સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક, સારા ભાવક હોવાની નિશાનીઓ

સૌથી પહેલી નિશાની તો એ કે ખોડખાંપણ કાઢવાનું ટાળીએ. પ્રવચન સારું હતું પણ માઈકમાં જરા ગરબડ હતી કે નાટક સારું હતું પણ પેલું પાત્ર નકામું હતું, નવલકથા સારી હતી પણ બાઈન્ડિંગ નબળું હતું, બાંસુરીવાદનમાં હરિપ્રસાદ ચૌરસિયા બેજોડ છે પણ હવે એમનો શ્ર્વાસ જલદી તૂટી જાય છે જેવી ટિપ્પણો કરવાની જો તમને આદત હોય તો તમે ક્યારેય સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક કે સારા ભાવક બની શકવાના નથી. તમને બધી વાતે બહુ બધું નૉલેજ છે અને એવું દોઢ ડહાપણ ડહોળીને તમે તમારી આસપાસના ચાર માણસોને ઈમ્પ્રેસ કરી શકો છો એવું જો તમને લાગતું હોય તો રાખો આ નૉલેજ તમારી પાસે, બીજાઓને એનું કંઈ કામ નથી.

તમારામાં ત્રેવડ તો છે નહીં બેટ પકડવાની અને ઈન્ટરનૅશનલ ક્રિકેટ રમતા વિરાટ કોહલીની બીહેવિયરની ટીકા કરવા નીકળી પડવું છે. એક ગીત સરખું ગાતાં આવડતું નથી અને લતા મંગેશકરનો ‘સા’ હવે લાગતો નથી એવું કહીને તમારી તથાકથિત પ્રતિભા એસ્ટાબ્લિશ કરવી છે. નાના માણસોનાં આ બધાં લક્ષણો છે અને હજુય જો નહીં સુધરો તો જીવનનો આનંદ માણવાનું સદંતર ચૂકી જશો અને મરતા દમ સુધી બસ આવો જ કકળાટ કર્યા કરશો.

બીજું, આર્ગ્યુમેન્ટેટિવ બનવાનું રહેવા દો. કોઈ મિત્રે તમને કહ્યું કે આ પિક્ચર સારું છે તો ચૂપચાપ સાંભળી લો. દલીલ નહીં કરો કે એમાં તે શું વળી ગમી ગયું તને? અરે ભાઈ, એને સારું લાગ્યું તો સારું કહ્યું, તને ના ગમ્યું હોય તો તારો અભિપ્રાય તને મુબારક, પણ ઘણા લોકોને ચુડેલની જેમ ઊંધા પગલે ચાલવામાં જ મઝા આવતી હોય છે. ધારો કે કોઈકે એ જ પિક્ચર માટે કહ્યું હોત કે સાવ બકવાસ છે તો એ તૂટી પડે એના પર કે આટલું સરસ પિક્ચર તને બકવાસ લાગ્યું! દલીલોમાં ઘસડીને તર્ક-વિતર્ક-કુતર્ક અને વિકૃત તર્ક દ્વારા જીતી જઈ સામેવાળાને મહાત કર્યા હોવાનો સંતોષ લેવાનું ઘણાને ગમતું હોય છે – સુવ્વરને કાદવમાં રમવાનું ગમે એમ.

ત્રીજી વાત. સારા શ્રોતા વગેરે બનવા માટે સરખામણી કરવાનું છોડો. ભય વિશે રજનીશે જે કહ્યું છે એના કરતાં સાહેબ તમે સદ્ગુરુ જગ્ગી વાસુદેવને સાંભળો, ભુક્કા કાઢી નાખ્યા. ભલે, તમે એમનાથી ઈમ્પ્રેસ્ડ છો તે સારું છે પણ એમાં રજનીશજીને ઉતારી પાડવાની શું જરૂર છે? થાણેનું તહેસિલદારનું મિસળ તો કંઈ નથી સાહેબ, તમે નાસિકમાં બજાર પેઠનું મિસળ ચાખી તો જુઓ… સરખામણીઓ કરીને તમે જતાવવા માગો છો કે બીજાઓ તો કૂવામાંના દેડકા છે અને તમે માનસરોવરના હંસ. સારી હિંદી ફિલ્મ જોઈને એના નશામાં હો ત્યારે આવીને કોઈ કહેશે કે આવી જ એક ફ્રેન્ચ/ઈરાનિયન/કેનેડિયન ફિલ્મ મેં જોઈ હતી – ડિટ્ટો આ જ સબ્જેક્ટ. હશે, પણ તેનું અત્યારે શું છે? તમે સ્વિટ્ઝરલેન્ડમાં સૂર્યાસ્ત માણ્યો હશે તો માણ્યો હશે, મને મારી રીતે માથેરાનનો સૂર્યાસ્ત માણવા દોને, ભાઈ.

ચોથી વાત. જેનું પ્રવચન તમે સાંભળો છો, જેનું નાટક-પિક્ચર તમે જુઓ છો કે જેનું લખેલું તમે વાંચો છો એણે પોતાના ક્ષેત્રમાં કેટકેટલાં વર્ષો ગાળ્યાં છે, કેટકેટલી નિપુણતા મેળવી છે, કેટલી સાધના-આરાધના કરી છે પોતાની વિદ્યાની – ત્યારે જઈને તેઓ એ સ્થાને બેઠા છે અને તમે એમના ભાવક બનીને એમની વિદ્યાના પરિણામની આચમની પામવા આવ્યા છો. તો જરા વાર તમારો મસમોટો અહમ્ બાજુએ રાખીને એમને રિસ્પેક્ટ કરતાં શીખીએ. એમની કોઈ વાત તમને ના ગમી કે તમારા દિમાગમાં ના ઊતરી તો નેક્સ્ટ ટાઈમ તમે એમને નહીં સાંભળતા, નહીં જોતા કે નહીં વાંચતા. તમારા વિના ભૂતકાળમાં એમનું ગાડું ગબડ્યું છે અને ભવિષ્યમાં પણ ગબડતું રહેશે. સુરેશ દલાલને વિલિયમ વડર્ઝવર્થની આ પંક્તિ બહુ ગમતી: ‘સ્ટૉપ હિયર ઑર જેન્ટલી પાસ.’ દરેક સર્જક પોતાના ભાવક માટે આવું જ માનતો હોય છે: ગમે તો મારી પાસે ઊભા રહીને માણ્યા કરો અન્યથા ચૂપચાપ બાજુમાંથી પસાર થઈ જાઓ… પણ તમને ડિસ્ટર્બ કરીને, તમને કાંકરીચાળો કરીને, તમને પજવીને પોતાની બહાદુરી દેખાડનારાઓનો આપણે ત્યાં તોટો નથી.

પાંચમી અને છેલ્લી વાત. પ્રશંસા કરવામાં પણ આક્રમક ન બનીએ, અતિશયોક્તિ ન કરીએ. જેમને સાંભળવાના, જોવાના, વાંચવાના ગમે છે એ વ્યક્તિઓના ભાવક તરીકે એમના પર આક્રમણ કરીને, એમના પર હક્ક જતાવવાને બદલે કે એમને પઝેસ કરવાને બદલે એમની સાથે થોડું અંતર રાખીને નમ્રતાભેર એમને વખાણીને છૂટા પડી જઈએ. એક સારો શબ્દ જ નહીં, આંખમાં ઊમટેલો એક પળનો ભાવ પણ એમના સુધી પહોંચી જશે એવી ખાતરી રાખીએ. આપણા જેવા બીજા હજારો લાખો અને કરોડો ચાહકો છે આ કળાકારના, સાહિત્યકારના જે સૌ એમની નિકટ આવવા માગે છે. એ દરેકને જો તેઓ એક એક મિનિટ પણ આપવા જશે તો આપણને જે એમનું સર્જન ગમે છે એ સર્જન કરવા માટે, રિયાઝ માટે એમની પાસે કેવી રીતે સમય બચવાનો છે?

સારા ગાયક બનવામાં જો વર્ષોનું તપ કરવું પડતું હોય, સારા લેખક બનવામાં જો વર્ષોનું તપ કરવું પડતું હોય તો સારા શ્રોતા કે સારા વાચક બનવા માટે પણ વર્ષોની આરાધના જરૂરી છે.

આજનો વિચાર

વ્હિસ્કી ઈઝ ધ આન્સર.

(… આય ડોન્ટ રિમેમ્બર ધ ક્વેશ્ર્ચન).

– રોન માર્ટન

એક મિનિટ!

શિક્ષક: રાજીવ ગાંધીએ રમતગમત ક્ષેત્રે એવું તે વળી કયું મોટું પ્રદાન કર્યું કે એમના નામે ‘રાજીવ ગાંધી ખેલ રત્ન’નો રૂપિયા સાડાસાત લાખનો સૌથી મોટો પુરસ્કાર આપવામાં આવે છે?

બકો: રાજીવ ગાંધીએ રમતરમતમાં દેશને એક એવું રત્ન આપી દીધું જેનાથી આજે આખો દેશ રમીને આનંદ મેળવી રહ્યો છે.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 17 ઓગસ્ટ 2017)

3 comments for “સારા શ્રોતા, સારા દર્શક, સારા વાચક, સારા ભાવક હોવાની નિશાનીઓ

 1. hemina kamlesh shah
  August 17, 2017 at 3:37 PM

  સૌરભ ભાઈ
  તમારા લેખ વાચવાની ખુબ જ મજા આવે છે.આજ નો આ લેખ બહુજ વાસ્તવિક છે.દરેક લેખ મા તમારો માર્મિક કટાક્ષ કાબિલે તારીફ છે.બસ આવી રીતે જ લખતા રહો.
  ખુબ ખુબ શુભકામના સાથે..
  હેમીના શાહ

 2. Jayanti patel
  August 17, 2017 at 8:02 PM

  મોબાઈલ ના હોમ પેજ ઉપર saurabh-shah.com મુકયા પછી રોજ નવા અપલોડ ની રાહ જોતા થયા છીયે.

 3. Jayesh Parikh
  August 17, 2017 at 8:29 PM

  A very sensible, well-written article – must read..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *