બાબા રામ-રહીમ, વેટિકનના પોપ અને શાહી ઈમામ

મને વાંધો નથી તમે મારા ઘરના બાથરૂમની મોરીનું ઢાંકણું ઉઘાડીને કહો કે આ તો ગંધાય છે. પણ મને વાંધો એ વાતનો છે કે તમે જગત આખામાં કહેતા ફરો છો કે તમારા બાથરૂમની મોરીનું ઢાંકણ ઉઘાડો છો ત્યારે એમાંથી અત્તરની ખુશ્બો આવે છે.

મનો વાંધો નથી કે મારા સમાજમાં કેટલાક લોકો શુકનઅપશુકનમાં માને છે એવું કહીને તમે એમની ટીકા કરતા હો. લીંબુ-મરચાં લટકાવનારાઓને કે પછી શુભઅશુભ ચોઘડિયાઓમાં માનનારાઓને તમારે અંધશ્રદ્ધાળુ ગણવા હોય તો ગણો. પણ મને વાંધો એ છે કે તમે ‘જેના ચમત્કારો પુરવાર થઈ ગયા છે’ એવાં મધર ટેરેસાને વેટિકન ‘સેન્ટહુડ’ યાને કે સંતત્વની પદવી બક્ષે છે ત્યારે તમે એક અક્ષર આવા ‘ચમત્કારો’ની વિરુદ્ધમાં બોલતા નથી, લખતા નથી. ક્યાંથી બોલો, ક્યાંથી લખો? તમે તો ઈશુને શૂળીએ ચડાવ્યા ત્યારથી, છેક બે હજાર વર્ષથી ૧૩ નંબરના આંકડાને અપશુકનિયાળ માનો છો, તમારાં મકાનો, બંગલોની કૉલોનીઓ અને હૉટલોમાં ૧૩ નંબરને જાકારો આપો છો, ઈવન ૨૧મી સદીમાં પણ આ હાલત છે. ઈશુ ભગવાને શૂળીએ ચડતાં પહેલાં જે છેલ્લું વાળુ કર્યું તે વેળાને એમના સહિત કુલ ૧૩ જણા ડિનર ટેબલ પર હતા એટલે ૧૩ તમારા માટે અશુભ થઈ ગયો અને એમના દેહાવસાનનો દિવસ શુક્રવાર

હતો એટલે ફ્રાઈડે ધ થર્ટીન્થ જો કૅલેન્ડરમાં દેખાય તો તો તમે રીતસરના ધ્રૂજવા માંડો છો. આ અંધશ્રદ્ધા નથી?

મારે કોઈ બાબા રામરહીમની વકીલાત નથી કરવી. મારે રમખાણો કરતા એમના તથાકથિત ભક્તોનો બચાવ નથી કરવો. મારે પોલીસની ગોળીઓનો શિકાર બનતા આ તોફાનીઓના મોત માટે પણ આંસુ વહાવવા નથી. કાયદાએ કાયદાનું કામ કર્યું છે. એનો મને ભરપૂર સંતોષ છે.

પણ તમે જ્યારે બાબા રામરહીમ કે આસારામ એટસેટરાની વાત કરો છો ત્યારે એક લિમિટેડ સમુદાયના જ તેઓ ધર્મગુરુ છે એ વાત ભૂલી જાઓ છો. આની સામે વેટિકનના પોપ જે દુનિયાના સમસ્ત ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પિતા સમાન છે તે પોપ ખુદ અમેરિકા સહિત વિશ્ર્વમાં ઠેકઠેકાણે ચર્ચના હજારો પાદરીઓ કુમળી વયનાં લાખો બાળકોને પોતાની હવસનો શિકાર બનાવી ચૂક્યા છે તે બાબતે કોઈ નક્કર પગલાં લેવાને બદલે, થોડાં છૂટાછવાયા નિવેદનો આપી, છુટમુટ સજાઓ કરીને આ નિર્ઘૃણ ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરીને વેટિકનની લાલ જાજમ તળે આ કચરો દાટી દે છે એ વિશે તમને બોલવાનું ક્યારેય ડહાપણ આવ્યું નથી. કોઈ હિન્દુ પંથ કે સમુદાયમાં સેક્સ કે સજાતીય સંબંધ વિશેની કોઈ માહિતી બહાર આવે ત્યારે ઉછળી ઉછળીને છાતી કૂટવા માંડતા મારા સેક્યુલર-લેફ્ટિસ્ટ- મુસ્લિમ મિત્રો જાઓ, જઈને ગૂગલ સર્ચ કરીને જુઓ કે ભારતમાં કેટલા ખ્રિસ્તી- મુસ્લિમ ધર્મગુરુઓ- પાદરીઓ એઝવેલ એઝ મૌલાના- મૌલવીઓ આવા કાંડ કરતાં પકડાયા છે. પણ મીડિયા આવા ન્યૂઝને અંદરના પાને ખૂણામાં ‘દફનાવી’ (પન ઈન્ટેન્ડેડ, શ્ર્લેષ અભિપ્રેત) દે છે જ્યારે હિંદુ સંપ્રદાય- જૂથનું નાનુંસરખું સેક્સ સ્કેન્ડલ કલાકો નહીં દિવસો સુધી ટીવી પર પ્રસારિત થતું રહે છે, ફ્રન્ટ પેજ પર ચમકતું રહે છે. નાના સરખા સેક્સ સ્કેન્ડને જો આટલું મોટું સ્વરૂપ અપાતું હોય તો જે ખરેખર મોટા છે તેનું તો આવી જ બનવાનું.

હું બિલકુલ એવું કહેતો નથી કે પંજાબ અને હરિયાણામાં રમખાણે ચડેલા ડેરાના ભક્તોએ જાહેર માલમતાને જે નુકસાન કર્યું છે તે એ લોકોએ જ ભરપાઈ કરી આપવાનું એવું કોર્ટે કહ્યું તે ગલત છે. હું તો ત્યાં સુધી માનું છું કે જે નુકસાન થયું છે તેના કરતાં ડબલ રકમનો દંડ પણ એ જ લોકો પાસેથી વસૂલ કરવો જોઈએ. પણ મને રંજ એ વાતનો છે કે મુંબઈમાં આઝાદ મેદાનમાં રમખાણો કરી ચૂકેલા રઝા અકાદમીના મુસલમાનો માટે કે કાશ્મીરમાં ભારત સરકારની પ્રોપર્ટીને આગ લગાડીને, તોડફોડ કરીને અબજો રૂપિયાનું નુકસાન કરી ચૂકેલા દેશદ્રોહીઓને આ દેશના ન્યાયાધીશો ન તો એક રૂપિયાનો દંડ કરે છે, ન એમનો કાન પકડીને એમની પાસે અંગૂઠા પકડાવે છે.

આજે મને જે લોકો બાબા રામદેવને બાબા રામરહીમની સાથે સરખાવીને વૉટ્સઍપ સંદેશા ક્રિએટ કરે છે એમને કચકચાવીને લાત મારવાનું મન થાય છે. કોઈ રોકો મને. અન્યથા હું કંઈનું કંઈ કરી બેસીશ.

આજે મને બાબા રામદેવની મિમિક્રી કરનારાઓ પર ખૂબ ગુસ્સો આવે છે કારણ કે દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ જેવી ટોપી-દાઢી પહેરીને એમની ફિરકી ઉતારવા જેટલું તો છાણ એમનામાં છે નહીં.

અસહિષ્ણુતાના ફેબ્રિકેટેડ ઈશ્યુ પર અવોર્ડવાપસી કરનારા સેક્યુલરો-લેફ્ટિસ્ટો- મુસ્લિમો અને ગુજરાતી કવિઓને કહેવા માગું છું કે જોવું છે કે અસહિષ્ણુતા કોને કહેવાય. સહિષ્ણુતાની હદ વટાવી દીધા પછી અસહિષ્ણુતા સર્જાય છે. પેલો મહાભારતમાં કોણ હતો જે એક વાર, બે વાર, ત્રણ વાર ગાળો પર ગાળો આપ્યા કરતો હતો? જે હોય તે. પણ સહન કરવાની સીમા વટાવાઈ ગઈ ત્યારે એની શું હાલત થઈ એ યાદ છે ને? બસ, હિંમય હોત અને તાકાત હોય તો આવી જાઓ હવે. એ કાળમાં તો ૧૦૦ કૌરવોને પાંચ પાંડવો ભારે પડેલા. આ મહા-મહાભારત યુગ છે. અહીં એકકેક કૌરવ (અર્થાત્ સેક્યુલર/ લેફ્ટિસ્ટ/ વગેરે)ની સામે એક લાખ પાંડવોની તાકાત છે, સમજાય છે કાંઈ? આવી જાઓ.

અને જજસાહેબ, આ શું તમે માંડ્યું છે? નરેન્દ્ર મોદીને તમે જજની ખુરશી પરથી સંભળાવો છો કે, ‘તમે બીજેપીના નહીં, ભારતના પ્રાઈમ મિનિસ્ટર છો એ જરા સમજોે.’

તમે સમજો સાહેબ, કે તમે હાઈ કોર્ટના જજ છો. તમારા જ્યુરિસ્ડિક્શનમાં આવતી બાબતો પર જ નુકતેચીની કરવાનું રાખો. સોનિયાના રાજમાં મનમોહન સિંહ વિશે આવી બેજવાબદારીભરી ટિપ્પણ કરી હોત હોઈએ? પૂછી જુઓ આ બધાને. તમને શોભતું નથી આ બધું.

જસ્ટ ઈમેજિન કરો. બળાત્કારી બાબાનુંં નામ મૌલાના સલીમુદ્દીન રહીમુદ્દીન ઈલિયાસ શેખ હોત અને એમનેે કોર્ટે ગિલ્ટી ઠેરવ્યા પછી એમના મુસ્લિમ ભક્તોએ જે રમખાણો કર્યા હોત જેમાં ૩૧ મુસ્લિમ ભક્તો ઠાર થયા હોત તો આ દેશનો ખૂણેખૂણો અત્યારે કેવો સગળતો હોત? સહિષ્ણુતા કોને કહેવાય એ વિશે કોઈ બનાવટી સેક્યુલર મુસ્લિમે હિંદુપ્રેમીનો અંચળો ઓઢીને, પોતાની ધાર્મિક કટ્ટરતા છુપાવીને ‘ગુજરાતનો નલિયા કાંડ તો ભીનો સંકેલાઈ ગયો છે’ એવું કહેનારાઓએ શીખવવાનું નથી અમને. (જે જે લોકોને આ વાટકા ટોપી બંધબેસતી હોય એમણે જરૂર પહેલી લેવી.)

ના. નો મિચ્છામિ દુક્કડમ્ ટુડે. કારણ કે જે જે લોકોની લાગણીઓ દુભાઈ હોય તે તે લોકોની લાગણીઓ અમે જાણી જોઈને દુભાવી છે કારણ કે અત્યાર સુધી આ સર્વે લોકો અર્થાત હિંદુદ્વેષીઓ, દાયકાઓ અને સૈકાઓથી અમારી આસ્થાને, અમારી પરંપરાને અને અમારી માતૃભૂમિને પોતાના ગંદા પગ તળે કુચલતા રહ્યા છે.

ઑલ ઑફ યુ, યુ ડિઝર્વ્ડ ધિસ પીસ.

આજનો વિચાર

અજીબ ચાહતેં હૈં મેરે મુલ્ક કે બાશિન્દોં કી…

કાનૂન મઝહબી ચાહિયે, લેકિન, દેશ ધર્મનિરપેક્ષ!

– વૉટસઍપ પર વાંચેલું.

એક મિનિટ!

સરકારે બસો રૂપિયાની નવી નૉટો બજારમાં મૂકવાની જાહેરાત કરી તે પછી ફેસબુક/વૉટ્સઅપ પર બે રિકવેસ્ટ ફરતી થઈ ગઈ છે.

…. રૂ. ૪૯ અને રૂ. ૯૯ની નોટ બહાર પાડો જેથી એકલર્સ ખાવી ન પડે.

અને…

… રૂ. ૫૧ અને રૂ. ૧૦૧ની નોટો બહાર પાડો જેથી ચાંદલો આપવા માટે છૂટો રૂપિયો શોધવાની કડાકૂટ કરવી ના પડે.

તા.ક.: આ વિનંતીઓ વાંચીને રિઝર્વ બૅન્કના ગવર્નર ઊર્જિત પટેલે જાહેરનામું બહાર પાડીને પ્રજાને વિનંતી કરી છે કે એકલર્સ ખાવાને બદલે ચાંદલાના કવરમાં મૂકી દેવી.

( મુંબઇ સમાચાર : સોમવાર, 28 ઓગસ્ટ 2017)

2 comments for “બાબા રામ-રહીમ, વેટિકનના પોપ અને શાહી ઈમામ

  1. nimish parikh
    August 29, 2017 at 3:14 PM

    a thousand salutes,Sir!

  2. હેમાંગ બારોટ
    August 29, 2017 at 4:58 PM

    કાગડા બધે જ કાળા પણ પોતપોતાના ધર્મના આવા પાખંડીઓ ને ઉજાગર કરવાની હિન્દુ સિવાય કોઇનામાં હિંમત નથી… સાહેબ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *