કોઈ મામૂલી સૈનિકની શોધમાં શું કામ જીવ જોખમમાં નાખવો

જિંદગીમાં કોઈ બીજાનું ભલું થાય એવું એટલીસ્ટ એક કામ કરતાં જવું જેથી મરતી વખતે તમને સંતોષ થાય કે મારી જિંદગી સાવ એળે નથી ગઈ, સ્વાર્થી બનીને કે સ્વકેન્દ્રી રહીને મેં આ જિંદગી નથી ગાળી. સ્ટીવન સ્પીલબર્ગની વૉરફિલ્મ ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’માં કવિ શું કહેવા માગે છે એ એક વાક્યમાં સમજાવો એવો કોઈ સવાલ પરીક્ષામાં પુછાય ત્યારે તમે આ પહેલું વાક્ય જે લખ્યું તે લખીને આવો તો પૂરા માર્ક મળે.

પ્લૉટ કંઈક એવો છે કે લશ્કરમાં તદ્દન જુનિયર રૅન્ક (અર્થાત્ પ્રાઈવેટ) ધરાવતા જેમ્સ ફ્રાન્સિર ર્યાન (પ્લેય્ડ બાય મૅટ ડેમન, રોબર્ટ લુડલુમની બોર્ન સિરીઝ નવલકથાઓ પરથી બનેલી ફિલ્મોથી વધુ જાણીતો થયેલો એક્ટર)ના બીજા ત્રણ ભાઈઓ છે અને એ ત્રણેય યુદ્ધના વિવિધ મોરચે માર્યા ગયા છે. મરનારના સગાંવહાલાંને (અહીં માતાને) આ સમાચાર સાથે દિલસોજીના પત્રો પાઠવતી વખતે વિશાળ ટાઈપિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતી એક સુપરવાઈઝરને ખ્યાલ આવે છે આ તો બધા સગા ભાઈઓ જ છે. વાત પહોંચતાં પહોંચતાં છેક ઉપર સુધી જાય છે અને ખ્યાલ આવે છે કે આ ત્રણેયનો એક ચોથો ભાઈ પણ છે જે અત્યારે નોર્મન્ડી નજીકના કોઈ અજાણ્યા મોરચે લડી રહ્યો છે. નક્કી થાય છે કે આ ત્રણ મૃતભાઈઓની વિધવા માતાને રૂબરૂ જઈને આશ્ર્વાસનનો પત્ર આપવો અને આ સ્ત્રીનો એકમાત્ર સહારો છીનવાઈ જાય તે પહેલાં એના ચોથા પુત્રને યુદ્ધના મોરચેથી પાછો બોલાવી લેવો અને શરૂ થાય છે ઑપરેશન ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’ જેનો ઈન્ચાર્જ છે આપણો ઑલ ટાઈમ ફેવરિટ ટૉમ હેન્ક્સ જે કૅપ્ટન જ્હોન એચ. મિલરનું પાત્ર ભજવે છે.

ફિલ્મની એક-એક ફ્રેમ જકડી રાખે એવી છે. ત્રણ સિક્વન્સની ખાસ જિક્ર કરવી પડે. સૌથી પહેલી તો ઑપનિંગ સિક્વન્સ. અલમોસ્ટ પોણા ત્રણ કલાક લાંબી આ ફિલ્મનો આત્મા આ ત્રણ સિક્વન્સમાં છે. ફ્રાન્સના નોર્મન્ડી પ્રદેશના ઓમાહા બીચ પર અમેરિકન સૈન્યના જવાનો ઊતર્યા છે. જર્મનોને હંફાવવાના છે. કૅપ્ટન જ્હોન એચ. મિલર પોતાની સેક્ધડ રેન્જર બટાલિયન સાથે આવીને જે ધબહાટી બોલાવે છે તે જોઈને તમે હલી જાઓ. ખૂબ લાંબી આ સિકવન્સ વૉર ફિલ્મનો માહોલ બરાબર એસ્ટાબ્લિશ કરી દે છે. ત્રણ દિવસ પછી ટૉમ હેન્ક્સને ઑર્ડર મળે છે કે ર્યાનને બચાવીને પાછો ઘરે મોકલી આપવાનો છે. ટૉમ હેન્ક્સ છ સાથીઓની ટુકડી બનાવીને ર્યાનને શોધવા નીકળી પડે છે, કારણ કે ર્યાન જર્મનીમાં અત્યારે કઈ ચોક્કસ જગ્યાએ લડાઈ લડી રહ્યો છે તેની અમેરિકન સૈન્યને ખબર નથી. ર્યાન જે કંપનીમાં હતો તે સૈનિકો પૅરાશૂટ દ્વારા કોઈક જગ્યાએ ઊતર્યા અને પછી કયાં ગયા તેની ચોક્કસ માહિતી વૉરની આ અંધાધૂંધીમાં ક્યાંય દર્જ નથી થઈ. ટૉમ હેન્ક્સ પોતાની રીતે પોતાની ટુકડી સાથે ર્યાનની ભાળ કાઢવા આગળ વધતો રહે છે.

ફિલ્મની મધ્યમાં એક બીજી યાદગાર સિકવન્સ આવે છે જ્યાં ટૉમ હેન્ક્સ સામે એની જ ટુકડીના કેટલાક સૈનિકો બળવો કરે છે: પ્રાઈવેટ ર્યાનને બચાવવા માટે આપણે શું કામ આપણો જીવ જોખમમાં નાખવો. આવી દલીલ કરીને જે ટેન્શન ઊભું થાય છે તે જોઈને તમને ફિકર થવા માંડે કે આ ટૉમ હેન્ક્સ તો ગયો, એના પોતાના જ માણસો એને ઉડાવી દેવાના.

ત્રીજી સિક્વન્સ ઓબ્વિયસલી ક્લાઈમેક્સની છે. જબરજસ્ત લાંબી છે, ઉતારચડાવવાળી છે. ટૅન્ક, મશીનગન્સ, પળે પળે બદલાતી વ્યૂહરચના, માથે ઝળૂંબતું મોત, કોણ જીવશે, કોણ કૉફિનમાં પાછું જશે એનું ટેન્શન. અને છેવટે ધ એન્ડ. પિક્ચર જ્યાંથી ઓપન થયું હતું તે જ સીનની બાકીની કેટલીક મિનિટ સાથે વાત પૂરી. ૭૦ મિલિયન ડૉલરમાં બનેલી આ ફિલ્મે બજેટ કરતાં સાત-આઠ ગણી કમાણી કરી. સ્પીલબર્ગસાહેબને બેસ્ટ ડિરેક્ટરનો બીજો ઓસ્કાર અવૉર્ડ આ ફિલ્મ માટે મળ્યો (પહેલો શિન્ડલર્સ લિસ્ટ માટે મળ્યો હતો). આ ઉપરાંત બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ સાઉન્ડ ઈફેક્ટ્સ એડિટિંગ અને બેસ્ટ ફિલ્મ એડિટિંગના ચાર ઓસ્કાર પણ મળ્યા. બેસ્ટ પિક્ચરનો મળવો જોઈતો હતો પણ એ અવૉર્ડ તે વર્ષે ‘શેક્સપિયર ઈન લવ’ નામની ટૉમ સ્ટોપાર્ડ જેવા મહાન નાટ્યકારે લખેલી, પણ આપણા ટેસ્ટને માફક ન આવે એવી ફિલ્મને મળ્યો હતો. કમિંગ બૅક ટુ ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’. વીસેક વરસ પહેલાં બનેલી આ ફિલ્મ તમે આજે પણ જુઓ તો પહેલી વખત જોતા હો એવો રોમાંચ થાય. પ્રોડ્યુસરોએ શું જાલિમ ખર્ચો કર્યો છે, એની એક એક ફ્રેમ પાછળ. સ્ક્રિપ્ટ એકદમ ટાઈટ અને સંવાદો જબરદસ્ત ક્રિસ્પ. હ્યુમર માટે અમુક સીન નાખવામાં આવ્યો છે એવું તમને લાગે ને તમે એન્જોય પણ કરો પરંતુ પાછળથી એક ગંભીર સિક્વન્સ વખતે સમજાય કે એ હ્યુમર પરપઝફુલ હતી, ગુજરાતી નાટકોમાં સંસ્થાઓ અને મંડળોના ઑડિયન્સને ખુશ કરવા માટે ઘુસાડવામાં આવે એવી ઢંગધડા વિનાની નહોતી.

નાટક હોય, ફિલ્મ હોય કે પછી નવલકથા હોય. ઑડિયન્સને કે વાચકને વાર્તા જોઈતી હોય છે. બાકીનું બધું પછી. રૉબર્ટ રોડાટે લખેલી ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’માં લેખક પોતે અને ડાયરેક્ટરનું સ્ટોરી ટેલિંગ ચુંબકીય છે. વાર્તામાં આદિ, મધ્ય અને અંત હોવા જોઈએ એટલે હોવા જ જોઈએ. એના વિના વાર્તા, વાર્તા ન બને. કોઈ આર્કિટેક્ટ તમને કહે કે હું તમને દીવાલ વિનાનું, છાપરા વિનાનું, ફર્સ વિનાનું ઘર બનાવી આપું તો તમે એને કઈ મેન્ટલ હૉસ્પિટલમાં મોકલી આપશો? અરે ભાઈ, ખુલ્લી જમીનના પ્લૉટ પર જ રહેવું હતું તો તને બોલાવ્યો શું કામ? ફિલ્મોમાં પણ આવા દેખાડા કરનારા કેટલાક સ્યુડો ક્રિયેટિવ લોકો દરેક ભાષામાં હોવાના. ફિલ્મોમાં જ શું કામ, દરેક ફિલ્ડમાં. આહા, રાજાએ કેવાં સરસ કપડાં પહેર્યાં છે એવાં વખાણ સાંભળીને ઘડીભર આપણે પણ નાગા રાજાની વેશભૂષા વખાણતા થઈ જઈએ એવી માર્કેટિંગકળા બધે જ ચાલતી હોવાની.

‘મારે તો આદિ, મધ્ય, અંત વિનાની વૉર ફિલ્મ બનાવવી હતી’ એવું કહીને ક્રિસ્ટોફર નોલન તમને ‘ડન્કર્ક’માં ચૂહા બનાવી જાય અને તમે બની જાઓ તો ભોગ તમારા. ચાર લાખમાંથી ત્રણ લાખ જ સૈનિકોને તમે પાછા લાવો, એક લાખ સૈનિકો યુદ્ધ લડ્યા વિના, કોઈકની બેવકૂફીથી ઘેરાઈ ગયા હતા એટલે શહીદ થઈ જાય એમાં તમને બહાદુરી દેખાતી હોય તો ભોગ તમારા. ‘ડન્કર્ક’નું મ્યુઝિક માઈન્ડ બ્લોઈંગ છે, કબૂલ. પણ વૉર ફિલ્મોમાં જઈને તમારે માઈન્ડ બ્લોઈંગ મ્યુઝિક જ સાંભળવું હોય તો એનો અર્થ એ થયો કે એકદમ રૂપાળા પેકિંગમાં વીંટળાયેલી ચાર દિવસ વાસી-ફૂગ ચડેલી વાનગીને હોંશે હોંશે વખાણીને આરોગવી. ક્રિસ્ટોફર નોલન મિઝરેબલી ફેઈલ ગયા છે ‘ડન્કર્ક’ બનાવવામાં. નેવીના નહીં પણ પ્રાઈવેટ સિટિઝન્સનાં નાનાં નાનાં હોડકાં જેવાં જહાજો કે યૉટ્સે પણ આ મિશનમાં ઘણો મોટો ભાગ ભજવ્યો એવો પ્રચાર થાય છે. હકીકતમાં નાગરિકોએ આ બચાવકાર્યમાં મિનિસ્ક્યુલ ભાગ ભજવ્યો હતો. કુલ જેટલા લોકોને બચાવવામાં આવ્યા એમાંના માંડ એક ટકો સૈનિકો નૉર્મલ નાગરિકોના પ્રયાસથી બચ્યા.

ક્રિસ્ટોફર નોલને એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મ બનાવવા પાછળના હેતુ વિશે કહ્યું હતું કે, ‘પ્રેક્ષકોને આ ફિલ્મનાં પાત્રો માટે સહાનુભૂતિ થાય કે લોકો આ પાત્રો સાથે પોતાને જોડી શકે એવો મારો હેતુ હતો જ નહીં. સ્ટોરી કહેવા માટે મેં મારા પાત્રોને સંવાદો આપ્યા જ નથી. આ પાત્રો કોણ છે, ક્યાંથી આવે છે એની સાથે પણ કોઈ નિસબત નથી. એ લોકો બચે છે કે નહીં તે જ અગત્યનું છે. હવે પછી આવનારા દુશ્મનના પ્લેનમાંથી પડનારો બૉમ્બ એમને ખતમ કરી નાખશે કે નહીં એ જ ખરું સસ્પેન્સ છે.’

લેટ મી ટેલ કે અહીં દિગ્દર્શકે એક કરતાં વધુ જુઠ્ઠાણાં પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે કહ્યાં છે. ફિલ્મમાં ભાગ્યે જ એકાદ વખત તમારો જીવ અધ્ધર થઈ જાય એવું સસ્પેન્સ સર્જાય છે અને તે પણ કાચુંપાકું. પાત્રો દ્વારા એમણે સહાનુભૂતિ ઉઘરાવવાની ખૂબ કોશિશ કરી છે પણ એમાં તેઓ નિષ્ફળ ગયા છે. માર્ક રાયલન્સ નામના એક જબરજસ્ત ઍક્ટરને ક્રિસ્ટોફર નોલને ‘ડન્કર્ક’માં વેડફી નાખ્યો છે. રાયલન્સ ૨૦૧૫માં આવેલી સ્પીલબર્ગની એક ઔર અફ્લાતૂન વૉર ફિલ્મ ‘બ્રિજ ઑફ સ્પાયસ’માં જર્મન જાસૂસનો રોલ કરીને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ઓસ્કાર અવૉર્ડ મેળવી ચૂક્યો છે. ફિલ્મમાં માર્ક રાયલન્સ અને એનો દીકરો પોતાની યૉટમાં બચાવકાર્ય માટે નીકળી પડે છે. પાછળથી ખબર પડે છે કે આવું સાહસ કરવાનું કારણ એ કે એનો બીજો દીકરો વૉરમાં શહીદ થઈ ગયેલો. માર્ક રાયલન્સવાળો આખો ટ્રેક દિગ્દર્શક-રાઈટરે ઑડિયન્સની સહાનુભૂતિ ઉઘરાવવા માટે જ ક્રિયેટ કર્યો છે પણ કમનસીબે એ ટ્રેક બિલકુલ ફિસ્સો બન્યો છે, જામતો જ નથી. છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવી કહેવત હોલીવૂડમાં કોઈએ સાંભળી છે કે નહીં એની ખબર નથી, પણ આવું ઘણા લોકો કરતા હોય છે. ભાઈદાસ કે તેજપાલમાં ભજવવા જેવા નાટકો બનાવતાં ન આવડે એટલે કહેવાનું કે વહાલા, હું તો પૃથ્વીના સમજદાર ઑડિયન્સ માટે જ નાટકો બનાવું છું.

‘ડન્કર્ક’ જેવી નકામી વૉરફિલ્મ વિશે આજે (બુધવારે) કારગિલ દિવસ જેવા પવિત્ર પ્રસંગે થોડુંક લખ્યું તે લખ્યું પણ એ નિમિત્તે હોલીવૂડની કેટલીક ઉત્તમોત્તમ વૉરફિલ્મોને યાદ કરવાનું મળ્યું તે સદ્ભાગ્ય છે. કાલે બીજી એક અફ્લાતૂન વૉરફિલ્મ વિશે – ‘ધ ડર્ટી ડઝન’, જેના માટે એમ કહેવાય કે દુનિયામાં આ ફિલ્મ જે લોકોએ નથી જોઈ એમણે પણ એનું નામ તો સાંભળ્યું જ છે. ‘ડર્ટી ડઝન’ની ભેગાભેગ એની સિક્વલ હોવાનો દાવો કરતી ‘ડર્ટી ડઝન: નેક્સ્ટ મિશન’ની પણ થોડી વાતો વણી લઈશું. બેઉમાં ઓસ્કાર અવૉર્ડ વિજેતા એવા બે અભિનેતા છે – હીરો લી માર્વિન જે મેજર જ્હોન રાઈસમૅનનું પાત્ર ભજવે છે અને સપોર્ટિંગ રોલમાં જનરલ સૅમ વોર્ડનનું કેરેક્ટર ભજવતા અર્નેસ્ટ બોર્ગનાઈન છે. ‘ડર્ટી ડઝન’ માટેનું આ વાક્ય ખૂબ જાણીતું છે: ‘આ ફિલ્મની નકલ કંઈ કેટલાય લોકોએ કરી પણ હજુ સુધી કોઈ નકલચી એની મહાનતાને આંબી શક્યો નથી.’

આજનો વિચાર

ખુલ્લી દુશ્મનાવટ કરતાં જૂઠી મિત્રતા વધુ ભયંકર.

– ફેસબુક પર ફરતું

એક મિનિટ!

જરા તપાસ તો કરો. આ કેજરીવાલ ક્યાંક રાયતું સમજીને ફેવિકોલ ભરેલો વાટકો પી તો નથી ગયો. કેટલા દિવસોથી એની બોલતી બંધ છે.

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 27 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *