દુ:ખ નિપજાવનારાં બાહ્ય કારણો કાયમ ટકતાં નથી

જેઓ બીજાને કશુંક આપી જાય છે તેઓ સતત જીવવાના બીજાઓના હૃદયમાં, કાન્તિલાલ કાલાણીની જેમ. વર્ષો વીતી ગયાં એમના મૃત્યુને. છતાં હજુ યાદ છે એમનું લેખન, એમના વિચારો. કાલાણી સાહેબ લો-પ્રોફાઈલ હતા. ધાર્યું હોત તો અનેક વિખ્યાત પ્રવચનકારોની જેમ આખા મુંબઈમાં, આખા ગુજરાતમાં, દેશ-વિદેશમાં ઘૂમી ઘૂમીને એમણે પ્રવચનો કર્યાં હોત અને પ્રસિદ્ધિ-પૈસાનાં પોટલાં પણ બાંધ્યાં હોત. પણ જેમની પાસે મૌલિક ચિંતનની મૂડી છે, જેમણે એ મૂડીમાં સતત વધારો કરતા રહેવું છે એણે સ્થિર થઈને, પલાંઠી મારીને બેસી જવું છે. જેઓ અહીંથી-ત્યાંથી ઉછીનું લઈને, ઉધાર લઈને ધંધો કરવા માગે છે એમના માટે એક જગ્યાએ સ્થિર થવું અનિવાર્ય નથી હોતું. કાન્તિલાલ કાલાણી પાસે આજકાલના કોઈપણ ચિંતનકારમાં બહુ ઓછું જોવા મળે એવું ગજબનું ઊંડાણ હતું, પાક્કો અભ્યાસ હતો અને સૌથી મોટી વાત તો એ કે સંયમ હતો.

કાલાણી સાહેબના અમે ચાહક. એમનું સાહિત્ય, તેઓ હયાત હતા ત્યારે, અમુક બૌદ્ધિકોને ડાઉન-માર્કેટ લાગતું. ભલે. પણ અમે બડા ચાવથી એમની કલમની પ્રસાદી અમે શરૂ કરેલાં અને બંધ કરેલાં વિવિધ સામયિકોમાં પ્રગટ કરતા, અત્યંત સાચવીને અને જતનપૂર્વક એડિટિંગ કરીને પ્રગટ કરતા. દાયકાઓ અગાઉ સંપાદિત કરેલા એક પુસ્તકમાં અમે સ્વામી સચ્ચિદાનંદ તથા મકરંદ દવેની જોડે હરીન્દ્ર દવે અને કાન્તિલાલ કાલાણીના લેખો પણ પ્રગટ કર્યાં હતા. આ જ કોલમની ફર્સ્ટ સીઝનમાં એક કરતાં વધારે વાર એમના વિશે લખ્યું છે.

રૂબરૂ સંપર્ક નહિવત્. કામ ન હોય તો અમસ્તાં અમસ્તાં કોઈને વતાવવાની આદત અમે કેળવી નથી. શું ચાલે છે, કેમનું ચાલે છે, આમના વિશે સાંભળ્યું, હોય કંઈ, બિલકુલ સાચી વાત વગેરેની પળોજણથી દિમાગ સડી જાય છે એવી અમારી દૃઢ માન્યતા. ખૂબ ઉમળકો આવે કે કોઈ ખૂબ યાદ આવે ત્યારે છલકાઈ જવા, ઠલવાઈ જવા માટે કોઈને ફોન કરીએ કે રૂબરૂ મળીએ એ તો ખૂબ મોટો લહાવો છે જીવનનો. પણ એવું રોજેરોજ કંઈ થોડું જ હોય. વન્સ ઈન અ વ્હાઈલ બરાબર છે. ટૂંકમાં, જેમની જોડે પરિચય હોય કે ઈવન મૈત્રી પણ હોય એ બધાંની સાથે અમસ્તાં અમસ્તાં દર ત્રીજે દહાડે વાત કર્યા કરવાનું ના ફાવે આપણને. કાલાણી સાહેબને અમે ફોન કરતા. અઘરા સંસ્કૃત શ્ર્લોકોના અર્થ જાણવા, કોઈ પ્રાચીન ભજન વિશે માહિતી મેળવવા. સૌમ્યતાથી સંતોષપ્રદ ઉત્તર વાળતા.

કોઈકે કાન્તિલાલ કાલાણી સાહેબને પૂછયું: વર્તમાનકાળમાં જીવવું એટલે શું? એમણે કહ્યું: જે કાર્ય હાથમાં લીધું હોય એમાં સો ટકા ડૂબી જવું. આડુંઅવળું જોયા વિના માત્ર ભગવાનમાં જ નિષ્ઠા એટલે વર્તમાનમાં જીવવું. શેની ઈચ્છા ને શી વાત! આપણે ક્યાં કંઈ જોઈએ છે, એવો નિયમ થઈ જાય પછી વર્તમાનમાં જીવવાનું સહેલું બને છે.

ચિંતા વિશે એમને પૂછવામાં આવ્યું કે આપણી આસપાસ બનતી ઘટનાઓની ચિંતા કરવી ખરી? એમણે કહ્યું: ચિંતા કરવાથી ઘટનાઓ પર સારી અસર થતી હોય તો ચિંતા કરવી વાજબી ગણાય; પણ ઘટનાઓનું રૂપાંતર ન થતું હોય તો ચિંતા કરવાને બદલે કંઈક નક્કર થઈ શકતું હોય તો તે કરવું. પુરુષાર્થ કરતા રહેવું. ચિંતા કરવાથી કોઈ કામ ઊકલતું નથી. ઊલટું, કામ બગડવાની શક્યતા વધારે રહે છે.

અને ચિંતાથી સામેના છેડાની પરિસ્થિતિ એટલે ટેન્શનફ્રી સંજોગો. જીવનમાં એવી હળવાશ ક્યારે અનુભવાય? કાલાણી સાહેબે કહ્યું: જીવનમાં જે કંઈ બની રહ્યું છે અને બનશે તે આપણા હિતમાં જ હશે, એવો દૃઢ વિશ્ર્વાસ હોય ત્યારે. ઈચ્છાઓના મહેલ ન રચવાની આદત હોય ત્યારે. જરૂરિયાતવાળી વસ્તુઓ ખપ પૂરતી રાખવાની વૃત્તિ હોય ત્યારે. નિયમિતતા અને સુઘડતાવાળું દૈનિક જીવન હોય ત્યારે. અને ચોખ્ખો વ્યવહાર હોય ત્યારે.

આધ્યાત્મિકતા અને માનસશાસ્ત્ર એકબીજાની ખૂબ નિકટ આવી જાય છે એવું તમે કાન્તિલાલ કાલાણી સાહેબને વાંચતાં અનુભવો. ટેન્શનમાંથી કે તાણમાંથી બચવા માટેની એમની ટિપ્સમાં આ બેઉ ક્ષેત્રોનો સંગમ તમને જોવા મળે. પહેલી વાત તો, તેઓ કહે, એ તાણના કારણને બરાબર સમજી લેવું ને પછી પોતાની ધારણાને બાજુએ મૂકી ઈશ્ર્વરની ઈચ્છાને આધીન થઈ જવું અર્થાત્ પરિસ્થિતિનો સમજણપૂર્વક સ્વીકાર કરીને એમાં જેટલું ઉત્તમ થઈ શકે તે કરવાનું.

સાથોસાથ એક બાબત સતત ખ્યાલમાં રાખવી કે વ્યક્તિના સ્વભાવને કે જગતને પલટી નાખવાનું આપણા હાથમાં નથી. માટે અતિપણામાં સરી ન પડતાં હંમેશાં વિવેક સાચવવો અને મધ્યમ માર્ગ અપનાવવો.

ટેન્શનથી બચવાની સૌથી મોટી સલાહ કાલાણી સાહેબે એ આપી કે વધુ પડતા પ્રારંભોથી બચવું, શરૂઆતમાં જ વધુ પડતો ઉત્સાહ બતાવી ન દેવો અને હાથ લીધેલું કામ કોઈ જાતના ઢોલનગારાં પીટ્યા વિના, ઝાઝો ઊહાપોહ કર્યા વિના બેઠી ઢબે પાર પાડવું. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ ટિપ: કોઈ પરિસ્થિતિ કાયમની નથી એમ સમજી ધીરજથી એટલો સમય પસાર કરી દેવો. દુખ નિપજાવનાર બાહ્ય કારણો કાયમ ટકતાં નથી એટલે સમજણપૂર્વક એટલો સમય પસાર કરી દેવો. પરિસ્થિતિ અંકુશ હેઠળ ન હોય ત્યારે સમજીને મનને સ્વસ્થ રાખી દુખને પસાર થઈ જવા દેવું; કારણ કે અંદરથી વૃત્તિઓને લીધે નિર્માણ થતું દુખ મનના ભાવોને કેળવવાથી અથવા બુદ્ધિને વ્યવસ્થિત કરવાથી ટળે છે.

આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાંની અમારી એક પર્સનલ ક્રાઈસિસ દરમ્યાન એક પત્રકાર દંપતીએ કાન્તિલાલ કાલાણીનું સુંદર પુસ્તક અમને સાંત્વનરૂપે ભેટ આપ્યું હતું. એ તેમ જ કાલાણી સાહેબનાં અન્ય પુસ્તકોમાં ડૂબકી મારીને અમને ઘણીવાર આશ્ર્વાસન મળ્યું છે.

કાલાણી સાહેબનું એક બીજું મોટું પ્રદાન છે વિખ્યાત વિદુષી કમલા સુબ્રમણ્યમ દ્વારા પુન:કથિત ‘મહાભારત’નો સરળ તથા મૌલિક શૈલી ધરાવતો અનુવાદ. સદ્ગત લેખકો (ફોર ધેટ મેટર વિદ્યમાન લેખકોને પણ) અંજલિ આપવાનો (કે ચાહવાનો) એકમાત્ર અને સર્વોત્તમ ઉપાય છે એમનાં પુસ્તકો વસાવીને એનું વાંચન કરવાનો.

કાગળ પરના દીવા

અનુભવ એટલે દરેક માણસે પોતાની ભૂલોને આપેલું નામ.

– અનામી

સન્ડે હ્યુમર

રાષ્ટ્રપતિ ભવનની પાર્ટીમાં વેઈટર: સર, આપ ક્યાં લેંગે?

અડવાણી: લેની તો શપથ થી, પર તુ જલજીરા હી દે દે…!

( મુંબઇ સમાચાર : રવિવાર, 23 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *