છૂટાછેડાની જેમ તલાક લેવાનું કામ પણ હવે અઘરું થયું તે સારું થયું

અરુણ શૌરીએ ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ નામના બે દાયકા પૂર્વે પ્રગટ થયેલા એમના અતિ લોકપ્રિય બનેલા ભારે ચર્ચાસ્પદ પામેલા અદ્ભુત સંશોધન ગ્રંથમાં પુરવાર કરી દીધું હતું કે કઈ રીતે મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, મૌલવીઓ મુસ્લિમોને પોતાની પછાત માનસિકતાના તાબામાં રાખે છે. એમાં શૌરીસાહેબે ટ્રિપલ તલાકના દૂષણ વિશે પણ વિગતવાર લખ્યું હતું. ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’માં નોંધ્યું છે કે ‘દેવબંદના ઉલેમાએ તો એક ફતવામાં ત્યાં સુધી કહ્યું છે કે કારણ વિના તલાક આપવામાં કશો જ વાંધો નથી. એટલું જ નહીં, પત્ર દ્વારા પણ તલાક આપી શકાય છે અને પોતાના સિવાય કોઈનેય (એટલે કે જેનાથી તલાક જોઈએ છે એ પત્નીનેય) ખબર ન પડે એ રીતે તલાક ઉચ્ચારીનેય તલ્લાક આપી શકાય છે… તલાક આપવા માટે સાક્ષી હોવા જરૂરી નથી. પત્નીની હાજરી હોવી પણ જરૂરી નથી. શરાબના નશામાં પતિ તલાક આપી દે તો એ પણ મંજૂર રાખવામાં આવે છે. …અને સ્ત્રીને પણ પતિને ત્રણ વાર તલાક બોલીને છૂટા થઈ જવાનો હક્ક છે, પણ ક્યારે? જ્યારે એનો પતિ એવો હક્ક એને આપે ત્યારે…’

સુપ્રીમ કોર્ટના ટ્રિપલ તલાક વિરુદ્ધના ચુકાદા પછી એકાએક અમુક સેક્યુલર/મુસ્લિમ વિદ્વાનોમાં ડહાપણ ફૂટી નીકળ્યું છે કે ઈસ્લામમાં તો ૧૪૦૦ વર્ષ પહેલાં ટ્રિપલ તલ્લાક પર પ્રતિબંધ હતો જ. અરે ભઈલા, ૧૪૦૦ વર્ષ અગાઉ તો ઈસ્લામની સ્થાપના થઈ. એટલે તમે શું એમ કહેવા માગો છો કે ઈસ્લામમાં ક્યારેય ટ્રિપલ તલાકની પ્રથા જ નહોતી? અને જો તમે સાચા હો તો સુપ્રીમ કોર્ટના જજસાહેબોનું શું મગજ ફરી ગયું હતું કે જે પ્રથા જ નહોતી તેના પર પ્રતિબંધ મૂકે? કેવી કેવી વાતો કરતા હોય છે લોકો.

એક કરતાં વધારે વાર મેં લગ્ન અને ડિવોર્સ વિશે લખ્યું છે. ડિવોર્સ માટે ફેમિલી કોર્ટમાં કેવા કેવા બખેડા થાય છે અને સામાન્ય માણસ માટે છૂટાછેડા લેવાનું કામ કેટલું કપરું છે તે પણ લખ્યું છે અને હંમેશાં આ દાખલો આપીને કહ્યું છે કે છૂટાછેડાની વિધિ સહેલી બનાવવી જોઈએ એવું હું બિલકુલ માનતો નથી પણ લગ્નપ્રવેશ અઘરો બનાવવો જોઈએ. લગ્ન માટે ૨૧-૧૮ની ઉંમર, બે સાક્ષી અને બસો રૂપિયાની જ જરૂર હોય છે. પ્રી મૅરેજ કાઉન્સેલિંગ કમ્પલસરી બનવું જોઈએ. લગ્ન કરતાં પહેલાં જો છ મહિનાનો એક પાર્ટ ટાઈમ કોર્સ કર્યો હોય તો જ તમારાં લગ્ન રજિસ્ટર થઈ શકે એવો કાયદો આવવો જોઈએ. આ છ મહિનાના કોર્સ દરમ્યાન દર શનિરવિ બબ્બે કલાક સુધી લગ્ન કરવા માગતા છોકરા-છોકરીએ સાથે કલાસ ભરીને શીખવું પડે કે બાળકોનો ઉછેર કેવી રીતે કરવો, એમાં કેટલો ખર્ચો લાગે, કેટલો સમય અને કેટલી એનર્જી લાગે. આ કોર્સ દરમ્યાન ડિવોર્સ વકીલો આવીને તેમને શીખવાડે કે લગ્ન કરવાં જેટલાં આસાન છે એટલાં ડિવોર્સ લેવા આસાન નહીં હોય. ખાધાખોરાકી એટલે કે એલિમનીથી માંડીને તમારા દિલ-દિમાગ પર જે ઉઝરડાઓ પડવાના છે તે વિશે જાણકારી આપવા સારા-પ્રતિષ્ઠિત સાયકોલોજિસ્ટો આવે અને લગ્નમાં અતિ મહત્ત્વના આસ્પેક્ટ વિશે સમજાવવા સેક્સોલોજિસ્ટ આવે. આ બધું સમજયા પછી લગ્નના પવિત્ર બંધનમાં તમારે બંધાવું જોઈએ, આવેશ કે લાગણીમાં આવીને નહીં, કારણ કે લગ્નમાં પ્રવેશવું જેટલું આસાન છે એના કરતાં એક હજારગણું દુષ્કર એમાંથી બહાર નીકળવાનું છે, જેની તમને લગ્ન કરતી વખતે કોઈ કલ્પના નથી હોતી કારણ કે તમને કોઈએ કહ્યું જ નથી એના વિશે.

તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ ત્યારે ડોરકીપર તમારી પાસે માત્ર ટિકિટ છે કે નહીં તે જ ચેક કરે છે, પણ કલ્પના કરો કે પિક્ચર જોઈને બહાર નીકળતી વખતે ડોરકીપર તમારો રસ્તો રોકીને ઊભો રહે અને કહે કે તમારું બર્થ સર્ટિફિકેટ બતાવો, રેશનકાર્ડ બતાવો, પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા આપો, આધાર કાર્ડ કયાં છે વગેરે તો તમે શું કહેશો એને? કહેશો કે હું આ થિયેટરમાં પ્રવેશ્યો તે પહેલાં તમારે કહેવું જોઈએ ને? કહ્યું હોત તો મેં એ બધું સાથે રાખ્યું હોત, પૂરતી તૈયારી સાથે આવ્યો હોત અથવા તો મેં અહીં આવવાનું જ ટાળ્યું હોત. પ્રવેશ વખતે તો તમે માત્ર ટિકિટ જ માગી, એક્ઝિટ વખતે શું કામ આ બધું માગો છો?

ડિવોર્સ લેવા અઘરા છે તે સારું જ છે, પણ લગ્ન કરવા સહેલા ન હોવા જોઈએ અને લગ્ન કરતી વખતે પૂરેપૂરી ખબર હોવી જોઈએ કે ડિવોર્સ લેવા કેટલા અઘરા છે.

મુસ્લિમ ધર્મગુરુઓ વગેરેએ પોતાનાં શાસ્ત્રો અને પરંપરાના આધારે તલાકની પ્રક્રિયા રિડિક્યુલસલી સહેલી બનાવી દીધી હતી જેને કારણે સદીઓ સુધી મોટા ભાગના મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતું રહ્યું. સ્ત્રીઓને પછાત રાખવાની આ સાઝિશ હતી. દુનિયા આખી એકવીસમી સદીમાં પ્રવેશી ગઈ પણ મુસ્લિમ સ્ત્રીઓનો બહુ મોટો વર્ગ ૧,૪૦૦ વર્ષ પહેલાંના સમાજની નીતિરીતિનો ભોગ બનતો રહ્યો. આધુનિક સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવા વીસમી સદીમાં પશ્ર્ચિમી દેશોમાં વીમેન્સ લિબરેશનનો પવન ફૂંકાયો તેનાં સહસ્ત્ર વર્ષો પહેલાં આ દેશમાં સ્ત્રીને સમાજમાં આદરણીય સ્થાન અપાઈ ચૂક્યું હતું. આપણા ઈતિહાસનાં હજારો વર્ષ જૂનાં પાનાંઓમાં તમને અનેક વિદુષીઓ અને પંડિતાઓના ઉલ્લેખ મળશે. ભગવાનોમાં માત્ર દેવો નહીં દેવીઓની પણ આપણે પૂજા કરી છે. પાછલી સદીઓમાં સ્ત્રીઓને સામાજિક અન્યાયો જ થતા ગયા તે માટે ઘણે બધે અંશે વિદેશી આક્રમણખોરોની નીતિઓ જવાબદાર બની તેમ જ કેટલીક જગ્યાઓએ અતિશયોક્તિભરી વાતો કરવામાં આવી તેમ જ સેક્યુલર લેફટિસ્ટો દ્વારા લખાયેલા ઈતિહાસમાં ‘ભારત કેટલો પછાત દેશ છે’ એવું સ્થાપિત કરવા માટે આપણે સ્ત્રીઓને કેવી કેવી રીતે અન્યાય કરતા આવ્યા છીએ તેની ક્યારેક અતિશયોક્તિભરી તો ક્યારેક તદ્દન મનઘડંત વાતો લખાતી ગઈ અને ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા’ની પરંપરામાં ઉછરેલા આ ભવ્ય દેશની ઊજળી બાજુને ઢાંકી દેવામાં આવી.

સુપ્રીમ કોર્ટે આ દેશના આવા પ્રકાશમાન વારસાનું ગૌરવ કરીને અહીં વસતી બાકીની પ્રજાને પણ એ પરંપરા સાથે સાંકળી લીધી છે. સુપ્રીમ કોર્ટના જજસાહેબોને તેમ જ દેશના અન્ય જજસાહેબોને તથા બૌદ્ધિકોને તેમ જ સર્વેને મુક્તપણે વિચારવાનું, મુક્તપણે વિચારોની અભિવ્યક્તિ કરવાનું અને મુક્તપણે એ વિચારોને અમલમાં મૂકવાનું વાતાવરણ જેમણે સર્જ્યું છે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અભિનંદનના અધિકારી તો છે જ, વિશેષ અભિનંદનના અધિકારી એ તમામ કરોડો લોકો છે જેમણે મોદીને, એમને ટેકો આપનારા સાંસદોને ચૂંટીને, આ પદે બેસાડ્યા. એ રીતે જોતાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બદલ આપણે સૌ અભિનંદનના અધિકારીઓ છીએ. દેશ આ જ રીતે બદલાતો રહેવાનો અને આગળ વધતો રહેવાનો અને એ માટે આપણે આપણને કૉન્ગ્રેચ્યુલેશન્સ કહેતાં રહેવાનું.

આજનો વિચાર

ખામોશિયાં બેવજહ નહીં હોતી. કુછ દર્દ આવાઝ છીન લિયા કરતે હૈં.

એક મિનિટ!

ઉધર અબ્દુલ મુંહ ફુલાયે બૈઠા થા. હમને ઉસકો સમઝાયા: ‘તુમ કો તો ખુશ હોના ચાહિયે કયોંકિ યહ ફૈસલા સિર્ફ તેરી બીવી કે લિયે નહીં હૈ… તેરી માં ઔર બહન ઔર બેટી કે લિયે ભી હૈ…’

…તબ સે વો જોશ મેં આ કે હર હર મોદી – ઘર ઘર મોદી કે નારે લગા રહા હૈ…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 25 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *