બેવકૂફીને બહાદુરીમાં ખપાવવાની પશ્ચિમી કળા

સારું કંઈ પણ કરવું કેટલું અઘરું છે એની પ્રતીતિ ક્યારે થાય? ખરાબ જુઓ ત્યારે. કોઈ ક્રિકેટ મેચમાં એક જ બોલરના હાથે ત્રણ બૅટ્સમૅનો સિંગલ ડિજિટના રન બનાવીને આઉટ થઈ જાય પછી ચોથો બૅટ્સમૅન એ જ બોલરની બૉલિંગમાં મેક્સિમમ સિક્સર્સ ફટકારીને સેન્ચ્યુરી બનાવે ત્યારે તમને થાય કે આ બૅટ્સમૅન કેટલો મહાન હશે. દસ જગ્યાએ ડૂચા જેવા વડાપાંઉ (ગુજરાતવાળા શું કામ એને પાંઉવડા કહેતા હશે? ગુજરાતમાં પાંઉભાજીને ભાજીપાંઉ કહે!) ખાધા પછી કોઈ જગ્યાએ (દા. ત.: અહીં તમારી ફેવરિટ જગ્યાનું નામ વાંચી લેવું) તમે વર્લ્ડબેસ્ટ વડાપાંઉ ખાઓ ત્યારે લાગે કે સારા વડાપાંઉ કંઈ ઓટોમેટિક નથી બની જતા, એમાં મહેનત લાગે, એમાં ટોપના ઈન્ગ્રેડિયન્ટ્સ વાપરવાની દાનત હોવી જોઈએ, લગન હોવી જોઈએ. ત્યારે જઈને સારા વડાપાંઉ બને. એવું જ નવલકથાનું છે. પચ્ચીસ ડૂચા જેવી નવલકથાઓ વાંચી હોય તો ખબર પડે કે અશ્ર્વિની ભટ્ટ હોવું, હરકિસન મહેતા હોવું કે વીનેસ અંતાણી હોવું એ કંઈ ડાબા હાથનો ખેલ નથી.

તમારી પાસે નામ હોય, પૂરતું બજેટ હોય, તૈયાર માર્કેટ હોય, ઍક્ટિંગથી માંડીને દરેક ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ ટેલેન્ટને આકર્ષી શકો એવું સ્ટેચર હોય એટલે કંઈ આપોઆપ તમે શ્રેષ્ઠ ફિલ્મ બનાવી નાખશો એવું કંઈ જરૂરી નથી. તમે એકાદબે ફિલ્મો સરસ બનાવી લીધી હોય, અનુરાગ બસુ કે અનુરાગ કશ્યપની જેમ એટલે તમારી બધી જ ફિલ્મો વખાણવાલાયક બને એ પણ જરૂરી નથી, જેમ્સ કેમેરોનની જેમ તમે ‘ટાઈટેનિક’ જેવી ન ભૂતો ન ભવિષ્યતિ એવી કલાસિક બૉક્સઓફિસ હિટ બનાવ્યા પછી ‘અવતાર’ કે ‘એવેટાર’ જેવી માત્ર સ્યૂડો લોકો જ વખાણી શકે એવી થર્ડ ક્લાસ, ઢંગધડા વગરની ફિલ્મ વિશ્ર્વના પ્રેક્ષકોના માથે મારો એવું પણ બને. અનુરાગ કશ્યપે ‘બ્લેક ફ્રાઈડે’ કે ‘દેવ ડી’ કે ‘ગેન્ગ્સ ઓફ વાસીપુર’ બનાવી હોય એટલે કંઈ ‘નો સ્મોકિંગ’ કે ‘ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ’ કે ‘અગ્લી’ કે ‘રામન રાઘવ’ જેવી એની ફિલ્મો સારી જ બને તે જરૂરી નથી. આમ છતાં હિંદી ફિલ્મોનું એક ટકો ઑડિયન્સ એવું છે જે માનીને બેઠું છે કે હમ સબ જાનતા હૈ, તુમ સબ તો મેરે પાંવ કી જૂતી હો. આવી એટિટ્યુડથી અનુરાગ કશ્યપની લેટેસ્ટ ડિઝેસ્ટર ફિલ્મ (એટલે કે ધબાકો ફિલ્મ, ‘પોસાયડન એડવેન્ચર’ કે ‘ટાયરિંગ ઈન્ફર્નો’ જેમ ડિઝેસ્ટર ફિલ્મ કહેવાય એ રીતે નહીં) ‘જગ્ગા જાસૂસ’નાં ભરપૂર વખાણો કરતા રિવ્યૂઝ તમને ‘બુક માય શો’ની સાઈટ (કે ઍપ) પર વાંચવા મળશે. આ એક ટકો પ્રેક્ષકોને નકામી ફિલ્મોનાં પણ વખાણ કરવામાં બહાદુરી લાગે, પોતે ઈન્ટલેકચ્યુઅલ છે એવી છાપ લોકોમાં પડશે એવા ભ્રમમાં તેઓ હોય.

આવું જ હૉલીવૂડની ફિલ્મોની બાબતમાં બનતું હોય છે. ન સમજાય એવી, ગૂંચવાડાભરી સ્ટોરી (કે પછી લૅક ઓફ ઈટ) ધરાવતી ફિલ્મોને તમે વખાણો એટલે તમે ફિલ્મ જોવામાં પાવરધા થઈ ગયા, તમે ઈન્ટલેક્ચ્યુઅલ બની ગયા. આવા સ્યુડો માણસો તમને બધાં ક્ષેત્રોમાં મળે. સાહિત્યમાં સૌથી વધારે. કશુંક દુર્બોધ લખ્યું તો પાંચ જણા આવીને એવી હોંશથી તમારી ગોળ ફરતે ગરબા લેવા માંડે કે દુનિયા માંડવા માંડે કે ઓહો, કેવડો મોટો સાહિત્યકાર છે આ. વાસ્તવમાં એવું કંઈ ન હોય. પેલા અડધો ડઝન જણ જ વારાફરતી એકબીજાના ફરતે ગરબા લઈને સેમિનારો કરતા હોય અને પછી કોઈ અભણ અંગ્રેજી પત્રકારને બોલાવીને એના રિપોર્ટ્સ અંગ્રેજી ટેબ્લોઈડ્સમાં છપાવડાવતા હોય.

ચિત્રકામની બાબતમાં તો આવું ધુપ્પલ દાયકાઓથી ચાલતું આવ્યું છે. કોઈ કહેશે વાહ શું સૂર્યોદય છે. એ જ ચિત્ર જોઈને બીજું કોઈ કહેશે કે ના, આમાં તો ખળખળ વહીને સમુદ્રને મળી જતી નદી દેખાય છે. તો કોઈ કહેશે કે ના ભાઈ, આમાં તો બાળકને સ્તનપાન કરાવતી યુવાન માતા ચીતરેલી છે. આપણા જેવાને એમાં ટ્રાફિકથી ભરચક રસ્તા પર પડેલી લાશ દેખાય અને ચિત્રકારને પોતાને પૂછવા જાઓ તો કહેશે કે મેં તો ખેતરની સીમ પર ઊભા રહીને ભૂંકતો ગધેડો ચીતર્યો છે.

પણ મળી આવે. આવી ‘આર્ટ’ના વખાણ કરનારાય મળી આવે. ફ્રેન્કલી ક્રિસ્ટોફર નોલન હૉલીવૂડનું બહુ મોટું નામ પણ એની બૅટમૅન ટ્રિપોલોજી (ત્રીજી તો નહીં પણ પહેલી બે. ખાસ તો પહેલી જ) ફિલ્મ સિવાયની ફિલ્મોમાં આપણને કોઈ ભલીવાર લાગ્યો નહોતો. ‘ઈન્સેપ્શન’ અને ‘ઈન્ટરસ્ટેલર’માં તો એમણે ઑડિયન્સને સાવ, શું કહીશું, એવા જ બનાવ્યા હતા. એક્સપરિમેન્ટના નામે કે કંઈક નવું કરવાના નામે તમે મનઘડંત કંઈ પણ બનાવો અને માર્કેટિંગના માણસો તમને એ માલ વેચી આપે એટલે તમે હૉલીવૂડના સિક્સ્થ હાઈએસ્ટ ગ્રોસર ડિરેક્ટર બની જાઓ તો બની જાઓ. પ્રયોગો કરવા હોય તો કરો, એની કોણ ના પાડે છે. પણ મારા ગજવામાંથી બસો રૂપિયા લઈને શું કામ પ્રયોગો કરો છો?

ક્રિસ્ટોફર નોલન જેના પ્રોડ્યુસર- ડિરેક્ટર – રાઈટર છે તે વૉર ફિલ્મ ‘ડન્કર્ક’ની પબ્લિસિટી ખૂબ ગાજવીજ સાથે થઈ. સેક્ધડ વર્લ્ડ વૉરમાં ‘ડન્કર્ક’ના દરિયા કિનારે ફસાયેલા બ્રિટન – ફ્રાન્સના ચાર લાખ સૈનિકોને બહાર કાઢવાનું ભગીરથ કાર્ય કેવી રીતે પાર પાડવામાં આવ્યું એવો સબ્જેક્ટ હોય અને આઈમૅક્સ – સિક્સ્ટી ફાઈવ એમ.એમ.ની લાર્જ ફૉર્મેટ ફિલ્મ વાપરીને (ડિજિટલી શૂટિંગ કર્યું હોય એમ નહીં) ૬૦,૦૦૦ એક્સ્ટ્રાઝને લઈને ૧૦૦ મિલિયન ડૉલરની ફિલ્મ બની હોય એવું જાણીને તમે તો બધાં જ કામ પડતાં મૂકીને વડાલાના રિયલ આઈમૅક્સ થિયેટર સુધી લાંબા થવાના જ છો. સાઠ હજાર તો શું મને ૬૦ જણા પણ ના દેખાયા. ઓકે, બહુ બહુ તો ૬૦૦ હશે. પછી એ જ લોકોને ઊંધા રાખીને કે એમના ટોપા કાઢીને દરિયા કિનારેથી ઉતારીને જહાજમાં બેસાડ્યા હશે અને ૧૦૦ મિલિયન ડૉલર એટલે? ૧૦ કરોડ ડૉલર. પાંસઠનો ભાવ ગણો તોય સાડા છસો કરોડ રૂપિયા થાય.

આટલા રૂપિયામાં તો કેવી ભવ્ય ફિલ્મ બને? ‘ડન્કર્ક’ ભવ્ય છે? ના. ભવ્યતા કોન કહેવાતી એની આપણને ખબર છે. ‘ડન્કર્ક’માં ભવ્યતા નથી, માત્ર દેખાડો છે ભવ્યતાનો. ક્રિસ્ટોફર નોલને ખરેખર આટલો બધો ખર્ચો કર્યો હશે કે પછી માત્ર ચોપડે જ દેખાડ્યો હશે. પોસિબસ છે કે એ પોતે પ્રોડ્યુસર – ડિરેક્ટર-રાઈટર છે એટલે ૧૦૦ મિલિયન ડૉલરમાંથી ડિરેક્ટર તરીકેની મારી ફી ૫૦ મિલિયન અને રાઈટર તરીકેની ૨૫ મિલિયન અને બાકીના ૨૫ મિલિયનમાંથી આખી ફિલ્મ બનાવી કાઢી હોય. ફ્રેન્કલી આપણને તો એટલોય ખર્ચો એમાં થયો હોય એવું લાગતું નથી.

‘ડન્કર્ક’ની ખાટલે મોટી ખોડ બે છે. કયા બ્રિટિશ-ફ્રેન્ચ મિલિટરી સ્ટ્રેઈજિસ્ટ એવી વ્યૂહરચના ઘડી કે બસોચારસો કે બેચાર હજાર નહીં પણ પૂરા ચાર લાખ સૈનિકો એક જ દરિયા કિનારે ભેગા થઈને પોતાનો જીવ જોખમમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી કરી. એ લશ્કરી અધિકારી સામે તો કોર્ટ માર્શલ થવો જોઈએ. આવી બેવકૂફી બદલ પણ ફિરંગી લોકો પોતાની બેવકૂફીને બહાદુરીમાં ખપાવીને દુનિયાને મૂરખ બનાવવાના ગોરખધંધા પહેલા જ કરતા આવ્યા છે. એનો નાદાર નમૂનો છે ‘ડન્કર્ક’

બીજી ખોડ. દુશ્મનો એટલે કે જર્મનોએ જ્યારે ચાર લાખ બ્રિટિશ-ફ્રેન્ચ સૈનિકોને ઘેરી લીધા છે પછી એમને છટકવા માટે શું કામ અઠવાડિયા-દસ દિવસ જેટલો લાંબો સમય આપે. પેલા ચાર લાખ ભાગી જા એ પહેલાં જ આટલા મોટા સમયગાળામાં એમના પર બૉમ્બવર્ષા કરીને કે બીજી ગમે તે રીતે એમનો ખાતમો ના કરી નાખે? અને વળી આ યુદ્ધનો ખેલ છે. મુંબઈ પોલીસને અફસર ઈફ્તિખાર ગ્યારા મુલ્કોની પુલિસ જેને ગોતતી’તી એ ડૉનને પકડવાનો તમાશો નથી કે નીચેથી હેન્ડ હેલ્ડ માઈક્રોફોનમાં બચ્ચનજીને ચેતવણી આપવામાં આવે કે ભાઈ તમને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યા છે, હથિયાર ફેંકીને શરણે થઈ જાઓ.

‘ડન્કર્ક’નો સૌથી પહેલો સીન એવો જ છે જેમાં આકાશમાંથી દુશ્મન (જર્મન) સેનાનાં વિમાનોએ ફેંકેલા પેમ્ફલેટ્સ વરસી રહ્યા છે. આ હેન્ડબિલો પર નકશો છાપીને લખવામાં આવ્યું છે કે (સાલાઓ) તમે આ જગ્યાએ ઘેરાઈ ચૂક્યા છો અને હવે તમારી ખૈર નથી.

યુદ્ધમાં શું કામ દુશ્મન સેના સામેના પક્ષને આવી કોઈ ચેતવણી આપે? જે વિમાનોમાંથી પેમ્ફલેટ વરસાવ્યાં એમાંથી બૉમ્બ ના વરસાવે!

‘ડન્કર્ક’ની આ તો પેરીફરીની વાતો થઈ. થોડી બીજી વાતો કરીને આ ફિસ્સી ફિલ્મને બાજુએ મૂકી હૉલીવૂડે અત્યાર સુધી કેવી કેવી જબરજસ્ત, મહાન, પ્રેક્ષણીય, યાદગાર અને બૉક્સઑફિસ પર ટંકશાળ પાડતી સુપર્બ વૉર ફિલ્મો બનાવી છે તેની વાત કરીશું.

આજનો વિચાર

ભગવાને યુદ્ધની શોધ એટલા માટે કરી કે જેથી અમેરિકનોને દુનિયાની ભૂગોળનું ભાન થાય.

– માર્ક ટ્વેઈન

એક મિનિટ!

મફત ડેટા અને હવે મફત ફોનની જાહેરાત સાંભળીને બકાએ કહ્યું: ‘આ મૂકેશભાઈ જિયો ચલાવે છે કે એનજીઓ!’

( મુંબઇ સમાચાર : મંગળવાર, 25 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *