓએ કોઈ દંડ ભરવાનો રહેતો નથી.

અમેરિકામાં પરિસ્થિતિ ઘણી બહેતર છે. અપવાદરૂપ છાપે ચડતા કિસ્સાઓને બાદ કરતાં પોલીસ પૂરતી તપાસ વિના, પુરાવાઓ ભેગા કર્યા વિના શકમંદની ધરપકડ કરતી નથી. ધરપકડ કર્યા પછી અનેક કિસ્સાઓમાં, ગંભીર ગુનાઓને લગતા હોય તેવા કિસ્સાઓમાં પણ, આરોપીને જ્યુડિશ્યલ કસ્ટડી અર્થાત્ જેલમાં ધકેલી દેવાને બદલે જામીન પર છોડી દેવામાં આવે છે અને કેસ શરૂ થાય ત્યારે જ એની હાજરી અદાલતમાં હોય તેવી ગોઠવણ થાય છે. અમેરિકન પોલીસને દહેશત હોય છે કે જો અમે કોઈના પર ખોટી રીતે કેસ ઠોકી બેસીશું તો અમારે ભવિષ્યમાં કાં તો નોકરી ગુમાવવી પડશે કાં જેલમાં જવું પડશે કાં આ બેઉ ઉપરાંત મોટો જુર્માનો ભરવો પડશે. માટે ત્યાં જેની ધરપકડ થાય તે ગુનેગાર જ હોય એવું માની લેવામાં કોઈ હરકત હોતી નથી. ૯૦ ટકા કરતાં વધુ કિસ્સામાં એવું જ હોય છે. બાકીના ૧૦ ટકામાંથી દસે નવ જણ કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી જનારાઓ પણ હકીકતમાં ગુનો કરનારાઓ હોવાના, માત્ર એક ટકો (આ ટકાવારી પણ ઘણી મોટી છે પણ સગવડ ખાતર માની લઈએ કે બાકીનો એક ટકો) ખરેખર નિર્દોષ હોય એવા લોકો પોલીસ-કોર્ટની બેદરકારી, બદમાશી કે બેવકૂફીનો ભોગ બનનારા હોવાના.

આપણી નીચલી અદાલતો અને ઘણી વેળાએ તો ઉપલી અદાલતોમાં પણ મેજિસ્ટ્રેટો, જજોની બેદરકારી વગેરેને કારણે જે કેસ દર્જ થવા જ ન જોઈએ એવા કેસ નોંધાતા હોય છે જેને રદબાતલ કરવાની પ્રક્રિયા વર્ષો સુધી ચાલતી હોય છે. આવા મામલામાં વ્યક્તિની હેરાનગતિ/બદનામી વગેરે કરવાના ગુનાસર ભાગ્યે જ કોઈ મેજિસ્ટ્રેટ કે જજને સજા થતી જાણી છે.

પોલીસ-અદાલતની મિલીભગતને લીધે અથવા તો બેઉની પૃથક પૃથક બેદરકારી વગેરેના પરિણામે અમેરિકા કરતાં ભારતમાં નિર્દોષ લોકોની ધરપકડ થવાના કિસ્સા અનેકગણા બનતા રહે છે.

આ જ કારણોસર હું માનું છું કે ભવિષ્યમાં જો કોર્ટમાં પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પી. આઈ. એલ.) દાખલ કરીને રાઈટ ટુ પ્રાઈવસીવાળા સુપ્રીમ કોર્ટના ગયા ગુરુવારના ચુકાદાને ટાંકીને કહેવામાં આવે કે ડોમેસ્ટિક વાયોલન્સ, દહેજ, બળાત્કાર વગેરેના કિસ્સાઓમાં પોલીસે જેના પર આરોપ મૂકવામાં આવ્યો છે તેની આઈડેન્ટિટી (એનું નામ, એનો ચહેરો, એનું સરનામું, એની ઓળખ) ખુલ્લી ન પાડવી જોઈએ, તો ચાન્સીસ ઘણા જોરદાર છે કે અદાલતે આ વિશે ગંભીર ચર્ચા-વિચારણા કરવી પડે અને એક તબક્કે એવો ચુકાદો આપવો પડે કે આજકાલ મીડિયામાં જેમ આયે દિન, કોઈના પર બળાત્કારની, દહેજ-ડોમેસ્ટિક વાયોલન્સની પોલીસ ફરિયાદ થતાંવેંત મોટે ઉપાડે એ વ્યક્તિના ફોટા છાપીને એને બદનામ કરવામાં આવે છે તે કુપ્રથાનો અંત આવે. આવું થાય તો ફરિયાદીને પણ ખબર પડે કે તમે જેને બદનામ કરવા ધારો છો તે બદનામ તો થવાનો જ નથી તો આ અંગેની જુઠ્ઠી ફરિયાદો પણ ઓછી થાય. રાઈટ ટુ પ્રાઈવસીનો ચુકાદો આ જ નહીં, આવી બીજી ઘણી બાબતોમાં લૅન્ડમાર્ક ચુકાદો છે.

આજનો વિચાર

દરેક વ્યક્તિની ત્રણ જિંદગી હોવાની: પબ્લિક, પ્રાઈવેટ અને સીક્રેટ.

-ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (નોબેલ પારિતોષિક વિજેતા કોલમ્બિયન નવલકથાકાર: ૧૯૨૭-૨૦૧૪)

એક મિનિટ!

ભગો: શું આખો દિવસ ઈન્ટરનેટ પર ચોંટ્યો રહે છે? એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયાસ કર.

બકો: લિન્ક મોકલ…

( મુંબઇ સમાચાર : મંગળવાર, 29 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *