સિંઘાનિયા વર્સીસ સિંઘાનિયા

ખરેખર તો શું મામલો હશે એની આપણને ખબર ક્યાં હોય પણ જાહેરમાં જેટલી વાતો બહાર આવે છે એના પરથી એટલું તારણ નીકળે છે કે એક જમાનામાં ફલેમબોયન્ટ લાઈફસ્ટાઈલ ધરાવતા, પોતાનાં પ્રાઈવેટ વિમાનો ઉડાડતાં અને દેશનું સૌથી શ્રેષ્ઠ, સૌથી મોંઘું સૂટનું કપડું મેન્યુફેક્ચર કરતા વિજયપત સિંઘાનિયાએ પોતાની બધી જ માલમિલકત દીકરા ગૌતમ સિંઘાનિયાના નામે કરી દીધી અને આજે હવે દીકરાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે એટલે તેઓ ભાડાની જગ્યામાં રહે છે.

આ બાબત અત્યારે હાઈ કોર્ટમાં છે એટલે બાપ-દીકરામાંથી કોઈનોય પક્ષ લેવાનો આપણો આશય નથી અને ખુદ જજ સાહેબે કહ્યું છે કે તમે બેઉ આપસમાં સમજી લો તો સારું અને બેઉ પક્ષો એ માટે તૈયાર પણ થઈ ગયા છે. ફરી એક વાર, આ મામલામાં તથ્ય શું છે, કેટલું છે, શા માટે છે એની કોઈ જાણકારી આપણને નથી.

પણ એટલું આપણે જરૂર જાણીએ છીએ, માનીએ છીએ અને કહેતા આવ્યા છીએ કે પિતાએ (કે માતાએ) ક્યારેય કરતા ક્યારેય પોતાના જીવતેજીવ પોતાની સંપત્તિ, ઘરબાર, બૅન્ક બૅલેન્સ દીકરા (કે દીકરી કે પૌત્ર-પૌત્રી)ના નામે કરી દેવી નહીં.

એચ.યુ.એફ. (હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી) હેઠળ નહીં આવરી લેવાઈ હોય એવી, પોતે ઊભી કરેલી દરેક સ્થાવર-જંગમ મિલકત પર વ્યક્તિએ પોતાના મર્યા સુધી પોતાના જ હક્ક ચાલુ રાખવા જોઈએ.

માણસ કમાણી શું કામ કરતો હોય છે? પોતાની જિંદગી ટકાવવા કે સુધારવા, કમાણી કરીને એ સૌથી પહેલાં ઋણસ્વીકાર તરીકે પોતાનાં માબાપને કે પછી પોતે જેમને કારણે ઉપર આવ્યો છે તેવા વડીલોને આર્થિક રીતે સાચવી લે તે જરૂરી છે. પરિવાર બનાવ્યા પછી પોતાનાં આશ્રિતોને (પત્ની, બાળકોને) આર્થિક સલામતી બક્ષે તે પણ જરૂરી છે, પણ કોઈ પણ કારણસર દોરવાઈ જઈને પોતાનું ઘર, બધી મિલકત છોકરાંઓને નામે કરી દે તે બિલકુલ બિનજરૂરી છે.

ઘણી વખત જોવા મળતું હોય છે કે લાગણીના આવેશમાં તણાઈ જઈને પિતા પોતાનાં સંતાનોની અસાધ્ય બીમારી પાછળ પોતાની તમામ બચત લૂંટાવીને મુફલિસ બની જાય છે. ક્યારેક તો સંતાનની માંદગી પાછળ ઘરબાર વેચી નાખે. ઘણી વખત માણસ માબાપ માટે આવું કરે. ઘણી વખત પત્ની માટે કે પોતાના માટે આવું કરે . જિંદગી આખીની કમાણી કોઈની પણ બીમારી પાછળ ખર્ચીને હૉસ્પિટલો કે ડૉકટરો કે દવા કંપનીઓની તિજોરી ભરવા જેવી મૂર્ખામી બીજી એકેય નથી. ‘ડૉક્ટરસાહેબ, કોઈ પણ ભોગે તમે મારા દીકરાનો (કે મારી માતાનો કે મારો પોતાનો) જીવ બચાવી લા’ જેવું મૂર્ખામીભર્યું વાક્ય આ દુનિયામાં બીજું એકેય નથી. કોઈના માટે કે (તમારા પોતાના માટે) તમને ગમે એટલો પ્રેમ હોય, આદર હોય તો પણ સમજવું જોઈએ છેવટે આપણા જીવનું મૂલ્ય કેટલું? કુટુંબને આર્થિક બરબાદીના ખાડામાં નાખીને કોઈનો જીવ બચાવી લેવાનાં હવાતિયાં સફળ પણ થયા તો તે કયા ભોગે? આવો શાપ વેંઢારીને બાકીનું જીવન જીવવાનો શું અર્થ છે?

તમે જે કમાણી કરો છો તેના પર તમારા સિવાય બીજા કોઈનોય હક્ક નથી અને જો તમે સમજુ કે ઉદાર હો તો સમાજના ભલા માટે અમુક ટકા જરૂર વાપરશો કે તમારા આશ્રિતો કે મદદગારો માટે પણ અમુક હિસ્સો ફાળવશો. પણ એ બધું મરજિયાત છે, ફરજિયાત નથી. તમે એવી ઉદાર વૃત્તિને તમારી ફરજ માનો છો એ તમારો દુનિયા માટેનો સદ્ભાવ છે, પણ છેવટે તો એ તમારી મરજીની વાત છે.

તમે જે જીવનમાં સહન કર્યું છે તે તમારાં બાળકોએ સહન કરવું ન પડે અને તમે જે જે જિંદગીમાં માણ્યું છે તે બધું જ તમારી નવી પેઢીને માણવાની તક મળે, એટલું જ નહીં, તમારી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પણ તેઓ પૂરી કરે એવી ભાવનાથી જીવતેજીવ તમારી આપકમાઈથી મેળવેલું બધું જ તમે સંતાનોને સોંપી દો છો ત્યારે બે ભૂલ કરતા હો છો. એક તો, તમે માની લો છો કે તમારી નવી પેઢીમાં તમારામાં હતી એવી ત્રેવડ નહીં હોય. એ લોકો તમારી જેમ પોતાના પગ પર ઊભા રહીને વધુ સમૃદ્ધ નહીં થાય. બીજી ભૂલ એ કે તમે માની લીધું કે તમારી આ જનરોસિટીના બદલામાં તમે તમારી બાકીની જિંદગી આર્થિક રીતે સલામત કરી નાખી છે. તમને ખબર નથી કે તમારા દીકરાના જીવનમાં કેવા કેવા સંજોગો ઊભા થવાના છે, એ કયા કયા લોકોની ઈન્ફલ્યુઅન્સમાં આવવાનો છે. તમે માની લીધું કે આ બધું એને સોંપતી વખતે તમારામાં અને એનામાં જે લાગણીઓ છે તેવી જ લાગણીઓ ભવિષ્યમાં પણ રહેવાની. લાગણીની ભરતી-ઓટ અને સંજોગોની ધૂપછાંવને ગણતરીમાં લીધા વિના જેઓ આંધળુકિયાં કરે છે એ લોકોએ પોતાની મહેલ જેવી મિલકત, વૉર્ડન રોડ પરના રેમન્ડ હાઉસને છોડીને, નજીકના ગ્રાન્ડ પેરેડી ટાવર્સના ભાડાના રો હાઉસમાં રહેવા જતા રહેવું પડે છે – ૭૯ વર્ષીય વિજયપત સિંઘાનિયાની જેમ.

કાગળ પરના દીવા

ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે
એ જાણતા નથી, બહુ મોડું થઈ ચૂક્યું
એ આવશે, ‘મરીઝ’ અહીં દમ નહીં રહે

– ‘મરીઝ’

સન્ડે હ્યુમર

શિક્ષિકા: બોલો તો, પંદરમી ઑગસ્ટે આપણને શું મળ્યું હતું?

બકો: મૅડમ, નાનકડા પડિયામાં થોડીક બુંદી!

( મુંબઇ સમાચાર : રવિવાર, 20 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *