વૉટ્સઍપ, પુસ્તકો અને ભજિયાં

જેમણે જિંદગી આખી બે નંબરનો જ ધંધો કર્યો છે એમના માટે નોટબંધી અને જીએસટી પછી માર્કેટમાં મંદી છે. જે લોકોને સ્ટોરી-સ્ક્રીનપ્લેમાં ઈન્વેસ્ટ કર્યા વિના માત્ર માર્કેટિંગના હાઈપ પર ફર્સ્ટ વીકએન્ડમાં સો કરોડનો ધંધો કરી લેવો છે એમના માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મંદી છે. એ જ રીતે જે ગુજરાતી લેખકો નવી પેઢીના વાચકોની જિજ્ઞાસાને સંતોષવા સમર્થ નથી અને જે ગુજરાતી પ્રકાશકો સંસ્થાકીય/સરકારી પુસ્તકાલયોની બહારના માર્કેટ સુધી પહોંચવાની દાનત/ત્રેવડ ધરાવતા નથી તેઓ સૌ ફરિયાદ કરતા રહે છે કે ગુજરાતી પુસ્તકોના લેખન/પ્રકાશનમાં હવે દમ રહ્યો નથી.

કમ સે કમ ચાળીસ વર્ષથી પ્રકાશકો આવી ફરિયાદ કરતા રહ્યા છે અને છેલ્લા ચાર દાયકામાં એક પણ ગુજરાતી પ્રકાશકે પોતાની પ્રાઈમ સ્થળે આવેલી દુકાનો વેચીને વધુ કસદાર ધંધો શરૂ કર્યો હોય (દાખલા તરીકે ભજિયાં વેચવાનો) એવું નોંધાયું નથી. એટલું જ નહીં ૪૦ વર્ષ પહેલાં જેટલા ગુજરાતી પ્રકાશકો હતા એના કરતાં આજે ત્રણગણા પ્રકાશકો બજારમાં છે અને આ તમામ લેખકો/પ્રકાશકોની ૪૦ વર્ષ પહેલાં જે લાઈફ સ્ટાઈલ હતી એના કરતાં અનેકગણી સમૃદ્ધ જીવનશૈલી અત્યારે છે. ટ્રેનના સેક્ધડ ક્લાસમાં ફરનારાઓ આજે એસીમાં કે પ્લેનમાં ફરે છે અને ફિયાટ-મારુતિ એઈટ હન્ડ્રેડવાળા આજે હૉન્ડા-ટોયોટા-ફૉર્ડના અપર વર્ઝનમાં ફરે છે અને માથેરાન-ગોવાથી આગળ નહીં જઈ શકનારા યુરોપ-અમેકિાના આંટાફેરા કરે છે.

ગુજરાતી વાચકોની સાથે સાથે ગુજરાતી લેખકો-પ્રકાશકો પણ સમૃદ્ધ થાય તે જરૂરી છે અને પ્રકાશકો તો થયા પણ છે. લેખકો થઈ રહ્યા છે. થશે.

આમ છતાં ફરિયાદો થતી રહે છે કે વાચકો ઘટતા જાય છે. જેમને છાપાં-મૅગેઝિનો કાઢતાં નથી આવડતું એમના માટે વાચકો જરૂર ઘટતા જાય છે અને જેમને છાપાં-મૅગેઝિનો કાઢતાં આવડે છે એમના મોઢે ક્યારેય ફરિયાદ નથી સાંભળી કે વાચકો ઘટતા જાય છે. તેઓ નવા નવા તરીકાઓથી નવા નવા વાચકો પોતાનામાં ઉમેરતા જ જાય છે.

વૉટ્સઍપ, ફેસબુક વગેરેનું ચલણ વધ્યા પછી શું ગુજરાતી પુસ્તકોના વાચકો ઘટી ગયા છે? તપાસીએ.

સોશ્યલ મીડિયામાં એટલો બધો ટાઈમ વીતી જાય છે કે વાચકોને પુસ્તકો વાંચવાનો સમય જ રહેતો નથી. સાચી છે આ વાત? ના. સોશ્યલ મીડિયામાં ઘણો બધો સમય પસાર કરતા ગુજરાતીઓ એવા છે જેમને ક્યારેય ગુજરાતી પુસ્તકો-છાપાં-મૅગેઝિનો વાંચવામાં રસ હતો જ નહીં. એમના ઘરે ક્યારેય છાપું આવતું નહોતું અને સમ ખાવા પૂરતું પુસ્તક પણ તેઓએ ક્યારેય ખરીદ્યું તો નથી, લાઈબ્રેરીમાં જઈને વાંચ્યું પણ નથી. સોશ્યલ મીડિયાના આવા રસિકો જો ફરિયાદ કરતા હોય કે અમને પુસ્તકો વાંચવાનો સમય મળતો નથી તો એ બહાનું છે. એમની પાસે સોશ્યલ મીડિયા નહોતું ત્યારે ય તેઓ વાચક નહોતા અને આજે તમે એમની પાસેથી સોશ્યલ મીડિયા છીનવી લો અને વિનામૂલ્યે એક કબાટ ભરીને ઉત્તમ પુસ્તકો આપો તોય મા કસમ તેઓ એનાં પાનાંય ફેરવવાનાં નથી, કારણ કે તેઓ ત્યારે – પુસ્તકપ્રેમી હતા જ નહીં અને અત્યારે પણ નથી. આમાં ક્યાંય કોઈની ટીકા નથી થતી. માત્ર પરિસ્થિતિનું આકલન છે. જેમ શાસ્ત્રીય સંગીતના ઉત્તમ કળાકારોની કૉન્સર્ટની આગલી હરોળની ટિકિટ તમે આ પ્રકારના સંગીતનો શોખ જેમને નથી એને ભેટ આપો તોય તેઓ આવા કાર્યક્રમમાં જવાના નથી એના જેવી વાત છે.

પણ સોશ્યલ મીડિયાને લીધે ગુજરાતી પુસ્તકોના વાચકો વધી રહ્યા છે એ વાત પ્રકાશકો-લેખકો વગેરે સદંતર નજરઅંદાજ કરે છે અને આ વાત મારે ભારપૂર્વક કહેવી છે. અગાઉ જે લેખકો તમને માત્ર છાપાં-મૅગેઝિનોમાં જ વાંચવા મળતા તે હવે વૉટ્સઍપ, ફેસબુક, બ્લૉગ અને વેબસાઈટ્સ પર વાંચવા મળે છે. આમાંના કેટલાય ગઈ કાલ સુધી તમારા માટે અપરિચિત હતા, કારણ કે તમારા ઘરમાં, ગામમાં કે શહેરમાં એ છાપાં-મૅગેઝિનો નહોતાં આવતાં, બીજા છાપાં-મૅગેઝિનો આવતાં હતાં.

સોશ્યલ મીડિયાને કારણે તમને ખબર પડે છે કે હવે આ લેખકોનાં પુસ્તકો તમે ગમે તે ખૂણે રહેતા હો, ઘેરબેઠાં પહોંચાડે એવી ડઝન કરતાં વધુ ઑનલાઈન બુકશૉપ્સ છે. અગાઉ તમે કલાકોની મહેનત પછી પુસ્તકોની ખરીદી કરી શકતા – મુંબઈની પ્રિન્સેસ સ્ટ્રીટ કે અમદાવાદના ગાંધી રોડ જઈને. હવે એવી મોહતાજી રહી નથી. કયું પુસ્તક વાંચવા જેવું છે, કયા પુસ્તકમાં શું છે વગેરે માહિતી હવે તમને થોડીક જ પળોજણ પછી તમારા ફોન પર, લૅપટૉપ પર મળી જાય છે. ઈ બુક્સ વિશે એક જમાનામાં કોઈએ સાંભળ્યું નહોતું. આજે અનેક ગુજરાતી પ્રકાશકોએ જાણીતા-અજાણ્યા લેખકોની કુલ છસો ઈ બુક્સ ‘ક્ધિડલ’ના પ્લેટફૉર્મ પર મૂકી છે. ‘ક્ધિડલ’ ઉપરાંતના પ્લેટફૉર્મ પર હોય એવી ગુજરાતી ઈ બુક્સની સંખ્યા તો આના કરતાં અનેકગણી વધારે.

ઉત્તમ સાહિત્યકારો, લેખકો, કવિઓનાં (ઘણાને મોંઘા લાગે એવા પણ હકીકતમાં જોઈએ તો બીજી બધી ચીજવસ્તુઓના ભાવની સરખામણીએ ઘણી કિફાયત કિંમતે વેચાતાં) અનેક પુસ્તકો નિયમિતરૂપે ગુજરાતી પ્રકાશકો પ્રગટ કરે છે. આમાંનું કોઈ ધર્માદાખાતું નથી ચલાવતું. દરેક જણ બિઝનેસ કરે છે. ચાર વર્ષ, ચાળીસ વર્ષ કે એથીય વધુ વર્ષોથી કરે છે. આ ધંધામાં કસ ન હોત તો ક્યારના તેઓ ભજિયાની દુકાન ખોલીને બેસી ગયા હોત અને અમારા જેવા લેખકોને એમની દુકાને ફાફડા-જલેબીના કારીગર તરીકે રાખવામાં આવતા હોત.

પણ એવું હજુ સુધી બન્યું નથી. બનવાનું પણ નથી. કારણ કે નવા નવા ગુજરાતી વાચકો સતત ઉમેરાતા જાય છે, લેખકો પણ અને પ્રકાશકો પણ.

આ પીસ લખવાનો વિચાર આવ્યો એની પાછળ બે આકસ્મિક કારણો. એક યુવાન પ્રકાશકમિત્રે મને ફોન પર ફરિયાદ કરી કે વૉટ્સઍપ વગેરેને કારણે ગુજરાતી વાચકો ઘટતા જાય છે અને એ જ અઠવાડિયે આઈઆઈટી-મુંબઈમાં પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ કરતા (ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી આવેલા) ત્રેવીસ વર્ષના ગુજરાતી યુવાનનો વૉટ્સઍપ મને મળ્યો: ‘પહેલીવાર કોઈ નવલકથા બે દિવસમાં વાંચી…’

મારી એક નવલકથા વાંચીને એણે આ મેસેજ મોકલ્યો હતો, જે નવલકથાનું પ્રકાશન પેલા પ્રકાશક-મિત્રે જ કર્યું હતું!

આજનો વિચાર

સો મેની બુક્સ, સો લિટલ ટાઈમ.

– ફ્રૅન્ક વિન્સેન્ટ ઝાપા (રૉક સ્ટાર, ૧૯૪૦-૧૯૯૩).

એક મિનિટ!

પતિ: વળી પાછો દસ હજારનો નવો ડ્રેસ ખરીદ્યો? આટલા પૈસા હું ક્યાંથી કમાવાનો છું?

પત્ની: એ તમે જાણો, હું કંઈ તમારી ફાઈનાન્શ્યલ કન્સલ્ટન્ટ થોડી છું!

( મુંબઇ સમાચાર : બુધવાર, 16 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *