જે સ્થાપના કરે છે તે જ ઉત્થાપન શું કામ કરે

સિત્તેર વર્ષીય એન. આર. નારાયણ મૂર્તિ આઈ. આઈ. ટી. (કાનપુર)માં ભણ્યા. ૧૯૮૧માં એમણે ‘ઈન્ફોસિસ’ની સ્થાપના કરી તે પહેલાં આઈ. આઈ. એમ. (અમદાવાદ)માં ચીફ સિસ્ટમ્સ પ્રોગ્રામર તરીકે કામ કરી ચૂક્યા હતા. ૧૯૮૧ થી ૨૦૦૨ સુધી ‘ઈન્ફોસિસ’ના સી.ઈ.ઓ. રહ્યા. ૨૦૦૨થી ૨૦૧૧ ચૅરમેન રહ્યા અને ૨૦૧૧માં બોર્ડમાંથી રાજીનામું આપીને ચૅરમેન એમિરિટસ બન્યા. ૨૦૧૩માં પાંચ વર્ષ માટે ‘ઈન્ફોસિસ’ના ઍડિશનલ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચૅરમેન બન્યા. ‘ઈન્ફોસિસ’ શરૂ કરતાં પહેલાં એમણે ‘સોફ્ટ્રોનિક્સ’ નામની કંપની શરૂ કરી હતી જે ફ્લોપ ગઈ, દોઢ વર્ષમાં આટોપી લેવી પડી. પછી એમણે પૂનાની પટ્ની કમ્પ્યુટર સિસ્ટમ્સ માટે કામ કર્યું (જે કંપનીને ૨૦૧૧માં અમેરિકાની ‘આઈગેટ કૉર્પોરેશને’ એક્વાયર કરી).

૧૯૮૧માં નારાયણ મૂર્તિ અને બીજા ૬ સોફ્ટવેર પ્રોફેશનલ્સે બૅન્ગલોરમાં ‘ઈન્ફોસિસ’ શરૂ કરી. મૂર્તિએ એમાં પોતાના રૂ. ૧૦,૦૦૦નું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. નંદન નિલકની બીજા ૬ સ્થાપકોમાંના એક હતા જેમને નારાયણ મૂર્તિએ પોતે ઈન્ટરવ્યૂ લઈને પટ્ની કૉમ્પ્યુટર સિસ્ટમ્સમાં નોકરી આપી હતી. ‘ઈન્ફોસિસ’ની સ્થાપના કરનારા સાતેય જણ પટ્નીમાં જ નોકરી કરતા હતા. ૨૦૦૨માં મૂર્તિની જગ્યાએ નંદન નિલકની સી.ઈ.ઓ. બન્યા. ૨૦૦૯માં ‘ઈન્ફોસિસ’ની નોકરી છોડીને નંદન નિલકની સરકારમાં જોડાયા. ‘આધાર’ કાર્ડ માટેનું પાયાનું કામ એમણે કર્યું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નંદન બૅન્ગલોર (સાઉથ)ની સીટ પરથી કૉંન્ગ્રેસની ટિકિટ પર ઊભા રહ્યા. ભાજપના અનંત કુમારે એમને સવા બે લાખ વોટથી હરાવ્યા.

૧૯૯૫માં ‘ઈન્ફોસિસ’ પ્રાઈવેટમાંથી પબ્લિક લિમિટેડ કંપની બની અને એક વર્ષમાં એનો પબ્લિક ઈશ્યુ આવ્યો ત્યારે ૨૦ રૂપિયાની બુક વેલ્યુ ધરાવતો શેર પ્રીમિયમમાં ૯૫ રૂપિયે પબ્લિકને ઑફર કરવામાં આવ્યો હતો. મઝાની વાત એ છે કે એ વખતે આ ભરણું પૂરેપૂરું છલકાયું નહોતું, ઈશ્યુ અંડર સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો અને મોર્ગન સ્ટેનલીએ ૨૮ ટકા જેટલા શેર ઓફર પ્રાઈસ પર ખરીદીને ‘ઈન્ફોસિસ’ને બેઈલ આઉટ કરી હતી. જૂન ૧૯૯૩માં શેર બજારમાં લિસ્ટ થયા પછી આ શેરનો ભાવ ૧૪૫ રૂપિયે ખૂલ્યો હતો. આજની તારીખે બે લાખ કરતાં વધુ એમ્પ્લોઈઝ ધરાવતી આ કંપની વર્ષે દહાડે સાઠ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનો ધંધો કરીને બાર હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનો પ્રોફિટ કરે છે. નારાયણ મૂર્તિ અને નંદન નિલકની સહિતના સ્થાપકો ‘ઈન્ફોસિસ’ થકી અબજોપતિ બની ગયા છે એટલું જ નહીં ‘ઈન્ફોસિસ’માં એ વખતે ઈન્વેસ્ટ કરનારા રોકાણકારો પણ કરોડપતિ બની ગયા.

૧૯૮૧માં ભારતમાં સોફ્ટવેરનું ક્ષેત્ર પા પા પગલી ભરી રહ્યું હતું. વિદેશી કંપનીઓને આ ફિલ્ડમાં સસ્તા ભાવે ઉમદા સર્વિસ પ્રોવાઈડ કરીને ‘ઈન્ફોસિસ’ને એક જાયન્ટ ભારતીય મલ્ટિનેશનલ કોર્પોરેશન બનાવવામાં નારાયણ મૂર્તિએ ભજવેલો ભાગ ક્યારેય નહીં ભૂલી શકાય. દરેક કામકાજમાં, બિઝનેસથી લઈને ફિલ્મ સુધીના દરેક કામકાજમાં, આપણે જ્યારે કોઈ એક વ્યક્તિના માથે સફળતાનો સાફો બાંધીએ છીએ ત્યારે એ ભૂલવું ન જોઈએ કે એમની સફળતામાં બીજા અનેક, એમના જેટલા જ ઈન્ટેલિજન્ટ અને મહેનતુ લોકોનો ફાળો હોવાનો. બી ઈટ અંબાણી, સ્ટીવ જૉબ્સ, સ્ટીવન સ્પીલબર્ગ કે પછી યશ ચોપરા. ઈવન પોલિટિક્સમાં પણ બી ઈટ પી એમ મોદી કે પછી કોઈ પણ. દરેકની સફળતામાં બીજા અનેકનો ફાળો હોવાનો જ. આમ છતાં આપણે બધાંનાં નામ ગણાવતાં નથી. એક જ વ્યક્તિનું નામ લઈએ છીએ. એપલ કંપની કોણે બનાવી? તો કહે, સ્ટીવ જૉબ્સે. ‘શિન્ડર્સ લિસ્ટ’? તો કહે, સ્ટીવન સ્પીલબર્ગે. એ જ રીતે ‘ઈન્ફોસિસ’ની સફળતાનો શ્રેય નારાયણ મૂર્તિને જાય છે. આ વ્યક્તિઓના વિઝન અને લીડરશિપનાં ગુણોને લીધે એમની કંપની, એમના કામકાજને ઈનિશ્યલ સ્ટેજમાં ચોક્કસ દિશા મળી હોય છે, ટકી રહેવાની ક્ષમતા મળી હોય છે, આગળ વધવાની તાકાત મળી હોય છે અને ફિલ્ડના બીજા લોકો કરતાં સ્પર્ધામાં આગળ વધવા માટેની એક આગવી ઓળખ પ્રાપ્ત થઈ હોય છે. યુનિક સેલિંગ પોઇન્ટ, નિશ માર્કેટ, એક્સ ફેક્ટર જેવાં વિવિધ નામે ઓળખાતી આ આગવી ઓળખને જો થમ્બ પ્રિન્ટ ગણીએ તો એ આંગળાની યુનિક છાપ સ્ટીવ જૉબ્સ, સ્ટીવન સ્પીલબર્ગ, નારાયણ મૂર્તિ વગેરેની હોવાની અને એટલે જ આપણને એમનાં નામ યાદ રહે છે, બીજાઓએ આપેલા કૉન્ટ્રિબ્યુશનની અવગણના નથી કરતા પણ પબ્લિક આઈમાં આ જ લોકો હીરો તરીકે સ્થપાઈ જતા હોય છે. ૧૯૮૧થી આજ દિન સુધી ‘ઈન્ફોસિસે’ કરેલી પ્રગતિના પાયામાં નારાયણ મૂર્તિનો સક્રિય ફાળો છે. એમણે ખુશ થવું જોઈએ કે પોતે સી.ઈ.ઓ. મટી ગયા, ચૅરમેન મટી ગયા, બોર્ડમાંથી નીકળી ગયા પછી પણ એમણે ઘડેલા કે એમનાથી ઇન્સપાયર થયેલા નવી જનરેશનના લીડર્સે કંપનીને સતત પ્રગતિના પંથે રાખી એટલું જ નહીં પ્રગતિનો વેગ અનેકગણો વધારી દીધો.

તો આ સંજોગોમાં નારાયણ મૂર્તિના અલમોસ્ટ પુત્રની ઉંમરના (૫૦ વર્ષના) વિશાલ સિક્કા જે વડોદરાની મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થઈને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવા ગયા અને ૨૦૧૪માં ‘ઈન્ફોસિસ’ના સી.ઈ.ઓ. અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે જોડાયા, એમણે વર્ષે દહાડે રૂપિયા ૩૫ થી ૪૦ કરોડનો પગાર આપતી અને અલમોસ્ટ એટલા જ સ્ટૉક ઑપ્શન્સ આપતી નોકરી છોડી કેમ?

બાકીની ઈન્ટરેસ્ટિંગ વાત કાલે કરીને પૂરું કરીએ.

આજનો વિચાર

સ્ત્રીઓના કાનમાં એક કાણું તો પહેલેથી હોય છે, ઉપરથી બીજાં ચાર-પાંચ કરાવે છે… છતાં સાંભળતી કોઈનું નથી!

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બધાને મોંઘવારી નડે

ટેક્સ નડે

નોટબંધી નડે

જીએસટી નડે

પણ આ ધાણાદાળવાળા વર્ષોથી ૫૦ પૈસામાં પડીકી વેચે છે, એમને કંઈ નડતું નહીં હોય?

( મુંબઇ સમાચાર : મંગળવાર, 22 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *