પુરુષ વિરોધી કાયદાઓના દુરુપયોગ સામે સુપ્રીમ કોર્ટ જાગી

રહી રહીને છેક હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્ડિયન પીનલ કોડની દહેજને લગતી કલમ ૪૯૮-એ હેઠળ જે એફ.આઈ.આર. દર્જ થાય છે તેમાં પોલીસે તાબડતોબ કોઈની ધરપકડ કરવાની કે પછી ‘જલદ પગલાં’ લેવાની (વાંચો: મારપીટ કરવાની) જરૂર નથી. આક્ષેપો વિશે પૂરતી જાંચતપાસ થયા પછી જ ધરપકડ થવી જોઈએ. કાયદામાં જેને પ્રાઈમા ફેસી કહે છે એવો સ્પષ્ટ કેસ બનતો હોય તો જ પોલીસે ધરપકડ કરવી જોઈએ એવું સુપ્રીમ કોર્ટના શબ્દોનું અર્થઘટન થઈ શકે. જસ્ટિસ એ. કે. ગોયલ અને જસ્ટિસ યુ. યુ. લલિતની બનેલી બૅન્ચે ૨૭ જુલાઈ ૨૦૧૭ના રોજ આ વાત કહી. અત્યાર સુધી અદાલતોનો અભિગમ જુદો હતો. દહેજ ઉપરાંત ડોમેસ્ટિક વાયોલન્સ તથા બળાત્કારને લગતી પોલીસ ફરિયાદોની બાબતમાં પણ કોર્ટે/પોલીસે આવો જ અભિગમ અપનાવવો જોઈએ એવું અમે વારંવાર છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન ગાઈબજાવીને અમારી કૉલમોમાં લખી ચૂક્યા છીએ.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ વાત કહેતી વખતે દરેક રાજ્ય સરકારને પોતાના રાજ્યના દરેક જિલ્લામાં કુટુંબ કલ્યાણ સમિતિ (ફેમિલી વેલફેર કમિટી) રચવાનું કહ્યું છે. આ સમિતિ દહેજ વિશેની ફરિયાદની સચ્ચાઈ તપાસવાનું કામ કરશે.

ફોરનાઈન્ટીએઈટ-એ લાગે એટલે, અત્યાર સુધી થતું’તું શું કે, તાબડતોબ સાસરિયાંઓની ધરપકડ થવા માંડે. પતિ, દિયર કે જેઠ, સસરા ઉપરાંત નણંદ, જેઠાણી, દેરાણી તથા સાસુને પણ પોલીસ પકડી જાય. સગીર વયના દિયરને ઉપાડી જતા કિસ્સા પણ અમે જોયા છે. વહુની એક ફરિયાદ થતાં જ આખું શ્ર્વશુરગૃહ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય. પછી જામીન મેળવવા માટે દોડધામ, ઉચાટ અને પાણીની જેમ પૈસા વેરવાના. એક આખું કુટુંબ તબાહ થઈ જાય. કેટલીક વહુઓ માટે ફોરનાઈન્ટીએઈટ-એનું હથિયાર એકદમ હાથવગું બની ગયું હતું. કોઈ વહુ પડોશી સાથે છીનાળું કરતાં પકડાય તો એ પતિને કે સાસુ/સસરા વગેરેને આ હથિયાર દેખાડીને ડરાવતી રહેતી. કૌટુંબિક કે પારિવારિક ઝઘડામાં પિયર પક્ષની ઉશ્કેરણીથી પુત્રવધૂઓ સાસરિયાંઓને ધાકમાં રાખવા આ હથિયાર વાપરતી થઈ ગયેલી. કુટુંબમાં સૌ સાથે રહતા હોય ત્યારે જે વાસણો ખખડે તે અવાજને એમ્પ્લીફાય કરીને તેમ જ તોડીમરોડીને પોલીસ/અદાલતમાં રજૂઆત કરવામાં આવતી, કાયદાનો સરેઆમ દુરુપયોગ થતો. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે આવા કેસોમાં પોલીસે પાસપોર્ટ જપ્ત કરવાનું ટાળવું જોઈએ તેમ જ કેસ અદાલતમાં ચાલતો હોય ત્યારે પતિના કુટુંબના સભ્યોને અદાલતમાં હાજરી આપવામાંથી પણ મુક્તિ મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે સંજોગોમાં ધરપકડ કરવી જ પડે એમ હોય તેમાં જામીન બને એટલા જલદી મળી જવા જોઈએ અને શક્ય હોય તો એને એ જ દિવસે મળી જવા જોઈએ (જેથી પતિ કે એનાં સગાંઓએ જ્યુડિશિયલ કસ્ટડીની અર્થાત્ જેલમાં જવાની બદનામી તેમ જ હેરાનગતિ વેઠવી ના પડે).

દહેજવિરોધી કાયદાની જેમ બીજા કાયદાઓ પણ પુરુષોની હેરાનગતિ માટે વપરાય છે એવું અમે તો કહી જ ગયા છીએ. મોદી સરકારના વીમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલયનાં પ્રધાન મેનકા ગાંધીએ આ મતલબનો પત્ર ગુરુવાર, ૨૭ જુલાઈએ નેશનલ કમિશન ફોર વીમેનના ચેરપર્સન લલિતા કુમાર મંગલમને લખ્યો. પત્રમાં મેનકા ગાંધીએ લખ્યું કે, ‘ડોમેસ્ટિક વાયોલન્સ, દહેજ અને બળાત્કારના કેસમાં અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એ મતલબની ફરિયાદ કરતા ચિક્કાર પત્રો મને પુરુષો તરફથી મળે છે અને હમણાં હમણાં એનું પ્રમાણ વધી ગયું છે.’ મેનકા ગાંધીએ નેશનલ કમિશન ફોર વીમેન દ્વારા પંદર દિવસની અંદર અંદર કોઈક એવી વ્યવસ્થા ગોઠવાય એવી તાકીદ કરી છે જ્યાં પુરુષો વિરુદ્ધની ‘તદ્દન બિનપાયાદાર ફરિયાદો’ને અલગ તારવવા માટેની કોઈ નક્કર નીતિ ઘડાય.

સુપ્રીમ કોર્ટના બે વિદ્વાન જજસાહેબો તથા કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીને ધન્યવાદ. પણ ખાટલે મોટી ખોડ પોલીસતંત્રમાં અને વકીલોના એટિટ્યુડમાં છે. પોલીસતંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર વિશે તો સૌ કોઈ જાણે છે પણ કૅન યુ બિલીવ કે વકીલો પણ ઈચ્છતા હોય છે કે કાયદાઓનો દુરુપયોગ કરીને પોલીસ જેટલા વધુ લોકોની ધરપકડ કરે એટલું સારું જેથી જ્યુડિશિયલ કસ્ટડી અર્થાત્ જેલમાં ધકેલાઈ ગયેલા નિર્દોષ આરોપીઓ સળિયા પાછળથી બહાર નીકળવા માટે, જામીન મેળવવા માટે ફાંફાં મારવામાં લાખો રૂપિયા ખર્ચી કાઢે. આનું એક ઉદાહરણ આપું. આજથી અંદાજે દસ વર્ષ પહેલાં કાયદા ખાતાએ એક પ્રપોઝલ રમતું મૂક્યું કે જે ગુનાની સજા સાત વર્ષ કરતાં ઓછી થતી હોય તે ગુનાની કલમ હેઠળ પકડાયેલા આરોપીઓની ધરપકડ કરીને એમને જેલમાં ન મોકલવા જોઈએ, સાત વર્ષથી વધુની સજા થઈ શકે એવી કલમ હેઠળ જેમની ધરપકડ થાય એમને જ જેલમાં એટલે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવા જોઈએ. બહુ ઉપયોગી સૂચન હતું. જેલોમાં અંડર ટ્રાયલોનો ભરાવો થવાથી જે સમસ્યા ખડી થતી હોય છે તે તો સોલ્વ થતી જ હતી, સાથોસાથ અરેસ્ટનો ડર દેખાડીને લોકોને ધમકાવીને લાખો રૂપિયાની લાંચ લેતી પોલીસની બદમાશી પણ અંકુશમાં આવી જતી હતી.

આ પ્રપોઝલનો વિરોધ કોણે કર્યો ખબર? વકીલોએ. એમણે દેશભરમાં આ સૂચનને કાયદો બનાવવાની હિલચાલ સામે દેખાવો કરીને એક દિવસની હડતાળ પાડી. દેખીતું કારણ એ આપ્યું કે ‘ખતરનાક આરોપીઓ’ સમાજમાં છુટ્ટા ફરે તે જોખમી છે. હકીકત શું હતી? જામીન અપાવવાના કેસો મળતા બંધ થઈ જાય એટલે મોંઘી મોટરોમાં ફરનારા વકીલોએ ટુ વ્હીલર પર આવી જવું પડે.

કાયદો નાગરિકોનું ભલું કરવા માટે છે. પણ નાગરિકો કરતાં તે પોલીસ, વકીલો અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા જે કેટલાક ભ્રષ્ટ લોકો હોય છે એમનું ભલું વધારે કરે છે. શું કરવું આપણે? લખ્યા કરવું અને જ્યારે જ્યારે તમારા અવાજનો પડઘો સુપ્રીમ કોર્ટના બે જજસાહેબો તથા મેનકા ગાંધી દ્વારા પડે ત્યારે બે હાથ જોડીને પ્રણામ કરવા અને કહેવું કે ભગવાન, તમારું ભલું કરે અને પછી મનમાં બોલવું કે ભગવાનને બીજા જજો, પ્રધાનો, પોલીસો, વકીલોનું ભલું કરવાની આવી તકો વારંવાર મળતી રહે.

કાગળ પરના દીવા

ખરાબ કાયદાને કાયદો કહેવાય જ નહીં. અ બૅડ લૉ ઈઝ નો લૉ.

– કેસાન્ડ્રા ક્લેર (અમેરિકન લેખિકા મૂળ નામ જ્યુડિથ લેવિસ. જન્મ: ૧૯૭૩)

સન્ડે હ્યુમર

બકો: હું કંઈ પણ કામ શરૂ કરું એમાં મારી પત્ની આડી જ આવે છે.

દોસ્ત: ટ્રક ચલાવ, કદાચ તારું નસીબ કામ કરી જાય…

( મુંબઇ સમાચાર : રવિવાર, 30 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *