જે પોષતું તે મારતું

તમારો મોબાઈલ, તમારું આઈપેડ કે તમારો ટેબ્લેટ, તમારું લેપટૉપ કે પીસી તમારા માટે અને તમારી પ્રગતિ માટે અનિવાર્ય છે, દુનિયાની પ્રગતિ માટે પણ.

પણ જ્યારે તમે એના ઍડિક્ટ બની જાઓ છો ત્યારે તમારી જિંદગીની સૌથી મોટી મૂડી તમે ગુમાવી બેસો છો અને એ છે તમારો સમય. ઍડમ ઑલ્ટર સાયકોલોજિસ્ટ છે. માત્ર સાડા નવ મિનિટના પ્રવચનમાં એણે આ વાત સમજાવી છે અને એનું સૉલ્યુશન પણ આપ્યું છે. ઍડમની આ ટેડ ટૉક તમને યુટ્યુબ પર મળી જશે. ટેડ ટૉક શું છે એ વિશે હવે મારા વાચકોને સમજાવવાનું ન હોય. અલમોસ્ટ સાડાચાર-પાંચ વર્ષ પહેલાં એના વિશે તમને માહિતી આપી દીધી એ પછી વારતહેવારે ટેડ ટૉકના ઉલ્લેખો તમે મારા લેખોમાં વાંચ્યા હશે. એક આખો લેખ પણ ટેડ ટૉક વિશે લખ્યો છે. (મહેરબાની કરીને કોઈએ એવી માગણી કરવી નહીં કે ‘મને એ લેખની લિન્ક મોકલો.’ એવી મહેનત કરવા માટે કોઈ નવરું નથી અહીં અને જેમને ખરેખર જોઈએ છે તેઓ ગૂગલ પર ટ્રાયલ ઍન્ડ એરર કરીને મેળવી જ લે છે. ઈન્ટરનેટના જમાનામાં તૈયાર ભાણે જમવાની મેન્ટાલિટી છોડીને થોડી દિમાગી કસરત કરતાં શીખીએ તો જ ઉપર આવીશું.)

ઍડમ ઑલ્ટરની ૯ મિનિટ ર૯ સેક્ધડની ટેડ ટૉકનો સાર આપતાં પહેલાં તમારી જાણ ખાતર કહેવાનું કે ટેડ ટૉકમાં અંગ્રેજી સહિત કેટલીક ભાષાઓની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ હોય છે અને હવે તો વધારાની સામગ્રી તરીકે ફૂટ નોટ્સ પણ આપવામાં આવે છે, વક્તાએ કઈ સામગ્રી ક્યાંથી ક્વૉટ કરી તેના રેફરન્સ તમને એમાંથી મળી રહે. આ ઉપરાંત આ જ વિષયને લગતું વધુ વાંચન કરવું હોય તો રીડિંગ લિસ્ટ પણ આપવામાં આવે છે. ટેડ ટૉક પરની કમેન્ટ્સ પણ ક્વાઈટ ઈન્ટેલિજન્ટ હોય છે, ગુજરાતી છાપાંમાં છપાતા વાચકોના પત્રો જેવી નથી હોતી.

ઍડમ કહે છે કે પોતાની જ હૉટેલમાં જમતો હૉટેલનો માલિક ગ્રાહકોમાં વિશ્ર્વાસ પેદા કરે છે. ર૦૧૦માં સ્ટીવ જૉબ્સે એપલનું આઈપૅડ લૉન્ચ કર્યું. સ્ટીવ જૉબ્સે ઉછળી ઉછળીને આઈપૅડનાં વખાણ કર્યાં. આઈપૅડ વાપરનારાઓ પણ ખુશ હતા. આઈપૅડ બજારમાં મુકાયાના થોડા મહિના બાદ એક પત્રકારે સ્ટીવ જૉબ્સને પૂછ્યું, ‘તમારાં બાળકો પણ આઈપૅડના પ્રેમમાં હશે નહીં.’ પત્રકારે ધાર્યું હતું તેના કરતાં તદ્દન જુદો જ જવાબ મળ્યો. સ્ટીવ જૉબ્સે કહ્યું, ‘છોકરાંઓએ હજુ વાપર્યું નથી. ઘરમાં છોકરાંઓના હાથમાં કેટલાં ગેજેટ આપવામાં આવે ને કયાં નહીં એ વિશે અમે નિયમો બનાવ્યા છે.’

સ્ટીવ જૉબ્સ જેવો સ્ટીવ જૉબ્સ પોતાનાં બાળકોને નાની ઉંમરથી આઈપૅડ વગેરેની લત લગાડવા નહોતો માગતો. બાકી એના માટે ક્યાં આઈપૅડ, આઈફોનની કમી હતી? એના માટે તો એ બધું એના ઘરના વાડામાં ઝાડ પર ઊગવા બરાબર હતું. આમ છતાં… આમ છતાં એણે બાળકો માટે આ બધા પર પ્રતિબંધ મૂક્યો હતો અને આપણે? આપણે ‘મારો બે વરસનો બાબો તો મોબાઈલ પર ગેમ રમતાં શીખી ગયો છે.’ એવું કહીને પોરસાઈએ છીએ.

ઍડમ કહે છે કે સિલિકોન વેલી જ્યાં જગત આખાની કમ્પ્યુટર કંપનીઓ છે ત્યાં, વૉલ્ડૉર્ફ સ્કૂલ ઑફ પેનિન્સુલા છે, જ્યાં આઠમા ધોરણ સુધી સ્ક્રીન્સ અલાઉડ નથી. સ્ક્રીન્સ એટલે મોબાઈલ, આઈપૅડ, ટેબ્લેટ, લેપટોપ, પીસી વગેરે. આ સ્કૂલમાં ભણતા ૭૫ ટકા વિદ્યાર્થીઓનાં માબાપ કૉમ્પ્યુટર ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજિસ્ટ છે. આ જાણ્યા પછી ઍડમે આ વિષયમાં ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. છેલ્લાં પાંચ વર્ષથી એ સ્ક્રીન્સને લીધે આપણા જીવન પર પડતા પ્રભાવ વિશે સંશોધન-અભ્યાસ કરે છે.

ઍડમ કહે છે કે ર૪ કલાકના દિવસમાં આપણે નૉર્મલી સાડા સાતથી આઠ કલાક ઊંઘમાં ખર્ચીએ છીએ. સાડા આઠથી નવ કલાક કામ કરવામાં ખર્ચાય છે. રોજના ત્રણ કલાક જિંદગીના રૂટિન્સમાં ખર્ચાય છે-ખાવા પીવામાં નહાવાધોવામાં, બાળકો પાછળ વગેરે. હવે જે બાકી સમય બચ્યો તે છે ચારેક કલાક જેટલો. આ સમય આપણો પર્સનલ સમય છે. આપણી જિંદગીનો એ અમૂલ્ય સમય છે. આ સમયનો આપણે જે રીતે ઉપયોગ કરીશું એ રીતનું આપણું વ્યક્તિત્વ ઘડાશે. આ સમયમાં આપણા શોખ આપણે પોસી શકીએ છીએ, આપણા સંબંધોને મહોરાવી શકીએ છીએ, આ સમયમાં આપણે આપણી લાઈફ વિશે ગંભીરતાથી વિચારતા હોઈએ છીએ, આ સમયમાં આપણી કલ્પનાશક્તિ મુજબ આપણે સર્જનાત્મક થઈએ છીએ, આ સમય દરમિયાન આપણે આપણી અંદર ઝાંકીને જોઈએ છીએ કે આપણી જિંદગી જીવવા જેવી બની કે નહીં. આમાંનું કેટલુંક આપણને કામના કલાકો દરમિયાન પણ પ્રાપ્ત થતું હોય છે. પણ કેટલુંક જ.

હવે જોઈએ કે આ ચાર કલાકનો સમય વાપરવાની પૅટર્ન છેલ્લા દાયકા દરમિયાન કેટલી બદલાઈ છે. ર૦૦૭માં આઈફોનના આવ્યા પછી આ ચારમાંના લગભગ બે કલાક આપણે સ્ક્રીન્સ પાછળ ગાળતા થઈ ગયા છીએ. એના આઠ વર્ષ પછી, ર૦૧૫માં ચારમાંથી અલમોસ્ટ ત્રણ કલાક આપણે સ્ક્રીન્સને આપતા થઈ ગયા છીએ અને ર૦૧૭માં આપણી પાસે માંડ થોડીક મિનિટો જ સ્ક્રીન્સની ગુલામી વિનાની રહી ગઈ છે.

ઍડમ ઑલ્ટરે આપણને બહુ ખતરનાક પરિસ્થિતિની વાત કહી છે. આપણે સૌએ આ અનુભવ્યું છે, જોયું છે કે હવે આપણી પાસે છાપાં-પુસ્તકો વાંચવાનો સમય ઓછો બચે છે. ટીવી પર સારો પ્રોગ્રામ જોતી વખતે કે કોઈ સારી ફિલ્મ જોતી વખતે પણ વારંવાર આપણે મોબાઈલને મચડ મચડ કરીએ છીએ. કોઈનો ફોન આવે તો ઝડપથી રિસીવ કરવાની લાહ્યમાં ઘરના બાકીના સભ્યો જે ઈન્ટરેસ્ટથી ટીવી જોઈ રહ્યા છે, તેમના રસમાં ભંગ પાડીએ છીએ. ચાલુ ફિલ્મે કોઈનો વૉટ્સઍપ આવે તે તદ્દન ફાલતુ હોય (૯૦ ટકા વૉટ્સઍપ એવા જ હોવાના, ટાઈમપાસ માટેના) તો પણ એનો જવાબ લખવા માંડીએ અને બીજાઓને ડિસ્ટ્રેક્ટ કરીએ, ડિસ્ટર્બ કરીએ. પ્રવાસમાં કમ્યુટિંગ કે ટ્રાવેલિંગ દરમિયાન-કંટાળીએ એટલે નવરા નવરા લોકોને ફોન કરીને સહપ્રવાસીને ડિસ્ટર્બ કરીએ. કારમાં તમે એકલા હો ત્યારે હેન્ડ્સ ફ્રી વાપરો તે બરાબર છે, પણ સાથે કોઈ બેઠું હોય ત્યારે કારના સ્પીકરને ફુલ વોલ્યુમમાં રાખીને તમે તમારા ફોનને એની સાથે જોડીને ધંધાની કે પર્સનલ વાતો કર્યા કરો તો તદ્દન જંગલી, ગંવાર, જાહિલ વ્યક્તિનું લક્ષણ છે એટલુંય નથી સમજતા તમે. નાટક-સિનેમા-સભા-પ્રવચન દરમિયાન ફોન તો ન જ વાગવો જોઈએ, ફોનના સ્ક્રિનની લાઈટ પણ બાજુવાળાને જ નહીં આજુબાજુના બીજા ઘણા લોકોને ડિસ્ટ્રેક્ટ કરતી હોય છે. ફોન વાપરવો અનિવાર્ય જ હતો તો શું કામ અહીં આવો છો? બીજાઓને ડિસ્ટર્બ કરવા?

પણ તમને ખબર નથી કે આવું કરવામાં તમે પોતે કેટલા ખર્ચાઈ જાઓ છો. તમારા ફોનની બૅટરી તો ડિસ્ચાર્જ થશે પણ એની સાથે તમારી પોતાની પેલા ચાર કલાકવાળી અમૂલ્ય શક્તિઓ, શક્યતાઓ હણાઈ જશે. તમે ઝોમ્બી બની જશો.

સ્ક્રીન્સની ઉપયોગિતાઓને સલામ. ઝૂકી, ઝૂકીને સલામ, પણ સ્ક્રીન્સના ઓવરયુઝ સામે લાલબત્તી ધરનારા ઍડમ ઑલ્ટર જેવાઓને સવાયી સલામો. ઍડમની વાતો બહુ ઈન્ટરેસ્ટિંગ છે, હજુ બાકી છે. આજે એક હપ્તામાં એ વાત પૂરી કરવી હતી. શક્ય નહીં બને. માટે સોમવારે (તારીખ પે, તારીખ પે, તારીખ!)

આજનો વિચાર

નવાઝ શરીફ પાકિસ્તાનનો સૌથી મોટો શ્રીમંત છે. એની પાસે કુલ રૂપિયા ૯,૦૦૦ કરોડની સંપત્તિ છે.

અમારે ત્યાં તો આટલા પૈસા લોકો ઉધાર લઈને ભાગી જતા હોય છે!

– વૉટ્સૅપ પર વાંચેલું.

એક મિનિટ!

પતિ: અરે, ક્યાં જઈ રહી છે તું?

પત્ની: જોતા નથી, નહાવા જઉં છું.

પતિ: પણ મોબાઈલ લઈને?

પત્ની: બાલદી ભરાય ત્યાં સુધી શું કરવાનું?

( મુંબઇ સમાચાર : સોમવાર, 7 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *