અબ તક છપ્પન ગુણ્યા બે

મનોહર અર્જુન સુર્વે ઊર્ફે મન્યા સુર્વેેને ૧૯૮૨માં મુંબઈ પોલીસના બે અફસરો ઈસાક બાગવાન અને રાજા થમ્બાટે વડાલામાં આંબેડકર કૉલેજ નજીક માર્યો ત્યારથી મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડના ગુંડાઓનું એન્કાઉન્ટર કરવાની શરૂઆત કરી એવી લોકમાન્યતા છે.

૧૯૯૧માં આફતાબ અહમદ ખાન (એ.એ. ખાન) નામના આઈ.પી.એસ. અફસરે મુંબઈના લોખંડવાલા વિસ્તારના એક મકાનમાં આશરો લેનારા માયા ડોળસ અને દિલીપ બુવા સહિતના સાત ગેન્ગસ્ટર્સને પોતાના સાથી પુલીસ ઑફિસરો સાથેની મૂઠભેડમાં માર્યા. તે વખતે એ.એ. ખાન પર આક્ષેપ હતો કે માયા ડોળસ વગેરેને મારવાની સુપારી દાઉદે દુબઈથી ફોન પર ખાનને આપી હતી. પૂરતી જાંચ તપાસ બાદ આ આક્ષેપ ખોટો પુરવાર થયો હતો.

એન્કાઉન્ટર શબ્દ હવે કૉમન પર્સન્સમાં પણ પોલીસની ગુંડાઓ સાથેની મૂઠભેડનો પર્યાય બની ગયો છે. બાકી એનો સીધોસાદો અર્થ થાય-કોઈકને (અચાનક) મળવું. આ શબ્દ વાપરીને વાક્ય બનાવવું હોય તો કહી શકાય કે એક દિવસ હું વડોદરા જતો હતો ત્યારે એક વાચક સાથે મુંબઈ એરપોર્ટ પર મારું એન્કાઉન્ટર થઈ ગયું. પણ હાલના સંજોગોમાં કોઈ વાંચે તો પૂછી બેસે કે: પછી કોણે કોને ગોળી મારીને ઉડાવ્યો, તમે કે વાચકે?

મન્યા સુર્વેનું એન્કાઉન્ટર નહોતું, કારણ કે પોલીસને ખબર હતી કે એ ત્યાં આવવાનો હતો. મન્યા સુર્વે માટે એ એન્કાઉન્ટર હશે કારણ કે એણે માની લીધું હશે કે પોલીસથી મારી આ ગતિવિધિ ખાનગી હશે. એ.એ. ખાન અને માયા ડોળસના સાથીઓએ જ્યારે એકબીજાની સામે ગોળીબારો કર્યા ત્યારે એ એન્કાઉન્ટર હતું, પણ હવે તો લોકો એન્કાઉન્ટર એટલે ‘ફેક એન્કાઉન્ટર’ એવું જ માની લેતા હોય છે. ફેક એન્કાઉન્ટર એટલે ગુનેગાર (જે હજુ ટેક્નિકલી આરોપી છે) ને ક્યાંક દૂર લઈ જઈ છોડી દેવો અને એ ભાગતો હોય ત્યારે એને ઉડાવી દેવો જેથી પોલીસકેસ એવો થાય કે એણે પોલીસને ‘ચકમો આપવાની’ કોશિશ કરી એટલે એના પર ગોળીબાર કરવો પડ્યો.

પોલીસ અને ગુંડાઓ બેઉ એકબીજાની ગતિવિધિથી અજાણ હોય અને સામસામા ભીડાઈ જાય એવાં એન્કાઉન્ટર ભાગ્યે જ થતા હશે.

છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં અલમોસ્ટ દોઢેક હજાર ગુંડાઓ મુંબઈ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. આમાંના લગભગ ત્રીજા ભાગના ગુંડાઓને મારવાનું શ્રેય મુંબઈ પોલીસના છ અફસરોને મળે છે. આ પોલીસ અફસરો કંઈ સામેથી પબ્લિસિટી મેળવવા નહોતા ગયા. મીડિયાએ એમને ફેમસ બનાવ્યા, એ તો પોતે ચૂપચાપ પોતાનું કામ કરતા હતા, પણ મીડિયાને લીધે એક વખત તેઓ ફેમસ બની ગયા એટલે મીડિયા જ કહેવા માંડ્યું કે આ પોલીસ અફસરોને ફેમસ થવાનો ચસકો લાગ્યો છે, છાપાં, મેગેઝિનોમાં પોતાનું નામ, પોતાના ફોટા જોવાની આદત પડી ગઈ છે.

મીડિયાની આ ખાસિયત તમે હજુ સુધી માર્ક ન કરી હોય તો નોંધી લેજો કે મીડિયા બીજા લોકોને એટલા માટે ઉપર ચડાવે છે જેથી એ એમને ઉતારી પાડે ત્યારે પબ્લિક મીડિયાનાં વખાણ કરીને કહે કે જુઓ, ભલભલા માંધાતાઓની બે આંખની શરમ રાખ્યા વિના મીડિયાએ કેવી રીતે એમનું ધોતિયું ખેંચીને નાગા કરી નાખ્યાં. વિજય માલ્યાની ફેમસ બીચ પાર્ટીઓમાં દારૂ પીને માલ્યાના ઉદાર-ભલા સ્વભાવનાં વખાણ કરતી અંગ્રેજી કટારલેખિકાઓથી માંડીને નાનાં-મોટાં ભાષાકીય છાપાંઓ માટે કામ કરતી પત્રકારિણીઓ આજે એ જ માલ્યા પર માછલાં ધુએ છે. આવું જ આ મીડિયાએ સુબ્રતો રૉય, અમર સિંહ વગેરે બધાની સાથે કર્યું છે. ઈનફેક્ટ, અમિતાભ બચ્ચનને પણ મીડિયાએ એઈટીઝ-નાઈન્ટીઝમાં ક્યાં છોડ્યા હતા.

આ છ ‘એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટો’ ઉપરાંત બીજા પણ અનેક બહાદુર અફસરો મુંબઈ પોલીસ પાસે હતા અને છે જેમને કારણે આજે મુંબઈ શાંત છે, અંડરવર્લ્ડની જોહુકમીથી બહાર આવી ગયું છે.

પ્રદીપ શર્મા આ ૬માંના એક એવા પોલીસ અફસર જેમણે કરેલાં એન્કાઉન્ટર્સનો આંકડો અબ તક છપ્પન કરતાં અલમોસ્ટ ડબલ છે. ૧૦૪. પ્રદીપ શર્માના સ્વાભાવિક રીતે અનેક જાની દુશ્મનો હોવાના. છોટા રાજનના મળતિયાઓએ પ્રદીપ શર્મા પર દાઉદ ઈબ્રાહિમના ઈશારે એન્કાઉન્ટર કરવાનો આક્ષેપ લગાવ્યો. પ્રદીપ શર્માને ર૦૦૮માં કરપ્શનના આરોપસર ડિસમિસ કરવામાં આવ્યા. વરસ પછી એમના પરના આક્ષેપો જુઠા પુરવાર થયા અને પાછા નોકરીએ લેવામાં આવ્યા. ર૦૦૬ના એક એન્કાઉન્ટર કેસમાં એમના પર લાગેલા આરોપોમાંથી ર૦૧૩માં મુંબઈની કોર્ટે એમને બાઈજ્જત બરી કર્યાં, પણ નોકરી પર ચડે એ પહેલાં બીજા કોઈ કારણસર કોઈએ એમની સામે ફરિયાદ કરી. ૧૯૬૧માં જન્મેલા પ્રદીપ શર્મા નિવૃત્તિની ઉંમરને આરે આવીને ઊભા છે. હજુય જો એમને એમની નોકરી પાછી ન મળે તો બાકીની આખી જિંદગી પેન્શન વિના જીવવું પડવાનું. પ્રદીપ શર્માએ માત્ર અંડરવર્લ્ડના નામી ગુંડાઓને જ નથી માર્યા, લશ્કર-એ-તોઈબા સાથે સંબંધ ધરાવતા ખૂનખાર આતંકવાદીઓને પણ માર્યા છે.

દયા નાયક અને વિજય સાલસકર પણ પ્રદીપ શર્મા જેટલાં જ મોટાં નામ. બેઉની ડાયરીમાં ૮૩-૮૩ ગુંડાઓને મારવાનો યશ નોંધાયેલો છે. દયા નાયકને ર૦૦૬માં સસ્પેન્ડ કરવામાં આવેલા. ક્રિમિનલ્સ સાથે સાઠગાંઠ હોવાનો આક્ષેપ. કોઈ પુરાવા મળ્યા નહીં. ર૦૧૨માં ફરી નોકરીએ પાછા લેવામાં આવ્યા. એ પછી ર૦૧૪માં એમને નાગપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા જે બદલી એમણે પોતાની તેમ જ પોતાના ફેમિલીની સુરક્ષા જોખમાશે એવું કહીને સ્વીકારી નહીં. એમને ફરી સસ્પેન્ડ કરવામાં આવ્યા પણ થોડા જ મહિનામાં સસ્પેન્શન ઑર્ડર પાછો ખેંચી લેવામાં આવ્યો. ગુંડાઓ સામે ગોળીબાર કરતી વખતે એક નહીં બે વાર દયા નાયક જખમી થયા છે. એક વાર તો ગંભીર રીતે.

આ પોલીસ અફસરોની ટીકા કરતાં હ્યુમન રાઈટ્સવાળાઓ અને માનવ અધિકાર સંગઠનોની બ્રીફ પકડનારા કેટલાક પત્રકારો કહેતા હોય છે કે એન્કાઉન્ટર્સમાં માત્ર ગુંડાઓ જ કેમ મરે છે? પોલીસને એક ખરોંચ સુધ્ધાં નથી લાગતી એવું કેમ?

આવો સવાલ કરનારા ચૂહાઓ ભોળા છે. એમને ખબર નથી કે પોલીસ પાસે, ચાહે એ અફસર હોય કે કોન્સ્ટેબલ ફાયરિંગ કરવાની પદ્ધતિસરની તાલીમ હોવાની જે ગુંડાઓ પાસે નથી હોતી. એન્કાઉન્ટરમાં પોલીસની હાજરી વિશે ગુંડાઓ અજાણ હોય છે જ્યારે પોલીસને એમની હાજરીની ખાનગી બાતમી મળી હોય છે એટલે જ તેઓ ત્યાં હોય છે એટલે સ્વાભાવિક રીતે છુપાવાની જગ્યા, ઘેરો નાખવાની વ્યૂહરચના વગેરે બાબતોમાં પોલીસનો અપર હૅન્ડ હોવાનો. અને પોલીસ પાસે હેલ્મેટ અને બુલેટપ્રૂફ જેકેટ હોય જે ગુંડાઓ ભાગ્યે જ રાખતા હોવાના. આમ છતાં પોલીસો પણ ઘાયલ થતા હોય છે, ક્યારેક જાન પણ ગુમાવતા હોય છે, પણ એ ‘મામૂલી સમાચારો’માં મીડિયાને કોઈ ઈન્ટરેસ્ટ હોતો નથી એટલે પબ્લિક પર્સેપ્શન એવું ઊભું થાય કે પોલીસને ખરોંચ પણ લાગતી નથી વગેરે જેનો ગેરલાભ આ માનવ હક્ક સંગઠનવાળાઓ ઉઠાવતા હોય છે. જેમાંના કેટલાક તો ગુંડાઓના પેરોલ પર હોય છે.

વિજય સાલસકર આવા જ એક બહાદુર પોલીસ ઈન્સ્પેક્ટર. ર૬ નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં શહીદ થયા. પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓમાંનો એક, અજમલ કસાબ, જીવતો પકડાયો હતો જેને ફાંસી આપવામાં આવી અને એની ફાંસીનો વિરોધ કરવામાં આપણા ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી હતા તે તમે જાણો જ છો.

પ્રફુલ્લ ભોંસલે એક ઔર જાંબાઝ ઈન્સ્પેક્ટર જેમના નામે ૭૭ એન્કાઉન્ટર્સ બોલે છે. ભોંસલેની ખ્વાજા યુનુસ કેસમાં ધરપકડ થઈ હતી. હ્યુમન રાઈટ્સ ગ્રુપ સાથે સંકળાયેલા પી.એ. સેબાસ્ટિયન નામના એક સજ્જને ભોંસલે અને વિજય સાલસકર સહિત બીજા અનેક પોલીસ અફસરો વિરુદ્ધ અરજી કરીને એમણે કરેલાં કુલ ૯૯ એન્કાઉન્ટર્સને કોર્ટમાં પડકાર્યા હતા.

રવીન્દ્ર આન્ગ્રે (પ૧ એન્કાઉન્ટર) અને સચિન વઝે (૬૩) અન્ય ‘એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ’ના નામ છે. રવીન્દ્ર આન્ગ્રેએ મર્ડર અને એકસ્ટોર્શનના ૩૦થી વધુ કેસમાં સંડોવાયેલા થાણેના નામચીન ગુંડા સુરેશ મંચેકરને કોલ્હાપુર એસટી સ્ટેન્ડ પાસેના એક એન્કાઉન્ટરમાં ઉડાડ્યો હતો. રવીન્દ્ર આન્ગ્રેએ ૧૯૯૮માં ર૦૦ હેન્ડ ગ્રેનેડ, ૧૧ એકે-ફિફ્ટી સિક્સ રાઈફલ અને ર,૦૦૦ ગોળીઓનો જથ્થો પકડી પાડ્યો હતો. ર૦૦૮માં રવીન્દ્ર આન્ગ્રે પર થાણેના બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવાનો આક્ષેપ લાગ્યો, સસ્પેન્ડ થયા. ર૦૧૧માં થાણેની સેશન્સ કોર્ટે એમને નિર્દોેષ જાહેર કર્યા. નોકરી પાછી મળી. એમની બદલી મહારાષ્ટ્રના ગઢચિરોળી જિલ્લામાં થઈ જે નક્સલવાદી પ્રવૃત્તિઓ માટે નામચીન છે. નિવૃત્તિના બે જ મહિના બાકી હતા ત્યારે એમને ર૦૦૮નો ખંડણીવાળો કેસ ફરી ઉખેળીને ડિસમિસ કરવામાં આવ્યા. ર૦૧૫માં રવીન્દ્ર આન્ગ્રે ભાજપમાં જોડાયા.

સચિન વઝે ૧૭ વર્ષની પોલીસ નોકરી કરીને ર૦૦૭માં નિવૃત્ત થઈ ગયા. ટેક્નો-સાઈબર ક્રાઈમમાં એમની સ્પેશિયાલિટી હતી. કરિયરની શરૂઆત એમણે ગઢચિરોળીથી કરી હતી. ખતરનાક ગુંડા મુન્ના નેપાલીને એમણે માર્યો હતો.

મુંબઈ પોલીસમાં જો એન્કાઉન્ટરની પ્રથા ન હોત તો શહેરમાં આજે જેટલી શાંતિ છે એટલી ન હોત. આ આખી શ્રેણી લખવાનો આશય જ એ હતો કે આજે આપણને શહેરમાં જે સલામતી લાગે છે એમાં, મુંબઈમાંથી ગૅન્ગસ્ટરોનું વર્ચસ્વ દૂર કરવામાં અને મુંબઈને ફરી એક વાર સંસ્કારી નગરી બનાવવામાં આ શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટના ૧ લાખ કરતાં વધુ કૉન્સ્ટેબલો, ૬૦ હજાર કરતાં વધુ પોલીસ નાયકો, ૮ હજાર કરતાં વધુ હેડ કોન્સ્ટેબલો, ૩ હજાર કરતાં વધુ આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટરો, પોણા ત્રણ હજાર કરતાં વધુ સબ ઈન્સ્પેક્ટરો, પોણા બે હજાર કરતાં વધુ પોલીસ ઈન્સ્પેક્ટરો અને આસિસ્ટન્ટ પી.આઈ. તથા ત્રણસોથી વધુ એ.સી.પી., ડી.સી.પી., જે.સી.પી. અને સી.પી.નો ફાળો તો છે જ. અને બધાં કરતાં વધુ મોટો ફાળો આ છ નામી તેમ જ અન્ય ગુમનામ એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટોને ફાળો છે. પ્રણામ સૌને.

આજનો વિચાર

જો સુખી થઈ જવું હો તારે તો
જે થતા તે સવાલ, ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
તું બન્યો કોની ઢાલ, ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ, ભૂલી જા

– મનોજ ખંડેરિયા

એક મિનિટ!

છોકરીઓ ખાલી ૩૦૦ રૂપિયાના સેન્ડલ લાવશે તો પણ આખા ઘરમાં બધાને કહેતી ફરશે કે હું શોપિંગ કરીને આવી…

જ્યારે છોકરાઓ હજાર રૂપિયાનો દારૂ પીને આવશે તો પણ કોઈને કહ્યા વિના ચૂપચાપ ઘરે આવીને સૂઈ જશે.

આને કહેવાય સાદું જીવન, ઉચ્ચ વિચાર.

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 21 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *