ગઈ કાલના સૌથી મોટા સમાચાર કયા હતા

ગઈ કાલ (બુધવાર)ના છાપામાં છપાયેલા, મંગળવારે બનેલા સૌથી મોટા ન્યૂઝ કયા?

તમે તરત કહી દેશો કે અહમદ પટેલની રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન વખતે થયેલો ડ્રામા.

ના.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત.

ના.

પાંચસો અને બે હજારની નવી નોટોના બનાવટી ચલણ સામે કપિલ સિબલે સંસદમાં ઊભો કરેલો હંગામો

ના.

વર્ષોના અબોલા પછી કરણ જોહર અને કાજોલ વચ્ચે બુચ્ચા થઈ ગઈ.

ના ભાઈ, ના.

અંગ્રેજી મીડિયાની, સેક્યુલર મીડિયાની ટેવ રહી છે કે જ્યારે ક્યારેક કોઈ અન્કમ્ફર્ટેબલ ન્યૂઝ બને ત્યારે લોકોનું ધ્યાન બીજે દોરવા માટે કોઈ ભળતા જ ન્યુઝને ચગાવે. રાજ્યસભામાં અહમદ પટેલની ચૂંટણી એ કંઈ જીવનમરણનો જંગ નહોતો. ન અહમદ પટેલ માટે, ન ભાજપ કે અમિત શાહ કે મોદી માટે. રાજ્યસભામાંથી બહાર નીકળી ગયા હોત તો પણ અહમદ પટેલ સોનિયા ગાંધી માટે એટલા જ કામના હોત અને રાજ્યસભામાં ફરી ચૂંટાઈ આવ્યા તોય તેઓ અમિત શાહ, મોદી કે ભાજપનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. નૉર્મલ સંજોગોમાં મીડિયાએ આ ચૂંટણીને આટલી ગજવી ન હોત.

પણ એ દિવસે મોડી સવારે, વહેલી બપોરે સેક્યુલર મીડિયાની બોલતી બંધ થઈ જાય એવા સમાચાર આવ્યા એટલે મીડિયાએ વર્લ્ડ વૉર-ટુ વખતે અમેરિકન પેરા ટ્રુ પર્સ જર્મન ઑક્યુપાઈડ ભૂમિ પર ત્રાટકવું હોય તો જર્મનોને બેવકૂફ બનાવવા જે નીતિ અખત્યાર કરતા તેવું કહીને આપણને સૌને બેવકૂફ બનાવ્યા. અમેરિકનો પોતાના પૅરા ટ્રુ પર્સને જ્યાં ઊતારવા માગતા હોય તેનાથી કોઈ ભળતી જ દિશાની જગ્યા પર પેરેશૂટ વડે બાંધેલાં પૂતળાં વિમાનમાંથી ફેંકતા જેમને મિલિટરીનો યુનિફોર્મ પહેરાવ્યો હોય, માથે ટોપોબોપો હો હોય અને જમીન પર ટચ થતાં જ એ બાવલાંમાં ઠાંસેલો દારૂગોળો ફટાકડાની જેમ ફૂટવા માંડે એટલે જર્મનીનું આર્મી બેવકૂફ બની જાય કે ધાજો રે ધાજો, અમેરિકી પૅરા ટ્રુ પર્સ આવ્યા, પણ હૉલિવુડવાળા બતાવે છે એટલા બેવકૂફ તો જર્મનો હોય નહીં. તેઓ તરત સમજી જાય કે આ ડિકોપ છે. તેઓ તરત શોધી કાઢે કે અસલી પૅરા ટ્રુ પર્સ કઈ દિશામાં ઊતર્યા હોવા જોઈએ.

ટીવીના દર્શકો અને છાપાના વાચકો પણ જર્મનો જેટલા બેવકૂફ હોતા નથી. બ્રહ્માંડમાં સૌથી મહાન છાપું હોવાનો દાવો કરતા ગ્રુપના અખબારે તેરમા પાને કોઈ ઈન્સિગ્નિફિક્ધટ ખૂણે ફક્ત એક પૅરામાં મંગળવારની જે ઘટનાના બુધવારની આવૃત્તિમાં સમાચાર છાપ્યા તે હકીકતમાં તો દેશ આખાના પ્રિન્ટ મીડિયાએ ફ્રન્ટ પેજ પર આઠ કોલમના બેનરમાં છાપવા જોઈતા હતા, અને બીજા કોઈ નહીં, પણ આ જ શબ્દોમાં:

‘મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ પરનો દાવો જતો કર્યોં?

યસ. ધિસ વૉઝ ધ ન્યૂઝ જેને તમે અલગ અલગ પ્રકારની ક્ધફ્યુઝિંગ હેડલાઈન્સ સાથે કદાચ વાંચ્યા હશે, પણ ફ્રન્ટ પેજ પર લીડની આઈટમ તરીકે નહીં કારણ કે ત્યાં તો અહમદ પટેલ અને ભાજપ વચ્ચે પ્રાણ-પ્રતિષ્ઠાનો જંગ ખેલાઈ રહ્યો હતો. પ્લસ મેં જે મથાળું બાંધ્યું છે એવું તો કોઈએ નથી બાંધ્યું, કેટલાકે ટેકનિકલી સાચા રહેવા તો કેટલાકે મૂળ મુદ્દો ચાતરી જેવા જુદાં જુદાં મથાળાં બાંધ્યાં. મૂળ મુદ્દો ચાતરી જવાના હેતુથી જે મથાળાંઓ બંધાતાં હોય છે તેનાથી વાચક તરીકે તમારે સદા સતર્ક રહેવું, સાવધ રહેવું.

ગઈ કાલે જ બીજા એક ન્યૂઝ હતા કે સુપ્રીમ કોર્ટે શાળાઓમાં યોગ શિક્ષણ ફરજિયાત બનાવવાને લગતી અરજી ફગાવી દીધી.

તમને શું લાગે આ વાંચીને?

ના. એવું નથી.

અરજી ફગાવી દીધી નથી, પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વિષય અમારો નથી, સરકારનો છે, આને લગતો નિર્ણય સરકારે કરવાનો હોય કોર્ટ એમાં માથું ના મારી શકે એટલે આ અરજી અમે નહીં સાંભળીએ.

સુપ્રીમ કોર્ટે શાળામાં ફરજિયાત યોગશિક્ષણના મામલે માથું મારવાની ના પાડી. આ હેડિંગ હોવું જોઈએ.

બાય ધ વે, આ અદાલતો કેવી ડાહીડમરી થઈ ગઈ જોયું. પરમ દિવસે હાઈ કોર્ટે કહી દીધું કે દહીંહાંડીની હાઈટ કેટલી રાખવી એ બાબતમાં અમે માથું નહીં મારીએ. સરકારને એ અંગે કાયદો પસાર કરવો હોય તે કરવા દો.

બાકી અત્યાર સુધી પોંગલની ઉજવણી વખતે થતી બળદલડાઈ (જલ્લીકટ્ટુ) પર પ્રતિબંધ મૂકવાથી માંડીને નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી ગરબા ગાવા સુધીની બાબતોમાં અદાલતો માથું મારતી રહી હતી. એક તબક્કે તો બે અગિયારસ આવતી ત્યારે લાગતું કે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે કે બેમાંથી કઈ અગિયારસે સૂરણ-બટાકાનું શાક ખાવું અને કઈ એ સાબુદાણાની ખીચડી ખાવી. (મોદીએ આવીને ભલભલાને સીધા કરી નાખ્યા હં…)

અયોધ્યામાં રામ જન્મભૂમિ (જેના પર બંધાયેલા બાબરી ઢાંચાને ૧૯૯રની છઠ્ઠી ડિસેમ્બરના પવિત્ર દિવસે ધ્વંસ કરી નાખવામાં આવ્યો) પરની માલિકીનો દાવો કરતા શિયા વકફ બોર્ડે મંગળવારે સુપ્રીમ કોર્ટને સોગંદનામા પર લખી આપ્યું કે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મની આ પવિત્ર ભૂમિથી વાજબી અંતરે, મુસ્લિમ બહુલ વસ્તીવાળા વિસ્તારમાં મસ્જિદ બાંધી શકાય છે.’ આ પ્રીસાઈસ શબ્દો શિયા વકફ બોર્ડની એફિડેવિટમાંના છે જેનો અર્થ એ થયો કે એમને આ જગ્યા મસ્જિદ બાંધવા માટે જોઈતી નથી, જેનો અર્થ એ થયો કે આ જગ્યા પરના બાકીના એ હક્કદાવા કરનારા નિર્મોહી અખાડા તથા રામ લલ્લાએ આ જમીનનું જે કરવું હોય તે કરે જેનો અર્થ એ થયો કે હવે અહીં રામમંદિર બંધાય તો અમને (શિયા વકફ બોર્ડને) કોઈ વાંધો નથી.

એફિડેવિટમાં લખ્યા મુજબ, ‘(આ પ્રોપર્ટી) પર માત્ર શિયા વકફ બોર્ડ (યુપી)ની જ છે એટલે બાકીના દાવેદારો સાથે વાટાઘાટ કરીને શાંતિભર્યું સમાધાન લાવવાનો હક્ક પણ અમને જ છે.’

શિયાઓએ આવું કહેવું પડ્યું કારણ કે આ જમીન પર સુન્ની વકફ બોર્ડે પણ દાવો નોંધાવીને પોતાની ટાંગ અડાવી છે જોકે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બાબરી શિયા વકફ બોર્ડની મિલકત છે એટલે માત્ર શિયા વકફ બોર્ડ જ વાટાઘાટો કરવા માટે હક્કદાર છે.

શિયા વકફ બોર્ડે તો ત્યાં સુધી આ એફિડેવિટમાં લખી આપ્યું છે કે આ તકરારના શાંતિભર્યા ઉકેલ માટે વડા પ્રધાન, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તથા નિવૃત્ત સુપ્રીમ કોર્ટ જજોની પેનલ બનાવીને વિવાદનો અંત લાવવો જોઈએ.

એફિડેવિટમાં રામ જન્મભૂમિ પર બંધાનારા મંદિર અને એનાથી વાજબી અંતરે મુસ્લિમ લત્તામાં બંધાનારી મસ્જિદમાં વપરાનારા લાઉડસ્પીકર્સને કારણે બેમાંથી એકેયે ધર્મના અનુયાયીઓને ખલેલ ન પહોંચે એ માટે કાળજી રાખવી જોઈએ (એટલું અંતર હોય) એવી સમજુ વાતો પણ કરવામાં આવી છે.

આ એફિડેવિટને કારણે રાતોરાત રામ મંદિર બંધાઈ નથી જવાનું, પણ રામ મંદિર બાંધવા આડેનું એક મસ મોટું વિઘ્ન શિયા મુસ્લિમોએ સામેથી દૂર કરી આપ્યું છે, જમીન પરનો પોતાનો દાવો ઈફેક્ટિવલી પાછો ખેંચી લઈને.

આ દેશના ૧૪ ટકા જેટલા મુસ્લિમોમાં બહુમતી સુન્નીઓની છે, શિયાઓ દેશની મુસ્લિમ વસ્તીમાં રપ-૩૦ ટકાથી વધુ નથી. બેઉ જણા પાકિસ્તાનમાં તો એકબીજાની મસ્જિદો પર બૉમ્બધડાકા કરતા ફરે છે. ભારતમાં પણ બેઉ સુખેથી એકબીજાને જીવવા દેતા નથી, પણ સેક્યુલરડાઓ તમને એ લોકોની આપસી દુશ્મનીની વાતો નહીં કરે. ગુજરાતમાં આપણે લોકો પટેલ, રાજપૂત, દલિત વગેરે વગેરે કેવી રીતે જાતિવાદમાં રાચીએ છીએ તેના ક્ષુલ્લક બનાવોને બઢાવી ચઢાવીને રજૂ કરશે.

પણ હવે ચિંતા નથી. મોદીકાકાના રાજમાં અદાલતથી માંડીને મુસ્લિમો સુધીના સૌ કોઈ સમજદાર થઈ રહ્યા છે. સેક્યુલર મીડિયાએ પણ આજે નહીં તો કાલે સમજદાર થવું પડશે, સર્વાઈવ થવું હશે તો.

આજનો વિચાર

સોનિયા ગાંધીએ સંસદમાં ભારત છોડો આંદોલન વિશે પ્રવચન કર્યું ત્યારે કૉન્ગ્રેસીઓ જરા ટેન્શનમાં આવી ગયા હતા.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

શિક્ષક: બોલ તો બકા, તારા બાપુજી શું કામ કરે છે?

બકો: સાહેબ, એ તો એચડીએફસીના માલિક છે.

શિક્ષક: વાહ, સરસ! એચડીએફસીનું ફુલ ફૉર્મ બોલ તો?

બકો: હીરાલાલ ઢોકળા અને ફરસાણ સેન્ટર.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 10 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *