નારાયણ મૂર્તિ અને વિશાલ સિક્કાની બીજી બાજુ

આજનો લેખ શરૂ કરતાં પહેલાં એક ડિસ્ક્લેમર: ‘ઈન્ફોસિસ’નો એક પણ શેર મારી પાસે નથી, ફોર ધૅટ મેટર શેર બજારમાં એક પૈસાનું રોકાણ નથી અને સાચું પૂછો તો શેરબજાર સિવાય કોઈ પણ ઠેકાણે એક પાઈનું ઈન્વેસ્ટમેન્ટ નથી.

આ માહિતીને તમે આ વિષય પર લખવાનું મારું ડિસ્ક્વોલિફિકેશન ગણો કે ક્વોલિફિકેશન ગણો, જે ગણો તે પણ ‘ઈન્ફોસિસ’ના સી.ઈ.ઓ. વિશાલ સિક્કાના રાજીનામાથી અને ‘ઈન્ફોસિસ’ના સ્થાપક નારાયણ મૂર્તિના, આ રાજીનામા પહેલાં અને પછી જે પ્રત્યાઘાત આવ્યા, તેને કારણે જે ખળભળાટ મચી ગયો તેના વિશે આજે બે વાત કરવી છે. કારણ કે એ જે બે વાત છે તે યુનિવર્સલ છે, અલમૉસ્ટ બધાને લાગુ પડે છે.

અક્સર એવું જોવા મળ્યું છે કે બાપદાદાએ જે બિઝનેસ શરૂ કર્યો હોય તે જ ધંધામાં નવી પેઢીનાં સંતાનો જોડાય ત્યારે આ બિઝનેસને હવે કઈ નવી દિશા આપવી તેના વિશે મતભેદો થતા હોય છે. દુનિયાની દૃષ્ટિએ, ઉપરછલ્લી રીતે એ મતભેદો નહીં પણ પ્રોપર્ટીના ઝઘડા હોય છે. હકીકતમાં પ્રોપર્ટીના વિખવાદો પછી આવતા હોય છે, સૌ પ્રથમ મતભેદો સર્જાતા હોય છે – આ જમા થયેલા બિઝનેસને કઈ દિશા આપવી તે વિશેના મતભેદો.

ગુજરાતી કુટુંબોમાં આપણે બે એકસ્ટ્રીમ્સ જોયાં છે. એક મફતલાલ ફેમિલી અને બીજું અંબાણી કુટુંબ. આજથી અલમોસ્ટ દોઢસો વર્ષ પહેલાં, ૧૮૭૩માં, જન્મેલા મફતલાલ ગગલભાઈએ કાપડની ગાંસડીઓ ઊંચકીને કમાયા પછી કપડાંની મિલો સ્થાપી. અને એમની નવી પેઢીઓએ ઉત્તરોત્તર વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી. મફત ગગલના જન્મની અડધી શતાબ્દી પછી, ૧૯૩૨માં જન્મેલા ધીરુભાઈ અંબાણીએ ૬૦ના દાયકામાં શરૂ કરેલા બિઝનેસને એમની નેક્સ્ટ જનરેશન ક્યાંથી ક્યાં લઈ ગઈ તેના આપણે બધા સાક્ષી છીએ. આજની તારીખે નવી પેઢીના ગુજરાતી યુવાનોને મફતલાલનું નામ ભાગ્યે જ યાદ આવશે, અંબાણીનું નામ એમની જીભના ટેરવે હશે.

શું કારણ આનું? પિતા જ્યારે એક બિઝનેસ શરૂ કરે છે અને પછડાટો ખાઈ ખાઈને એમાં સ્થિર થાય છે, એક વખત સ્થિર થયા પછી વધુ હિંમત ભેગી કરીને એને એક પછી એક નવી ઊંચાઈએ લઈ જાય છે, ત્યારે એના માટે આનાથી વિશેષ સિદ્ધિ જીવનમાં બીજી કોઈ હોતી નથી. બે, ત્રણ કે ચાર દાયકામાં પિતાને ખબર પણ નથી પડતી કે હવે નવી પેઢી આ કારોબારને એની પોતાની રીતે આગળ વધારવા તૈયાર થઈ ગઈ છે. કોઈ સંતાન એવું તો ના જ ચાહે કે મારા પિતાએ જતનપૂર્વક ઊભા કરેલા બિઝનેસનું હું વિસર્જન કરી નાખું, એમાં તોડફોડ કરીને એને રફેદફે કરી જે કંઈ પૈસા હાથમાં આવી જાય એમાંથી જિંદગીભર રંગરેલિયાં કરું. પણ દીકરો જ્યારે બિઝનેસમાં જોડાઈને બિઝનેસને એક્સ્પાન્ડ કરવાના, એમાં બૅકવર્ડ ઈન્ટીગ્રેશન કરવાના કે પછી નેક્સ્ટ સ્ટેપ લઈને એનો વર્ટિકલ કે હોરિઝોન્ટલ ગ્રોથ કરવાના પ્લાન લઈને આવે છે ત્યારે પિતા જરા હચમચી જાય છે. મનમાં કદાચ એવો પણ વિચાર આવી જતો હશે કે અમે શું વાળ ધૂપમાં સફેદ કર્યા છે? અમને શું આવા બધા વિચારો નહીં આવ્યા હોય? ખબર છે તને કે તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે અમે? તું અમને ધંધો કરતાં શીખવાડશે? હજુ ગઈ કાલ સુધી ચડ્ડીમાં મૂતરી પડતો છોકરો એના બાપને શીખવાડશે?

પિતાને ખબર નથી હોતી કે તમારો દીકરો પણ તમને એ જ કહેવા માગે છે કે પપ્પા, એ વખતની મારી ઉંમરના તમે પણ ચડ્ડીમાં જ કરી નાખતા હતા. પણ વિવેક જાળવીને એ ચૂપ રહે છે. એમાંય જો દીકરો ડાયવર્સીફિકેશનના પ્લાન લઈને આવ્યો તો તો આવી જ બન્યું એનું. આપણા ફૅમિલીમાંથી એવા ધંધા કોઈએ કર્યા નથી – એવું જ સાંભળવા મળશે દીકરાને. હકીકત એ છે કે પિતાએ જે ધંધો શરૂ કર્યો હતો તે પણ કુટુંબમાં અગાઉ બીજા કોઈએ નહોતો કર્યો.

મતભેદોની શરૂઆત અહીંથી થતી હોય છે, પછી કામ કરવાની પદ્ધતિમાં આવેલો બદલાવ ખટકતો હોય છે. સો વર્ષ પહેલાંના શેઠિયાઓ મુનિમ અને ગુમાસ્તાઓ પાસેથી જે રીતે કામ લેતા અને લાખો રૂપિયા કમાતા એવું વાતાવરણ હવે નથી રહ્યું તે સમજતાં, સ્વીકારતાં પિતાને વાર લાગે છે. પ્રોફેશનલ્સની આવડી મોટી ફોજની શું જરૂર છે તે એમને સમજાતું નથી. લાડવાનો મોટા ભાગનો હિસ્સો પોતાની તિજોરીમાં જ જવો જોઈએ એવું માનનારા પિતા બિઝનેસનો મેજોરિટી શેર ફેમિલી સિવાયના ઈન્વેસ્ટરોમાં વેચી દેવાની ખિલાફ હોય છે. પિતા સમજતા નથી કે જે લાડવાનો માઈનોરિટી ભાગ મળે છે તે લાડવાની સાઈઝ હવે તમારા લાડવા કરતાં સો-બસો-પાંચસોગણી મોટી છે.

‘ઈન્ફોસિસ’માં અલમોસ્ટ આવું જ થયું છે. ફાઉન્ડર નારાયણ મૂર્તિએ જે જમાનામાં આ કામકાજ શરૂ કર્યું તે જમાનો જુદો હતો, આજનું એન્વાયર્મેન્ટ અલગ છે. કંપની પરનો ક્ધટ્રોલ છોડી દીધા પછી પણ અદૃશ્ય લગામ હાથમાં રાખી મૂકવાની તમન્ના ત્યજી ન શકાય ત્યારે વિશાલ સિક્કાનું રાજીનામું આવી પડતું હોય છે. આવતી કાલે આ ઘટનાની ભીતરમાં જઈને જરા ડિટેલમાં એનેલિસિસ કરીએ – ઈન્ડસ્ટ્રીના ઈન્સાઈડર્સ આ વાતને કઈ રીતે જુએ છે તે જોઈએ.

આજનો વિચાર

માફ તો વારંવાર કરી શકીએ છીએ, પણ ભરોસો વારંવાર કરી શકાતો નથી.

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

બકો (પોતાની ડાયાબીટિક પત્નીને): સેલ્ફ કન્ટ્રોલ તો કોઈ તારી પાસેથી શીખે, કહેવું પડે!

પત્ની (ખુશ થઈને) એમ! પણ કઈ બાબતે?

બકો: શરીરમાં આટલી શુગર છે પણ મજાલ છે કે ક્યારેય ઝુબાન પર આવે!

( મુંબઇ સમાચાર : સોમવાર, 21 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *