આપણાં યુદ્ધો, એમનાં યુદ્ધો અને બેઉની વૉર ફિલ્મો

વૉર વિશેની આપણી અને વેસ્ટર્ન વર્લ્ડની ફિલોસોફીમાં જમીન આસમાનનું અંતર હોવું જોઈએ જે નથી રહ્યું તેનું કારણ આપણી ગેરસમજ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ કે પોર્ટુગલ વગેરે માટે યુદ્ધ એટલે બીજાઓની ભૂમિ, બીજાઓની સંપત્તિ આંચકી લેવાનું સાધન. આફ્રિકા, ઈન્ડિયા વગેરે પર આક્રમણ કરીને આ દેશોની સમૃદ્ધિ કબજે કરી લેવાના ભૂંડા ઈરાદાઓથી આ બ્રિટિશ, અમેરિકન વગેરેએ યુદ્ધો કર્યા. બીજાઓને દાબમાં રાખવા, પોતાનું વર્ચસ્વ વધારવા યુદ્ધો કર્યાં. નિર્દોષ નાગરિકોનો ભોગ લઈને પોતે જીતવા માગતા હતા એ લોકો. એટલા માટે એમની પ્રજા યુદ્ધની ખિલાફ થઈ જાય તે સ્વાભાવિક હતું. કારણ કે પ્રજાએ તો સરકારની આ આક્રમણખોર

નીતિને પગલે પોતાના બાપ, ભાઈ, પતિ વગેરેને ગુમાવવું પડે એમ હતું.

આપણે કંઈ આ પશ્ર્ચિમી દેશોની સ્યુડો ફિલોસોફીને અનુસરીને યુદ્ધની વિરુદ્ધ માનસિકતા ન બનાવી શકીએ. આપણા માટે યુદ્ધ એક અનિવાર્યતા હતી. આપણું શોષણ થતું અટકાવવા, આપણી સમૃદ્ધિનું – આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આપણે યુદ્ધ કરવું અનિવાર્ય હોય. આપણે ક્યારેય આક્રમણખોર નહોતા. હોત તો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જ નહીં ઈન્ડોનેશિયા તથા મલેશિયા સુધી અને પેલી અફઘાનિસ્તાન – ઈરાન સુધી આપણી હકૂમત વિસ્તરી હોત. આપણા ગાંધીયુગના પોચટ કવિઓ તોપના નાળચામાં ગુલાબ ખિલવવાની સ્ત્રૈણ કવિતાઓ કરે તે નિંદનીય છે. આપણે અન્યાયનો સામનો કરવા યુદ્ધ કર્યાં છે જ્યારે પેલા લોકોએ બીજી પ્રજા પર અન્યાય કરવા, જુલમ કરવા યુદ્ધો કર્યાં છે. એમની વાટે આપણે ના ચાલી શકીએ. રામાયણમાંનું યુદ્ધ વિસ્તારવાદી નથી, અન્યાયનો સામનો કરવા માટેનું છે. ડિટ્ટો મહાભારતમાંનું યુદ્ધ. જ્યારે પશ્ર્ચિમના દેશોએ પ્રથમ વિશ્ર્વયુદ્ધ, દ્વિતીય વિશ્ર્વયુદ્ધ અને વિયેતનામ – અફઘાનિસ્તાની વૉર્સ સહિત છેક ઈરાક વિરુદ્ધનાં જે યુદ્ધો કર્યાં તે સામ્રાજ્યવાદી યુદ્ધો હતાં. એમનાં યુદ્ધોને તમે જસ્ટિફાય ન કરી શકો. આપણાં યુદ્ધો ફરજપરસ્ત યુદ્ધો હતાં. એમની પ્રજા પોતાનાં સ્વજનો ગુમાવ્યા બાદ યુદ્ધની વિરુદ્ધ થઈ જાય તે વાજબી છે. આપણી પ્રજાથી, પોતાના સ્વજનોને ગુમાવ્યા પછી પણ યુદ્ધની ખિલાફ થવું પોસાય નહીં. જે ઘડીએ આપણે યુદ્ધની ખિલાફ થઈ જઈશું તે ઘડીએ દુનિયાની ભૂગોળમાંથી આપણું નામોનિશાન મટી જશે. આમ છતાં કેટલાક અણસમજુઓ, કેટલાક સ્યુડો શાંતિવાદીઓ, કેટલાક કાયરો અને કેટલાક કંઈ પણ સમજ્યાકર્યા વગર હાએ હા અને નાએ ના કરનારા ગાડરિયા પ્રવાહમાં તણાઈ જવા ઉત્સુક એવા ઘેટાં-ઘેટીઓ ભારતે યુદ્ધનો રસ્તો છોડીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ એવી ચાંપલી વાતો કરીને ભગવાન બુદ્ધને અને બીજાઓને તદ્દન ગલત તરીકાથી ટાંક્યા કરે છે.

આપણી પાસે યુદ્ધમાં આક્રમણખોરોને સણસણતો જવાબ આપવાનો ઈતિહાસ છે, પરંતુ કમનસીબે મુસ્લિમ શાસકોએ અને ત્યારબાદ આવેલા સવાયા મુસ્લિમ જેવા અંગ્રેજ શાસકોએ તેમ જ ત્યારબાદ આવેલા દોઢા અંગ્રેજ જેવા કૉન્ગ્રેસી શાસકોએ તથા એમના ટુકડાઓ પર જેમનું પોષણ થયું એવા લેફ્ટિસ્ટોએ આ ઈતિહાસને સાવ દબાવી દીધો. આને કારણે યુદ્ધ વિશેની આપણી ક્ધસેપ્ટમાં ગૂંચવાડો ઊભો થઈ ગયો. બીજું, પશ્ર્ચિમના દેશોની પ્રજાએ પોતાની સરકારોની આક્રમણખોર નીતિઓનો ભોગ બનવું પડ્યું અને પ્રજાના કેટલાક વર્ગને યુદ્ધોને કારણે સરકાર સાથે વેપાર કરીને મલાઈ ખાવા પણ મળી. આવું આપણે ત્યાં નથી થયું અને થયું તો બહુ જ નાના પાયે થયું.

આ બધાં કારણોસર ભારતમાં વૉર ફિલ્મની જૉનર બહુ પ્રચલિત થઈ નહીં. આપણે ત્યાં ‘હકીકત’, ‘હિન્દુસ્તાન કી કસમ’ કે ‘બૉર્ડર’ જેવી યુદ્ધ ફિલ્મો બની જે વખણાઈ એમાંના ગીતોને કારણે! કમ ટુ થિન્ક ઓફ ઈટ કે ચેતન આનંદની ‘હકીકત’ આપણને યાદ છે કર ચલે હમ ફિદા જાનોતન સાથિયો અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં માટે. અથવા તો ઝરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ માટે. અથવા તો ખેલો ના મેરે દિલ સે કે પછી મૈં યે સોચકર ઉસકે દર સે ઊઠા થા માટે. વૉટ એન આયરની.

ચેતન આનંદની ‘હિન્દુસ્તા કી કસમ’ હર તરફ અબ યહી અફસાને હૈ માટે અને ટીવી સ્ટેશનના રમકડાં જેવા ટેબલ ટૉપ સેટને ‘બૉમ્બ’થી ઉડાવી દેવાના હાસ્યાસ્પદ સીનથી યાદ રહે છે અને જે. પી. દત્તાની બોર્ડર? સ્કૂલનાં છોકરાઓ વાર્ષિકોત્સવમાં સોલ્જર – સોલ્જરનું નાટક ભજવતાં હોય એવાં પાત્રો ઉછળી ઉછળીને જાવેદ સા’બના શબ્દો ગાતા હોય એના માટે યાદ રહે છે: સંદેસે આતે હૈં, હમેં તડપાતે હૈં, જો ચિઠ્ઠી આતી હૈ વો પૂછે જાતી હૈ, કિ ઘર કબ આઓગે, લિખો કબ આઓગે, કિ તુમ બિન યે ઘર સૂના સૂના હૈ…

આપણી વૉર ફિલ્મો રસ્ટિક બનવાને બદલે સિસિ (સ્ત્રૈણ) રહેતી એનું કારણ એ છે કે આપણી પ્રજા પાસે વિદેશી પ્રજા જેવો યુદ્ધનો અનુભવ નથી. યુદ્ધમાં આપણે સબકુછ ગુમાવી દીધું હોય એ વાતને સૈકાઓ વીતી ગયા. આઝાદી પછીનાં યુદ્ધની વિભીષિકા જનજીવનના માનસ સુધી પહોંચી જ નથી. પ્લસ આને કારણે આપણી પાસે વૉરફિલ્મો બનાવવાની ટેક્નોલોજી વિકસી નથી. બાકી આપણા નૌકાદળે ૧૯૭૧માં પાકિસ્તાની સબમરીન ‘ગાઝી’ને કેવી રીતે ઉડાવી એ વિશેની ‘ધ ગાઝી અટેક’ જેવી ફિલ્મ ૨૦૧૭માં બને અને તદ્દન કચરા જેવું અને લો બજેટ એનું એક્ઝિક્યુશન હોય એવું કેવી રીતે બને? આના કરતાં તો ‘ગાઝી’ના બનાવને લઈને ૩૦-૪૦ વર્ષ પહેલાં સ્વ. શૈલેષ દવેએ ‘૨૩ કલાક બાવન મિનિટ’ નાટક જે બનાવ્યું હતું તે લાખ દરજ્જે સારું હતું.

આ બેકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખ્યા પછી કહેવાનું કે ક્રિસ્ટોફર નોલન પાસે બધું જ હોવા છતાં, હૉલિવુડમાં બની ચૂકેલી ૧૦૦થી વધુ વૉર ફિલ્મોનો ભવ્ય ભૂતકાળ હોવા છતાં એમણે ‘ડન્કર્ક’માં પ્રેક્ષકોને ઉલ્લુ બનાવવાનો ધંધો કરીને કરોડો રૂપિયાની કમાણી પહેલા જ વીકએન્ડમાં કરી દીધી. આપણા જેવું હૉલિવુડમાં પણ છે. ત્યાં પણ ખોટા માણસોની આરતી ઉતારીને, એમને માથે ચડાવીને, ઓસ્કાર અવૉર્ડથી નવાજવામાં આવે છે. ‘ડન્કર્ક’ને પણ ઢગલો અવૉર્ડ મળવાના. પણ ફિલ્મ ફાલતું છે. ખરેખર વૉર ફિલ્મ કોને કહેવાય એ જાણવા માટે આપણે ‘ગન્સ ઑફ નેવરોન’થી માંડીને ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’ સુધીનો હૉલિવુડની ભવ્યાતિભવ્ય વૉર ફિલ્મોનો ભૂતકાળ તપાસવો જોઈએ. કૉલેજના દિવસોમાં ‘ગન્સ ઓફ નેવરોન’ તાતાની માલિકીના ‘સ્ટર્લિંગ’માં રિલીઝ થઈ ત્યારે થિયેટરોમાં નવી નવી સ્ટિરિયો સિસ્ટમ આવી હતી. તમારી સીટની નીચે બૉમ્બ ફૂટતા હોય એવી ધણધણાટી થાય. એ જેના પરથી ઊતરી તે એલિસ્ટર મેક્લિનની નવલકથા તો પછી વાંચી. અને પછી ખબર પડી કે અશ્ર્વિની ભટ્ટે એને ગુજરાતીમાં પણ જબરજસ્ત રીતે ટ્રાન્સલેટ કરી છે. ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’ તો હજુ ગઈ કાલની જ વાત લાગે. હાલાંકિ વીસ વર્ષ થઈ ગયાં એને રિલીઝ થયે. મારે હિસાબે હૉલિવુડની ટૉપ ટેન વૉરફિલ્મોમાં ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’નું સ્થાન અચૂક આવે. સ્ટીવન સ્પીલબર્ગ મારા મામાના દીકરા નથી થતા છતાં એમના પ્રત્યે મને પક્ષપાત છે એટલે હું તો એને નંબર વન પર જ મૂકું. આવતી કાલથી કાઉન્ટ શરૂ.

આજનો વિચાર

તમને જ્યારે એમ લાગતું હોય કે તમે નિર્ણય કરવામાં બહુ મોટી ભૂલ કરી બેઠા છો ત્યારે યાદ કરજો કે રોનાલ્ડ વેને ૧૯૭૬માં એપલ કંપનીમાંનો પોતાનો ૧૦ ટકા શેર ૮૦૦ ડોલરમાં વેચી નાખ્યો. આજની તારીખે એટલા શેરના ૫૮૦૬ કરોડ ૫૨ લાખ ૧૦ હજાર ઉપજ્યા હોત.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. હું કંઈ શો ઑફ નથી કરતો. પણ ગઈ કાલે મારા ડિનરમાં ટૉમેટો સૂપ હતો.

– ફેસબુક પર ફરતું

( મુંબઇ સમાચાર : બુધવાર, 26 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *