મુંબઈ પોલીસે એન્કાઉન્ટર્સનો રસ્તો કેમ અપનાવવો પડ્યો

વાશીના એક બારમાંથી પોલીસને સુનીત ખટાઉના એક હત્યારાનું પગેરું મળ્યું. સંતોષ પાગરકર એનું નામ. પાગરકરની ધરપકડ સાથે જ એના બીજા સાગરીતોની ભાળ મળી. કુલ દસ જણને ‘ટાડા’ હેઠળ આરોપી બનાવવામાં આવ્યા, પણ મરનારની વિધવા પન્ના ખટાઉએ સરકારી વકીલોને સાથ આપવાની ના પાડી એટલે અદાલતે દસેદસ આરોપીઓને છોડી દેવા પડ્યા એવું રેકૉર્ડમાં નોંધાયું. અમર નાઈકને નિરાંત થઈ ગઈ. એ ઈંગ્લેન્ડ જતો રહ્યો. અરુણ ગવલી એ વખતે જેલમાં હતો. એનાં તો કિનારે આવી ગયેલાં વહાણ ડૂબી ગયાં. ગવલીએ નાના બંધુ અશ્ર્વિન નાઈકને મારવાનો પ્રયાસ કર્યો, એ જીવતો બચી ગયો પણ આજીવન અપંગ બની ગયો. અશ્ર્વિન નાઈક પણ ભારતમાંથી ફરાર થઈ ગયો. દરમ્યાન, એની વાઈફ નીતા કૉર્પોરેશનની ચૂંટણીમાં ઊભી રહી અને ચુંટાઈ આવી.

૧૨ માર્ચ, ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ પછી ભારતના પ્રયત્નોને કારણે દાઉદ ઈબ્રાહિમ આંતરરાષ્ટ્રીય સ્તરનો ટેરરિસ્ટ જાહેર થયો. ઈન્ટરપોલે પણ એને પકડવા કમર કસી. દાઉદ માટે દુબઈમાં રહેવું દુષ્કર બની ગયું. ૧૯૯૪ના અંતમાં એ દુબઈ છોડીને કરાંચીભેગો થઈ ગયો. ૧૯૯૫માં સૌત્યાનું દુબઈમાં ખૂન થઈ ગયું. સૌત્યાની હત્યાનો બદલો લેવા છોટા શકીલે છોટા રાજનના ખાસ માણસ ગણાતા ચેમ્બુરના બિલ્ડર ઓમપ્રકાશ કુકરેજાની હત્યા કરાવી. આની સામે રાજનના માણસોએ ઈસ્ટવેસ્ટ એરલાઈન્સના મેનેજિંગ ડિરેક્ટર તકિયુદ્દીન વહીદને મરાવ્યો. ભારતની એ સૌપ્રથમ પ્રાઈવેટ એરલાઈન્સ હતી અને દાઉદે એમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. વહીદની હત્યા સાથે ૧૯૯૫નું વર્ષ પૂરું થયું.

૧૨ જૂન, ૧૯૯૭. મમતા કુલકર્ણી નામની એક્ટ્રેસને પરણેલો વિકી ગોસ્વામી દુનિયાભરમાં હોટેલોની એક શૃંખલા શરૂ કરી રહ્યો હતો અને દુબઈમાં એની લૉન્ચિંગ પાર્ટી હતી. સાઉથ આફ્રિકામાં રહેતો વિકી ગોસ્વામી ડ્રગ્સનો નામચીન વેપારી હતો, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમનો ખાસ દોસ્તાર હતો. અનીસે પોતાના રાઈટ હેન્ડ મૅન અબુ સાલેમને કહીને મુંબઈથી અડધા બૉલીવૂડને આ પાર્ટી માટે નિમંત્રિત કર્યું હતું. વિકીની લૅવિશ પાર્ટીમાં શરાબ અને શબાબની રેલમછેલ રહેતી. આ પાર્ટીમાં શાહરુખ અને સલમાન ઉપરાંત જેકી શ્રોફ, ચન્કી પાન્ડે સહિત અનેક ફિલ્મી કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૯૧માં રિલીઝ થયેલી ‘આશિકી’થી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ જનારા સંગીતકાર નદીમ-શ્રવણ પણ પાર્ટીમાં હાજર હતા. આ સંગીતકાર બેલડીને રિયલ બ્રેક આપનારા ‘ટી સિરીઝ’વાળા ગુલશન કુમાર હવે એમના દુશ્મન બની ચૂક્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં આ વાત ખાનગી નહોતી. પાર્ટીમાં નદીમ બીજાઓને છોડીને એકલો અબુ સાલેમ પાસે આવ્યો અને ગુલશન કુમારને ઉડાવવાની સોપારી કેટલામાં પડે એવી વાત કરી. અબુ સાલેમે શરૂમાં આ વાત ઉડાવી દીધી, પણ પછી આનાકાની અને રકઝક બાદ રૂપિયા પચ્ચીસ લાખમાં પાકું કર્યું. ૨૮ જુલાઈ, ૧૯૯૭ના રોજ જુહુની એક દુકાનમાં નદીમના માણસોએ અબુ સાલેમના ત્રણ માણસોને રૂપિયા ૨૫ લાખ રોકડા સોંપ્યા.

૧૨ ઑગસ્ટ, ૧૯૯૭ના રોજ મામૂલી જ્યુસવાળામાંથી ‘ટી સિરીઝ’ના નામે ક્રમશ: લેજિટિમેટ ધંધો કરતો થઈ ગયેલો ગુલશન કુમાર ઘરેથી ઑફિસ જતાં પહેલાં પોતાના નિત્યક્રમ મુજબ મહાદેવનાં દર્શને ગયો. ૪૬ વર્ષના ગુલશન કુમારની અબુ સાલેમના શૂટર્સે હત્યા કરી જેનાં વિગતવાર વર્ણનો એ જમાનાનાં વર્તમાનપત્રોમાં પ્રગટ થયાં. ગુલશન કુમારની હત્યા પછી એક લેખ ‘ગુડ મોર્નિંગ’ની ફર્સ્ટ સિઝન માટે લખ્યો હતો. હત્યાનું કાવતરું ઘડવાના આરોપી નદીમે એ પછી લંડનમાં જ કાયમ માટે રહેવાનું નક્કી કરવું પડ્યું. એને ભારત પાછો લાવવાના સરકારના પ્રયત્નો નિષ્ફળ ગયા અથવા તો કહો કે નિષ્ફળ બનાવવામાં આવ્યા.

આપણને નવાઈ લાગતી હોય છે કે અંડરવર્લ્ડના માણસો પાસે એવા તે કેવા પાવરફુલ લૉયર્સ હોય છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં તેઓ કાયદાની ચુંગાલમાંથી છૂટી જાય છે. વકીલો તો પાવરફુલ હોય છે જ એમની પાસે કારણ કે એમની બે નંબરી કમાણીનો એક મોટો હિસ્સો, સામાન્ય માણસો જેમ પોતાના મેડિક્લેમના પ્રીમિયમ ભરવામાં વાપરે એ રીતે, પોતે અને પોતાની ગેન્ગના તમામ માણસો કાયદાના ચક્રવ્યૂહમાં ન ફસાય તે માટે વાપરતા હોય છે. આ માટે પોલીસ જ્યારે એફ.આઈ.આર. કરે અને પાછળથી પુરાવાઓના પંચનામાં કરે તેમ જ ચાર્જશીટ બનાવે તે વખતે એમાં મોટાં મોટાં ગાબડાં નાખી દેવામાં આવતા હોય છે. પોલીસના આ સાથ-સહકાર ઉપરાંત અનેક કિસ્સાઓમાં પબ્લિક પ્રોસિક્યુટર્સને તેમ જ કોર્ટના બીજા માણસોને પણ સાધવામાં આવતા હોય છે. આ કામ માટે દરેક જગ્યાએ રિટેનરશિપ અને જ્યારે મોટું કામ આવે ત્યારે સ્પેશ્યલ ચાર્જ ચૂકવવામાં આવે છે. અંડરવર્લ્ડે સાધેલા રાજકારણીઓના આશીર્વાદથી આ ગોઠવણ થતી હોય છે.

કાયદાની ચુંગાલમાંથી છટકી જતા અંડરવર્લ્ડના માણસો સાથે ડીલ કરવા માટે મુંબઈ પોલીસે છેવટે એન્કાઉન્ટર્સનો રસ્તો અપનાવવો પડ્યો. મુંબઈ પોલીસમાં કેટલાક અતિ પ્રસિદ્ધ થયેલા એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટોનાં પરાક્રમો તેમ જ એમાંના કેટલાકના તથાકથિત કરપ્શન વિશે વાત કરીને કાલે આ અંધારી આલમની વાત પૂરી કર્યા પછી નવા વિષય પર પ્રકાશ ફેંકીશું. વિષય મારા મનમાં નક્કી છે. મોરારિબાપુની અત્યારે સ્વિટ્ઝરલૅન્ડમાં ચાલી રહેલી રામકથામાં એક ઉમદા અને તદ્દન મૌલિક વાત સાંભળી એ વિશે લખવું છે.

આજનો વિચાર

જરા વિચારો ફક્ત બે જ ગુજરાતી દિલ્હી ગયા છે તો દેશમાં આટલો બદલાવ આવી રહ્યો છે…

…આપણે તો હજી ગયા જ નથી.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

શિક્ષક: જેને સંભળાતું ન હોય એને તમે શું કહેશો?

બકો: કંઈ પણ કહો, શું ફરક પડવાનો છે એને!

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 20 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *