ગેરકાયદે, ગેરકાયદે, ગેરકાયદે

આજે કવિ નર્મદનો જન્મદિવસ (૧૮૩૩ની ૨૪ ઑગસ્ટે જન્મ) અને એટલે આપણી માતૃભાષાનું ગૌરવ કરવાનો દિન. પંદર-વીસ દિવસથી નક્કી કર્યું હતું કે આ જ વિષય પર આ દિવસે લખીશું. પણ એક અર્જન્ટ મેટર આવી ગઈ હોવાથી રવિવારની પૂર્તિમાં નર્મદ વિશેની કેટલીક વાતો વાગોળીશું. આજે આ કરન્ટ ટૉપિક.

ટ્રિપલ તલાક વિશેના સુપ્રીમ કોર્ટના જબરજસ્ત ક્રાન્તિકારી અને આવકારદાયક ચુકાદા પછી જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ તે મોદીયુગ વિશે વિચારતાં નર્મદના સમકાલીન ચાર્લ્સ ડિક્ધસ (૧૮૧૨-૧૮૭૦) એ ૧૮૫૯માં લખેલી ફ્રેન્ચ રિવોલ્યુશન પહેલાંના અને એ દરમિયાનના લંડન તથા પેરિસના બૅકગ્રાઉન્ડ પરની વર્લ્ડ ફેમસ (ધારાવાહિક પ્રગટ થયેલી) નવલકથા ‘અ ટેલ ઑફ ટુ સિટીઝ’નું વર્લ્ડ ફેમસ બનેલું સૌથી પહેલું (અને ખૂબ લાંબું) એવું વાક્ય યાદ આવી ગયું:

‘ઈટ વૉઝ ધ બેસ્ટ ઑફ ટાઈમ્સ, ઈટ વૉઝ ધ વર્સ્ટ ઑફ ટાઈમ્સ, ઈટ વૉઝ ધ એજ ઑફ વિઝડમ, ઈટ વૉઝ ધ એજ ઑફ ફુલિશનેસ; ઈટ વૉઝ ધ એપક ઑફ ધ બીલિફ, ઈટ વૉઝ ધ એપક ઑફ ઈન્ક્રેડ્યુલિટી; ઈટ વૉઝ ધ સીઝન ઑફ લાઈટ, ઈટ વૉઝ ધ સીઝન ઑફ ડાર્કનેસ; ઈટ વૉઝ ધ સ્પ્રિન્ગ ઑફ હોપ, ઈટ વૉઝ ધ વિન્ટર ઑફ ડિસ્પેર; વી હૅડ એવરીથિન્ગ બીફોર અસ, વી હૅડ નથિંગ. બીફોર અસ; વી વર ઑલ ગોઈંગ ડાયરેક્ટ ટુ હેવન, વી વર ઑલ ગોઈંગ ડાયરેક્ટ ધ અધર વે.’

હજુ થોડા વખત પહેલાં જ એક જમાનો હતો જ્યારે બાબરીના મુદ્દે મુસ્લિમોને ઉશ્કેરીને કૉંગ્રેસ પોતાની ભાખરી શેકતી. હજુ થોડા વખત પહેલાં જ એક જમાનો હતો જ્યારે કૉંગ્રેસના રાજમાં પોલીસ, સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓ અને કોર્ટો પર દબાણ લાવીને (અને તિસ્તા સેતલવાડ જેવી વ્યક્તિઓ દ્વારા ચલાવાતી એન. જી. ઓઝ સાથેની મિલીભગતમાં) ગુજરાતનાં રમખાણો દરમિયાન નિર્દોષ હિન્દુઓને જેલમાં પૂરવામાં આવતા, ડી. જી. વણઝારા જેવા ટોચના જાંબાઝ પુલિસ અફસરોને આઠ આઠ વરસ સુધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવતા અને સ્વામી અસીમાનંદ, સાધ્વી પ્રજ્ઞાદેવી અને લેફ. કર્નલ શ્રીકાન્ત પુરોહિત જેવા નિર્દોષોને ‘હિન્દુ આતંકવાદી’ ઠેરવીને આઠ દસ વરસ સુધી જેલમાં રાખવામાં આવતા.

૨૦૧૪ની ૨૬મી મે પછી બધું જ બદલાઈ ગયું. પોલીસ – કોર્ટ – સીબીઆઈ ઉપર સરકારની પક્કડ ન રહી એટલે સૌ સ્વતંત્રપણે કામ કરતા થઈ ગયા. કૉંગ્રેસની સરકારના દબાણ હેઠળ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીથી માંડીને વણઝારા, અસીમાનંદજી, પ્રજ્ઞાદેવી, લેફ. કર્નલ પુરોહિત વગેરેને હેરાન કરવાની જેમને ફરજ પાડવામાં આવતી તે પોલીસ, સીબીઆઈ, અદાલતો વગેરે સ્વતંત્રપણે કામ કરતી થઈ ગઈ એટલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ ગયું. જે ઑલરેડી નિર્દોષ જ હતા, જેમને કૉંગ્રેસ સરકારે ખોટી રીતે ફસાવ્યા હતા તેઓ નિર્દોષ પુરવાર થતા ગયા.

મુસ્લિમોને વોટબૅન્ક તરીકે વાપરવા માટે પાછલા છ-સાત દાયકા દરમિયાન પંડિત નહેરુ અને એમના વારસદારોની સ્ટ્રેટેજી એ રહી કે આ દેશમાં રહેતા મુસ્લિમોના મનમાં ભયગ્રંથિ પેદા કરો (જે કામ હામિદ અન્સારીએ ઉપરાષ્ટ્રપતિ પદેથી જતાં જતાં છેક છેલ્લી સેક્ધડ સુધી ચાલુ રાખ્યું જેમને રાજ્યસભામાં રૂબરૂમાં પીએમ મોદીએ જબરજસ્ત ડિગ્નિટી સાથે કરારા શાબ્દિક તમાચા માર્યા). કૉંગ્રેસની નીતિ રહી કે મુસ્લિમો પાસેથી એમનો હક્ક છીનવીને પછી એમાંથી ટુકડે ટુકડે એ હક્ક એમને પાછો આપો (પણ મોટાભાગના એમના હક્કો તો પોતાની પાસે જ રાખવાના, મુસ્લિમોને વંચિત રહેવા દેવાના, જેથી એ કૉંગ્રેસના ઓશિયાળા બનીને રહે). આને કારણે કેટલાક મુસ્લિમ નેતાઓએ પોતાની પ્રજામાં ઠસાવી દીધું કે કૉંગ્રેસ આપણી રહનુમા છે, કૉંગ્રેસ નહીં હોય તો આ દેશમાં રહેવું મુશ્કેલ બની જશે, હિન્દુ બહુમતી આપણને જીવવા નહીં દે, ફાડી ખાશે.

મોદીએ આવીને શું કર્યું કે મુસ્લિમોને એક અહેસાસ દિલાવ્યો કે તમે આ દેશમાં હિન્દુઓ જેટલા જ ઈક્વલ છો, સૌને એક સરખા હક્ક છે. અમારે કૉંગ્રેસની જેમ પ્રથમ તમારા નૈસર્ગિક હક્ક છીનવીને તમને એમાંથી એક એક ટુકડો આપીને અમારા ઓશિયાળા નથી બનાવવા. આ દેશમાં સૌ કોઈ સરખા છે એવી વાત સચ્ચાઈથી કરનારા સૌપ્રથમ પીએમ મોદી છે. અગાઉના પ્રધાનમંત્રીઓએ માત્ર ઉપરછલ્લી રીતે, કોઈ નિષ્ઠા વિના આવી વાતો કહ્યા કરી અને મુસ્લિમોનું સર્વ રીતે શોષણ કીધું. ૨૦૧૪ના મે મહિના પછી દેશના મુસ્લિમો ખરા અર્થમાં સુખચૈનથી જીવવા લાગ્યા. તે પહેલાં એમના મનમાં ફફડાટ રહેતો જે કૉંગ્રેસની બદમાશ નેતાગીરીએ દાયકાઓથી એમના ને એમના પૂર્વજોના મનમાં ધરબી દીધેલો. મોદીએ એમનો વિશ્ર્વાસ જીતી લીધો. વિશ્ર્વાસ જીતાયો એટલે જ સ્તો આજે ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કરતા સુપ્રીમ કોર્ટના શકવર્તી ચુકાદા પછી પણ ક્યાંય રમખાણ તો શું નાનું સરખું ચકલુંય મારવાનો બનાવ નોંધાયો નથી. કૉંગ્રેસના રાજમાં (ટુ બી પ્રીસાઈસ પ્રિન્સ રાહુલના પાપા પ્રિન્સ રાજીવના રાજમાં) શાહબાનો કેસમાં આવો શકવર્તી ચુકાદો સર્વોચ્ચ અદાલતે આપ્યો ત્યારે લાખો મુસ્લિમો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને કૉંગ્રેસ સરકારે સંસદમાં વટહુકમ પાસ કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફેરવી તોળ્યો હતો.

બાબરીધ્વંસના દિવસો યાદ કરો. પોતાની જાતને સવાયા મુસ્લિમ પુરવાર કરવા માગતા સેક્યુલરો જાણીતા મૅગેઝિનોમાં લેખો છાપતા થઈ ગયેલા કે રામજન્મભૂમિ પર હવે સંડાસ અને મૂતરડીઓ બાંધવા જોઈએ. આવું સૂચન છાપવાની જુર્રત કરનારાઓને કૉંગ્રેસનું પીઠબળ રહેતું. કૉંગ્રેસની મિલીભગતવાળી ‘સેવા’ સંસ્થાઓ (એન.જી.ઓ.ને) કરોડો પેટ્રો ડૉલરોનું ભંડોળ મળતું જેના પર મોદીએ આવતાંની સાથે જ સજ્જી દાટો લગાવી દીધો. મુસ્લિમોની ઉશ્કેરણી બંધ થઈ. મોદીના જેન્યુઈન પ્રયત્નો પછી મુસ્લિમ સમાજમાં હિન્દુઓ માટે, ભાજપ માટે, ખુદ મોદી માટે અને અલ્ટીમેટલી આ દેશ માટે સૌહાર્દપૂર્ણ માનસિકતા સર્જાઈ. કૉંગ્રેસે દેખાડેલો ડર નીકળી ગયો. પોતાના હક્ક માટે કોઈના ઓશિયાળા થવાની જરૂર નથી એવો વિશ્ર્વાસ મળ્યો. આ ભૂમિ પર જેટલો હિન્દુઓનો હક્ક છે એટલો જ અમારો પણ છે અને આ હક્ક અમારે કોઈની પાસે (વાંચો, કૉંગ્રેસી) શાસનકર્તાઓ પાસે) માગવા જવાનું નથી, નૈસર્ગિક રીતે અમને પ્રાપ્ત થયેલો છે એવી નિરાંત મળી. આ સર્વનું પરિણામ એ આવ્યું કે જે ઈશ્યુને કૃત્રિમ રીતે, ચાબુક ફટકારી ફટકારીને ઊભો કરવામાં આવ્યો અને પછી પેટ્રોલ રેડી રેડીને સળગતો રાખવામાં આવ્યો તે બાબરીધ્વંસ – રામજન્મભૂમિનો વિવાદ આપોઆપ શમી ગયો. અયોધ્યાની આ જમીનના ટુકડા પર જેનો હક્ક દાવો છે એવા ત્રણમાંના બે પક્ષકારો તો હિંદુ છે અને ત્રીજો પક્ષકાર જે મુસ્લિમોનો છે તે શિયા વકફ બોર્ડે એ હક્ક દાવો પાછો લઈ લીધો અને પ્રેમપૂર્વક સોગંદપૂર્વક સુપ્રીમ કોર્ટમાં લખી આપ્યું કે હિન્દુભાઈઓ, તમતમારે તમારા આ આસ્થાના સ્થળ પર ભગવાન રામનું મંદિર બાંધો, અમે દૂર, અમારી વસ્તીવાળા ઈલાકામાં જઈને મસ્જિદ બાંધીશું. આપણે ભાઈ-ભાઈ છીએ અને એ જ રીતે રહીશું. વચ્ચેના છ-સાત દાયકામાં કૉંગ્રેસ ગદ્દારો એ જે બદમાશી કરી તે ભૂલી જઈએ. વિચાર કરો કે શિયા વકફ બોર્ડના આવડા મોટા કાનૂની પગલા પછી સુન્નીઓએ અને કૉંગ્રેસી નેતાઓએ થોડી ચડભડ કરી પણ દેશભરમાં ક્યાંય કોઈએ દેખાવો નથી કર્યા, રમખાણોની તો વાત જ બાજુએ રહી.

દેશ બદલાઈ રહ્યો છે. પોઝિટિવલી બદલાઈ રહ્યો છે. સેક્યુલરો, લેફ્ટિસ્ટો અને કૉંગ્રેસીઓ કહ્યા કરે છે કે ‘આ દેશમાં હવે અમારા માટે વાણી સ્વાતંત્ર્ય રહ્યું નથી’. હકીકત એ છે કે કૉંગ્રેસના રાજમાં એ સૌ મનફાવે તેવું જુઠ્ઠાણું બોલતા અને મીડિયા દ્વારા એ જૂઠનો પ્રચાર-પ્રસાર કરતા. હવે એમનું જૂઠ પ્રગટ થતાં જ પડકારવામાં આવે છે અને એમની બોલતી બંધ થઈ જાય છે. એમને લાગે છે કે અમને ગૅગ કરી દેવામાં આવ્યા, અમારા મોઢા પર તાળું મારી દેવામાં આવ્યું. વાસ્તવિક્તા એ છે કે એમનું વાણી સ્વાતંત્ર્ય નથી છીનવાયું, છાકટા બનીને જુઠ્ઠું બોલતાં રહેવાની એમની બદમાશી પર પાબંદી આવી ગઈ છે.

ટ્રિપલ તલાક વિશેનો મામલો સુપ્રીમ કોર્ટે હાથમાં લીધો ત્યારે સૌ જજસાહેબોના મનમાં ભરપૂર માનસિક સ્વાતંત્ર્ય હશે. કૉંગ્રેસના રાજમાં દરેક દરેક સ્તરના લોકો પર માનસિક દબાણ રહેતું કે શાસકોને ભાવે એવી વાત અમે નહીં કરીએ તો અમારી સામે ક્ધિનાખોરી દેખાડવામાં આવશે, અમને ટ્રાન્સફર કરવામાં આવશે, અમને નિવૃત્તિ વખતે હેરાન કરવામાં આવશે, ભૌતિક બેનિફિટ્સથી માંડીને માનઅકરામોથી વંચિત રાખવામાં આવશે. આની સામે એવી પણ લાલચ ખરી કે જો અમે શાસકોના કહ્યાગરા બનીને પૂંછડી પટપટાવીને એમના ઈશારે હિન્દુઓને હેરાન કરીશું તો અમને ભસતા બંધ કરવા માટે તેઓ પોતાના લૂંટના માલમાંથી બે-ચાર ટુકડા અમને પણ નાખશે.

સ્વપ્નવત્ અને અશક્યવત્ ઘટના બની છે. કોઈ વિચારી પણ ન શકે કે નહેરુના વારસદારોએ જે દેશ પર છ-સાડા છ દાયકા સુધી રાજ ચલાવ્યું તે દેશમાં આવી ક્રાન્તિકારી ઘટનાઓ બની શકે જેમાંની એક છે ટ્રિપલ તલાક વિરુદ્ધનો ચુકાદો.

એટલે જ લાગે છે કે મોદીયુગના આ વર્ષો દેશ માટે, દેશપ્રેમીઓ માટે બેસ્ટ સમય છે; મોદીયુગના આ વર્ષો દેશનાં ભાગલાવાદી તત્ત્વો માટે, દેશદ્રોહીઓ માટે, સેક્યુલરો અને લેફ્ટિસ્ટો માટે વર્સ્ટ સમય છે.

થોડુંક બાકી છે. કાલે.

આજનો વિચાર

ઝિંદગી મેં સપને યા તો યકીન સે પૂરે હોતે હૈં…

…યા વ્હિસ્કી ઔર નમકીન સે!

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

લોકસભામાં સ્પીકર: આય નાઉ ઈન્વાઈટ મિ. રાહુલ ગાંધી ટુ ગિવ હિસ એડ્રેસ ટુ ધ નૅશન.

રાહુલ ગાંધી: ટ્વેલ્વ, તુઘલક લેન, ન્યુ દેહલી. થેન્ક યુ.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 24 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *