જતાં જતાં લાત મારતાં જવાની કળા શીખવાડી, તમે

દસ-દસ વર્ષ સુધી ૮૦ ટકા હિન્દુ વસ્તીવાળા દેશના ઉપ-રાષ્ટ્રપતિ પદેથી કોઈ મુસ્લિમ વ્યક્તિ નિવૃત્ત થઈ રહી હોય ત્યારે એ જતાં જતાં તમને મોઢા પર કહી દે કે આ દેશમાં તો મુસ્લિમ લઘુમતી થર થર કાંપતી જીવે છે, ત્યારે તમને કેવું લાગે?

મુસ્લિમો તો આ દેશમાં ખાસ્સા ૧૪ ટકા છે. અહીં તો પા, અડધો, પોણો કે દોઢ ટકા માત્ર જેમની વસ્તી છે એ જૈનો, શીખો, બૌદ્ધો કે ખ્રિસ્તીઓને કોઈ દિવસ ડર લાગ્યો નથી. અરે, એમની વાત જવા દો જે એકદમ મિનિસ્ક્યુલ માઈનોરિટી છે તે પારસીઓએ પણ કોઈ દિવસ કહ્યું નથી કે અમને ભારતમાં ડર લાગે છે અને બબ્બે ટર્મ સુધી આ હિન્દુ દેશમાં ઉપ-રાષ્ટ્રપતિ પદનો, દેશના સર્વોચ્ચ હોદ્દાઓમાંનો એક એવો, ગૌરવભર્યો હોદ્દો ભોગવ્યા પછી તમને એવું લાગે છે કે આ દેશનો મુસ્લિમ બીચારો ફફડતા જીવે જિંદગી ગુજારે છે?

એ.પી.જે. અબ્દુલ કલામ પાંચ વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહ્યા. તેઓ પણ મોહમ્મદ હમીદ અન્સારીની જેમ ધર્મે મુસ્લિમ જ હતા, પણ એમણે ક્યારેય એવું નથી કહ્યું જેવું ૮૦ વર્ષીય અન્સારી અત્યારે જતાં જતાં કહી ગયા, ન રાષ્ટ્રપતિપદના હોદ્દે હતા ત્યારે, ન હોદ્દેથી ઉતરતા હતા ત્યારે કે નિવૃત્તિ પછી જ્યાં સુધી આયુષ્ય ભોગવ્યું ત્યાં સુધી એમણે આવું કહ્યું. આવું કહેવાનો કલામ સાહેબને વિચાર પણ ન આવે, કારણ કે તેઓ આ દેશના સાચા મુસલમાન હતા જ્યારે અન્સારી કૉન્ગ્રેસી મુસ્લિમ છે.

સૌ પ્રથમ કરણ થાપર નામના એક અત્યંત ગંદકીથી ભરેલા સેક્યુલર પત્રકારને આપેલા ઈન્ટરવ્યૂમાં અને પછી તો ઈન્ડિયન એક્સપ્રેસ વગેરે બધાને ગેલ પડી ગઈ એટલે જઈ જઈને મોહમ્મદ હમીદ અન્સારીને કહેવા લાગ્યા કે પેલું, પેલું બોલોને… મુસલમાનો આ દેશથી ત્રાસી ગયા છેવાળું બોલો ને.

ફ્રેન્કલી, ગઈ કાલે (બુધવાર, ૯મીએ) જ્યારે વાંચ્યું કે કરણ થાપરને આપેલા ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ હમીદ અન્સારીએ એવું કહ્યું છે (એ ઈન્ટરવ્યૂ રાજ્યસભા ટીવી પર બીજે દિવસે, ગુરુવારે પ્રસારિત થયો) કે કાશ્મીરમાં બીચારાં છોકરાંઓ (લશ્કરના જવાનો અને પોલીસ પર) પથ્થરો ના મારે તો કરે શું બાપડા, ત્યારે ઘડીભર ચક્કર આવી ગયાં હતાં. આ ભારતના ઉપ-રાષ્ટ્રપતિપદ જેવા જવાબદારીભર્યા હોદ્દેથી નિવૃત્ત થનારના શબ્દો છે કે પછી રાજદીપ સરદેસાઈ જેવા પાકિસ્તાની પત્રકારના?

પછી આગળ વાંચતાં ખબર પડી કે ના, મોહમ્મદ હમીદ અન્સારીએ જ કહ્યું છે અને એટલું જ નહીં એવું પણ કહ્યું કે, ‘અ સેન્સ ઑફ ઈન્સિક્યુરિટી ઈઝ ક્રીપિંગ ઈન અમન્ગ મુસ્લિમ્સ.’

ભારતમાં ‘અસહિષ્ણુતા વધી રહી છે’નું ગાણું જે સેક્યુલર બદમાશો, મોદીના આવ્યા પછી ગાયા કરે છે તે મોહમ્મદ હમીદ અન્સારીએ પણ આ ઈન્ટરવ્યૂમાં ગાયું.

ઈન્ટરવ્યૂ ઘણો લાંબો છે અને આખા ઈન્ટરવ્યૂનો સાર એ જ છે કે દસ વર્ષ સુધી તમને આ દેશને ગાળો આપવાની તક ન મળી? તો આપો. અત્યારે આપો.

લકીલી, કૉન્ગ્રેસના રાજમાં જેમને ચૂપ કરી દેવામાં આવતા એ રાષ્ટ્રવાદીઓ હવે સોશ્યલ મીડિયામાં ગળું ખોંખારીને બોલતા થઈ ગયા છે. ટ્વિટર પર તો રાષ્ટ્રપ્રેમીઓએ રીતસરની મોહમ્મદ હમીદ અન્સારી વિરુદ્ધ ધડબડાટી બોલાવી દીધી. કોઈકે તો ત્યાં સુધી કહી દીધું કે શરિયતનો કાયદો ભારતમાં તમે લાગુ ન પાડી શક્યા એનું આ ફ્રસ્ટ્રેશન છે? કોઈકે એમને અ હિપોક્રેટ ઑફ ધ હાઈએસ્ટ ઑર્ડર ગણાવીને કહ્યું કે તમે તમારી જ કમ્યુનિટીની ઘોર ખોડી રહ્યા છો. કોઈકે કહ્યું કે દસ દસ વર્ષ સુધી (સરકારી ખર્ચે) જલસા માર્યા પછી હવે ‘થર થર કાંપવાનું સૂઝે છે?’ કોઈએ બહુ સરસ કમેન્ટ મૂકી કે ‘શિયા વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જે એફિડેવિટ મૂકી તેનાથી આ કાકાને મરચાં લાગી ગયાં છે!’

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂકેલા અને ભારતના હાઈ કમિશનર તરીકે ઑસ્ટ્રેલિયામાં તથા ઍમ્બેસેડર તરીકે યુએઈ, અફઘાનિસ્તાન, ઈરાન, સાઉદી અરેબિયામાં કામ કરી ચૂકેલા અને યુનોમાં ભારતના પર્મેનન્ટ પ્રતિનિધિ રહી ચૂકેલા મોહમ્મદ હમીદ અન્સારી ભણેલાગણેલા અને દુનિયા ફરેલા મુસ્લિમ છે. બેશક, એમણે બીજા દેશોમાં મુસ્લિમો કેવી રીતે રહે છે તે જોયું હશે અને એની સરખામણીએ ભારતમાં મુસ્લિમો કેટલા સુખચેનથી જીવે છે તે પણ નોંધ્યું હશે. આમ છતાં જતાં જતાં, વળતી ઉંમરે અને કોઈ કારણ વિના આવો બધો બકવાસ એમણે શું કામ કર્યો હશે એવો પ્રશ્ર્ન તમને થાય તો જવાબ સીધો છે. ભારતમાં રહીને તમે અહીંની પરંપરાને ગાળો આપો તો તમે બહાદુર છો. ગણપતિને એલિફન્ટ હેડેડ ગૉડ અને હનુમાનને મન્કી હેેડેડ ગૉડ કહો તો સ્માર્ટ છો. હિન્દુ બૅશિંગ કરો, હિંદુ પરંપરાને, હિંદુ સંસ્કૃતિને, હિંદુ આસ્થાને મારઝૂડ કરો તો ઈન્ટેલિજન્ટ છો. મુસ્લિમોનું, દલિતોનું, સ્ત્રીઓનું વગેરેનું ઉપરાણું લઈને એમને માથે ચડાવો તો તમે ઉદાર છો, માનવતાવાદી છો, સુસંસ્કૃત છો.

મોહમ્મદ હમીદ અન્સારી પણ આવી જ માનસિકતાથી પીડાય છે એવું પુરવાર થાય છે જે ભારત માટે, આપણા સૌ માટે અત્યંત શોચનીય વાત છે.

આનંદ હોય તો એક જ વાતનો છે. એમની જગ્યાએ વેન્કૈયા નાયડુ આવી રહ્યા છે. દુખ ભરે દિન બીતે રે ભૈયા…

આજનો વિચાર

વૉટ્સઍપ પરના મૅસેજ જોઈને સાલું એમ થાય કે બધાના વિચારો આટલા ઊંચા છે તો આ ડખા શેના થાય છે.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

પત્ની: તમે મારા કાનમાં અંગ્રેજીમાં મીઠું મીઠું બોલો ને…

બકો: સૉલ્ટ, સૉલ્ટ, સોલ્ટ

બકાને બૈરીએ સાવરણી સાવરણીએ માર્યો.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 11 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *