સમાન હક્ક લીધા પછી સમાન અન્યાયોમાં પણ ભાગ પડાવવાના છો તમે?

સામાજિક સમાનતા એટલે શું? સ્ત્રીઓ, દલિતો, ગરીબીની રેખા નીચે જીવનારાઓ, લઘુમતિ કોમના સભ્યો, વનબંધુઓ (અર્થાત્ આદિવાસીઓ), મજૂરો, ગ્રામીણજનો, વિદ્યાર્થીઓ, વિકલાંગો- પ્રેકિ્ટકલી સમાજના દરેક સ્તરના લોકોની માગણી હોય છે કે અમને સમાન હક્ક આપો. આ માગણી બિલકુલ ખોટી નથી. દરેક વ્યક્તિને સરખા હક્ક મળવા જ જોઈએ. સવાલ એ છે કે શું હક્કની જેમ સૌને પોતપોતાના ભાગે આવતાં દુખદર્દો પણ ન મળવા જોઈએ?

આ દુનિયા અત્યંત કમીની છે, દુનિયાના વ્યવહારો અનફેર છે- કુદરત વારંવાર અન્યાયોનો વરસાદ વરસાવતી હોય છે. દેશ કે દુનિયાના કોઈ એક પ્રદેશમાં ભરપૂર પાક થાય તો સામી બાજુએ બીજા કોઈ પ્રદેશમાં સતત દુકાળની પરિસ્થિતિ રહે. દુનિયાના નિયમો પણ કુદરતના નિયમો જેવા જ છે- ભારોભાર ગેરવાજબી. તમે ખૂબ કામ કરો પણ જશ કોઈક ત્રીજી જ વ્યક્તિ લઈ જાય. તમારો સ્વભાવ અત્યંત ભલો હોય અને સૌથી વધારે માર તમને જ પડે.

કોઈ જ્યારે સમાન હક્કની માગણી કરે છે ત્યારે એને પૂછવું પડે કે ચાલો, તમને સમાન હક્ક આપી દીધા. હવે તમારા ભાગે આવતા દુનિયાના આ અન્યાયો પણ ભોગવવાની તૈયારી છે તમારી?

એ ના પાડશે. એને માત્ર હક્ક જાઈએ છે-સમાન. એની સાથે આવતી આ અનફેરનેસનો હિસ્સો નથી જોઈતો. દુનિયાના વહેવારો જે અન્યાયો કરે છે કે કુદરત જ્યારે રૂઠે છે ત્યારે કોણ બ્રાહ્મણ છે અને કોણ દલિત તે નથી જોતી. સ્ત્રીપુુરુષ વચ્ચે પણ ભેદ નથી રખાતા. ગરીબ વિધવાનો જુવાનબોધ દીકરો ગુજરી જાય તેમ શ્રીમંત પિતાનો તમામ કારોબાર સંભાળી લેતો યુવાન દીકરો પણ ગુજરી જતો હોય છે. વિધવા માની જેમ શ્રીમંત પિતા પર પણ આભ તૂટી પડતું હોય છે. બેઉને પોતપોતાની લાચારીઓ હોવાની. સમાન હક્ક, સમાન તકની માગણી કરનારાઓ એક સૌથી મહત્ત્વની વાત

ભૂલી જતા હોય છે કે આ અનફેર દુનિયાના નવ્વાણું ટકા અન્યાયો કોઈ દલિત છે, સ્ત્રી છે, લઘુમતિ છે એટલે નથી થતા-એ માણસ છે, આ દુનિયાના સામાજિક વાતાવરણમાં જીવે છે અને બીજી વ્યક્તિ સાથેની દોડમાં એ આગળ ધસી જવા માગે છે એટલે થાય છે.

સાસુ દ્વારા વહુને અન્યાય થયો એવું આપણે પરાપૂર્વથી સાંભળતાં આવ્યા છીએ. હકીકતમાં એ બે સ્ત્રીઓ વચ્ચેનો પાવરપ્લે છે. એક જ કુટુંબમાં સાથે રહેતી, એક રસોડે જમતી બે સગી બહેનો કે બે જિગરજાન બહેનપણીઓ વચ્ચે પણ સાસુવહુ જેટલા જ વરવા ઝઘડા થઈ શકે છે કે પછી પિતાપુત્ર વચ્ચેના વિસંવાદો. જનરેશન ગૅપ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બે પેઢી વચ્ચેનું અંતર. હકીકત એ છે કે ઉંમરનું એટલું જ અંતર ધરાવતા કેટલાય વડીલોને પોતાના યુવાન મિત્રો સાથે ખૂબ સુમેળભર્યા સંબંધો હોઈ શકે છે. પિતાપુત્ર એક જ છત નીચે રહેતા હોવાથી કોણ વધુ શક્તિશાળી, ઘરમાં કોનું ઉપજેની જીદને કારણે ઝઘડી પડતા હોય છે. બે દિલોજાન મિત્રો એક ઘરમાં રહીને એક રસોડે જમતાં થઈ જાય તો તેઓ પણ સગા ભાઈઓ જેટલું જ ઝઘડતા થઈ જવાના.

અન્યાય થવાનો જ અથવા અન્યાય થઈ રહ્યો છે એવી લાગણી સતત રહેવાની. એ અન્યાયનો મજબૂતીથી સામનો કરવાને બદલે કે સમાધાનનો કોઈ વચગાળાનો માર્ગ કાઢવાને બદલે હું મારી પરિસ્થિતિનો, મારા સંજોગોનો વાંક કાઢીને મારા માથે હાથ દઈને બેસી રહું અથવા ‘જલા દો, જલા દો, એ દુનિયા’ના નારા લગાડીને આક્રોશ ઠાલવતો રહું તો ક્યાંથી કોઈ મારું કલ્યાણ કરી શકવાનું છે?

આજનો વિચાર

કોણ સાચું છે એ જોવાનું નથી, શું સાચું છે એ અગત્યનું છે.

– થોમસ હક્સલી

એક મિનિટ

બકો ઊતરેલી કઢી જેવું મોં લઈને સાંજે ઘેર પાછો આવ્યો. પત્નીએ પૂછયું શું થયું.

બકો: આજે શોર્ટ સરકીટથી કારખાનામાં બધા મજૂરો મરી ગયા… હું બહાર માવો ખાવા ગયો હતો એટલે બચી ગયો.

પત્ની: પાડ માનો ભગવાનનો.

બકો: કારખાનાના માલિકે માર્યા ગયેલા દરેક મજૂરના પરિવારને ૫૦-૫૦ લાખ આપવાનું નક્કી કર્યું છે.

પત્ની: વર્ષોથી તમને કહું છું કે આ માવો ખાવાની ટેવ છોડો પણ મારું સાંભળે છે કોણ?

( મુંબઇ સમાચાર : સોમવાર, 10 જુલાઇ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *