ઈન્ડિયા, તિરંગો અને જનગણમન કે પછી ભારત, ભગવો અને વંદે માતરમ્

હિન્દુ ધર્મનો એક ફાંટો જ્યારે જુદો થઈને બૌદ્ધ ધર્મરૂપે પ્રસરવા લાગ્યો ત્યારે હિન્દુઓ પોતાને છોડીને નવા ધર્મમાં પ્રવેશનારાઓને ‘બુદ્ધુ’ અને ‘લુચ્ચા’ તરીકે ઓળખતા. માથાના કેશનું ‘લુંચન’ કરે તે ‘લુચ્ચા’ અને બૌદ્ધ ધર્મ અપનાવે તે ‘બુદ્ધુ’ વખત જતાં આ બેઉ શબ્દો વિશેષણ બની ગયા, અપશબ્દ બની ગયા અને કોઈ પણ ધર્મના અનુયાયીને ઉતારી પાડવા, ફૉર ધૅટ મૅટર ધર્મ સાથે કોઈ લેવાદેવા ન હોય એવા સંદર્ભમાં પણ વપરાવા લાગ્યા તે આખી અલગ વાત છે.

તમને જે લોકો ન ગમતા હોય, જે પ્રજા ન ગમતી હોય એમને ઉતારી પાડવા તમે એની ઓળખ કોઈ અપમાનજનક, ડિરોગેટરી શબ્દ દ્વારા કરો એવું પરાપૂર્વથી ચાલતું આવ્યું છે. ભારત દેશને વિદેશીઓ ઈન્ડિયા નામે ઓળખતા થયા એની પાછળ એ જ ગણતરી છે આપણે જો બસો વર્ષ પહેલાં બ્રિટનને ગુલામ બનાવ્યું હોત તો આજની તારીખે લંડનને ધારાવી નામ આપી દીધું હોત.

અમેરિકા ખંડની મૂળ આદિવાસી પ્રજા, જેને આજની તારીખેય અમેરિકનો ધુત્કારે છે, તે રેડ ઈન્ડિયન જેનું ટૂંકું અને પ્રચલિત નામ ઈન્ડિયન જેનો લોકભાષામાં અર્થ પછાત, ગમાર.

સિંધુ નદીને ઈન્ડસ તરીકે ઓળખીને આપણા દેશને ઈન્ડિયા નામ આપવામાં આવ્યું જેની કોઈ જ જરૂર નથી. આપણા દેશને ઑલરેડી હજારો વર્ષ પહેલાં નામ મળી ચૂકેલું છે. ભારત વર્ષ, બંધારણમાં આપણા દેશમાં બે નામ છે: રિપબ્લિક ઑફ ઈન્ડિયા અને ભારત ગણરાજ્ય. કરવાનું છે માત્ર એટલું જ કે બર્માએ જેમ મ્યાનમાર કર્યું સિલોને શ્રીલંકા કર્યું અને રહોડેશિયાએ ઝિમ્બાબ્વે કર્યું (અનેક દાખલા છે આવા) એમ ઈન્ડિયાએ હવે પોતાનું નામ રિપબ્લિક ઑફ ભારત કરી નાખવું જોઈએ.

ઈન્ડિયામાં અપમાનબોધ છે, ગુલામીની બૂ છે. ભારતમાં ઉજ્જવળ પરંપરાના સંસ્કાર છે:

હિન્દુસ્તાન પણ એક ગલત ઓળખ છે. અફઘાનિસ્તાન, બલુચિસ્તાન કે પાકિસ્તાનનાં જે લોકોએ નામ પાડ્યાં એમણે આ દેશને હિન્દુસ્તાન નામ આપ્યું છે. આ દેશનો જે ધર્મ છે તે સનાતન છે અને ધર્મ એટલે રિલિજિયન નહીં. જે મૅનમેડ હોય તેને રિલિજિયન કહેવાય – ઈસ્લામ, ક્રિશ્ર્ચિયાનિટી વગેરે. એને ધર્મ ના કહી શકો. જે રીતે સનાતન રિલિજિયન નથી. જે લોકોને સિંધુ બોલતાં ન આવડ્યું એમના અપભ્રંશ ઉચ્ચારો (હિંદુ) આપણા પર ચિપકી ગયા અને આજ દિવસ સુધી એને આપણે ચલાવતા આવ્યા છીએ તે જુદી વાત છે, પણ એમાં આપણું નુકસાન થઈ રહ્યું છે. હિંદુ પણ ઈસ્લામ કે ઈસાઈયત જેવો જ ‘ધર્મ’ છે એવું આપણા મનમાં ઠસાવી દેવામાં આવે છે.

પંદરમી ઑગસ્ટના પાવન અવસરે જે ત્રણ સંકલ્પો કરવા જોઈએ તેમાંનો પ્રથમ સંકલ્પ છે: આ દેશ ભારત છે અને હું ભારતીય છું – એવી પ્રતિજ્ઞા. આ ઈન્ડિયા નથી કે નથી હું ઈન્ડિયન. બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડની કોઈ પણ પ્રોડક્ટ પર તમે મેઈડ ઈન ભારત અને ભારત મેં નિર્મિત વાંચશો. ઈન્ડિયા શબ્દને આપણે જાકારો આપવો જોઈએ.

અને જાકારો આપવો જોઈએ એક રાજકીય પક્ષે પોતાના ઝંડામાં મામૂલી ફેરફારો કરીને જેને રાષ્ટ્રધ્વજ બનાવી દીધો એને. આજની તારીખે આપણામાં રહેલી રાષ્ટ્રીય ભાવના તિરંગા સાથે જોડી દેવામાં આવી છે એટલે એને જોતાંવેંત આપણે રોમાંચિત થઈ જઈએ છીએ, થવું જ જોઈએ. પણ એ રોમાંચ ‘રાષ્ટ્રધ્વજ’ માટે થાય છે તે યાદ રાખવું, ૧૮૮૫માં સ્થપાયેલા ઈન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ નામના રાજકીય પક્ષના કેસરી – સફેદ – લીલા અને વચ્ચે ચરખો ધરાવતા ‘તિરંગા’માં ફેરફાર કરીને (ચરખાને બદલે એક ચક્ર) જે ધ્વજ બનાવવામાં આવ્યો છે તેના માટેનો આ રોમાંચ નથી. વચ્ચે ચરખાના ચક્રને મૂકી દીધા પછી તમને એવું ના લાગે કે આ તો કૉન્ગ્રેસે જ પોતાના ચરખામાંથી એક ચક્કર કાઢીને મૂકી દીધું છે એટલે એને અશોક ચક્રનું નામ આપી દીધું. વાસ્તવમાં અશોક ચક્રમાં બત્રીસ આરા છે, ચોવીસ નહીં. એટલે કહેવામાં આવ્યું કે ચોવીસ કલાકનું એ પ્રતીક છે. વાસ્તવમાં આ આખી વાત જ બનાવટી છે. સમ્રાટ અશોક ન તો ભારતની બહાદુરીનું પ્રતીક છે, ન ભારતીય પરંપરાનું. સેક્યુલર ઈતિહાસકારોએ સમ્રાટ અશોકને લાર્જર વૅન લાઈફ બનાવ્યો છે. આ દેશમાં અશોક જેવા નમાલા રાજાઓનું નહીં પણ બીજા અનેક પ્રતાપી, પરાક્રમો રાજાઓ થઈ ગયા એમનું સન્માન, બહુમાન એમની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. છત્રપતિ શિવાજી અને રાણા પ્રતાપથી ઉપર જતા જાઓ તો વીર અર્જુન અને રામચંદ્ર સુધીના રાજાઓ યાદ આવે.

આપણા દેશની પરંપરાનો ધ્વજ ભગવો ધ્વજ છે. નેપાળે કોઈ શેહશરમ વિના પોતાની સંસ્કૃતિને અનુરૂપ ભગવો ધ્વજ અપનાવ્યો છે અને એમાં પોતાની પરંપરા અનુસાર ફેરફારો કર્યા છે.

ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રીજો હિસ્સો તો શું ૧૪ ટકા હિસ્સો પણ લીલા રંગનો ના હોવો જોઈએ. પણ છે. કારણ કે આ કૉન્ગ્રેસી ધ્વજ છે. (આજની તારીખેય કૉન્ગ્રેસ પાર્ટીનો આ જ ધ્વજ છે. માત્ર અશોક ચક્રને બદલે થપ્પડ લગાવવાને આતુર લાગે એવો હાથ છે વચ્ચે).

રામાયણ – મહાભારતના જમાનાથી વપરાતો આવેલો આ ભગવો ધ્વજ, જો આઝાદી વખતે કૉન્ગ્રેસ મોટો રાજકીય પક્ષ ન હોત અને કલ્પના કરો કે ૧૮૮૫માં જનસંઘ સ્થપાયો હોત તો આ ધ્વજ, જ આપણો રાષ્ટ્રધ્વજ બન્યો હોત. ભગવો રંગ વીરતા, ત્યાગ અને બલિદાનનો રંગ છે. આપણે આખી દુનિયાને ઈર્ષ્યા આવે એવી સંસ્કૃતિ, એવી પરંપરા ધરાવતી ભૂમિ પર જન્મ લીધો છે. ભગવો રંગ આપણી ખરી ઓળખ છે. પણ સામ્યવાદીઓ અને એમની અનૌરસ ઔલાદ જેવા સેક્યુલરોએ વચ્ચે થોડાક દાયકા દરમ્યાન આ ભગવા શબ્દને અભડાવી નાખ્યો હતો. ભારત નામકરણ કરતાંની સાથે રાષ્ટ્રધ્વજ તરીકે ભગવો ધ્વજ અપનાવાશે ત્યારે આ દેશની પાકી ઓળખ પાડોશી રાષ્ટ્રોને જ નહીં, આખી દુનિયાને મળશે. રાષ્ટ્રધ્વજ બદલી શકાય છે. લિબિયા, મ્યાનમાર, વેનેજુએલા વગેરે અનેક દેશોએ પોતાનો રાષ્ટ્રધ્વજ બદલ્યો છે. અને રાષ્ટ્રગીત પણ બદલી શકાતું હોય છે. જર્મનીએ બદલ્યું છે, દક્ષિણ આફ્રિકા, રશિયા, નેધરલૅન્ડ્સ અને ઈરાક સહિતનાં રાષ્ટ્રોએ પોતપોતાનાં નેશનલ એન્થમ બદલ્યાં છે.

ભારતે નેશનલ એન્થમ (રાષ્ટ્રગીત) તરીકે રવીન્દ્રનાથ ટાગોર લિખિત ‘જનગણમન’ સ્વીકાર્યું છે (જેમાંનું સિંધ તો આપણી પાસે છે પણ નહીં) અને નૅશનલ સૉન્ગ (રાષ્ટ્ર ગાન)નો દરજ્જો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લિખિત ‘વંદે માતરમ્’ને આપ્યો છે. બંધારણમાં મામૂલી ફેરફાર કરવાની જ જરૂર પડવાની છે. નૅશનલ સૉન્ગ હવે નૅશનલ એન્થમ ગણાશે એટલો જ. વંદે માતરમ્નો એક જ અંતરો મોટેભાગે ગવાય છે. બાકીના ત્રણ અંતરા મોટાભાગનાઓએ ગાયા તો શું સાંભળ્યા પણ નહીં હોય. સાંભળજો અને એનો અર્થ જાણજો. આપણે કઈ ભૂમિ પર જન્મ લીધો છે તેનું ગૌરવ થશે એવું આ ગીત છે જે રાષ્ટ્રગીત બનવું જ જોઈએ.

કૉન્ગ્રેસે ૭૦ વર્ષથી આ દેશની પ્રજાના ગળામાં પહેરાવી રાખેલી આ ત્રણ ધૂંસરી ફગાવી દેવાનો ખરો અવસર આ જ છે. પંદરમી ઑગસ્ટ.

કાગળ પરના દીવા

જે મૅડમને આજ દિન સુધી સરખી રીતે ‘ભારત’ બોલતાં નથી આવડતું, ‘બારાત’ બોલે છે, તે લોકસભામાં ૯મી ઑગસ્ટે તમને દેશભક્તિના પાઠ શીખવાડતી હતી.

– વૉટ્સઍપ પર વાંચેલું

સન્ડે હ્યુમર

બાળપણમાં જોયું હતું.

કેટલાક હરામી છોકરાઓ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળતી વખતે પુલના પાણીમાં મૂતરીને જતા. એટલું જ નહીં બહાર નીકળીને બધાને કહેતા પણ ખરા.

મોહમ્મદ હમીદ અન્સારીએ એવું જ કર્યું.

( મુંબઇ સમાચાર : રવિવાર, 13 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *