બૅકસીટ ડ્રાઈવિંગનો મોહ જતો નહીં કરવાનું પરિણામ

વિકાસ સિક્કાએ ‘ઈન્ફોસિસ’ના સી.ઈ.ઓ. અને મૅનેજિંગ ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું એ પછી ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. કેટલાકને આમાં ફાઉન્ડર નારાયણ મૂર્તિનો વાંક લાગે છે, કેટલાકને વિકાસ સિક્કાનો. બેઉ પક્ષકારો પાસે પોતપોતાના મતના સમર્થન માટે પૂરતી દલીલો છે.

‘ફાઉન્ડિંગ ફ્યુઅલ’ નામના પોર્ટલને ભારતીય ઉદ્યોગ સાહસિકોમાંના કેટલાક ટોચના લોકોનું ફંડિંગ મળેલું છે અને એના સહસ્થાપક ઈન્દ્રજિત ગુપ્તા મીડિયાના માણસ છે. આ પોર્ટલ સાથે સંકળાયેલા બીજા એક સહસ્થાપક અને પત્રકાર ચાર્લ્સ અસિસિએ વિશાલ સિક્કાના રાજીનામા પછી તરત એક દીર્ઘલેખ ઘણા નિરપેક્ષ રહીને લખ્યો. મને એમની દલીલો ગળે ઊતરી. અહીં હવે જે કંઈ લખાશે તે ચાર્લ્સ અસિસિના એ લેખના આધારે લખાશે જેનું મથાળું છે ‘વૉટ ઈઝ ધ મૅટર વિથ મેન લાઈક એન. આર. નારાયણ મૂર્તિ?’

પેટા મથાળામાં લખ્યું છે: હી (અર્થાત્ નારાયણ મૂર્તિ) વૉઝ ડેસ્ટિન્ડ ફોર ગ્રેટનેસ, પણ કમનસીબે એમના જેવા બીજા કેટલાક (મહાન) લોકોની જેમ એ પોતે પણ પોતાના વિચારોના દાયરાની બહાર આવી શક્યા નહીં. કોઈક રીતે આવા લોકોનું થાય છે શું કે ક્યારે જતું કરવું એ એમને આવડતું નથી.

લેખના આરંભે યૅન માર્ટેલની ફેમસ નવલકથા (જેના પરથી ફેમસ પિક્ચર બન્યું) ‘લાઈફ ઑફ પાઈ’નો દાખલો આપીને ચાર્લ્સ અસિસિ કહે છે કે ૨૦૦૨માં આ નવલકથાને બુકર પ્રાઈઝ મળ્યું ત્યારે લંડનના ‘ધ ગાર્ડિયને’ યૅન માર્ટેલ ‘થર્ડ ટાઈમ લકી’ છે એવી હેડલાઈન મારી હતી, કારણ કે આ લેખકની અગાઉની બે નવલકથાઓ ક્યારે પ્રગટ થઈ અને ક્યારે ભુલાઈ ગઈ તેની કોઈને ખબર નથી, પણ આ નવલકથા (‘લાઈફ ઑફ પાઈ’) બેસ્ટ સેલર બની, રાઈટરને ખૂબ પ્રસિદ્ધિ મળી, બુકર પ્રાઈઝ મળ્યું અને એના પરથી ફિલ્મ બનવાની છે એવી વાતો પણ વહેતી થઈ.

દસ વર્ષ પછી, ૨૦૧૨માં ડિરેકટર ઍન્ગ લીએ આ નવલકથા પરથી ફિલ્મ બનાવી જે ખૂબ વખણાઈ, બૉક્સ ઑફિસ પર કમાણી પણ ખૂબ કરી આ ફિલ્મે અને ઓસ્કાર ઍવોર્ડમાં આ ફિલ્મને ૧૧ નૉમિનેશન્સ મળ્યાં જેમાંથી ચાર કેટેગરીમાં ઍવોર્ડ વિજેતા જાહેર થઈ: બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ વિઝયુઅલ ઈફેક્ટ્સ અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર (સંગીત). ઑસ્કાર ઍવોર્ડ ઉપરાંત બીજા અનેક જાણીતા પારિતોષિકો દિગ્દર્શક ઍન્ગ લી અને એ ફિલ્મને મળ્યાં.

આજની તારીખે તમે ‘લાઈફ ઑફ પાઈ’નું નામ બોલો તો મોટાભાગના લોકો ફિલ્મને જ યાદ કરશે, નવલકથાને નહીં. મૂળ જેની ખૂબસૂરત અને મૌલિક કલ્પના કરી તે નવલકથાકાર યૅન માર્ટેલ પર ફિલ્મનો દિગ્દર્શક ઍન્ગ લી હાવી થઈ ગયો અને સર્વત્ર એનું જ નામ છવાઈ ગયું, લેખકનુું નામ દબાઈ ગયું.

ચાર્લ્સ અસિસિએ ‘લાઈફ ઑફ પાઈ’ના દાખલાથી શરૂઆત કરીને ‘ઈન્ફોસિસ’ના કરન્ટ મામલા સુધી પહોંચતાં પહેલાં એક પ્રશ્ર્ન મૂક્યો: ‘મને સવાલ એ થાય છે કે આવું થવાને કારણે લેખકના મનમાં શું ચાલતું હશે? કારણ કે આખી ફિલ્મના પાયામાં તો એની કલ્પનામાંથી નીપજેલી સ્ટોરી છે અને એ પોતે પણ ફિલ્મ બની તેના છેક દસ વરસ પહેલાં ક્વાઈટ પોંખાયેલો, લોકપ્રિય, સફળ રાઈટર તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યો હતો.’

પછી ચાર્લ્સ અસિસિ એક બહુ મોટી વાત લઈને આવે છે. ‘લાઈફ ઑફ પાઈ’ના લેખક યૅન માર્ટેલે કોઈ ઈન્ટરવ્યૂમાં જે એક વાક્ય કહ્યું હતું તેને ભલે આ ચર્ચા સાથે ડાયરેક્ટ કોઈ લેવાદેવા ન હોય, પણ આપણને એ કામ લાગે એવું છે. યૅન માર્ટેલે કહ્યું:

‘જે ઝનૂનીઓ છે, જડબુદ્ધિ છે તેમનામાં શ્રદ્ધા નહીં પણ અંધશ્રદ્ધા ભરેલી હોય છે, માન્યતાઓ કે વળગણો જેને કહીએ તે. જેમની પાસે શ્રદ્ધા છે તેમનામાં જતું કરવાની ઉદારતા હોય તેઓ વિશ્ર્વાસ મૂકી શકતા હોય છે, પણ જેઓ પોતાના વિચારોને જડસુની જેમ વળગી રહે છે, પોતાની માન્યતાઓ અને વળગણનોને છોડી શક્તા નથી તેઓ પોતાની અંધશ્રદ્ધાને વળગી રહે છે.’

જેઓ પોતાના વિચારોના જાળાની બહાર નથી આવી શકતા કે નથી આવવા માગતા તેઓ ઝનૂનપૂર્વક નવું કશું જ જોવાનો ઈનકાર કરતા હોય છે, પણ જેમને શ્રદ્ધા હોય છે પોતાના આઈડિયાઝમાં, એ વિચારોની તાકાતમાં, તેઓ બીજાઓ આગળ જીદ પકડીને નથી બેસી જતા કે આ આઈડિયાઝને અમલમાં મૂકવાનો મારો જ રસ્તો સાચો છે. તેઓ પોતાના આઈડિયાઝને બીજાઓ જે રીતે અમલમાં મૂકવા માગતા હોય તે રીતે મૂકવા દેવામાં રાજી હોય છે અને પછી પોતે એ આઈડિયા માટેના વળગણમાંથી મુક્ત થઈને નવાં લક્ષણો આંબવા માટે નીકળી પડતા હોય છે.

અહીં કેટલાક પાયાના પ્રશ્ર્નો ઊભા થાય છે. કેટલાક લોકો શા માટે પોતાના ભવ્ય ભૂતકાળના આધારે ભવિષ્ય માટેના ખોટા ખ્યાલોમાં રાચીને પોતાનો વર્તમાન ખરડી નાખતા હશે? શું એની પાછળ એવું કારણ હશે કે એમને સ્વમાનપૂર્વક જતું કરતાં આવડતું નથી? કે પછી પોતાના કરતાં પણ વધુ ખમતીધર, વધુ કૉમ્પીટન્ટ લોકો હોઈ શકે છે આ દુનિયામાં, જેઓ હવે સ્ટિયરિંગ વ્હીલ સંભાળીને ટેક ઓવર કરી શકે છે, એવું સ્વીકારવા માટે હજુય તૈયાર નથી?

કેટલાક બિઝનેસ, કેટલીક સંસ્થાઓ, કેટલાંક કામકાજ એવાં હોય છે જેનો વિકાસ થતાં થતાં એટલો બધો ગ્રોથ થઈ જાય કે જેણે એની સ્થાપના કરી હોય તે પોતે જ આઉટડેટેડ બની જાય અને છેવટે એ કામકાજની લગામ નવા યોગ્ય લોકોની ટીમને સોંપવી જ પડે. આવું કરવા માટે સ્થાપકને શ્રદ્ધા હોવી જોઈએ. અન્યથા એ નવા લોકોની કાર્યપદ્ધતિમાં વાંધાવચકા કાઢયા કરશે.

ચાર્લ્સ અસિસિનો પીસ ઘણો લાંબો છે અને જેમને રસ હોય તેમણે અચૂક વાંચવો, પણ આ એનો ક્રક્સ છે.

નવો નવા ડ્રાઈવિંગ શીખેલો દીકરો પિતાને કારમાં બેસાડીને સ્ટિયરિંગ પર બેસે છે ત્યારે પિતા બૅકસીટ ડ્રાઈવિંગ કરવાની લાલચ રોકી શકતા નથી. પિતા ભૂલી જાય છે કે એમના જમાનાની રેડિયેટરવાળી અને ફૅન બેલ્ટવાળી ગાડીઓની સામે પાવર સ્ટિયરિંગવાળી અને હવે તો ઑટોગિયરવાળી ગાડીઓ આવી ગઈ. દીકરો ભૂલ કરતો હશે તો એ પોતાની મેળે સુધારતો થઈ જશે, પણ પિતાને લાગતું હોય છે કે મારા લોહીમાંથી જન્મેલા દીકરાને સલાહ આપવાનો મને જન્મસિદ્ધ હક્ક છે અને હું જો સલાહ નહીં આપું તો ક્યાંક એ એક્સિડન્ટ કરી બેસશે અને સમાજમાં મારો વાંક દેખાશે, બાપ બાજુમાં હતો તોય એણે દીકરાને અકસ્માત કરતાં બચાવ્યો નહીં.

સમજુ પિતા કાં તો દીકરો ગાડી ચલાવતો હોય ત્યારે ચૂપ રહેવાનું પસંદ કરે છે અથવા દીકરાની ગાડીમાં બેસવાને બદલે પોતાની ગાડી ચલાવવાનું પસંદ કરે છે.

નારાયણ મૂર્તિ અને વિશાલ સિક્કા પરસ્પર જે આક્ષેપો કરતા હોય તે અને બેઉનો પક્ષ લેનારાઓ જે લોજિક લડાવતા હોય તે- આ આખીય વાતના પાયામાં બૅકસીટ ડ્રાયવિંગ કરીને ગાડીને (બિનજરૂરી રીતે) ક્ધટ્રોલ કરવાની લાલચ છે એટલું સ્પષ્ટ છે.

આજનો વિચાર

તીન તલાકનો મામલો સુલટાવ્યા પછી હવે સાત જન્મના સાથવાળો મામલો હાથમાં લો, જજસા’બ!

– વોટ્સઍપ પર વાચેલું.

એક મિનિટ!

સલીમ: તલ્લાક, તલ્લાક, તલ્લાક!

સલમા: સટ્ટાક, સટ્ટાક, સટ્ટાક!

( મુંબઇ સમાચાર : બુધવાર, 23 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *