સ્થાનિક પ્રજાના સપોર્ટ વિના કોઈ કાળાં કામ ન થઈ શકે

મુંબઈના અંડરવર્લ્ડની દાસ્તાન માંડતા પહેલાં છેલ્લા અઢી દાયકા દરમિયાન શહેરને હચમચાવી નાખનારી ત્રણ મેજર આતંકવાદી ઘટનાઓની ઝલક જોઈ લેવી જોઈએ. આમાંની સૌથી પહેલી ઘટના સાથે દુબઈમાં બેઠેલા મુંબઈના અંડરવર્લ્ડ ડૉનનો સીધો હાથ હતો.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ, રામમંદિરને ધ્વંસ કરીને બનાવવામાં આવેલી બાબરી નામની ઈમારતનો ઢાંચો તોડવામાં આવ્યો. એક જમાનામાં રામ જન્મભૂમિને ભ્રષ્ટ કરીને ત્યાં મસ્જિદ બાંધવામાં આવી હતી જેના અનેક આર્કિયોલોજિકલ પુરાવા મોજૂદ છે. ૧૯૪૯ની સાલમાં ત્યાં રામલલ્લાની મૂર્તિની

સ્થાપના કરવામાં આવી તે પછી તે મસ્જિદ મટી ગઈ. ઈસ્લામના અનુયાયીઓ માટે એ જગ્યા હરામ બની ગઈ. આમ છતાં ભારતના દોઢડાહ્યા સેક્યુલરો, સામ્યવાદીઓ અને કૉન્ગ્રેસીઓ એને બાબરી મસ્જિદના નામે ઓળખતા રહ્યા, જે ખોટું હતું. એને બાબરી ઢાંચો કે બાબરી ઈમારત કે બાબરી સ્ટ્રકચર કહેવાય. છઠ્ઠી ડિસેમ્બરે એ ઢાંચો તૂટ્યો એ પછી મુંબઈમાં રમખાણો થયાં જેમાં મુસલમાનોએ મોટો ભાગ ભજવ્યો અને આ રમખાણોના જવાબમાં બાબરીની પહેલી માસિક તિથિએ, છઠ્ઠી જાન્યુઆરીએ શિવસેનાએ હિન્દુઓનું ઉપરાણું લઈને તોફાની મુસ્લિમ તત્ત્વોને બરાબર પાઠ ભણાવ્યો. એ દિવસો મુંબઈ માટે ભારે તંગદિલીના દિવસો હતા. બાબરી ધ્વંસ પછી સેક્યુલર મીડિયાએ જે હિન્દુવિરોધી વિષનું વમન કર્યું હતું તેનો હિસાબકિતાબ લખવાનું મેં શરૂ કરી દીધું – ‘અયોધ્યા પછીના એકત્રીસ દિવસ’ નામની લેખશ્રેણીમાં. હસમુખ ગાંધી રોજ હોંશે હોંશે એ સિરીઝ ‘સમકાલીન’માં પ્રગટ કરતા અને ગુજરાતનાં કેટલાક અખબારોમાં પણ એ સિરીઝ સિન્ડિકેટ થતી.

એ ગાળામાં અફવાઓનું જોર સ્વાભાવિક રીતે ઘણું હતું. રમખાણો દરમિયાન મુંબઈ આવેલા ગુણવંત શાહ અમારા ઘરે એક રાત માટે રોકાવાના હતા. સાંજે સાંતાક્રુઝ સ્ટેશન પાસે એસ.ટી.ડી. કૉલ કરવા ગયા. કરિયાણાની દુકાનેથી ફોન પર વાત ચાલી રહી હતી ત્યાં જ ધડાધડ આજુબાજુની દુકાનોનાં શટર પડવા માંડ્યાં. અમે પણ દુકાનમાં પુરાઈ ગયા. પંદર-વીસ મિનિટ પછી સબ સલામત જાહેર થયું અને ઉચ્ચક જીવે ઘરે પાછા આવ્યા.

જાન્યુઆરી ’૯૩ના રમખાણોમાં શહેરના મુસ્લિમોએ જે સહન કરવું પડ્યું તેનો જવાબ આપવા ટાઈગર મેમણે ૧૨ માર્ચના રોજ મુંબઈ શહેરમાં ઠેર ઠેર બૉમ્બ બ્લાસ્ટ કરાવ્યા. એ દિવસે સાંતાક્રુઝથી ત્રણ વર્ષના દીકરાને સ્કૂટર પર આગળ ઊભો રાખીને મલાડ જતો હતો ત્યારે અંધેરી શોપર્સ સ્ટૉપના જંકશન પાસે આખા શહેરમાં થઈ રહેલા બૉમ્બ ધડાકાઓના સમાચાર સાંભળ્યા. ૧૯૯૩માં ન તો સેલફોન હતા, ન ન્યૂઝ ચેનલો. રસ્તે જતાઆવતા વાહનચાલકો, ટેક્સીમાલિકો પાસેથી આ વાતો સાંભળવા મળતી.

મુંબઈ પોલીસને સો સલામ મારવાનું મન થાય એવી ઍફિશ્યન્સીથી ૪૮ કલાકની અંદર તેઓએ ઈન્વેસ્ટિગેશન કરીને શોધી કાઢ્યું કે આ ધડાકાઓનું પ્લાનિંગ ટાઈગર મેમણે કર્યું હતું અને ૧૨ માર્ચ પહેલાં જ એ પોતાના બહોળા ફેમિલી સાથે મુંબઈ છોડીને દુબઈભેગો થઈ ગયો હતો. મુંબઈ પોલીસ એક પછી એક ધરપકડો કરીને જિગ્ઝો પઝલના બાકીના ટુકડા જોડતી ગઈ. બાદશાહ ખાન નામનો આરોપી તો બે-ત્રણ મહિના બાદ પકડાયો અને પોલીસ અપ્રુવર બન્યો. તે પહેલાં તે વખતના ડીસીપી રાકેશ મારિયાની બાહોશ લીડરશિપ હેઠળ મુંબઈ પોલીસે આખો કેસ અલમોસ્ટ સોલ્વ કરી નાખ્યો હતો. ટેરરિસ્ટ એન્ડ ડિઝરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ – ટાડા – હેઠળ અનેક આરોપીઓ પર કેસ ચાલ્યો. કેટલાયને આકરામાં આકરી સજા થઈ. ટાઈગર મેમણના ભાઈ યાકુબ મેમણને બે વર્ષ પહેલાં નાગપુરની જેલમાં લટકાવી દેવામાં આવ્યો ત્યારે ભારતના અનેક સેક્યુલરોએ કકળાટ કરી મૂક્યો. કૉન્ગ્રેસ અને બીજા વિપક્ષોએ ભેગા મળીને જે માણસને ઉપરાષ્ટ્રપતિનો ઉમેદવાર બનાવ્યો છે તે ગોપાલકૃષ્ણ ગાંધીએ યાકુબ મેમણને ફાંસીથી બચાવવા માટે નીકળી પડ્યા હતા.

ટાડા સામે પણ આવા જ લોકોએ આક્રોશ કરીને આ જબરજસ્ત કામના કાનૂનને રદ કરાવ્યો હતો. વિચાર કરો કે કૉન્ગ્રેસના જમાનામાં સેક્યુલરોનું કેટલું જોર હતું કે તેઓ મુસ્લિમ ગુનાખોરોને છાવરવા માટે એક આખો કાનૂન રદ કરાવી શકતા હતા.

ડીસીપી રાકેશ મારિયાએ ૨૦૦૩ની ૨૫મી ઑગસ્ટે ગેટવે ઓફ ઈન્ડિયા અને ઝવેરી બજાર તથા મુંબાદેવી મંદિર નજીક થયેલા ટ્વિન બૉમ્બ બ્લાસ્ટ (જેમાં ૫૪ લોકો માર્યા ગયા)ના આરોપીઓને શોધવામાં અને એમને સજા અપાવવામાં મોટો ભાગ ભજવ્યો. પણ આના કરતાં વધુ ગંભીર બીજી બે આતંકવાદી ઘટનાઓ મુંબઈમાં બની.

૨૦૦૬ની ૧૧મી જુલાઈએ અગિયાર મિનિટના અંતરે મુંબઈની સબર્બન ટ્રેનોમાં સાત બૉમ્બધડાકા થયા જેમાં ૨૦૯ જણનાં મોત થયાં. ૨૦૧૫માં આ કેસના આરોપીઓ ફૈઝલ શેખ, આસિફ ખાન, કમલ અન્સારી, એહતેશાન સિદ્દિકી અને નાવિદ ખાનને મકોકા કોર્ટે ફાંસીની સજા સંભળાવી. મકોકા એટલે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નામનો સખત કાનૂન. આવો જ કાનૂન ગુજકોકના નામે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે લાવવા માગતા હતા ત્યારે કેન્દ્રની સોનિયા – મનમોહન સિંહની સરકારે ‘તમે મુસ્લિમ વિરોધી કાનૂન લાવવા માગો છો’ એમ કહીને ગુજરાત સરકારના આ કામ આડે હજાર વિઘ્નો ઊભા કર્યાં હતાં.

૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે તાજ, ઑબેરોય – ટ્રાયડન્ટ, લિયોપોલ્ડ કાફે, સીએસટી, છાજડ હાઉસ, કામા હોસ્પિટલ પર હુમલો કરીને ૧૬૬ જણનાં જાન લેવામાં આવ્યા. નવ આતંકવાદી ઠાર મર્યા. દસમો અજમલ કસાબ જીવતો પકડાયો. ૨૦૧૨માં પૂનાની યરવડા જેલમાં એને લટકાવી દેવામાં આવ્યો. કસાબને ફાંસીથી બચાવવા માટે પણ ભારતમાં રહેતા કેટલાક પાકિસ્તાનપ્રેમીઓએ ભરપૂર પ્રયત્નો કર્યા હતા. યાકુબ મેમણને ફાંસી લાગી અને એની લાશ મુંબઈમાં દાટવા માટે લાવવામાં આવી ત્યારે જાણે કોઈ મોટો દેશભક્ત શહીદ થયો હોય એટલું મોટું જૂલુસ મુસલમાનોએ કાઢેલું અને સેક્યુલર ઈલેકટ્રોનિક મીડિયાએ યથાશક્તિ મુસ્લિમોના આક્રોશમાં પેટ્રોલ રેડવાનું કામ એ વખતે કરેલું.

અંડરવર્લ્ડની વાત કરતાં પહેલા આ આતંકવાદી ઘટનાઓ ટૂંકમાં બયાન કરવાનું કારણ એટલું જ કે ટેરરિસ્ટ્સ હોય કે અંડરવર્લ્ડના ગેન્ગસ્ટર – કોઈનેય સ્થાનિક સપોર્ટ વિના ચાલતું નથી હોતું. લોકલ પ્રજામાં એમના સિમ્પથાઈઝર્સ ન હોય તો એમનું કામ આગળ વધી શકે જ નહીં. જ્યારે જ્યારે કોઈ ટેરરિસ્ટ પકડાય છે કે કોઈ અંડરવર્લ્ડનો નાનો, મધ્યમ કે મોટો ગુંડો પકડાય છે ત્યારે એને મદદ કરનારા, એને આશરો આપનારા, એને છાવરનારાઓ પણ પકડાવાના જ છે. આવું થાય ત્યારે આ પકડાયેલા લોકોનો સમાજ કાગારોળ કરી મૂકે છે કે આમાં અમારો શું વાંક? જે ગેરકૃત્ય કર્યું તે તો બીજાઓએ કર્યું. કાનૂનની દૃષ્ટિએ, સમાજની દૃષ્ટિએ અને ભગવાનની દૃષ્ટિએ માત્ર શસ્ત્ર ચલાવનાર જ ગુનેગાર નથી હોતો, કોઈ શસ્ત્ર ચલાવી રહ્યું છે તે જોઈને આંખ-કાન બંધ કરી દેનાર પણ ગુનેગાર હોય છે. મુંબઈમાં અંડરવર્લ્ડ કેવી રીતે અને શું કામ ફૂલ્યુંફાલ્યું તેનાં કારણોમાં આ પાયાનું કારણ છે.

આજનો વિચાર

કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે,
કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે.
એને માટે સમયની ક્યાં પાબંદી છે?
કેટલાક ઘેરે પહોંચીને દાદ આપે.

– કિરણસિંહ ચૌહાણ

એક મિનિટ!

કોઈએ પૂછ્યું: ‘પાકિસ્તાન ન હોત તો શું આપણે દેશભક્ત હોત ખરા?’

એને સણસણતો જવાબ મળ્યો: ‘આપણે જો દેશભક્ત હોત ને તો આજે પાકિસ્તાનનું નામોનિશાન ન હોત…’

( મુંબઇ સમાચાર : શનિવાર, 15 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *