થર્ડ ડિગ્રી અને અંડરવર્લ્ડ

અંડરવર્લ્ડ સાથે ડીલ કરતી વખતે હ્યુમન રાઈટ્સને અવગણવા પડે અને ક્યારેક એમાં જેન્યુઈનલી કાચું કપાઈ જાય તો કપાઈ જાય, એનાં પરિણામ ભોગવી લેવાનાં. ગુનેગારો સાથે પનારો પાડતી વખતે એમના માનવ અધિકારો કયા છે એ યાદ રાખવાનું હોય. એ જ્યારે કોઈના પર ગોળી ચલાવે છે ત્યારે એની ગોળીનો ભોગ બનનારના માનવ અધિકારોને ધ્યાનમાં રાખે છે?

દાયકાઓ પહેલાં શ્રીનગર જઈ રહેલા ઈન્ડિયન ઍરલાઈન્સના વિમાનને હાઈજેક કરી જતા આતંકવાદીને અમૃતસર ખાતે ઠાર મારવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સંસદમાં ઊહાપોહ થયો ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિસે કહ્યું હતું કે એ હાઈજેક્રને પકડ્યા પછી એને ત્યાં ને ત્યાં જ મારી નાખવો માનવતા ન કહેવાય. એક માણસ તરીકે જીવવાનો એને પણ અધિકાર છે. આ તબક્કે અટલ બિહારી વાજપેયીએ ઊભા થઈને કહ્યું હતું: એક ગુનેગારને જો નાગરિક તરીકે જીવવાનો હક્ક હોય તો બાન પકડાયેલા ૧૪૦ ઉતારુઓને શું એ હક્ક નથી!

અહીં એક મઝાની વાત યાદ કરું. ‘ગુડ મોર્નિંગ’ની ફર્સ્ટ સિઝનમાં, બે દાયકા પહેલાં, એક લેખમાં મેં પોલીસ કસ્ટડીમાં થતા ટૉર્ચરની તરફદારી કરી હતી. આજે પણ કરું છું. મારી દલીલના સમર્થનમાં હું એક કાલ્પનિક કિસ્સો હંમેશાં ટાંકું છું. એક બૅન્કમાંથી એક રાત્રે પચાસ લાખ રૂપિયાની ચોરી થઈ જાય છે. ચોકીદાર દ્વારા ચોરીની ખબર મળ્યાની થોડી જ મિનિટોમાં પોલીસ એક ટૅક્સી રોકીને ટૅક્સી ડ્રાઈવર પાસેથી આ તમામ રકમ મેળવી લે છે. પોલીસે એ ડ્રાઈવરની ઊલટતપાસ કરી. ડ્રાઈવર ભાંગી પડ્યો. ગુનાની કબૂલાત થઈ. એક પછી એક કડી મળતી ગઈ. આતંકવાદીઓ શસ્ત્રો ખરીદવા માટે આ નાણાંનો ઉપયોગ કરવાના હતા એવી માહિતી મળી. આખી ટોળકી પકડાઈ ગઈ.

પોલીસ જ્યારે પેલા ડ્રાઈવરને પકડીને પોલીસ સ્ટેશને લઈ આવી હશે ત્યારે એની ઊલટતપાસ કઈ રીતે કરી હશે? ‘ભાઈ, આ લે, જરા થમ્સ અપ પીને ફ્રેશ થા અને અમને જરા કહેને કે તારી પાસે આ રોકડા રૂપિયા ક્યાંથી આવ્યા? આવું શું કરે છે? કહી દે ને! જો ભાઈ, તારો સાથ અને

સહકાર હશે તો જ અમે તપાસ આગળ વધારી શકીશું અને એક નાગરિક તરીકે તારી ફરજ છે પોલીસને સાથ આપવાની…’

પોલીસ શું આ રીતે ઊલટતપાસ કરી શકશે? થર્ડ ડિગ્રી જુલમ વિના કે એનો ડર દેખાડ્યા વિના બીજી કોઈ રીતે ઊલટતપાસ શક્ય નથી. પોતાની માબહેન સાથે કોઈ રીઢો ગુનેગાર અઘટિત આચરણ કરે ત્યારે માણસને રિયલાઈઝ થશે કે ગુનેગાર સામે કામ લેવા માટે શ્રેષ્ઠ રસ્તો કયો છે. પોલીસની થર્ડ ડિગ્રીને કારણે તમે ને હું શાંતિથી જીવી શકીએ છીએ. પોલીસે થર્ડ ડિગ્રી વાપરવાને બદલે શું કરવું? પેલાને સામે બેસાડીને સવાલો પૂછતાં રહેવું? અને પેલો ન બોલે કે ખોટું બોલે એટલે તપાસમાં ઢીલ થવા દેવી? આરોપીની અટકાયત પછીની મિનિટો કેટલી કિંમતી હોય છે એનું જ્ઞાન ચોરપોલીસની દુનિયાના જાણકારને જ હોઈ શકે. આ ગાળા દરમિયાન આરોપીના સાથીઓ પુરાવાઓ સગેવગે કરી ક્યાંના ક્યાં ફરાર થઈ જતા હોય છે. હિન્દુસ્તાનની જ નહીં, દુનિયાભરની પોલીસો ગુનેગારો પર થર્ડ ડિગ્રીનો અત્યાચાર વરસાવતી ન હોત કે પછી ફેક એન્કાઉન્ટર્સ ન કરતી હોત તો એમણે અત્યારે જેટલા કિસ્સા સોલ્વ કરવામાં સફળતા મળે છે એના કરતાં દસમા ભાગના કેસમાં પણ સફળતા મળતી ન હોત. ‘લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે’વાળી કહેવત માનવ હક્કવાળા સંગઠનોના દોઢડાહ્યા કાર્યકર્તાઓએ સાંભળી નથી હોતી શું?

આ મતલબનો લેખ મારી કોલમમાં છપાયાના થોડાક દિવસો પછી યરવડા જેલમાંથી મને એક અંડરટ્રાયલ કેદીનો પત્ર આવ્યો. મનીષ જી. લાલા એનું નામ. ગુજરાતી માણસ. ‘ટાડા’ હેઠળ પકડાયેલો. એણે પત્રમાં લખ્યું હતું કે એ ‘મુંબઈ સમાચાર’માં રોજ છપાતી મારી ‘ગુડ મોર્નિંગ’ કોલમનો નિયમિત વાચક છે. થોડાંક વખાણ પછી એણે મુદ્દાની વાત કરી. ચાર પાનાંના પત્રમાંથી એણે મારા એ લેખના મુદ્દાઓનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકીને લખ્યું હતું કે: ‘પોલીસ પાસે વિશાળ સત્તાઓ હોવાથી તેઓ ગુનાશોધનની પ્રક્રિયા દરમિયાન વધુ પડતો ઉત્સાહ દાખવીને એમના કબજા હેઠળના આરોપીઓ સામે સખ્તાઈભરી તાકાતથી કામ લેવા લલચાતા હોય છે. પોલીસની આવી વર્તણૂકને, લોકહિતને ધ્યાનમાં રાખી ઊગતી જ ડામી દેવી જોઈએ. (૧૯૭૭, એસસીસી (સી.આર.), પાનું: ૪૪૪-૪૪૫).

યરવડા સેન્ટ્રલ પ્રિઝન, એચ.એસ. સેલ નં. ૩, યરવડા, પુણે ૪૧૧ ૦૦૬ના સરનામેથી મનીષ લાલાનો પત્ર આવ્યા પછી મેં એમાંના રિલેવન્ટ ફકરાઓ ટાંકીને વધુ એક લેખ લખીને ફરી એક વાર થર્ડ ડિગ્રીની તરફેણ કરતાં એક કિસ્સો ટાંક્યો:

જૂના મોરબી સ્ટેટમાં વાઘજી ઠાકોરનું રાજ ચાલતું ત્યારે કોઈ ચોરી કરતાં પકડાય તો એને બાવળ થોર પર પછાડવામાં આવતો. આ સંદર્ભમાં ઉચ્છ્રંગરાય ઢેબરના એક કિસ્સાનું વર્ણન કર્યું. ઢેબરભાઈ તે વખતના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન હતા અને રસિકભાઈ પરીખ એમના પ્રધાનમંડળના સભ્ય હતા. એક વખત ઢેબરભાઈએ સૌરાષ્ટ્રના તમામ પોલીસ થાણાને સર્ક્યુલર મોકલ્યો કે હવેથી પોલીસે આરોપીની ધોલધપાટ કરવી નહીં, એમના પર થર્ડ ડિગ્રી આચરવી નહીં. આ જ અરસામાં રસિકભાઈ પરીખના વતનના ઘરમાંથી કેટલીક ગાય ચોરાઈ ગઈ. રસિકભાઈએ પોલીસ ફરિયાદ લખાવી. એ પછી વારંવાર પોલીસ થાણામાં તપાસ કરી પણ રસિકભાઈને ન તો ગાયની ભાળ મળી, ન ગાયના ચોરની. એક દિવસ રસિકભાઈએ ગુસ્સે થઈને પોલીસ અફસરને ખખડાવી નાખ્યા ત્યારે અધિકારીએ દયામણા ચહેરે કહ્યું: ‘અમે ઘણા શકમંદને પકડ્યા. દરેકને પૂછ્યું. બધાએ ના પાડી. છેલ્લે તો મેં મારા સોગંદ આપીને પૂછ્યું તોય કોઈએ કબૂલ ન કર્યું કે ગાય કોણે ચોરી છે.’ રસિકભાઈએ તાત્કાલિક ઢેબરભાઈને કહીને સર્ક્યુલર પાછો ખેંચાવ્યો. બીજે જ દિવસે ગાય અને ગાયના ચોરનારા મળી ગયાં.

‘મુંબઈ સમાચાર’ના સરનામે મને સંબોધીને મનીષ લાલાનો એ પછી પણ એક પત્ર આવ્યો. પછી એ જામીન પર છૂટી ગયો અને પત્રો આવતા બંધ થઈ ગયા. મનીષ ગંગારામ લાલા દાઉદ ઈબ્રાહિમની ગૅન્ગમાં સૌથી ઈન્ટેલિજન્ટ માણસોમાંનો એક હતો. મુંબઈમાં રહીને ગૅન્ગની લીગલ સાઈડ સંભાળે અને ફાયનાન્સ પણ જુએ. જાતે મર્ડર કરવાને બદલે મર્ડરના એક્યુરેટ પ્લાનિંગ કરવામાં હોંશિયાર. દાઉદનો એ ખાસ અને વિશ્ર્વાસુ માણસ. ૧૯૯૨ના બહુચર્ચિત જે. જે. હૉસ્પિટલ શૂટઆઉટ કેસમાં પણ એ આરોપી હતો. ૧૨ માર્ચ, ૧૯૯૩ના બૉમ્બે બૉમ્બ બ્લાસ્ટના એક કાવતરાખોર તરીકે એને ટાડા હેઠળ પકડવામાં આવેલો.

જામીન પર છૂટ્યા પછી એ પત્રકારોને મળતો અને એના ઈમ્પેકેબલ ઈંગ્લિસથી સૌને ઈમ્પ્રેસ કરતો. એક જમાનામાં ગ્રાન્ટ રોડના નાના ચૌક વિસ્તારમાં રહેતો મનીષ લાલા પવઈના પૉશ હિરાનંદાની કૉમ્પલેક્સના ‘સનફલાવર’ નામના બિલ્ડિંગમાં રહેતો થઈ ગયેલો.

વીસેક વરસ પહેલાંના જૂનની એક સાંજે મનીષ ફાઉન્ટનની હૉંગકૉંગ બૅન્ક પાસેના બિયર બારમાં ગયો હતો. ત્રણ માણસો આવ્યા. રિવોલ્વરમાંથી કુલ પાંચ ગોળીઓ છૂટી. ત્રણ મનીષના શરીરમાં ધરબાઈ ગઈ. ત્યાંને ત્યાં એ મરી ગયો. ગોળી છોડનારાઓ દાઉદ ગૅન્ગની રાઈવલરી કરતા છોટા રાજનના શૂટર્સ હતા. મનીષ ગંગારામ લાલાની ઉંમર એ વખતે માંડ ૪૫ વર્ષની. મનીષના મોત પછી એક ફરી લેખ મેં લખ્યો ત્યારે એનું છેલ્લું વાક્ય હતું:

‘દાઉદે એક વિશ્ર્વાસુ સાથી ગુમાવ્યો, મેં એક વફાદાર વાચક – દાઉદને અફસોસ હશે, મને નથી.’

આજનો વિચાર

લાલુના છોકરાનું કહેવું છે કે મૂછ પણ નહોતી ઊગી તો ગોટાળા કેવી રીતે કરી શકું? એને મારે એટલું જ પૂછવું છે કે તારા બાપાને પૂંછડુંય નહોતું ઊગ્યું તોય ૯૦૦ કરોડનો ઘાસચારો ખાધો કે નહીં.

– વૉટસઍપ પર વાંચેલું.

એક મિનિટ!

મહિલા: મેડમ, મેરે પતિ વિદેશ મેં ફંસે હુએ હૈ. કુછ કીજીએ.

સુષ્મા: આપ કા નામ?

મહિલા: જશોદાબેન…

( મુંબઇ સમાચાર : સોમવાર, 17 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *