આઈ ફૉર આઈ: રેડ સિગ્નલ, ગ્રીન સિગ્નલ

ઈઝરાયલ જઈને પીએમ મોદીજીએ એક નવું સૂત્ર કોઈન કર્યું: ‘આઈ ફૉર આઈ’-ઈન્ડિયા ફૉર ઈઝરાયલ અને ઈઝરાયલ ફૉર ઈન્ડિયા, પણ આમ તો આ જૂનું સૂત્ર છે. આઈ ફૉર ઈન્ડિયા અને આઈ ફૉર ઈઝરાયલ એ તો કહેવા ખાતર કહેવાનું છે. બાકી આઈ (ઈ.વાય.ઈ.) ફૉર ઍન આય (ઈ.વાય.ઈ.) એ જ કહેવું હતું મોદીજીએ પણ પીએમ તરીકે પોલિટિકલી કર્રેક્ટ રહેવું પડે એટલે જરા ટ્વિસ્ટ આપ્યો.

ઈઝરાયલ તો માને જ છે કે આંખના બદલામાં આંખ અને જાનના બદલામાં જાન. બે ડઝન અરબ દેશોથી ઘેરાયેલા ટચુકડા ઈઝરાયલને અમેરિકાની તનમનધનથી મદદ મળે છે એટલે એ ઈસ્લામ દેશોના આક્રમણખોર સ્વભાવનો મુકાબલો કરી શકે છે એવું કહેવું ગલત તો નહીં, પણ ઑવર સ્ટેટમેન્ટ જરૂર છે. ઈઝરાયલીઓમાં પોતાનામાં જો જોર ન હોય તો અમેરિકા તો શું અમેરિકાનો બાપ પણ એને ટકાવી શકે નહીં. ૧૯૭૨ની મ્યુનિક ઑલિમ્પિક્સ યાદ છે? ન યાદ હોય તો સ્ટીવન સ્પીલબર્ગની ‘મ્યુનિક’ નામની ડૉક્યુમૂવી જોઈ લેજો. ઈઝરાયલની ઑલિમ્પિક ટીમના ખેલાડીઓને આરબ આતંકવાદીઓએ બાનમાં લઈને મારી નાખ્યા એ પછી ઈઝરાયલની જાસૂસી સંસ્થા ‘મોસાદ’એ આ આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કર્યા. આ માટે એમણે પોતાના દેશના અને આંતરરાષ્ટ્રીય કાનૂનોનો ભંગ કરવો પડ્યો હતો. કરવો જ પડે. ગુનેગારો રેડ સિગ્નલ પર ગાડી રોક્યા વિના આગળ વધી જતા હોય ત્યારે પોલીસે પણ સિગ્નલ તોડવાનો ગુનો કરવો પડે એવો કોઈ ડાયલોગ હિંદી ફિલ્મમાં આવે છે. થપ્પડનો બદલો હંમેશાં થપ્પડથી જ લેવાય. બીજો ગાલ ધરવાની સ્ત્રૈણ વાતો ધરમના દેખાડા પૂરતી જ સીમિત રાખવાની હોય તે બધા સમજે છે. ખૂનનો બદલો ખૂનથી લેવા માટે હિંમત કરતાં વધારે દાનતની જરૂર હોય છે. તમે જો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને અત્યાચાર સહન કરતા રહો તો જુલમીઓ તમને વધારે દબડાવશે એ આપણે સઘળી જગ્યાએ જોયું છે. પંજાબમાં ખાલિસ્તાનની ચળવળ ચાલતી હતી, પંજાબમાંથી ખાલિસ્તાનને જુદું કરવાની માગ ઊઠી હતી એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. આજની, ટ્વેન્ટિઝમાં કે થર્ટીઝમાં હોય એવી, યુવાન પેઢીને મન તો આ ઈતિહાસનું એક પાનું બની ગયેલી ઘટના છે. જ્યારે ફોર્ટિઝ પ્લસના ભારતીયોએ તો ૮૦ના દાયકામાં રોજ છાપાઓમાં પંજાબમાં ફેલાયેલા આતંકવાદી ઘટનાઓના સમાચાર વાંચ્યા છે. જુલિયો રીબેરો અને કે.પી.એસ. ગિલ જેવા જાંબાઝ પુલિસ અફસરોએ ઍન આઈ ફૉર ઍન આઈના સિદ્ધાંતથી કામ લેવાનું શરૂ કર્યું એ પછી જ ક્રમશ: ખાલિસ્તાનવાદી આતંકવાદીઓની કમર તૂટતી ગઈ. આજની તારીખે પંજાબનો આતંકવાદ સદીઓ પહેલાંની કોઈ વાત લાગે છે.

પંજાબમાં આતંકવાદીઓની તરફદારી કરવા માટે માનવ અધિકાર સંગઠનો કૂદી પડતા. પોલીસો પર કોર્ટમાં કેસ કરતા, પોલીસનું મોરાલ તોડવા આ હ્યુમન રાઈટ્સવાળાઓએ પંજાબમાં શું શું નથી કર્યું. કાશ્મીરમાં લશ્કરે પથ્થરમારાથી બચવા માટે તોફાનીઓમાંના જ એકને પોતાની જીપ આગળ બાંધી દીધો અને પોતે સહીસલામત નીકળી ગયા. આ બરાબર જ કર્યું હતું. પેલાને જીપ આગળ બાંધ્યો ન હોત તો પેલાના સાથીઓએ પથ્થરમારો કરીને જીપમાંના લશ્કરવાળાને સહીસલામત પાછા પહોંચવા દીધા હોત? કાશ્મીર રાજ્યના હ્યુમન રાઈટ્સ કમિશને પેલાને દસ લાખ રૂપિયાનું વળતર આપવાની રાજ્ય સરકાર પાસે માગણી કરી છે!

આતંકવાદ હો યા કોઈ પણ ગુનાખોરીનો મામલો હો સૂકા ભેગું લીલું બળવાનુું જ હોય. તોફાનીઓ પર લાઠીચાર્જ થાય કે પોલીસ ગોળીબાર થાય ત્યારે તોફાન જોવા માટે ભેગી થયેલી ભીડમાંનો કોઈ નવાણિયો કૂટાઈ પણ જાય. શું થાય? તમાશો જોવાનો શોખ રહેવા દઈને ઘરે બેસવું હતું ને. આજકાલ મીડિયાવાળા એક કાશ્મીરી છોકરીનો ગોગલ્સ પહેરેલો ફોટો બહુ ફેરવે છે. તોફાનો સમયે પોલીસની રબરની ઝીણી બુલેટ્સથી એની આંખો ગઈ. મીડિયા કહે છે એ નિર્દોષ છે. હશે. પણ પોલીસે કંઈ એના ઘરમાં આવીને પેલેટ્સ છોડીને એને આંધળી નથી કરી. તોફાનીઓમાં એ પણ ભળી હશે, એણે પણ ચાર પથ્થર ઊઠાવીને આર્મી સામે ફેંક્યા હશે, તો આવી ગઈ અડફટે. શું થાય?

કોઈ પણ ઝેરનું મારણ ઝેર જ હોય. દૂષણની સામે દૂષણ જ હથિયાર તરીકે કામ લાગે. છેલ્લાં દસ વર્ષમાં મુંબઈમાં એકલદોકલ ઘટનાઓ સિવાય અંડરવર્લ્ડ દ્વારા થતી પ્રવૃત્તિઓ વિશે ક્યાંય સાંભળ્યું કે વાંચ્યું છે તમે? ના. શું કામ? કારણ કે નાઈન્ટીઝના દાયકામાં મુંબઈ પોલીસના વિખ્યાત એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટોને છૂટો દોર આપવામાં આવ્યો હતો. જે ખૂંખાર ગુનેગારો પકડાઈને તરત જ જામીન પર છૂટી જતા એમને કોર્ટની છટકબારીનો લાભ આપ્યા વિના પોલીસ જાતે જ એમનો ન્યાય તોળતી. પાપડી ભેગી ઈયળો પણ બફાઈ જતી આમાં. થવાનું જ એ તો, પણ સિત્તેરનાં દાયકાથી શરૂ થયેલી અને એંશીના દાયકામાં ફ્ૂલીફાલીને દુબઈ હોન્ગકોન્ગ સુધી પહોંચી ગયેલી મુંબઈના અંડરવર્લ્ડ ડૉન્સની પ્રવૃત્તિઓની ગંદકી સાફ કરવામાં આ ઍન્કાઉન્ટરોએ ઘણો મોટો ભાગ ભજવ્યો.

કાનૂન કાનૂનની જગ્યાએ છે. લોકતંત્રમાં લોકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કૉર્પોરેશન, વિધાનસભા કે સંસદમાં બેસનારા પ્રતિનિધિઓનો આદર જરૂર હોય. પોલીસ તંત્ર અને ન્યાયતંત્રનો પણ આદર હોય અને મીડિયાની અનિવાર્યતા વિશે પણ લિપ સર્વિસ આપવાની જ હોય, પણ વાત જ્યારે ગ્રાસ રૂટ લેવલે આવી પહોંચે છે, વાત જ્યારે રેડ સિગ્નલ તોડીને દોડી જતા ગુનેગારોની આવે છે ત્યારે તમારે પણ સિગ્નલ ગ્રીન થાય ત્યાં સુધી રાહ જોવાની ન હોય એવું મુંબઈના અંડરવર્લ્ડના ઈતિહાસે આપણને શીખવાડ્યું છે.

આજનો વિચાર

કોઈ પણ વ્યક્તિએ જી.એસ.ટી.ના નિયમ અને ફાયદા બાબત મેસેજ કરવા નહીં. કાયદા-ફાયદા અને નિયમ અમે બધા સમજી લીધા છે.

પણ…

જો કોઈ છટકબારી ધ્યાનમાં આવે તો તરત મેસેજ કરવા વિનંતી.

– હુકમથી.

– વૉટ્સઍપ પર વાંચેલું

એક મિનિટ!

બકાના શુભચિંતકે બકાને સલાહ આપી કે વાઈફ સાથે બોલાચાલી થઈ જાય તો દલીલો નહીં કરવાની, હસીને વાત વાળી લેવાની.

બકાએ ટ્રાય કરી જોઈ.

તો વાઈફ વેલણ લઈને બોલી:

‘બહુ ચરબી ચડી ગઈ છે આજકાલ. વાતવાતમાં હસવું આવે છે. લાગે છે આજે તો આ હસવાનું ભૂત ઉતારવું જ પડવાનું.’

( મુંબઇ સમાચાર : ગુરુવાર, 13 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *