મૃત્યુપ્રસંગે લખીને જીવતાં શીખવાડ્યું રમેશભાઈએ

રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર

રમેશ જાધવના અવસાનના સમાચાર જાણીને મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૈફ પાલનપુરીના અવસાનના સમાચાર મળ્યા હતા. રમેશભાઈ `જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકના ન્યૂઝ એડિટર અને સૈફભાઈ સિનિયર સબએડિટર. અગાઉ સૈફભાઈએ એમના જમાનાના ઘણા મોટાં અને જૂનાં અખબારોમાં, સામયિકોમાં પત્રકારત્વ કર્યું હતું. `જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકમાં હું નવોસવો જોડાયો ત્યારથી સૈફભાઈનો પ્રેમ અમને શિખાઉઓને મળવા માંડેલો. નાનીમોટી બાબતોમાં વિદ્રોહ કરીને તંત્રી હરીન્દ્ર દવે પાસે પહોંચી જવાની અમને ટેવ. સૈફભાઈ અમને ઠંડા પાડે અને હરીન્દ્રભાઈ પાસે જઈને `આ લોકો તો બાળક છે, એમને ભાન જ નથી કે જર્નાલિઝમ કેવી રીતે કરવાનું’ એવું કહીને અમારું ઉપરાણું લઈ અમને હરીન્દ્રભાઈ સામે વધુ બાખડવાની પરિસ્થિતિ સર્જાય એ પહેલાં જ સુલેહ કરાવી દે.

`જન્મભૂમિ પ્રવાસી’માં હું જોડાયો કે તરત મેં કૉમર્સ છોડીને આર્ટ્સ શરૂ કરી દીધેલું. ટ્વેલ્ફ્થ સુધી મારું કૉમર્સનું ભણતર સુપર્બ ચાલ્યું પણ પછી હું આડી લાઇને ચડી ગયો એટલે ભણવામાં ધબડકો. સિડનહૅમમાં કૉમર્સનું ભણવાને બદલે આખો દિવસ ગુજરાતી સાહિત્ય મંડળનું કામ કર્યા કરીએ, કૉમર્સ કૉલેજની લાઇબ્રેરીમાં જઈને ગુજરાતી સાહિત્યને લગતાં બધાં જ પુસ્તકો વંચાઈ ગયાં એટલે ભવન્સ, ચોપાટીની એક સમૃદ્ધ પબ્લિક લાઇબ્રેરીમાં જઈને ગુજરાતી પુસ્તકો અને સાહિત્યિક સામયિકોની જૂની ફાઈલો વાંચ્યા કરીએ.

`જન્મભૂમિ પ્રવાસી’માં જોડાયો ત્યારે એટીકેટીઓ જમા કરી કરીને એસ.વાય.બી.કૉમ સુધી પહોંચી ગયેલો અને સી.એ.ની એન્ટ્રન્સ એક્ઝામ આપવાના ચાળા પણ કરી ચૂકેલો પણ ભણવામાં સહેજ કરતાં સહેજ પણ ધ્યાન નહીં. `જન્મભૂમિ પ્રવાસી’માં જોડાયા પછી મેં મીઠીબાઈમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લઈ લીધું. કૉલેજમાં તો જવાનું નહીં પણ નોકરીમાં જે એક મહિનાની પ્રિવિલેજ લીવ મળે તે આખો મહિનો ફાર્બસ ગુજરાતી સભાની દુર્લભ પુસ્તકોથી ખીચોખીચ લાઇબ્રેરીમાં દિવસભર વાંચવાનું. એ વખતે ફાર્બસ લેમિંગ્ટન રોડ પર હતી અને મંજુબહેન ઝવેરી ઇન્ચાર્જ હતા. આખું અઠવાડિયું અભ્યાસ કરીને કંટાળીએ એટલે લેમિંગ્ટન રોડથી સાંજે નીકળીને જન્મભૂમિ ભવન પર આંટો મારીએ. દોસ્તો-સિનિયરો સાથે ચા પીને મઝા કરવાની.

એક દિવસ હું આ જ રીતે ફાર્બસમાંથી જન્મભૂમિ ભવન ગયો અને લિફ્ટમાં મેં મારા પરિચિત લિફ્ટમૅનને સ્માઇલ આપ્યું તો સામે સ્મિત આપવાનો વિવેક કર્યો નહીં. બીજા માળે લિફ્ટની જાળી ખોલીને પ્રવાસીના ન્યૂઝરૂમ તરફ જઉં છું ત્યાં જ લિફ્ટમૅનથી રહેવાયું નહીં અને એણે કહ્યું, `સૈફભાઈ ગયા…’ `શું?’ મારા પગ ત્યાં જ ખોડાઈ ગયા. ઑફિસમાં જઈને શોકગ્રસ્ત વાતાવરણ જોયું. ક્યારે ગયા, કેવી રીતે ગયા, કેટલા વાગે જનાજો કાઢી જવાના એ બધી માહિતી રમેશભાઈ પાસેથી સાંભળતા સાંભળતા હું રડવા જેવો થઈ ગયો. મને પ્રવાસીના નવા વાતાવરણમાં સૈફભાઈની બહુ મોટી હૂંફ હતી. જર્નલિઝમના ખરબચડા જગતમાં મારા માટે સૈફભાઈ એક બહુ મોટા વડલા સમાન હતા જેમના સાંનિધ્યમાં અને આ આકરા તાપથી બચી શકતા, અમને મળનારો ઠપકો એ પોતે સહન કરી લેતા અને `બાળકો છે, નાદાન છે’ એમ કહીને અમને પનિશમેન્ટમાંથી બચાવી લેતા.

રમેશભાઈ કહે, `ચાલો આવ્યા જ છો તો સૈફભાઈની જીવનઝરમર તમે જ લખી આપો.’

પ્રવાસીમાં જોડાયાના મુદત બાદ હું જીવનઝરમર સ્પેશિયાલિસ્ટ બની ગયો હતો. કોઈપણ મહાનુભાવ ગુજરી જાય તો એની જીવનઝરમર મારે લખવાની. મને યાદ છે યુગોસ્લાવિયાના સરમુખત્યાર માર્શલ ટિટો મરણપથારીએ હતા ત્યારે જ રમેશભાઈએ મારી પાસે જીવનઝરમર લખાવીને કંપોઝ કરાવી રાખી હતી. અડધી રાતે સમાચાર આવે તો આપણી પાસે બધું તૈયાર હોવું જોઈએ. પત્રકારત્વમાં આવી પદ્ધતિ દાયકાઓ પુરાણી. તૈયાર કરીને રાખેલી જીવનઝરમરને `મોર્ગ’માં મૂકી રાખવાની એવો વાક્ય પ્રયોગ થાય. માર્શલ ટિટોની મારી જીવનઝરમર પહેલા માળે કંપોઝ ડિપાર્ટમેન્ટમાં મોર્ગમાં અઢી મહિના સુધી પડી રહી. વચ્ચે બેચાર વખત એમની તબિયત વધારે લથડી પણ ફાઇનલ રિઝલ્ટ આવે નહીં અને પછી તો તંત્રીખાતામાં મારી મજાક થવા માંડી કે સૌરભે લખેલું મૅટર વેસ્ટ જાય એટલે જ માર્શલ ટિટો મરતો નથી. જે દિવસે ટિટોના અવસાનના સમાચાર આવ્યા ત્યારે જાણે મને મોક્ષ મળ્યો હોય એમ મારે આખા ડિપાર્ટમેન્ટને કેન્ટીનમાંથી તીખા ગાંઠિયા અને ચા મગાવીને બધાને ઉજાણી કરાવવી પડેલી.

સૈફભાઈની જીવનઝરમર લખી શકવા જેટલો હું ઇમોશનલી સ્વસ્થ નહોતો. મેં રમેશભાઈને ના પાડી. રમેશભાઈએ બેપાંચ મિનિટ મને સમજાવવાની કોશિષ કરી પણ હું કેમેય કરીને માન્યો નહીં. છેવટે તો મેં રમેશભાઈને કહી દીધું કે, `સાહેબ, આમેય હું તો રજા પર છું. તમે મને આ કામ માટે ફોર્સ ન કરી શકો.’

રમેશભાઈએ મને સાંભળી લીધો. મને ઊભો કરીને એક ધોલ ચોપડી શક્યા હોત. પણ રમેશભાઈ બહુ જ શાંત અને સરળ સ્વભાવના. મારા ખભા પર હાથ મૂકીને કહે, `જુઓ ભાઈ, અમે બધા જ સૈફભાઈના ગુજરી જવાથી વ્યથિત છીએ. છતાં સૌ પોતપોતાનું કામ કરે છે ને? તમને તો ખબર હશે કે ગાંધીજીની હત્યાના સમાચાર જે ભારતીય પત્રકારને સૌથી પહેલા મળ્યા એને ઇમોશનલ શૉક એટલો લાગ્યો કે રિપોર્ટ આપવાને બદલે આઘાતથી સુન્ન થઈ ગયો અને બેસી રહ્યો. એક યુરોપિયન પત્રકાર આ સમાચાર મેળવવામાં મોડો હતો છતાં એણે તાબડતોબ રિપોર્ટ બનાવીને આખી દુનિયાને એ સમાચાર પહોંચાડ્યા… પત્રકારત્વમાં ઇમોશનલ થવું પોસાય નહીં. સૈફભાઈને યાદ કરવા માટે આખી જિંદગી આપણી પાસે છે પણ એમની જીવનઝરમર તો આજે અને અત્યારે જ લખીને કાલે સવારે એમના લાખો ચાહકો સુધી પહોંચાડવી પડે… જાઓ બાથરૂમમાં જઈને મોઢું ધોઈને સ્વસ્થ થઈ જાઓ. હું રૅફરન્સ લાઇબ્રેરીમાંથી સૈફભાઈ વિશેનાં કટિંગ્સ કઢાવીને તમારા ટેબલ પર મૂકાવી દઉં છું.’

મેં રમેશભાઈએ કહ્યું હતું એવું કર્યું. એ દિવસે મને લાગણીમાં સરી પડીને આત્મકેન્દ્રી થવાને બદલે ફરજપરસ્ત થયાનો જિંદગીનો પહેલો પાઠ મળ્યો. મારી ઉંમર હજુ માંડ ટીનએજ પૂરી કરી હશે એટલી. રમેશભાઈએ જણાવેલો આ પાઠ મને ખૂબ કામ લાગ્યો. એ પછીનાં દાયકાઓમાં મેં પત્રકારત્વમાંનામારા અનેક સિનિયરસ્વજનો ગુમાવ્યા. એ દરેક સ્વજનને સ્મશાને વળાવીને મેં મારી કલમ ઉપાડી અને બીજે દિવસે એમના લાખો ચાહકો સુધી એમના જીવનની હૂંફભરી સ્મૃતિઓ પહોંચાડી. હરકિસન મહેતા, હસમુખ ગાંધી, યશવંત દોશી, સુધીર માંકડ કે પછી નાટ્યકાર શૈલેષ દવે. દર વખતે રમેશભાઈને યાદ કરું અને સ્વર્ગસ્થને યાદ કરીને આંખમાંના આંસુ રોકીને પેનમાંની શાહીને કાગળ પર વહેવા દઉં. આજે આ કામ મારે ખુદ રમેશ જાધવ માટે કરવું પડ્યું છે.

આજનો વિચાર

મૃત્યુ જિંદગીનો અંત લાવી શકે છે, સંબંધનો નહીં.

– મિચ એલબોમ (અમેરિકન લેખક, પત્રકાર, સ્ક્રીનરાઇટર અને નાટ્યલેખક. `ટ્યુઝડેઝ વિથ મોરી’ પુસ્તકની દોઢ કરોડ નકલો વેચાઈ અને 45 ભાષામાં ટ્રાન્સલેટ થયું. જન્મ :2 સપ્ટેમ્બર, 1958)

( સોમવાર, 24 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *