રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર

જમાનામાં ગૂગલ તો હતું નહીં. વધારાની માહિતીનો એકમાત્ર સ્રોત નૉલેજેબલ માણસો રહેતા. રમેશ જાદવ પત્રકારત્વમાં એવા એક ગુરુ હતા જેમના હાથ નીચે અનેક શીખાઉ પત્રકારો ઘડાયા. હું એમાંનો એક.

એ જમાનો એટલે આજથી અલમોસ્ટ 40 વર્ષ પહેલાંનો જમાનો. 1979ની સાલ. મુંબઈમાં તે વખતે ગુજરાતીમાં બે જ મુખ્ય મૉર્નિંગર – `મુંબઈ સમાચાર’ અને `જનશક્તિ’.

`મુંબઈ સમાચાર’નું પ્રેસ અત્યારે છે ત્યાં જ – હૉર્નિમન સર્કલ પર. અને `જનશક્તિ’ ત્યાંથી બે મિનિટના અંતરે આવેલા શેરબજાર પાસે – દલાલ સ્ટ્રીટના નાકે. `ફ્રી પ્રેસ જર્નલ’ ગ્રુપ `જનશક્તિ’ છાપે. સાંજે અંગ્રેજી ટૅબ્લોઇડ `બુલેટિન’ પણ છાપે. ફ્રી પ્રેસ ગૃપમાં આર. કે. લક્ષ્મણ અને બાળ ઠાકરે જેવા કાર્ટૂનિસ્ટો એક જમાનામાં કામ કરતા. માધવ પી. કામથ અને બહેરામ કોન્ટ્રાક્ટરે (બિઝી બી) પણ ફ્રી પ્રેસથી કરિઅર શરૂ કરી હતી.

`જનશક્તિ’ તે વખતે હરીન્દ્ર દવેના તંત્રીપદે પ્રગટ થાય. હસમુખ ગાંધી આસિસ્ટન્ટ એડિટર. કવિ ચંદ્રકાંત શાહ (મિત્રો માટે ચંદુ – તારક મહેતાના જમાઈ) અને હું વિલે પાર્લે કેળવણી મંડળની હૉસ્ટેલની સામસામી રૂમમાં રહીએ અને રોજ સવારે ભાગીદારીમાં વાંચવા `જનશક્તિ’ બંધાવેલું. હસમુખ ગાંધીની કલમના ત્યારથી અમે વ્યસની.

એક દિવસ ફ્રી પ્રેસની ઑફિસમાં આગ લાગી. જનશક્તિ બંધ પડી ગયું. ફ્રી પ્રેસ પાસે તે વખતે નરિમાન પોઇન્ટની જગ્યા આવી ગયેલી. થોડા મહિનામાં સવારનું અંગ્રેજી `ફ્રી પ્રેસ જર્નલ’ અને સાંજનું `બુલેટિન’ શરૂ થઈ ગયાં પણ ગુજરાતી મૉર્નિંગર `જનશક્તિ’ રિવાઇવ નથી કરવું એવો નિર્ણય લેવાયો. એ વખતે, 1979ની ગણેશ ચતુર્થીથી `જન્મભૂમિ’ ગૃપે રવિવારના `જન્મભૂમિ પ્રવાસી’ને સાપ્તાહિકમાંથી સાતેય દિવસનું દૈનિક બનાવવાનો નિર્ણય લીધો. `જનશક્તિ’ની આખેઆખી ટીમ લૉક સ્ટૉક એન્ડ બેરલ `પ્રવાસી’માં જોડાઈ ગઈ. તંત્રી હરીન્દ્ર દવે. મદદનીશ તંત્રી હસમુખ ગાંધી, ન્યુઝ અડિટર રમેશ જાદવ, ચીફ રિપોર્ટર મકરંદ શુક્લ. પ્રથમ અંકથી જ હું `પ્રવાસી’નો વાચક. હું તે વખતે `ગ્રંથ’ અને `પરિચય પુસ્તિકા’ પ્રગટ કરતા પરિચય ટ્રસ્ટમાં તંત્રી યશવંત દોશીના હાથ નીચે કામ કરું. અલમોસ્ટ વરસ પૂરું થવા આવ્યું હશે. એક પત્રકારમિત્રના કહેવાથી નવા શરૂ થયેલા `પ્રવાસી’માં નોકરી માટે અરજી આપી. મુખ્ય આકર્ષણ બે : એક તો, ત્યાં હસમુખ ગાંધી હતા અને બીજું પરિચય ટ્રસ્ટમાં માસિક રૂ. 350ની સામે `પ્રવાસી’માં સીધો બમણો પગાર – રૂ. 695.

હરીન્દ્ર દવેના કહેવાથી રમેશ જાદવે મારી ટેસ્ટ લીધી. અંગ્રેજીમાંથી અનુવાદ કરતાં આવડે છે કે નહીં તે તપાસવા. પહેલી જ આયટમમાં લોચો. એક જગ્યાએ `ફોરેન એક્સચેન્જ’ શબ્દો આવે. હવે ફોરેન એક્સચેન્જ એટલે ડૉલર, પાઉન્ડ, યેન વગેરે એવી ખબર પણ એનું ગુજરાતી પરદેશી ચલણ ના થાય પણ `વિદેશી હૂંડિયામણ’ થાય એવું રમેશ જાદવે શીખવાડ્યું. બીજી બે ત્રણ ન્યૂઝ આયટમોમાં વાંધો ન આવ્યો. છાપું આમેય નવું હતું અને માણસોની જરૂર હતી. તરત જ નોકરી મળી ગઈ. એક મહિના સુધી સવારના દસથી ચાર પરિચય ટ્રસ્ટ અને સાંજે સાડા ચારથી સાડા બાર `પ્રવાસી’ એમ ડબલ નોકરી કરી પછી પરિચય ટ્રસ્ટ છોડી દીધું.

ચાર વાગ્યાની સેકન્ડ શિફ્ટથી કામકાજ શરૂ થાય. મોટા ન્યૂઝ રૂમમાં વચ્ચોવચ્ચ રમેશ જાદવની ડેસ્ક. પીટીઆઈ, યુએનઆઈ અને દિલ્હી બ્યૂરોથી જે કંઈ સમાચારના તાર ઊતરે તે બધા રમેશભાઈની ડેસ્ક પર ઢગલો થાય. ન્યૂઝ એડિટર તરીકે આ સતત ઊતરતા રહેતા સમાચારોને ચાળવાનું, તારવવાનું અને ગોઠવવાનું ભગીરથ કામ રમેશભાઈનું. એમની સહાયમાં બે સિનિયર સબ એડિટર્સ અને એ પછી કેટલાય સબ એડિટર્સ જેમાં હું તદ્દન નવોસવો શીખાઉ.

ડિક્શનરી તો હોય પણ ઘણી વાર ફોરેન એક્સચેન્જ જેવું થાય ત્યારે સાડા સાત વાગ્યે `લંચ ટાઇમ’માં રમેશ જાદવ આગળપાછળનો હિસાબ સમજાવીને પ્રોપર કૉન્ટેક્સ્ટ સાથે અમને રેફરન્સીસ આપીને એ શબ્દ કે એ ટર્મ મગજમાં એવી ઘુસાડી દે કે જિંદગીભર યાદ રહી જાય. વખત જતાં અમે એમને આ માટે બિરદાવીએ તો એ પોતાના પૂર્વસૂરિઓને યાદ કરીને કહેતા કે અમે તો એવા દિગ્ગજોના હાથ નીચે કામ કરી ચૂક્યા છીએ કે એકાદ શબ્દ માટે મૂંઝવણ હોય અને પૂછવા જઈએ તો અડધો કલાક સુધી સમજાવે અને આખો એન્સાઇક્લોપીડિયા ઠાલવી દે.

આજે સમાચાર મળ્યા કે ગયા અઠવાડિએ, શુક્રવારે રાત્રે રમેશ જાદવ 73 વર્ષની ઉંમરે અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં ગુજરી ગયા. છેલ્લા દોઢબે દાયકાથી તેઓ ત્યાં સ્થાયી થયા હતા. એમના 3 દીકરા અમેરિકામાં જ છે. ઈન્ડિયા અવારનાવર આવતા. અમદાવાદનિવાસના છેલ્લા મહિનાઓમાં આવ્યા ત્યારે ઘરે નિરાંતે મળવા આવ્યા હતા. એ પછી એકાદ વખત મળ્યા. પછી ઈમેઇલ પર થોડોઘણો સંપર્ક. પણ પત્રકાર તરીકેના મારા ઘડતર કામમાં મારો પાયો જેમણે મજબૂત કર્યો એ રમેશ જાદવને મેં આ ચારેક દાયકામાં અવારનવાર મારા મિત્રો સાથે, મારા કુટુંબીજનો સાથે અને મારા વાચકમિત્રો સાથે યાદ કર્યા છે. રમેશભાઈ મલાડમાં રહેતા, મકરંદ શુક્લ પણ ત્યાં જ રહેતા. મારો મોટો ભાઈ પણ અમેરિકા જતા પહેલા ત્યાં જ રહેતો. રમેશભાઈ અને મકરંદભાઈ તે વખતે મારા કરતાં મારા ભાઈની વધુ નજીક આવેલા.

દોઢ વરસ સુધી મેં રમેશ જાદવને ન્યૂઝ એડિટર તરીકે કામ કરતા જોયેલા. મહિને એક વાર અમારે અઠવાડિયું નાઇટ શિફ્ટ કરવાની આવે. જે રાતના સાડા સાતથી શરૂ થાય અને એક વાગ્યે પૂરી થાય. પણ જો એક વાગ્યે ફોર્ટની ઘોઘા સ્ટ્રીટની ઑફિસેથી નીકળીએ તો ચર્ચગેટ પહોંચતા સુધીમાં રાતની છેલ્લી ટ્રેન ઉપડી ગઈ હોય. એટલે રમેશભાઈ છૂટ આપે અને પોણો વાગ્યે જવા દે. ઘણી વખત એમને પોતાને નીકળવાનું મોડું થઈ જાય તો ટેક્સીમાં એમની સાથે ચર્ચગેટ લઈ જાય અને ક્યારેક ટેક્સી ચર્ચગેટ પહોંચે ત્યાં જ છેલ્લી ટ્રેન ઉપડી જતી દેખાય તો ટેક્સી મારમાર દોડાવીને મરીન લાઈન્સ અને છેવટે કંઈ નહીં તો ચર્ની રોડ સુધી લઈ જાય અને દોડીને પુલ ચડીને ટ્રેન પકડીએ.

જર્નલિઝમના બે મોટા પાઠ રમેશ જાદવે શીખવ્યા. એક કિસ્સો `સૈફ’ પાલનપુરીને લગતો છે. હા, એ મહાન શાયર `પ્રવાસી’ના સિનિયર સબએડિટર તરીકે કામ કરતા અને અમને જુનિયરોને બહુ લાડકોડ કરતા.

બીજો એક કિસ્સો જનાર્દન ઠાકુર જે કુલદીપ નાયરની જેમ ઈમર્જન્સી વખતે પોતાનાં નિર્ભીક લખાણોને લીધે બહુ જાણીતા થયેલા તેમની વીકલી કૉલમને લગતો છે. રમેશ જાદવને અંજલિ આપવા માટે આ બે ફૂલ મારી પાસે છે જેને આવતી કાલે એમની સ્મૃતિગંગામાં વહાવીને તર્પણ કરીશું.

આજનો વિચાર

હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ;
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

– ખલીલ ધનતેજવી

( મંગળવાર, 11 જુલાઇ 2017)

1 comment for “રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર

 1. મનસુખલાલ ગાંધી
  July 12, 2017 at 11:07 AM

  બહુ સરસ પરિચય આપ્યો છે.

  પ્રભુ સદગતના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

  મનસુખલાલ ગાંધી
  Los Angeles, CA
  U.S.A.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *