દુબઈમાં દાઉદ અને દગડી ચાલમાં ગવલી

અત્યારના મુંબઈમાં, છેલ્લા એક-દોઢ દાયકા દરમિયાનના મુંબઈમાં અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ ઠંડી પડી ગઈ છે, અલમોસ્ટ સમાપ્ત થઈ ચૂકી છે. દોઢ દાયકા પહેલાંનું, એઈટીઝ અને નાઈન્ટીઝનું મુંબઈ કેવું હતું?

૧૯૮૬નું વર્ષ મુંબઈના અંડરવર્લ્ડ માટે એક વૉટરશેડ યર પુરવાર થયું. ૩૧ વર્ષના દાઉદ ઈબ્રાહિમે ઑલરેડી મુંબઈમાં પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. મુંબઈના પોલીસ તંત્રમાં એના મિત્રો પણ હતા, દુશ્મનો પણ, રાજકારણમાં પણ એવું જ હતું. દાઉદ પર ભીંસ વધી રહી હતી. કોઈકે દાઉદને ટિપ આપી કે તારી ધરપકડ થવાની તૈયારી છે. દાઉદ ઈન્ડિયાથી ભાગીને દુબઈભેગો થઈ ગયો. તે જમાનામાં દુબઈ દુનિયાભરના દાણચોરો અને કાળા ધંધા કરનારાઓનું સલામત આશ્રયસ્થાન ગણાતું. એ જમાનામાં ભારત અને યુએઈ વચ્ચે એકબીજાના ગુનેગારો સોંપી

દેવા માટેની એક્સ્ટ્રાડિશન ટ્રિટી પણ નહોતી. દાઉદે ૧૯૮૬માં દુબઈ જઈને મુંબઈનું પોતાનું વિશાળ તંત્ર રિમોટ ક્ધટ્રોલથી ચલાવે રાખ્યું. આમ છતાં મુંબઈના બાકીના ડૉન્સ દાઉદની ફિઝિકલ ગેરહાજરીથી રાહત અનુભવવા લાગ્યા જેમાંના કેટલાક દાઉદના સાથીઓ હતા અને કેટલાક દાઉદના સગા દુશ્મન હતા.

અરુણ ગવલીએ ઑલરેડી મુંબઈમાં પોતાનો સિક્કો જમાવી દીધેલો. પરેલ, ચિંચપોકલી, ભાયખલા અને કૉટન ગ્રીન વિસ્તારો ગવલી ગૅન્ગનું એકચક્રી શાસન હતું. જુગાર-દારૂના અડ્ડાનું સંચાલન અને પ્રોટેકશન મની આ ગૅન્ગનું તે વખતે મુખ્ય કામકાજ. ૧૯૮૪થી ૧૯૮૮ના ગાળામાં ‘ગવલી-દાઉદ ભાઈભાઈ’નું વાતાવરણ હતું, કારણ કે ગવલીનો સાથી રામા નાઈક, દાઉદના કટ્ટર દુશ્મન સમદ ખાનનો કાંટો કાઢવામાં દાઉદની પડખે હતો, પણ ૧૯૮૮થી રામા નાઈક અને શરદ શેટ્ટી વચ્ચે જોગેશ્ર્વરીની જમીનના સોદા બાબતે ઝઘડો થયો ત્યારે દાઉદે શેટ્ટીનો પક્ષ લીધો. રામા નાઈકને દાઉદ પર ગુસ્સો આવ્યો. દાઉદને રામા નાઈક પર. ૧૯૮૮ના અંતમાં એક પોલીસ એન્કાઉન્ટરમાં રામા નાઈક માર્યો ગયો. અરુણ ગવલીને લાગ્યું કે આ એન્કાઉન્ટર દાઉદના કહેવાથી થયું હતું. બંને વચ્ચે બાપે માર્યાં વેર બંધાયાં વેરની વસૂલાત એ પછીના એક આખા દાયકા સુધી લંબાઈ. ગવલી ગૅન્કે દાઉદની ગૅન્ગ પર એવો તે આતંક વરસાવ્યો કે દાઉદના ખાસ સાથીઓએ મુંબઈ છોડીને દુબઈભેગા થઈ જવું પડ્યું. આમાં શરદ શેટ્ટી તો ખરો જ, ઉપરાંત સૌત્યા (સુનીલ સાવંત) અને છોટા શકીલ તથા છોટા રાજન પણ ખરા. છોટા રાજનને એ પછીનાં વર્ષોમાં દાઉદ સામે એવું વેર બંધાયું કે બેઉ ગૅન્ગસ્ટરોએ પાણી લીધું કે કાં તું નહીં, કાં હું નહીં.

એ વખતે અરુણ ગવલીની દગડી ચાલ અભેદ્ય કિલ્લા સમાન હતી. અંગ્રેજી પ્રેસવાળા ઉછળી ઉછળીને કહ્યા કરતા કે બાળ ઠાકરેના અરુણ ગવલી (તેમ જ બીજી હિન્દુ ગૅન્ગસ્ટરો)ના માથા પર ચારેય હાથ હતા. અંગ્રેજી પ્રેસને બાળ ઠાકરેની છેડતી કરવામાં ભારે મઝા પડતી. કેટલાક ગુજરાતી અને મરાઠી પત્રકારો પણ આ અંગ્રેજી પ્રેસના ચાળે ચડીને ઠાકરેને કાંકરીચાળો કરતા રહેતા. આ પત્રકારો શરદ પવારને તેમ જ બીજા કૉન્ગ્રસી નેતાઓને મુંબઈના અંડરવર્લ્ડ સાથે કેવા આડા સંબંધો હતા તે વિશે ભાગ્યે જ વિગતે લખતા. આને કારણે આજની તારીખે, અત્યારની પેઢી જો મુંબઈના અંડરવર્લ્ડ વિશે જાણે તો એમને એમ જ લાગે કે એકમાત્ર શિવસેનાએ કે બાળ ઠાકરેએ જ કેટલાક ગુંડાઓને પાળ્યાપોષ્યા હતા. હકીકત એ છે કે એ જમાનાના શરદ પવાર સહિતના અલમોસ્ટ દરેક રાજકારણીઓએ, લગભગ દરેક કૉન્ગ્રેસી નેતાઓએ ગુંડાઓને પ્રોટેકશન આપ્યું હતું અને બદલામાં એમની પાસે પોતાનાં કાળાં કામો કરાવ્યાં હતાં. ઈતિહાસને વિકૃત કરવાની રમતમાં અંગ્રેજી પત્રકારોએ મુંબઈના અંડરવર્લ્ડને પણ છોડ્યું નથી.

અરુણ ગવલીએ એક પછી એક દાઉદ ગૅન્ગના બી ગ્રેડના ગુંડાઓને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કર્યું ત્યારે દાઉદે અરુણ ગવલી સામે બદલો લેવા ગવલીના મોટા ભાઈ કિશોરદાદા ઉર્ફે પાપા ગવલી પર નિશાન સાધ્યું. કિશોરને પોતાના નાનાભાઈની ક્રિમિનલ પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવાદેવા નહોતી. અંડરવર્લ્ડની રાઈવલ ગૅન્ગ્સમાં આપસમાં એક વણલખ્યો, વણબોલ્યો કરાર હોય છે કે ક્યારેય કોઈએ આ ધંધાથી દૂર રહેતા એકબીજાનાં સગાંવહાલાંને ટાર્ગેટ બનાવવા નહીં. કિશોર ગવલી એટલે જ નિશ્ર્ચિંત હતો અને બૉડીગાર્ડ્સ વિના ફરતો. દાઉદે અંડરવર્લ્ડનો આ અલેખિત કરાર તોડીને ઈઝી ટાર્ગેટ જેવા કિશોરને ઉડાવવાનું નક્કી કર્યું.

૧૯૯૦ના જાન્યુઆરીમાં માહિમના શિતળાદેવી મંદિરની બહાર શ્રીરંગ પવાર નામના એક નૌસિખિયા શૂટર દ્વારા દાઉદે કિશોર ગવલીની હત્યા કરાવી. ગવલીને ખ્યાલ નહીં કે આ કામ કોઈ નવાસવા શૂટરનું હશે. ગવલીને ડાઉટ દાઉદના ખાસ આદમી સૌત્યા (સુનીલ સાવંત) પર આવ્યો. દાઉદનું મુંબઈ ખાતેનું (લોકોને ઉડાવવાનું) કામકાજ સૌત્યા સંભાળતો. ગવલીએ સૌથી પહેલાં સૌત્યાના જમણા હાથ જેવા રવિ કામાઠીને ઉઠાવ્યો અને દગડી ચાલમાં લાવીને એને ટૉર્ચર કરીને માહિતી ઓકાવી. રવિ કામાઠીએ કહ્યું કે સૌત્યા આમાં સંડોવાયેલો છે કે નહીં એની એેને ખબર નથી, પણ મનોજ કુલકર્ણીને થોડાંક હથિયાર પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી ખરી. ગવલીના માણસો મનોજ કુલકર્ણીને ઊઠાવીને દગડી ચાલમાં લઈ આવ્યા, કુલકર્ણીએ કબૂલ કર્યું કે એ પોતે મેઈન શૂટર નહોતો, પણ સૌત્યાની સાથે પોતે પણ આ કેસમાં એક સાઈડ શૂટરની ફરજ બજાવેલી. મનોજ કુલકર્ણીની હત્યા કરીને એની લાશ દગડી ચાલની બહાર ફગાવી દેવામાં આવી.

બદલામાં સૌત્યાએ ગવલીના રાઈટ હેન્ડ ગણાતા પૉલ પેટ્રિક ન્યુમૅનને ઉડાવ્યો આટલું ઓછું હોય એમ સૌત્યાએ કાંજુર વિલેજ, જે ગવલીનો બીજો ગઢ ગણાતું, જઈને એકે-ફોર્ટી સેવનથી અંધાધૂંધ ગોળીબાર કરીને રવીન્દ્ર ફડકે અને જોસેફ પરેરા સહિત ગવલીના કુલ છ સાથીઓને એક સાથે મોતને ઘાટ ઉતારી દીધાં.

આ બનાવ પછી ક્રાઈમ બ્રાન્ચની ભીંસ વધતાં સૌત્યા નેપાળ ભાગી ગયો. અહીં ગવલીએ દાઉદ ગૅન્ગ પર બદલો લેવા દાઉદની બહેન હસીના જેની સાથે પરણી હતી તે ઈબ્રાહિમ પારકરને નાગપાડામાં જઈને ઉડાવ્યો. દાઉદના સગાં બનેવીની હત્યાના સમાચાર પ્રસરતા અંડરવર્લ્ડમાં જ નહીં પોલીસજગતમાં પણ કંપારી વ્યાપી ગઈ. ખરી ગૅન્ગવૉર હવે શરૂ થવાની હતી-મુંબઈગરાઓએ ક્યારેય વિટનેસ ન કરેલી ગૅન્ગવૉરના સમાચારો હવે નિયમિતરૂપે છાપાઓમાં ફ્રન્ટપેજ પર ચમકવાના હતા અને આ જ બનાવો પછી ભવિષ્યમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળાઓ ડઝનેક પિક્ચરો ઉતારવાના હતા.

આજનો વિચાર

તમારાં સપનાંની કિંમત ચૂકવવા તૈયાર રહેવાનું. મફતનું ચીઝ માત્ર ઉંદર પકડવાના પાંજરામાં જ મળતું હોય છે.

– પાઉલો કોએલો

એક મિનિટ!

રિપોર્ટર: જીએસટીની અસર તમારી દૃષ્ટિએ શું પડી?

વેઈટર: અગાઉ લોકો અહીં આવીને જમતી વખતે ડિશમાંથી વાનગીના ફોટા પાડીને ફેસબુક પર પોસ્ટ કરતા, હવે જમ્યા પછી બિલના ફોટા અપલોડ કરે છે!

( મુંબઇ સમાચાર : મંગળવાર, 18 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *