સિગરેટ, દારૂ, ડ્રગ્સ અને મોબાઈલ

ઍડમ ઑલ્ટર ‘ટેડ ટૉક’માં આગળ કહે છે કે સ્ક્રીન્સ (એટલે કે મોબાઈલ ફોન, આઈ પૅડ-ટેબ્લેટ, લૅપટૉપ વગેરે) પર કેટલીક ઍપ્સ એવી છે જે વાપરવાથી લોકોને સારું લાગે છે. એવરેજ રોજની ૯ મિનિટ જેટલો સમય આવી ઍપ્સ પાછળ ખર્ચાય છે જે હવામાન, વાંચન, શિક્ષણ, આરોગ્ય, કસરત, રિલેક્સેશન વગેરેને લગતી હોય છે.

આની સામે જે ઍપ્સ પાછળ ત્રણગણો સમય ખર્ચાય છે, એવરેજ ર૭ મિનિટ, તે ઍપ્સ વાપર્યા પછી લોકો કહે છે કે ‘અમને સારું નથી લાગતું.’ આ ઍપ્સ સોશ્યલ મીડિયાને લગતી, મનોરંજન, ગેમિંગ, ન્યૂઝ, ડેટિંગ, વેબ બ્રાઉઝિંગ વગેરેેની છે. જે ઍપ્સ પાછળ ત્રણગણો સમય ખર્ચાય છે તે ઍપ્સ વાપરીને ‘મઝા’ કેમ નથી આવતી? ‘સારું કેમ નથી લાગતું? ઍડમ ઑલ્ટરે એનું કારણ આપતાં ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ શબ્દોનો ઉપયોગ કર્યો છે. ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ એટલે ક્યાં રોકાવું એની નિશાની. ‘સ્ટૉપિંગ ક્યૂઝ’ એટલે હવે આ કામ અહીં પડતું મૂકો અને બીજું કોઈ કામ હાથમાં લેવું હોય તો લઈ લો એવો ઈશારો. છાપાં-મૅગેઝિનની પ્રિન્ટ કૉપીમાં જે વાંચવું હોય તે વાંચી લીધા પછી બાકીનાં પાનાં પર નજર ફેરવીને તમે ગડી કરીને એને બાજુએ મૂકી દો છો. પણ ઍપ પર છાપું વાંચો છો કે છાપાની વેબ એડિશન પર તમે જાઓ છો ત્યારે તમે એની આગળપાછળ ફર્યા જ કરો છો, એક લિન્કમાંથી બીજી લિન્ક પર કૂદકા માર્યા કરો છો. પુસ્તકમાં પ્રકરણ પૂરું થાય છે તે ‘સ્ટૉપિંગ ક્યૂ’ છે. ટીવી પર એક એપિસોડ પૂરો થયા પછી તમને ‘સ્ટૉપિંગ ક્યૂ’ મળે છે કે હવે તમારે ટીવી સ્વિચ ઑફ કરીને બીજા કોઈ કામે લાગવું હોય તો લાગી જજો. પણ સોશ્યલ મીડિયા પર તમે ટચસ્ક્રીન પર આંગળી ફેરવતાં જ રહો છો. ત્યાં કોઈ સ્ટૉપિંગ ક્યૂ તમને મળતી નથી. અત્યાર સુધી દરેક બાબતમાં તમને જે ‘સ્ટૉપિંગ ક્યૂ’ મળતી તે હવે સ્ક્રીન્સની મોટાભાગની ઍપ્સમાં નથી મળતી. તમને ખબર જ નથી પડતી કે ક્યાં અટકવું.

વેસ્ટર્ન યુરોપમાં એક ડચ ડિઝાઈન કંપનીએ ઑફિસમાં એવી ડિવાઈસ ગોઠવી છે કે સાંજે બરાબર છના ટકોરે, તમારું કામ હજુ અધૂરું હોય તો પણ ઑફિસમાં ખુરશી-ટેબલો ઊંચકાઈને છત ભણી જતાં રહે. ઑફિસની એ ખાલી જગ્યા અઠવાડિયામાં ચાર દિવસ છ વાગ્યા પછી યોગ સ્ટુડિયો તરીકે વપરાય, અઠવાડિયામાં એક વાર ડાન્સ ફ્લોર તરીકે વપરાય.

જર્મન કાર કંપની ડેઈમ્લર (મર્સીડીઝ-બેન્ઝની પેરન્ટ કંપની) એ એના સ્ટાફ માટે એક એવી સુવિધા ઊભી કરી છે જે બધી કંપનીઓએ કરવી જોઈએ. તમે વૅકેશન પર હો અને તમારી ઑફિશ્યલ મેલ આઈડી પર કોઈ પણ ઈમેલ આવે તો ‘આ વ્યક્તિ વૅકેશન પર છે અને વહેલોમોડો તમારો સંપર્ક કરશે.’ એવો ઑટોમેટિક રિપ્લાય આપવાને બદલે ઈમેલ કરનારને સંદેશો મળે છે: ‘આ વ્યક્તિ વૅકેશન પર છે. અમે તમારો ઈમેલ ડીલીટ કરી નાખ્યો છે. તમે મોકલેલો ઈમેલ આ વ્યક્તિ સુધી ક્યારેય પહોંચવાનો નથી. તમે થોડાં અઠવાડિયાં પછી ઈમેલ કરજો અથવા તો પછી કંપનીમાં બીજા કોઈનો સંપર્ક કરજો.’

આ કંપનીમાં કામ કરનારાંઓ જ્યારે વૅકેશન પર જતા હોય છે ત્યારે એમને લાગતું હોય છે કે પોતે ખરેખર વૅકેશન પર છે. પણ આ તો કંપનીની વાત થઈ. ઘરનું શું? ઘરમાં હું અમુક સમયથી અમુક સમય સુધી ફોન વગેરે નહીં વાપરું એવું નક્કી કરીએ કે તરત આપણા પર ‘ફોમો’ સવાર થઈ જાય છે. ‘ફિયર ઑફ મિસિંગ આઉટ’ હવે એક પ્રચલિત થયેલી ટર્મ છે. તમને લાગે છે કે તમે વારેઘડીએ વૉટ્સઍપ ચેક નહીં કરો કે એફબી ચેક નહીં કરો કે ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર પર આંટાફેરા નહીં કરો તો તમે કશુંક મિસ કરી બેસશો અને તમારા ઓળખીતાપાળખીતાના બધા એ લહાવો લઈ જશે, તમે એકલા પડી જશો.

પણ ધીરે ધીરે ટેવ પાડવાથી આ ભયમાંથી મુક્તિ મળતી હોય છે. ડ્રગ્સ, સિગરેટ કે દારૂ બંધ કરી દીધા પછી જેમ વિથ્ડ્રોઅલ સિમ્પટમ્સનો સામનો કરવો પડે છે એમ સ્ક્રીન્સથી દૂર રહેવાનો નિશ્ર્ચય કર્યા પછી પણ અમુક વખત સુધી તમારો હાથ ઑટોમેટિક ફોન તરફ લંબાવાનો જ છે.

બૅસ્ટ ઈઝ રાતના ૯ કે ૧૦થી સવારના ૯ કે ૧૦ સુધી તમારો ફોન, આઈપૅડ વગેરે તમારા સૂવાના રૂમમાં ન જોઈએ. શરૂઆતમાં થોડું અડવું લાગશે, પણ જેમ જેમ તમારી ઊંઘની ગુણવત્તા સુધરતી જશે એમ એમ આ સૂચન સોનાનું લાગશે.

તમારો વ્યવસાય પોલીસવાળાનો, બંબાવાળાનો, ઉબર ચલાવવાનો, ન્યૂઝ રિપોર્ટરનો કે અમુક પ્રકારના નિષ્ણાત ડૉક્ટરોનો કે પછી એવી જ કોઈ ઈમરજન્સી સર્વિસ પ્રોવાઈડરનો ન હોય તો દિવસના બાર કલાક તમે ફોનનું રિંગર ઑફ રાખી શકો છો. (એસએમએસ અને વૉટ્સઍપનું પણ અને તમામ ઍપનાં નોટિફિકેશન્સ પણ બંધ). તમારે તાત્કાલિક પ્રતિભાવ આપવા પડે એવા ફોન/સંદેશા રોજના કેટલા આવે? સિવાય કે તમારી પત્ની બ્રિજવાસીમાં સમોસા લેવા ગઈ હોય અને એણે તમને ફોન કરીને પૂછ્વું પડે કે સમોસા ખલાસ થઈ ગયા છે તો કચોરી અહીંથી જ લાવું કે પછી રમણ વિઠ્ઠલની લાવું? આવી જીવનમરણના ખેલ જેવી પરિસ્થિતિ સિવાય આપણી લાઈફમાં નરેન્દ્ર મોદી જેવી, તત્કાળ રિસ્પોન્સ આપવો પડે એવી કેટલી ઘટના બની છેલ્લા ૩૬૫ દિવસ દરમિયાન?

ઘણા વખત પહેલાં લખ્યું હતું અને આજે ફરી અછડતો ઉલ્લેખ કે આપણને માથેરાનનો સૂર્યાસ્ત જોવા કરતાં કે એફિલ ટાવરનું વાતાવરણ માણવા કરતાં વધારે રસ સૂર્યાસ્ત સાથેની કે એફિલ ટાવર સાથેની સેલ્ફીઝ લેવામાં હોય છે. ઘરથી આટલે દૂર સુધી, આટલો સમય ખર્ચીને, આટલા પૈસા ખર્ચીને મિત્રો કે કુટુંબીઓ સાથે આવ્યા છીએ તો કોઈ ઉચાટ વિના, નિરાંતજીવે આ બધાં દૃશ્યો માણવાનાં હોય. સંભારણારૂપે (કે પછી પુરાવારૂપે!) એકાદ ફોટો લઈએ તો ઠીક છે. પણ અહીં તો આપણે ધડાધડ અલગ અલગ એન્ગલ્સથી ડઝનબંધ સેલ્ફીઝ, ગ્રુપીઝ લેવામાંથી ઊંચા નથી આવતા અને અધૂરામાં પૂરું વૉટ્સઍપ પર શોધી શોધીને પરિચિતોને આ ફોટાઓ મોકલીને લખીએ છીએ: વિશ યુ વેર હિયર!

ભલા માણસ, અત્યારે તું કહે છે? પેરિસનું બુકિંગ કરાવ્યું ત્યારે તેં મારી પણ ટિકિટ કઢાવી હોત તો હું કંઈ ના પાડવાનો હતો.

ક્યારેક સારો કાર્યક્રમ માણતાં ઑડિટોરિયમમાં બેઠા હોઈએ અને કોઈને સોલો ઊપડે એટલે ફટાફટ સ્ટેજ પર ચાલતા સંગીત કાર્યક્રમના ફોટા પાડીને એફ.બી. પર મૂકે: એન્જોઈંગ આર.ડી. બર્મન્સ લાઈવ મ્યુઝિક ઈન ધ પ્રેઝન્સ ઑફ આશા ભોસલે.

આટલું કરવામાં અડધું ગીત ક્યાં જતું રહે એની ખબર પણ ના પડે. પછી બાકીનો આખો કાર્યક્રમ દર બે-પાંચ મિનિટ એફબી ચેક કરવામાં જાય. કોની કોની લાઈક આવી, કોણે કમેન્ટ નાખી. અજયભાઈ તો આર.ડી.ના દીવાના છે, એમણે હજુ સુધી કેમ કોઈ કમેન્ટ આપી નહીં (ગધેડા, અજયભાઈ શું કામ કમેન્ટ કરે એ તો અત્યારે તારી બાજુમાં બેઠા બેઠા કાર્યક્રમ માણી રહ્યા છે).

સ્માર્ટફોન નવા નવા હતા કે આઈ-પૅડ વગેરે હજુ બહુ વપરાતાં નહોતાં એ વખતે આવી સમસ્યા પર ઝાઝું ધ્યાન નહોતું અપાતું. નવા જન્મેલા બાળકને તેડીને બધાને એને રમાડવાની મઝા આવે એમ ચાલી જતું, પણ હવે એ ટીનએજ બની ગયું છે. એને આખો વખત તેડીને ના ફરાય.

આજનો વિચાર

પથ્થરનો પણ ધર્મ હોય છે, મિત્રો. રાહુલ ગાંધી પર પડે તો લોકતંત્ર પર હુમલો અને લશ્કરના જવાનો પર પડે તો અભિવ્યક્તિની આઝાદી.

– વૉટ્સેપ પર વાંચેલું.

એક મિનિટ!

ભગો: (પોતાની ડેરિંગની વાત કરતાં) એક વાર અડધી રાત્રે મારા ઘરે ભૂતવાળી હવેલીની ડાકણ આવી ગઈ હતી.

બકો: એમાં શું છે? ગઈ કાલે રક્ષાબંધનના દિવસે મારા ઘરે મારી ક્રશ ટપકી પડી હતી.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 8 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *