‘ડર્ટી ડઝન’માંના એકને શું કામ એપલના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો

‘ડર્ટી ડઝન’ એક્ઝેટલી ૫૦ વર્ષ પહેલાં બની. ૧૯૬૭માં. લશ્કરમાં કોર્ટ માર્શલ કરીને જેમને ફાંસીની કે ૨૦-૩૦ વર્ષની લાંબી સજા થઈ હોય એવા કેદીઓમાંથી ૧૨ જણને પસંદ કરીને એમને સેક્ધડ વર્લ્ડ વૉર વખતે એવા મિશન પર મોકલવામાં આવે છે જે મિશન પાર પડે તો એમને મુકત જીવન જીવવા મળશે. પરંતુ મિશન એટલું ડિફિકલ્ટ છે કે એ સ્યુસાઈડ મિશન તરીકે ઓળખાય છે. પાછા આવો તો આવો અને ચાન્સીસ આર ધેર કે નહીં આવો. જર્મનીમાં એક જગ્યા છે જે રિઝોર્ટ જેવી છે જ્યાં એ લોકોના લશ્કરના સાહેબ લોકો આરામ ફરમાવવા, રંગરેલિયાં મનાવવા પોતાની રખાતો કે ભાડૂતી છોકરીઓને લઈને આવે છે, જ્યાં શરાબની છોળો ઊડે છે. આ રિઝોર્ટને ઉડાવી દેવાનું કામ ડર્ટી ડઝનને સોંપવામાં આવે છે.

આમ તો આ બારે બાર જણા હિન્દી ફિલ્મોની ભાષામાં ‘છટે હુએ બદમાશ’ છે, ગામના ઉતાર જેવા છે પણ દરેક માણસ ફૌજી, એકસ-ફૌજી છે એટલે ટ્રેનિંગ પામેલો તો હોવાનો જ, ફિઝિકલી પણ ફિટ હોવાનો. આ બાર જણને ટ્રેન કરવાનું અને મિશનની આગેવાની લેવાનું કામ મેજર જ્હૉન રાઈસમૅનને સોંપવામાં આવે છે. આ રોલ પહેલાં જ્હૉન વેય્નને ઑફર કરવામાં આવ્યો હતો. ૬ ફીટ ૪ ઈંચની હાઈટ ધરાવતા જ્હૉન વેય્નને ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં એક જગ્યાએ વૉરમાં ગયેલા એક સૈનિકની પત્ની સાથે ફિલ્મમાંના એક પાત્રને આડા સંબંધ છે એવું બતાવ્યું હતું તેની સામે વાંધો હતો એટલે એણે ફિલ્મ કરવાની ના પાડી એવી વાયકા છે. બે વર્ષ પછી ૧૯૬૯માં જ્હૉન વેય્નનો ‘ટ્રુ ગ્રિટ’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર અવૉર્ડ મળ્યો હતો. ફાઈનલી આ રોલ લી માર્વિનને મળ્યો. લી માર્વિન ત્રણ વરસ સુધી વર્લ્ડ વૉર-ટુમાં ફરજ પણ બજાવી ચૂક્યો હતો. ટૉપ ગ્રેડનો એકટર તો ખરો જ. બે વર્ષ પહેલાં, ૧૯૬૫માં એને જેન ફોન્ડા સાથે હીરો તરીકે કરેલી ઑફબીટ વેસ્ટર્ન ફિલ્મ ‘કૅટ બલોઉ’માં કોમિક રોલ કરવા બદલ બેસ્ટર એકટરનો ઑસ્કાર ઓલરેડી મળી ચૂકેલો.

લી માર્વિનની સામે એક એવા કેરેક્ટર એકટરને મૂકવામાં આવ્યો જેની ભ્રમરો અને ઉપરના બે દાંત વચ્ચેના ગૅપને કારણે તરત ઓળખાઈ જતો. અર્નેસ્ટ બોર્ગનાઈન નામનો આ સિનિયર એકટર પણ વૉર વેટરન હતો અને એને પણ અભિનય બદલ ઑસ્કાર અવૉર્ડ મળી ચૂકેલો – ‘માર્ટી’ નામની ફિલ્મ માટે, ૧૯૫૫માં.

‘ડર્ટી ડઝન’ના બારેબાર પાત્રો ભજવવા માટે એકથી બઢકર એક અભિનેતા પસંદ કરવામાં આવ્યા, જેમાંનો એક ચાર્લ્સ બ્રોન્સન હતો. ‘મેગ્નિફિસન્ટ સેવન’ અને ‘ધ ગ્રેટ એસ્કેપ’ ફિલ્મોમાં તમે એને જોયો હશે. એને પણ યુદ્ધનો અનુભવ. સુપર્બ સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મમાં બાર પ્લસ મેજર પોતે – ૧૩ જણ સ્યુસાઈડ મિશન પર જવા નીકળે છે અને ત્યાં શું થાય છે, કેવી રીતે થાય છે, ફાઈનલ રિઝલ્ટ શું આવે છે એ વાતો, જેમને ફિલ્મ જોવાની હજુ બાકી હોય એમને ધ્યાનમાં રાખીને લખતા નથી પણ એક નાનકડી વાત લખવાની લાલચ રોકી શકાતી નથી. આ તેર જણાએ પેરાશૂટથી જર્મનીની ભૂમિ પર ઊતરવાનું છે. આ સીન શૂટ થાય તે પહેલાં પેલા બારમાંનો એક કેદી એના મિત્ર ફ્રેન્ક સિનાત્રાને મળ્યો. સિનાત્રા એ જમાનાનો સુુપરસ્ટાર ગાયક. સિનાત્રાએ એના આ મિત્રને ચડાવ્યો કે ‘ડર્ટી ડઝન’ બહુ ડીલે થઈ રહી છે. તારે તો ગાયક પણ બનવું છે. આટલા બધા મહિના દૂર રહીને તું ફિલ્ડમાંથી આઉટ થઈ જઈશ. જા, જઈને કહી દે કે તું ફિલ્મ અધવચ્ચેથી છોડી રહ્યો છે.

સિનાત્રાના ચડાવ્યે ભાઈ તો ચડી ગયા. કહી આવ્યા ડિરેક્ટર – પ્રોડ્યુસરને કે આપણ કામ નથી કરવું. ફિલ્મ અડધા ઉપરની શૂટ થઈ ચૂકેલી. શું કરવું. ડિરેક્ટરેે બાર પ્લસ મેજર પેરાશૂટથી જર્મનીની ભૂમિ પર ઊતરે છે એ સીનમાં એક ડાયલોગ નાખી દીધો. મેજર પૂછે છે આપણો પેલો (સિનાત્રાનો મિત્ર) ક્યાં છે? બે સેક્ધડના ગમગીનીભર્યા સાયલન્સ પછી જવાબ મળે છે: સર, ઊતરતી વખતે એનું પેરાશૂટ એપલના ઝાડમાં ભરાઈ પડ્યું, દોરડામાં ફસાઈને એ લટકીને મરી ગયો!

સિનાત્રામિત્રે આ સીન રોજેરોજના શૂટિંગ પછી યુનિટને દેખાડવામાં આવતા રશીઝના પ્રોજેક્શન વખતે જોયો. એને અફસોસ થયો. એણે કહ્યું કે આયમ સૉરી, મારે આ ફિલ્મ નહોતી છોડવી જોઈતી. મને પાછો લઈ લો તમે.

ડિયરેકટરે કહ્યું: પણ તું તો ઝાડ પર લટકી ગયો છે!

ફિલ્મ એના વિના જ પૂરી થઈ.

ડર્ટી ડઝનની થીમ પરથી હૉલીવૂડમાં ઘણી નકલ થઈ. આપણે ત્યાં પણ એની અસર ધરાવતી ફિલ્મો આવી. ‘શોલે’ના બે ‘છટે હુએ બદમાશ’ના કિરદાર કરતા ધરમપાજી અને બચ્ચનજીનાં મૂળિયાં ‘ડર્ટી ડઝન’માં જોનારા લોકો પણ છે.

‘ડર્ટી ડઝન’ પછી ‘ડર્ટી ડઝન: નેક્સ્ટ મિશન’ નામની ટીવી ફિલ્મ બની જેમાં પેલા બેઉ મહાન, ઓસ્કાર અવૉર્ડ વિજેતા અભિનેતા હતા એટલે લોકોને ઘણી આશા હતી કે કંઈક હશે એમાં. પણ ફ્રેન્કલી ઓરિજિનલની અલમોસ્ટ પેરડી એમાં બનાવી હોય, એવું ક્યારેક ક્યારેક લાગતું પણ જે લોકોએ ‘ડર્ટી ડઝન’ માણી હોય એમને એક વાર ‘નેક્સ્ટ મિશન’ જોવાની મઝા પડે. ટાઈમ પાસ.

‘ડર્ટી ડઝન’ની વાર્તા આખી કાલ્પનિક છે પણ પાછળથી એવું સંશોધન થયું કે એક્ઝેટલી આવું નહીં પણ આ પ્રકારનું કોઈ મિશન હતું ખરું. એની ડૉક્યુમેન્ટરી જોઈ છે પણ એ આખી જુદી વાત છે.

નવલકથા હોય, નાટક કે પછી ફિલ્મો. નવું નવું થતું જ રહેવું જોઈએ. આઉટ ઓફ બોક્સ થિન્કિંગ થવું જ જોઈએ. પણ નવું કરવાના ધખારામાં કોઈ દરજી તમારા શર્ટમાં આગળને બદલે પાછળ ગાજબટન લગાવી દે તે કંઈ થોડું ચાલે અને વર્સ્ટ, તમારા પાટલૂનમાં આગળને બદલે પાછળ ઝિપ સીવી દે તો શું કામ લાગે? ‘ડન્કર્ક’માં ક્રિસ્ટોફર નોલને નવું કરવાના ધખારામાં, આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરવાના ચાળામાં, અત્યાર સુધીની વૉર ફિલ્મો કરતાં કંઈક જુદું જ પ્રેક્ષકો સામે પીરસવાની હોંશમાં પાટલૂનમાં આગળને બદલે પાછલી બાજુએ ઝિપ સીવી આપી છે. કેટલાક શિશુ અવસ્થામાં હોય એવા માસૂમ, ભોળા પ્રેક્ષકોને ઝિપનું બદલાયેલું સ્થાન ખૂબ ગમી ગયું છે. અફસોસ એ છે કે આપણને એ ઝિપ ખોલીને કશુંય કરતાં ફાવતું નથી. આપણે માટે તો આગળ ઝિપ ધરાવતાં પાટલૂનો અને આદિ-મધ્ય-અંત ધરાવતી ફિલ્મો જ કામની છે અને હૉલીવૂડે એવી ચિક્કાર ફિલ્મો બનાવી છે, જેમાં કેટલીક અફલાતૂન વૉર ફિલ્મો પણ છે. બીજી થોડીક મહાન, યાદગાર અને વારંવાર જોવા જેવી વૉર ફિલ્મો વિશે સોમવારે.

આજનો વિચાર

કૉન્ગ્રેસના બૅનરોમાં ફેરફાર થઈ રહ્યા છે. કૉન્ગ્રેસ (આઈ)ની જગ્યાએ કૉન્ગ્રેસ (ગઈ) લખાઈ રહ્યું છે.

– વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

બિહારમાં જે થયું તે જોયા પછી લાગે છે કે કેજરીવાલે વાત તો સાચી કહી હતી કે વોટ કોઈને પણ આપો, જાય છે તો બીજેપીને જ…

… મતદાનનાં બે વર્ષ વીતી ગયા પછી પણ!

( મુંબઇ સમાચાર : સોમવાર, 31 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *