અડધી રાત્રે ઊંઘ ઊડી જાય છે ત્યારે

એક જમાનામાં રાત્રે ઊંઘ ઊડી જતી તો આપણે શું કરતા? સોમાંથી એક જણ પાણી પીવા રસોડામાં જતું. સોમાંથી એક જણ ફ્રિજ ખોલીને કંઈક લેફ્ટ ઓવર છે કે નહીં તે શોધતું. સોમાંથી એક જણ વઘારેલ મમરાના ડબ્બામાંથી ફાકો મારતું. સોમાંથી એક જણ ટીવી ખોલીને સર્ફિંગ કરતું. સોમાંથી એક જણ… વેલ, સોમાંથી ૯૫ જણની આંખ ઊઘડે તો એ પડખું ફેરવીને સૂઈ જાય. નૉર્મલ સંજોગોમાં નૉર્મલ માણસને સાત-આઠ કલાકની ઊંઘ મળી જતી.

પણ હવે શું થાય છે? રાતના ઊંઘ ઊડી જાય તો તરત હાથ મોબાઈલ તરફ લંબાય છે. અડધી રાત્રે તમને કોઈ વૉટ્સઍપ નથી કરવાનું, કોઈ એફ.બી.ની તમારી પોસ્ટ વાંચીને કમેન્ટ નથી કરવાનું છતાં તમે ચેક કરી લેવાની લાલચ રોકી શકતા નથી. સૂતાં પહેલાં ઑલરેડી તમે તમારી ફેવરિટ ન્યૂઝ સાઈટ્સ પર બે વાર આંટા મારી આવ્યા છો તે છતાં અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે ફરી ત્યાં પહોંચી જાઓ છો અને લાલુ પ્રસાદ યાદવની ધરપકડ હજુય કેમ નથી થઈ એવા વિચારોમાં ખોવાઈ જાઓ છો. કશું જ નવું નથી દેખાતું એટલે ઈમેલ ચેક કરો છો. ત્યાં પણ સ્પામમાં નાખવા જેવા માર્કેટિંગના મેલ્સ સિવાય નવું કશું નથી. છેવટે યુટ્યુબ પર જાઓ છો. અવાજ મ્યુટ કરીને જાતજાતની વીડિયો ક્લિપ્સ જુઓ છો. પછી બગાસું ખાઈને સૂઈ જવાની કોશિશ કરો છો. કલાક-અડધો કલાક ઊંઘ નથી આવતી એટલે ફરી પાછો મોબાઈલ હાથમાં લઈને વૉટ્સઍપ, ફેસબુક, ન્યુઝસાઈટ્સ વગેરેનું ચક્કર ચાલુ કરો છો.

સિગારેટના એડિક્ટ્સને ખબર હશે કે રાતના ઊંઘ ન આવે ત્યારે તમે એક સિગારેટ સળગાવીને પૂરી કરો છો. એ પછી ઉત્તેજિત થઈ ગયેલું તમારું મન તમને સૂવા નથી દેતું. કલાક-અડધો કલાક પછી બીજી, પછી ત્રીજી એમ પરોઢ સુધી તમારે સિગારેટ પીવી પડે છે, પણ રાત્રે જમ્યા પછી નક્કી કરો કે આકાશ-પાતાળ એક થઈ જાય તોય આવતી કાલની સવાર સુધી સિગારેટ પીવી જ નથી તો એક પછી બીજી અને બીજી પછી ત્રીજી સિગરેટનું ચક્કર આખી રાત ચાલુ રહેતું નથી.

ઈલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા, વેબ, ઈન્ટરનેટ, લૅપટૉપ, મોબાઈલ આ બધું જ જબરજસ્ત આશીર્વાદરૂપ છે. હજુ થોડાક દાયકા સુધી તમારે તમારા વતનના ગામે કૌટુંબિક ઈમરજન્સીને કારણે ફોન પર વાત કરવી પડે એમ હોય તો અર્જન્ટ કૉલ બુક કરવો પડતો, વધારે અગત્યનું કામ હોય તો નૉર્મલ કરતાં આઠગણો (અને અર્જન્ટ કરતાં ચારગણો) ભાવ ચૂકવીને લાઈટનિંગ કૉલ કરવો પડતો. ક્યારેક બદમાશી કરીને તાર-ટપાલ-ટેલિફોન ખાતાને છેતરવા માટે પી.પી. (પર્ટિક્યુલર પર્સન)ના નામે ફોન થતો. સામે છેડેથી પી.પી. નોટ અવેલેબલ એવો સંદેશો સાંભળીને મૂકી દો તો તમારા ઘણા પૈસા બચી જતા અને પેલે છેડે સંદેશને પહોંચી જતો કે ગગો સહીસલામત પહોંચી ગયો છે, બકો પરીક્ષામાં પાસ થઈ ગયો છે કે પછી નાનકીનું પાકું થઈ ગયું છે.

આજની તારીખે તમે સાવ મામૂલી ખર્ચે અને મૂકેશભાઈની કૃપાથી તો અલમોસ્ટ ફોગટના ભાવે ધારો એટલી વાત કરી શકો છો એટલું જ નહીં, હજારો માઈલ દૂર બેઠેલી દીકરીને પૂછી શકો છો કે આજે તેં ડિનરમાં શું ખાધું અને એને જણાવી શકો છો કે તમે લંચમાં શું જમવાના છો.

ટેલિગ્રામ પછી ફેક્સ આવ્યા ત્યારે લાગતું હતું કે જમાનો કેટલો મૉર્ડન થઈ ગયો છે. આજે ફેક્સ બાબા આદમના જમાનાની શોધ થઈ ગઈ છે. ઈ-મેઈલથી ઘડીના છઠ્ઠા ભાગમાં તમે ધારો એટલા પત્રો, ફોટા, દસ્તાવેજો જગતના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચાડી શકો છો.

તમારો બાબો (કે બાબાનો બાબો) હવે ચાલતો થઈ ગયો છે. એના ફોટા જ નહીં, એની વીડિયો ક્લિપ પણ નહીં, એનું જીવંત પ્રસારણ તમે ફેસટાઈમ, સ્કાઈપ વગેરે પર તમારા મોટાભાઈ-ભાભી સાથે શેર કરી શકો છો.

બધું જ કરી શકો છો, પણ તમને ખબર નથી કે આ જ મોબાઈલ અને આજ લૅપટૉપ તમારી અમૂલ્ય જિંદગીની સાથે કેવી રમત કરી રહ્યા છે. તમને ખબર છે કે તમારો કિંમતી સમય આ રમકડાં ખાઈ જાય છે, પણ કેવી રીતે ખાઈ જાય છે, શું કામ ખાઈ જાય છે અને એ ખાઈ ના જાય તે માટે શું કરવું એની ખબર નથી.

રાત્રે ઊંઘમાંથી ઊઠીને તમે મોબાઈલ ચેક કરો છો ત્યારે એના સ્ક્રીનની લાઈટ અચાનક તમારી આંખો સાથે અથડાતી છે ત્યારે તમારી આંખોને જે નુકસાન થાય છે એવા તાજેતરના સંશોધન વિશે વાત નથી કરવી. એ ખતરો તો છે જ. એના કરતાં વિશેષ ખતરનાક મુદ્દા વિશે વાત કરવી છે. કઈ રીતે આ રમકડાં તમારું આખેઆખું જીવન ખોરવી નાખે છે એ વિશે બે નાનકડી વાત કરવી છે જે કાલે કરીને કાલે જ પૂરું કરીશું.

આજનો વિચાર

કૉન્ગ્રેસને અપને ચવ્વાલીસ વિધાયકોં કો નજરબંદ કિયા…

કહીં અમિત શાહ કે સાથ ભાગ ના જાએં…

અબ કૉન્ગ્રેસ કો કૌન સમઝાયે કિ…

જબ જબ પ્યાર પે પહરા હુઆ હૈ…
…પ્યાર ઔર ભી ગહરા હુઆ હૈ!

– વૉટ્સઍપ પર વાંચેલું.

એક મિનિટ!

શિક્ષક: પૃથ્વીના પેટાળમાં ‘લાવા’ છે. પૃથ્વી ઉપર શું છે?

બકો: સર, ‘ઓપો’ અને ‘વિવો’!

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 4 ઓગસ્ટ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *