નર્મદના જમાનાનું પત્રકારત્વ અને આજના જમાનાનું મીડિયા

નર્મદને પાકી ખબર હતી કે એની પર્સનાલિટીમાં ક્યા ક્યા ગુણ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને એ જ બધા ગુણ એની ક્રિયેટિવિટીની આગવી લાક્ષણિકતા છે, એના યુએસપી છે, યુનિક સેલિંગ પોઈન્ટ છે.

નર્મદમાં હિંમત હતી. સલામતી આપતી નોકરીઓ કરવાનું છોડીને માત્ર ફ્રીલાન્સર તરીકે જીવવાની ઈન્સિક્યોરિટી એણે સામે ચાલીને સ્વીકારી હતી, પોતે ધારે તે અને ધારે તેની નોકરી કરી શકતો. એટલી ટેલન્ટ એનામાં હતી જ. કામ કરવાની ધગશ પણ હતી. વર્કોહોલિક હતો. એનાં પુસ્તકોની થપ્પી લગાવો તો ખાસ્સી ઊંચી થાય અને આ એવાં પુસ્તકો જેનું એક એક પાનું લખવામાં શરીર નીચોવી દેવું પડે. દાત. ‘નર્મકોશ’, ગુજરાતી ભાષાનો સૌપ્રથમ સંપૂર્ણ શબ્દકોશ, ડિક્શનરી.

નર્મદે કલમને ખોળે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા લીધા પછી એની પાછલી જિંદગીમાં કંઈક એવા વળાંકો આવ્યા કે એણે આ પ્રતિજ્ઞા છોડવી પડી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે એણે પોતાના જૂના મિત્ર ગોકળદાસ તેજપાલના ધર્માદા ખાતા (ટ્રસ્ટ)માં સેક્રેટરીની નોકરી સ્વીકારવી પડી. આવો નિર્ણય લેવામાં બમણી હિંમત જોઈએ.

‘ડાંડિયો’ મૅગેઝિન એણે ૧ સપ્ટેમ્બર ૧૮૬૪ના રોજ શરૂ કર્યું અને એનો છેલ્લો અંક ૧૮૬૮માં પ્રગટ થયો. પછી એ ‘સન્ડે રિવ્યુ’ સાથે ભળી ગયું અર્થાત્ બંધ થઈ ગયું. આ ચાર વર્ષ દરમ્યાન ‘ડાંડિયો’ ત્રણ વાર બંધ પડ્યું અને ત્રણ વાર ફરી ચાલુ થયું. ચોથી વાર બંધ પડ્યા પછી ક્યારેય ચાલુ ન થયું. ‘ડાંડિયો’ શું કામ ચાલુ-બંધ થતું? કારણ કે ‘ડાંડિયો’ જેની મદદથી ચાલતું તેઓ ખસી જતા. શું કામ ખસી જતા? કારણ કે નર્મદ ‘વ્યવહારુ’ નહોતો, ‘પ્રેક્ટિકલ’ નહોતા. પોતાના સપોર્ટર્સના ઓળખીતા-પાળખીતાઓના વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સાચવતો નહીં, એટલું જ નહીં એ વેસ્ટેડ ઈન્ટરેસ્ટવાળા ઓળખીતાપાળખીતાઓ પર પ્રહાર કરતો રહેતો. ‘ડાંડિયો’ના જેટલા અંકો ઉપલબ્ધ છે, ઘણા ખોવાઈ ગયા છે, તેનું સંકલન નર્મદ વિશે (અને અફકોર્સ કલાપી વિશે તેમ જ બીજા અનેક વિષયો વિશે) સંશોધન કરનાર આજીવન અભ્યાસી અને નિષ્ઠાવાન સાહિત્યકાર સ્વ. રમેશ મ. શુકલે કર્યું છે. કુલ ૬૩ અંક ઉપલબ્ધ છે.

પહેલા જ અંકના તંત્રીલેખમાં નર્મદે વૉર્નિંગ આપી દીધી હતી:

‘… આજકાલ ખાતર-ધાડ ઘણાં પડે છે. ચોર, જુગારી, છિનાળવા, રાંડબાજ, ઠગ, ધુતારા, ખૂની વગેરે હરામનું તકાવનારાઓની ટોળીઓ ઠામ ઠામ જોવામાં આવે છે. રે, તેમાં મોટમોટાઓ છે, બડે બડે વેપારીઓ છે, સરકારી ઓદ્ધેદારો છે, પઢેલા લોકો છે. તેઓએ પોતપોતાનો આબરૂદાર ધંધો કરવો છોડી દીધો છે. તેઓ હરામનું ખાવાનું (આડીવાટની ધૂળ ખાવાની) અને તેથી ગરીબ રૈયતને પાયેમાલ કરી નાખવાની તજવીજો કરે છે…’

આટલું લખ્યા પછી છેવટે એ આ સૌને ચેતવણી આપતાં ઉમેરે છે:

‘… રૈયતને જુલમીઓના જુલમમાંથી બચાવવાને, લુચ્ચાની ટોળી વિખેરી નાખવાને, તમારામાંથી અજ્ઞાન, વેહેમ, અનીતિ કાઢી નખાવવાને – દેશનું ભલું થાય તોય કરવાને હું થોડો ઘણો લાયક છઊં: મેં તરેહ તરેહવાર આદમીઓ જોયા છે. પંડિત સાથે, મૂરખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને ડાંડ-ડાંડગા – ડાંડિયા લોકો સાથે મારે ઝાઝો પ્રસંગ પડેલો છે. પૈસાદાર અને ગરીબના ઘરોમાં ફરી વળ્યો છઊં. ગાડી ઘોડે બેઠો છઊં ને જંગલોમાં ચાલ્યો છઊં. શાહેબી ને વેઠ કરી છે. મતલબ કે મેં દુનિયાને સારીપેઠે ઓળખી છે. હું ડાંડિયાના ભેદપ્રપંચો જાણું છઊં. (ડાંડિયાપણું કર્યું નથી). માટે ડાંડિયાઓની વાત હું બાહાર કાઢીશ અને તે ઉપરથી તેઓ મને ડાંડિયો કેહેશે માટે હું માહારી મેળે પેહેલીથી જ ડાંડિયો છઊં એમ કહું છું. ખબરદાર…’

સાર્થ ગુજરાતી શબ્દકોશ પ્રમાણે ‘ડાંડિયો’ના બે અર્થ થાય. જે દાંડી પીટે છે, રોન ફરે છે, નાનો પાતળો દંડો રાખે છે (ચોકી કરવા માટે) તેને તો ડાંડિયો કહેવાય છે. પણ એનો પહેલો અર્થ વધુ પ્રચલિત છે. જે ડાંડ માણસ હોય એને ડાંડિયો કહેવાય. ડાંડ એટલે? કોશ મુજબ નાગો, લબાડ, લુચ્ચો. ડાંગઈ કરવી એટલે વ્યવહારમાં લબાડી કરવી, લુચ્ચાઈ કરવી, નાગાઈ કરવી.

નર્મદે આ બેઉ અર્થ સમજીને પોતાના મૅગેઝિનનું નામ ‘ડાંડિયો’ રાખ્યું હતું. અને સામયિક શરૂ કરવાનું કારણ શું? પૈસા કમાવાના? ના. એણે પોતાની કમાઈ પણ આ મૅગેઝિનમાં ઈન્વેસ્ટ કરેલી.

‘ડાંડિયો’ના આઠમા અંકમાં નર્મદે સ્પષ્ટતા કરતાં કહ્યું છે (જરા અટકી અટકીને અને સમજી સમજીને વાંચશો તો આ જૂની ગુજરાતીને ૨૦૧૭ના સમયમાં પ્રોપર કૉન્ટેક્સ્ટ સાથે સમજી શકશો):

‘વર્તમાનપત્ર અને ચોપાનીયાં કાંહાં કાંહાં નિષ્પક્ષપાત અને ખરાં દેશ હિતેચ્છુ સમજવાં? જાંહાં તેના તે જ ધણી (પ્રકાશક અથવા માલિક) અને તેના તે જ અધિપતિઓ (તંત્રી અથવા સંપાદક) હોય છે તાંહાં. અથવા ધણીઓએ અધિપતિને કુલ મુખત્યારી આપી હોય છે તાંહાં. અને જાંહાં અધિપતિની ઈચ્છા, વેળાએ પોતાના ગજવામાંથી પણ કંઈક કાહાડીને (ગજવું ભરવાને નહિ) અને સર્વજન સંબંધી જ વાત કાહાડીને (પેટ બળ્યો ગામ બાળે તેમ નહિ) દેશને સુધારવાનો હોય છે તાંહાં. એવાં વર્તમાનપત્ર આજ કાલ એક બે હશે. શાસ્ત્રીય અને ભાષા વિષય સંબંધી ચોપાનીયાં વિષે બોલવાની જરૂર નથી. પણ ચોપાનીયું અને વર્તમાનપત્ર એ બેનું કામ કરતું એવું પત્ર તો આજ કાલ એક છે જેમાં સર્વ વિષય ઉપર નિષ્પક્ષપાતે થોડું ઘણું લખાય છે… જે ચોપાનીયું પોતાના માલેક તથા લખનારનાં મતની સામાના મતો પણ છાપવામાં હરકત જોતું નથી, જેને ઘરાકો કરવાને લોકની ખુશામત કરવી પડતી નથી, જેને બિજાં ચોપાનીયાંની પઠે શરુઆતમાં ધનવંતોનો આશરો મળ્યો નથી ને હજી પણ મળતો નથી…’

આવું લખીને નર્મદે ‘ડાંડિયો’નું પ્રકાશન શરૂ થઈ ગયા પછી પણ એના હેતુ વિશે વિશેષ સ્પષ્ટતા કરવી પડી હતી.

‘ડાંડિયો’ પહેલીવાર બંધ પડ્યું ૧૫ ડિસેમ્બર ૧૮૬૫ના અંક સાથે (અહીં નોંધવાનું કે ‘ડાંડિયો’ના જીવનકાળ દરમ્યાન એનું પ્રકાશન માત્ર બંધ પડ્યા કરતું એટલું જ નહીં, ઘણી વાર એના અંકો અનિયમિતપણે પ્રગટ થતા). ૧૫ ડિસેમ્બર ૧૮૬૫ના અંકના છેલ્લા પાને નર્મદે પોતાના ચાહકો, વાચકો, ગ્રાહકો, લવાજમદાતાઓ અને સપોર્ટર્સ માટે એક નોંધ મૂકીને કહ્યું કે ‘ડાંડિયો’ હવે બંધ થાય છે. આ નોંધનું મથાળું હતું:

‘ડાંડિયોનું મોત’

આ શીર્ષક પછી ‘અવસાન સંદેશ’ તરીકે જે એનું કાવ્ય બહુ જાણીતું થયું એની પંક્તિ ટાંકી:

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’

રસિકડાં એટલે પોતાના ચાહકો, વાચકો, ગ્રાહકો, લવાજમદાતાઓ, સપોર્ટર્સ વગેરે.

આ નોંધમાં નર્મદ લખે છે:

‘પેટને સાંસાં છે માટે મરૂં છ પણ ટેકમાં મરૂં છ – ભીખ નહીં માગું – હજી પણ આ સમે કરણની પઠે ભીખ આપી મરૂં છ.’

અને પછી એ જ કાવ્યની અજર અમર પંક્તિ ટાંકે છે નર્મદ:

‘મેં શું શું કિધું છ તે થોડામાં સમજી લેજો; કે મારૂં-

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી’

અને છેલ્લે આટલું લખીને ‘ડાંડિયો’ અને કૌંસમાં (નર્મદ) ઉમેરીને સહી કરે છે: ‘વેળાએ આ મરણ મૂર્ચ્છારૂપ પણ હોય – પાછો ઊઠી ઊભો પણ થાઉં પણ હમણાં તો બોલો: રામ બોલો ભાઈ રામ…’

નર્મદની પર્સનાલિટીના જે ચાર ગુણ છે જે એના સર્જનમાં પણ ઊતરી આવ્યા તેમાંના પ્રથમ ગુણ ‘વીરતા’ વિશે વાત કરી. નર્મદની સત્યપ્રિયતા, એની રસિકતા અને એના ટેકીપણા વિશે પણ વાતો કરવી છે. આ વાતો આવી જ રહી છે તમારા સુધી. ધીરજ રાખજો.

કાગળ પરના દીવા

સંશોધન એ સત્યશોધનનો માર્ગ છે. કલા પણ સત્યની અભિવ્યક્તિ છે.

– રમેશ મ. શુકલ (૨૭-૪-૯૭ના રોજ ‘ડાંડિયો’ના ૬૩ અંકોના સંકલનનું ૬૦૮ પાનાંનું પુસ્તક ભેટ આપીને તેના પ્રથમ પાને એમણે આ લખી આપ્યું હતું.)

સન્ડે હ્યુમર

બકો ચૂપચાપ બેઠો હતો. અમે પૂછયું કે શું થયું બકા? તો કહે:

‘ટૉયલેટ લાગી છે, પણ દસ દિવસથી જવાયું નથી…’

( મુંબઇ સમાચાર : રવિવાર, 27 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *