‘થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી’

શું તમારી આસપાસ એવા લોકો છે જેમને પોતે સંસ્કારી છે એવા દેખાવાની બહુ હોંશ હોય? મારી આસપાસ તો ઘણા જોયા એવા. કેટલાક વાચક પણ એવા ચિબાવલા હોય છે જેઓ આદર્શો, નીતિમત્તા અને સંસ્કારમાં ઉન્નીસબીસ હોય એવી એક પણ વાત લખો તો તૂટી પડે તમારા પર. જાણે પોતે સતનું પૂતળું હોય ને પ્રભુ રામચન્દ્રના અવતાર હોય. અને કંઈક કહો એટલે સામે દલીલ કરવા માંડે કે પણ જો એ રીતે છૂટછાટો આપવા માંડીએ તો તો દુનિયાનું અધ:પતન થઈ જાય.

હવે સાંભળો, આ વાત અમે નથી કહેતા, પરમ પૂજ્ય મોરારિબાપુ કહે છે અને બાપુ પણ નથી કહેતા, એમના પૂજ્ય

દાદાશ્રીએ આ મૌલિક વાત એમને કહી હતી. બાપુએ સ્વિટ્ઝરલૅન્ડના ઈન્ટરલાકનમાં ચાલી રહેલી રામકથામાં આ વાત કહી જે અમે પવઈમાં બેઠાં બેઠાં આસ્થા પર સાંભળી. સંદર્ભો જુદા હતા પણ શબ્દો આ જ હતા જેનું અર્થઘટન મેં મારી રીતે કર્યું છે જે સાચું હોય તો એનો જશ બાપુને અને બાપુના દાદાજીને અને એમાં ચૂક થતી હોય તો એનો વાંક મારો અને મારા દાદાજીનો (ના, મારા દાદા અહીં શું કામ વચ્ચે આવે? અપજશ મારો એકલાનો).

દાદાશ્રીએ કહેલી મૌલિક અને સો ટચના સોના જેવી વાત બાપુએ એ કહી કે: અતિ સંસ્કારી હોવું એ બંધનકર્તા છે.

મીન્સ કે તમે જો તમારી જાતને સંપૂર્ણપણે ડાહીમાના દીકરા જેવા માનવા જશો તો તમે એવા બની શકવાના નથી અને પછી એવા દેખાવાની હોંશમાં ને હોંશમાં તમે દેખાડાઓ કરતા થઈ જવાના, દંભી અને ઢોંગી બનતા જવાના.

સોનામાં ભેગ હોય તો જ એમાંથી દાગીનો ઘડી શકાય અન્યથા સો ટચનું સોનું એટલું પોચું હોય કે દાગીનો તૂટી જાય કે લપટો બની જાય. આવી વાત મહાભારતમાં લખી છે એવું કહેવાય છે. આપણે નથી વાંચી.

પણ પ્રેક્ટિકલી વાત એકદમ સાચી છે. મેં ઘણા એવા લોકો જોયા છે જેઓ પોતાની જાતને પ્રામાણિકતાનું પૂંછડું માનતા હોય, યુધિષ્ઠિર કરતાંય નીતિમત્તાવાન માનતા હોય અને ભગવાન રામ કરતાં વધુ ચારિત્ર્યવાન માનતા હોય. આવા લોકોને મળીએ ત્યાં જ તમને એમનામાંથી ફિનાઈલથી સાફ કરેલા બાથરૂમ જેવી ગંધ આવવા માંડે અને આપણને એવી વાસની સખત એલર્જી છે. કેટલાક લોકો પોતે કેટલા સંસ્કારી છે એવું જતાવવા તમને પોતાના ઘરે નિમંત્રીને પોતાની પત્ની કેટલી સુશીલ છે, પોતાનાં બાળકો કેટલાં ડાહ્યાડમરાં છે અને પોતાનો રસોઈયો કેવો સંજીવ કપૂર સ્ટાઈલનો છે એ જતાવવાની કોશિશ કરતા હોય છે. આવા ઘરોમાં અને આવા ઘરોમાં રહેતા માણસોમાં (રસોઈયા સહિતના તમામ માણસોમાં) અતિ સંસ્કારની બૂ આવતી હોય છે. બાપુએ એ કહેલી વાતના સંદર્ભમાં ભગવતીકુમાર શર્માની ગઝલનો આ શેર ટાંકવો છે. શેર તો મથરાવટીવાળો છે પણ આખી ગઝલ જ ટાંકીએ. મઝાની છે:

ડુંગરા તૂટે, ખડક કંઈ ખીણમાં ધસમસ પડે,
હો ગગનગામી ભલે માણસ છતાં ચોક્કસ પડે.

કે નથી હોતા કદી કોઈ પતનમાં ભેદભાવ,
ગઢ પડે, ભેખડ પડે, મંદિર પડે, આરસ પડે.

થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓના ટોળાંથી અલગ માણસ પડે.

આ બધી ઘટના ખુશીની એકધારી છે નીરસ,
દુખના બે-ચાર કિસ્સાઓ કહો તો રસ પડે.

હું લઈને નીકળું છત્રી સરસ વર્તુળાકાર,
ને ગગનમાંથી ચમકતી વીજળી ચોરસ પડે.

તે પછી રહેશે નહીં અંધારનો કોઈ વિકલ્પ,
હો અમાસી રાત ને મુજ હાથથી ફાનસ પડે.

કોઈ વેળા તો પતન પણ હોય છે વસ્તીસભર,
એ પડે ને સાથે એના વંશ ને વારસ પડે.

આનો અર્થ કોઈ એ ન કરે કે માણસે અસંસ્કારી બનવું જોઈએ. અહીં અસંસ્કારનો કે કુસંસ્કારનો મહિમા નથી. અહીં વધુ પડતા સંસ્કારી હોવાની કે દેખાવાની હોંશ સામે લાલબત્તી છે કારણ કે આવી હોંશ ન સિર્ફ તમારા વ્યક્તિત્વને રૂંધે છે, તમને તમારી રીતે જીવતાં રોકે છે, તમને ઢોંગી-દેખાડુ-દંભી બનવા તરફ લઈ જાય છે.

આ જ મુદ્દો પકડી રાખીને એક વાત ગઈ કાલે જ આ કોલમમાં પૂરી કરેલી અંડરવર્લ્ડ અને એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટોની લેખશ્રેણી વિશેની વણી લેવી છે. તમે જોયું કે અલમોસ્ટ દરેક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ સામે કરપ્શનના આક્ષેપો થયા છે. એ આરોપો ખોટા પણ પુરવાર થયા છે. ક્યાંક એકાદ ટકો કિસ્સામાં કોઈએ ખોટું કામ કર્યું હોય તોય શું? એને કારણે તમે એવા જાંબાઝ પુલિસ ઓફિસરની આખી કરિયર ધોઈ નાખશો? એણે જાનના જોખમે જે ડઝનબંધ ગુંડાઓનો સામી છાતીએ સામનો કર્યો, એમનો ખાતમો કર્યો અને તમે બધા ચૈનથી રાત્રે ઊંઘી શકો એવો માહોલ શહેરમાં સ્થાપિત કર્યો એનું કંઈ નહીં? પરંતુ ‘અતિ સંસ્કારી’ લોકો આવી દલીલની સામે અચૂક કહેવાના કે: પણ સર, ખોટું એ તો ખોટું જ ને. આજે તમે પોલીસ અફસરનું ખોટું ચલાવી લો છો એમ કાલ ઊઠીને બીજું કોઈ તમારી જેમ જ અંડરવર્લ્ડના કોઈ સરદારનું ખોટું ચલાવી લેવાની વાત કરશે તો આ દુનિયા ક્યાં જઈને પહોંચશે, સર!

હું હમણાં જ્યાં કહીશ ત્યાં જઈને પહોંચશે, બાબાભાઈ તું તારું સંભાળ ને, બકા. આ જીએસટી આવ્યો છે એ પ્રમાણે બિલો બનાવ એટલું પૂરતું છે તારા માટે.

લોકોને બીજાઓની નીતિમત્તાને પ્રમાણવાનું બહુ મોટું વળગણ હોય છે. આવું તો ન જ ચલાવી લેવાય. આદર્શ એટલે આદર્શ. સિદ્ધાંતમાં એક વાર જરા સરખી બાંધછોડ કરી તો પતનનો માર્ગ નિશ્ર્ચિત છે એવું એવું, ક્યાંકથી સાંભળીને ગોખી કાઢેલું, તેઓ બોલતા હોય છે.

સ્વસ્થ ચિત્તે વિચારશો તો બાપુએ, એમના દાદાએ કહેલી આ મૌલિક વાતમાં ડૂબકી મારીને બીજાં ઘણાં મોતી જડશે. મને જે જડ્યું તે તમારી આગળ મૂકી દીધું.

આજનો વિચાર

તીવ્રતાથી કશુંક જોઈતું હોય તે ન મળે ત્યારે પણ તમે નસીબદાર હોઈ શકો છો.

– અજ્ઞાત

એક મિનિટ!

સસરાજી (ફોન પર): જમાઈરાજા, શું કરો છો?

બકો: સહન.

( મુંબઇ સમાચાર : શનિવાર, 22 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *