માનીતી અને અણમાનીતી

હૉલિવુડની ટોચની વૉરફિલ્મ્સની યાદીમાં તમને ‘પેટન’ અને ‘પ્લેટૂન’ આ બે ફિલ્મોનો ઉલ્લેખ અચૂક જોવા મળશે, પણ ‘ટોરા ટોરા ટોરા’ને મોટા ભાગની યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે.

૧૯૭૦માં આવેલી, સેક્ધડ વર્લ્ડ વૉર વખતના અમેરિકન જનરલ જ્યૉર્જ એસ. પેટન (જેમના નામે અમેરિકાની ખતરનાક ગણાતો થયેલી ‘પેટન ટૅન્ક’ બની જે ૧૯૭૧ની વૉર વખતે પાકિસ્તાન પાસે પણ હતી.)ના જીવન પર બનેલી ‘પેટન’ની સ્ક્રિપ્ટના સહલેખક ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા (યસ, ‘ગૉડ ફાધર’ વાળા જ) હતા અને ફિલ્મને એક બે નહીં પૂરા ૭ ઑસ્કર અવૉર્ડ મળ્યા હતા. ખૂબ ગાજેલી, વખણાયેલી અને માથે ચડાવાયેલી આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી પણ કરી છે. મેં અફકોર્સ થિયેટર પર જઈને નથી જોઈ પણ એક કરતાં વધારે વાર ડીવીડી પર જોઈ છે. પહેલીવાર ન ગમી એટલે બીજી વાર પણ જોઈ. એ જાણવા કે આટલી સારી ગણાતી ફિલ્મ કેમ ના ગમી. બીજી વાર પણ ના ગમી તે ના જ ગમી. એટલે મારા લિસ્ટમાં ‘સેવિંગ પ્રાઈવેટ રયાન’, અને ‘ડર્ટી ડઝન’ પછી હું ‘પૅટન’ને સ્થાન નહીં આપું.

૧૯૮૬માં રિલીઝ થયેલી ઓલિવર સ્ટોનની ‘પ્લેટૂન’નું પણ એવું જ. ઓલિવર સ્ટોને લખેલી ‘સ્કારફેસ’ અને ‘મિડનાઈટ એક્સપ્રેસ’ આપણને ગમી છે. એમણે ડિરેક્ટ કરેલી અને લખેલી ‘વૉલ સ્ટ્રીટ’ તો બહુ જ ગમી છે. વિયેતનામ વૉર પર આધારિત ‘પ્લેટૂન’ને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર ઉપરાંત બીજા બે ટેક્નિકલ ઑસ્કાર અવૉર્ડ મળ્યા છે. અને બૉક્સ ઑફિસ પર તો આ ઍન્ટી-વૉર સૂર ધરાવતી ફિલ્મે ધૂમ મચાવેલી. ૬ મિલિયન ડૉલરના બજેટમાં બનેલી આ ફિલ્મે આ ખર્ચાની સામે વીસ-ત્રીસગણી કમાણી કરેલી. આ પણ અગાઉ બે વાર જોઈ ડીવીડી પર. પણ નથી જામતી તે નથી જ જામતી.

‘ટોરા ટોરા ટોરા’ જામે છે. મુંબઈમાં તે વખતે હૉલિવુડની ફિલ્મો બે-પાંચ વર્ષે રિલીઝ થતી. ૧૯૭૦માં બનેલી આ ફિલ્મ બે-પાંચ વર્ષે મુંબઈમાં આવી હશે અને એ ગાળામાં ઇંગ્લિશ ફિલ્મો જોવાનું થોડું થોડું શરૂ થઈ પણ ગયેલું. આ ફિલ્મ આવી તે ખબર છે, પણ થિયેટરમાં નહીં જોઈ-એ જ ગાળામાં ‘ગન્સ ઑફ નેવરોન’ અને ‘વ્હેર ઈગલ્સ ડેર’ થિયેટરોમાં જોયેલી. હાલાંકી એ બેઉ ફિલ્મો ‘ટોરા ટોરા ટોરા’ કરતાં જૂની. ૧૯૪૧માં જપાને અમેરિકાના પર્લ હાર્બર બંદરને તબાહ કરી નાખતો હારાકિરિ હુમલો કર્યો એ ઘટનાનું કથન ધરાવતી આ ફિલ્મ મને ગમે છે એટલે ત્રીજી વૉર ફિલ્મ તરીકે હું એને ગણીશ. આ મારું પર્સનલ ટૉપ ટેનનું લિસ્ટ છે. અને એમાં કોઈ ચોક્કસ ચડતો કે ઉતરતો ક્રમ નથી. ‘ટોરા ટોરા ટોરા’ને બહુ બધા ક્રિટિકસે નથી વખાણી અને આ ફિલ્મે અમેરિકામાં એવરેજ બિઝનેસ કર્યો એનું કારણ મને એ લાગે છે કે આમાં અમેરિકન લશ્કરની નામોશીની વાત છે. જપાન જેવા ટચુકડા દેશે અમેરિકા જેવા જાયન્ટની ધજ્જિયાં ઉડાવી દીધી એની વાત છે. દુનિયાના જમાદાર બની બેઠેલા અમેરિકાની જપાનના હાથે ચડ્ડી ઉતરી ગઈ એવી ફિલ્મ અમેરિકનોને ના પચે એ સ્વાભાવિક હતું. અમેરિકાએ પછી આ અપમાનના બદલામાં નાગાસાકી-હીરોશિમા પર અણુબૉમ્બ ફેંકવાની જંગલિયત દેખાડીને પુરવાર કર્યું પોતે કેટલો બર્બર દેશ છે, માનવતાની કે હ્યુમેનિટીની ખાલી વાતો જ કરનારો દેશ છે. જપાનીઝ ભાષામાં ‘ટોરા’ને એટલે ટાઈગર, વાઘ. ‘ટોરા ટોરા ટોરા’ હુમલો શરૂ કરવાનો જપાનીઓનો કોડ હતો.

વૉર ફિલ્મ્સની રેડીમેડ યાદીઓમાં તમને ‘હૉટેલ રવાન્ડા’નું નામ પણ વાંચવા મળશે. જબરજસ્ત ફિલ્મ છે. અચૂક જોવા જેવી. સાથે આ ફિલ્મનો હીરો જે છે તે અસલી હૉટેલ મૅનેજરની તેમ જ બીજી ઘણી વાતોની ડૉક્યુમેન્ટરીઝ ડીવીડી. એક્સ્ટ્રાઝમાં છે તે પણ જોજો. પણ હું એને મારી વૉરફિલ્મની યાદીમાં નહીં ગણું કારણ કે એ સિવિલ વૉરની ફિલ્મ છે, આંતરયુદ્ધની કથા છે. એક જ દેશમાં આપસમાં લડનારી બે જાતિઓની કથા છે. એ જ રીતે વૉર ફિલ્મ્સની તૈયાર યાદીમાં તમને ‘ગોન વિથ ધ વિન્ડ’ અને ‘લોરેન્સ ઑફ અરેબિયા’નાં નામ પણ વાંચવા મળશે. બેને મસ્ટ વૉચ ફિલ્મો છે. વિશાળ ફલક પરની મહાન ફિલ્મો છે, પણ એને હું વૉર-ફિલ્મો નહીં ગણું.

‘થિન રેડ લાઈન’ અને ‘ડીઅર હન્ટર’ મહાન વૉર ફિલ્મમાં ગણાઈ છે, પણ ફ્રેન્કલી મને મહાબોરિંગ લાગી છે.

‘ટોરા ટોરા ટોરા’ ત્રીજી વૉર ફિલ્મને યાદીમાં મૂક્યા પછી હું ચોથી ‘ધ લૉન્ગેસ્ટ ડે’ પાંચમી ‘ધ બ્રિજ ઓવર રિવર ક્વાઈ’ છઠ્ઠી ‘ધ ગ્રેટ એસ્કેપ’, સાતમી ‘અ બ્રિજ ટુ ફાર’, આઠમી ‘ગન્સ ઑફ નેવરોન’, નવમી ‘વ્હેર ઈગલ્સ ડેર’, દસમી ‘શિન્ડલર્સ લિસ્ટ’, અગિયારમી ‘લાઈફ ઈઝ બ્યૂટિફુલ’, બારમી ‘વાલ્કેરી’, તેરમી ‘બ્રિજ ઑફ સ્પાયઝ’, ૧૪મી ‘પાથ્સ ઑફ ગ્લોરી’ અને પંદરમી, જેના વિશે વાત કર્યા વગર વૉરફિલ્મો વિશેની વાત પૂરી કરી નાખો તો લોકો તમારા માથે જૂતાં મારે તે ફ્રાન્સિ ફોર્ડ કોપોલાની માર્લન બ્રાન્ડો વાળી ‘એપોકેલિપ્સ નાઉ.’

આ ઉપરાંત બાબા આદમના જમાનાની ‘કાસાબ્લેન્કા’નો તેમ જ સ્ટેન્લિ ક્યુબ્રિકની ‘ફુલ મેટલ જૅકેટ’ તો તેમ જ ક્યુબ્રિકની જ ‘પાથ્સ ઑફ ગ્લોરી’ની વાત કરવી પડે. આ તમામ ૧૮ ફિલ્મોમાંથી બધા વિશે બબ્બે વાત કરીએ તોય બીજા ચાર લેખ લખવા પડે. આપણે એટલું લાંબું કરવાને બદલે નેક્સ્ટ બે લેખોમાં જ વિશ્ર્વની મહાન વૉર ફિલ્મોની વાત પૂરી કરીશું.

આજનો વિચાર

સત્યના દર્શન કરવા માટે તમારાં સપનાંઓની ધૂળની ડમરી શમી જાય એ અનિવાર્ય છે.

– ઓશો

એક મિનિટ!

પ્રશ્ન: પત્નીના પગ દબાવી આપવાની ક્રિયાને સેવાચારી કહેવાય કે પ્રેમ કહેવાય.

ઉત્તર: પોતાની હોય તો સેવા, બીજાની હોય તો પ્રેમ.

( મુંબઇ સમાચાર : મંગળવાર, 1 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *