મુંબઈના અંડરવર્લ્ડે ‘ગોડફાધર’ કેમ ના આપી

ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, સુન્દરમ્ અને પન્નાલાલ પટેલ જેમ ગુજરાતી સાહિત્યના વીતી ગયેલા યુગનાં સોનેરી પાનાંઓ ગણાય એ જ રીતે કરીમ લાલા, વરદરાજન મુદ્લિયાર, હાજી મસ્તાન અને લલ્લુ જોગી મુંબઈ સહિતના ભારતના પશ્ર્ચિમ કાંઠાના અંડરવર્લ્ડના ઈતિહાસનાં પીળાં પડીને ખરી ગયેલાં પાનાં ગણાય.

૧૯૬૦ના દશક પહેલાં મુંબઈમાં ગુનાખોરીની દુનિયા નહોતી એવું નથી. ભારતની આઝાદી પછીના બે એક દાયકા દરમિયાન પણ મુંબઈમાં ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમની દુનિયા હતી. અંગ્રેજોના જમાનામાં હતી? મુંબઈનો ઈતિહાસ જાણનારા સંશોધકો એક આખું પુસ્તક અંગ્રેજોના જમાનામાં મુંબઈમાં થતી અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ વિશે લખી શકે એટલા મોટા પ્રમાણમાં તો નહીં જ હોય. કદાચ એકાદ ચેપ્ટર જેટલી હશે. અમેરિકાના ન્યૂ યોર્ક-શિકાગોમાં જેમ માથાભારે ઈટાલિયન માફિયાઓની મહામંદી પછીના જમાનામાં (૧૯૩૦ના દશક વખતે) જે બોલબાલા હતી એવું મુંબઈ જેવા શહેરમાં અડધી સદી પછી, ૧૯૭૦ના દશકમાં બન્યું.

ઉમાશંકર જોશી પછી જેમ રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત બક્ષી વગેરેની નવી પેઢી સાહિત્યમાં પ્રવેશી એ જ રીતે ૧૯૭૦ના દશકના અંતમાં મુંબઈના અંડરવર્લ્ડની કાળી કિતાબમાં નવાં નામો ઊભર્યા જેમાં દાઉદ ઈબ્રાહિમનું નામ સૌથી મોટા અક્ષરોમાં લખાવાનું હતું. પણ શહેરની ગુનાખોરીની દુનિયા જેમ દાઉદથી શરૂ નહોતી થઈ એમ એનાથી પૂરી પણ નહોતી થતી. દાઉદ ઈબ્રાહિમની સમાંતરે અરુણ ગવલી, બાબુ રેશિમ અને રામા નાયકનો ઉદય પણ થઈ રહ્યો હતો. ગલીના ગુંડા તરીકે કારકિર્દીની શરૂઆત કરનારાઓ આ સૌ અને એમના જેવા બીજા ઘણા ગૅન્ગસ્ટરો મુંબઈના અંડરવર્લ્ડ પર પોતાનું એક ચક્રી શાસન જમાવવાના સપનાં જોતા હતા. એ જમાનો અંડરવર્લ્ડ માટે પોલિટિશ્યન, પોલીસ અને પ્રેસને સાથે લઈને ચાલવાનો હતો. ક્રાઈમ કરનારાઓ માટે રાજકારણીઓનો સાથ હોવો અનિવાર્ય હતો. રાજકારણીઓના સાથ વિના પોલીસને આપેલા હપ્તાની કિંમત શૂન્ય બરાબર થઈ જતી. પ્રેસની

હાલત ક્રાઈમની દુનિયા માટે આજે જેવી છે એવી જ ત્યારે પણ હતી. પોલીસ, પોલિટિશ્યન અને અંડરવર્લ્ડવાળાઓ પોતાના પ્યાદા તરીકે પ્રેસનો ઉપયોગ કરતા અને પ્રેસ રિપોર્ટરો આ ત્રણેય દ્વારા જેટલું પીવડાવવામાં આવે એટલું જ પાણી પીતા.

દરેક પ્રેસવાળાને પોતપોતાના ફેવરિટ પોલીસવાળા, ફેવરિટ પોલિટિશ્યનો અને ફેવરિટ ગેન્ગસ્ટરો રહેતા. અને વાઈસે-વર્સા.

લેટ સેવન્ટીઝ અને અર્લી એઈટીઝનાં વર્ષો મુંબઈની ભૂગોળ માટેના નિર્ણયાત્મક ગાળો બનવાનો હતો. ખટાઉ મકનજી સ્પિનિંગ એન્ડ વીવિંગ કંપની લિમિટેડની ભાયખલા સ્થિત ૧૩ એકર જેટલી જમીન હજુ વેચાઈ નહોતી અને સુનીત ખટાઉની ધોળે દહાડે હત્યા થવાને હજુ અલમોસ્ટ એક દસકાની વાર હતી. સેન્ટ્રલમાં ભાયખલાથી શરૂ કરીને દાદર સુધીનો અને મહાલક્ષ્મીથી શરૂ કરીને એલ્ફિન્સ્ટન રોડ (સુન ટુ બી પ્રભાદેવી સ્ટેશન) સુધીનો મુંબઈની ભૂગોળનો પ્રદેશ ગિરણગાંવ (ગિરણી એટલે મરાઠીમાં મિલ) તરીકે ઓળખાતો. આ ગિરણગાંવની એક એક સ્ક્વેરફૂટ જમીન નવી સદીમાં એનિથિંગ બિટ્વીન વીસથી પંચોત્તેર હજાર રૂપિયાના ભાવે વેચાવાની હતી. સેવન્ટીઝ પહેલાંના મુંબઈમાં એકલદોકલ ક્રાઈમ સ્ટોરી છાપાંવાળાઓને અને છાપાંના વાચકોને ન્યાલ કરી દેતી. દાખલા તરીકે નાણાવટી ખૂન કેસ. દાખલા તરીકે સિરિયલ કિલર રામન રાઘવન.

૧૯૮૦થી અલમોસ્ટ વીસમી સદીના અંત સુધીના વીસ વર્ષ મુંબઈમાં ભાઈલોગોની સમાંતર સરકાર ચાલતી રહી. યુપી-બિહારના છોટામોટા ગુંડાઓ મુંબઈની ગૅન્ગસમાં કિસ્મત અજમાવવા આવી પહોંચ્યા. એ બે દસકા દરમિયાન મુંબઈમાં ક્રાઈમ વર્લ્ડ સિવાયનું બધું જ ડિઝઓર્ગેનાઈઝડ હતું. મહારાષ્ટ્રના, વિશેષત: મુંબઈના રાજકારણમાં કૉંગ્રેસના ભ્રષ્ટ નેતાઓની બોલબાલા. શિવસેનાની સ્થાપનાને દોઢેક દાયકો વીતી ચૂકેલો. ક્યારેક શાસક પક્ષ શિવસેનાનો ઉપયોગ કરતો તો ક્યારેક શિવસેના શાસક પક્ષનો. બેઉ પક્ષના રાજકારણીઓ છૂટથી પોલીસ અને અંડરવર્લ્ડનો સાથ લેતા, એમને દાબમાં રાખતા અને ક્યારેક એમના બ્લેકમેઈલિંગને શરણે જતાં. પ્રેસમાં આ બધું રિપોર્ટ થતું પણ તે સિલેક્ટિવ ધોરણે.

ઘણી વખત વિચાર આવે કે મુંબઈ પાસે અંડરવર્લ્ડનો આ બે દાયકાનો ‘સમૃદ્ધ’ ભૂતકાળ હોવા છતાં આપણી પાસે કેમ ન તો મારિયો પૂઝોએ લખી એવી ‘ગૉડફાધર’ જેવી નવલકથા છે, ન એના પરથી ફ્રાન્સિસ ફોર્ડ કોપોલાએ એ જ નામની બનાવેલી ફિલ્મો છે.

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એ બે દાયકા દરમિયાન મુંબઈના અંડરવર્લ્ડના ક્યારેક છાંટા પડતા તો ક્યારેક એવા પૂર ઉમટતા જેમાં પ્રતિષ્ઠિત ડાયમંડ મર્ચન્ટ અને સુપરસ્ટાર/ સ્ટારિણીઓ સહિતના લોકો તણાઈ જતાં. હિંદી ફિલ્મોમાં અત્યાર સુધીમાં અનેક ફિલ્મોએ મુંબઈના અંડરવર્લ્ડને આવરી લેવાની કોશિશ કરી જેમાંથી અડધોએક ડઝન ફિલ્મો ખરેખર સારી આવી. પણ નથિંગ કમ્પેર્ડ ટુ ‘ગોડફાધર’.

આવું શું કામ હશે? કદાચ એટલે કે ન્યૂ યોર્ક, શિકાગો કે ઓવરઓલ અમેરિકન અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ જે રીતે ત્યાંના સામાન્ય પ્રજાજનોને સ્પર્શતી હતી તે રીતે મુંબઈના અંડરવર્લ્ડની એક્ટિવિટીઝ શહેરના સામાન્ય નાગરિકોને સ્પર્શતી નહોતી. મુંબઈનો મિડલ ક્લાસ ક્યારેય અંડરવર્લ્ડના ડૉન પાસે ‘ન્યાય’ માગવા ગયો નથી કે અંડરવર્લ્ડે પણ ક્યારેય આ મધ્યમ વર્ગને પોતાના પ્રભાવ હેઠળ લાવવાની કોશિશ કરી નહીં. બહુ બહુ તો ગણેશોત્સવ કે જન્માષ્ટમી, નવરાત્રિ જેવા તહેવારોમાં અંડરવર્લ્ડની ગૅન્ગમાં જેમનો પટાવાળા તરીકેનો દરજ્જો હોય એવા લોકો કૉલરમાં રૂમાલ ખોસીને ‘વર્ગણી’ ઉઘરાવી જતા એટલું જ. એટલું ન્યુસન્સ તો કોઈપણ સોસાયટીમાં રહેવાનું. (આપણે પણ યંગ એજમાં બેસતા વરસે વડીલોને પગે લાગીને ‘ખંડણી’ ઉઘરાવતા જ હતા ને!)

મુંબઈના અપર ક્લાસના કેટલાક લોકો (કેટલાક) પોતાના ધંધાના વિકાસાર્થે અંડરવર્લ્ડના ચાર્મનો ઉપયોગ કરતાં – જમીન ખાલી કરાવવા, હવાલા માટે કે પછી આપસની ઉઘરાણીની ડિસ્પ્યુટ માટે. સામી તરફ તદ્દન ગરીબી કે અભાવમાં જીવતા લોકોમાંના કેટલાક (કેટલાક) પોતાની આર્થિક બેહાલી દૂર કરવા અંડરવર્લ્ડના ડૉન પાસે જઈને ધા નાખતા. મુંબઈની એંસી ટકા મિડલ ક્લાસી પ્રજાને આ અંડરવર્લ્ડની ન તો જરૂર પડતી, ન એની પ્રવૃત્તિઓની કોઈ અસર થતી. મુંબઈના આ મિડલ ક્લાસ માટે છાપાં-મેગેઝિનો દ્વારા જાણવા મળતી શહેરની અંધારી આલમની પ્રવૃત્તિઓની કથાઓ એક ફેન્ટસી સમાન રહેતી, પરીકથા જેવી રહેતી – જેને પોતાની વાસ્તવિક જિંદગી સાથે કોઈ લેવા દેવા નહોતી.

આમ છતાં અંડરવર્લ્ડની એ બધી જ વાતો, એ બધા જ કિસ્સા, એ બધા કારનામાં હકીકત હતા, વાસ્તવિક હતાં. કેવી કેવી ઘટના-દુર્ઘટનાઓમાંથી પસાર થયું આ શહેર અને કેવી રીતે આઈ ફોર આઈના સિદ્ધાંતથી થયેલાં ડઝનબંધ એન્કાઉન્ટર્સ બાદ આ શહેરમાં શાંતિ સ્થપાઈ એનું એક ફેસિનેટિંગ ટ્રેલર દેખાડવું છે. લંબાણથી વાત કરવા બેસીએ તો નવ દિવસની કથા બેસાડવી પડે. આપણે બે જ દિવસમાં વાત પૂરી કરીશું.

આજનો વિચાર

ઓપન ચેલેન્જ: એક પણ કૉન્ગ્રેસી બોલીને બતાવે કે મારો દીકરો મોટો થઈને રાહુલ ગાંધી જેવો બને એવું હું ઈચ્છું છું.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

ડેન્ટિસ્ટ: ત્રણ દાંત કેમ તૂટી ગયા?

બકો: પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી.

ડેન્ટિસ્ટ: ના પાડી દેવાય ને…

બકો: તો બત્રીસે બત્રીસ તૂટી જાત…

( મુંબઇ સમાચાર : શુક્રવાર, 14 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *